પોશીનામાં રક્ષાબંધનના દિવસે બજારો બંધ રાખવાનો નિર્ણય
- કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે
- પોલીસ અને વેપારીઓએ બેઠક યોજીને નિર્ણય કર્યો : લોકો તહેવારોમાં ખરીદી માટે ઉમટશે
ખેડબ્રહ્મા, તા. 28 જુલાઈ, 2020, મંગળવાર
પોશીના ખાતે આગામી
દિવસોમાં રક્ષાબંધનનું પવિત્ર પર્વ આવી રહ્યું છે ત્યારે આ સમયે આજુ બાજુના
ગામડામાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ઉમટી પડે છે. જેથી તેની અગમચેતીરૂપે
કોરોના વાયરસના કારણે તે દિવસે બજાર બંધ રાખવાનો નિર્ણય વેપારીઓ અને અધિકારીઓ
દ્વારા લેવામાં આવ્યો છે. પોશીના તાલુકો આદિવાસી તાલુકો છે અને આ વિસ્તારમાં
ધાર્મિક તહેવારોનો વધુ મહિમા છે ત્યારે આગામી દિવસોમાં રક્ષાબંધનનું પવિત્ર પર્વ
આવી રહ્યું છે અને એક બાજુ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. જેથી પોશીના
મામલતદાર એસ.સી. ગોતીયા, પી.એસ.આઇ.
આર.જે. ચૌહાણ, પોશીના ગ્રામ પંચાયત તલાટી હેમંતભાઇ જોષી તેમજ
પોશીના અગ્રણી વેપારીઓ દ્વારા એક મીટીંગ સેવાસદન ખાતે રાખવામાં આવી હતી અને કોરોના
વાયરસની મહામારી હાલમાં ચાલી રહી છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે ગામડામાંથી પ્રજા
ઉમટી પડે છે અને ખરીદી કરતી હોય છે ત્યારે આ દિવસે બજાર સંપૂર્ણ બંધ રાખવા માટે
નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી પોશીના ખાતે રક્ષાબંધનના પર્વ દિવસે એક દિવસ માટે
ધંધા રોજગારો સ્વયં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.