નમસ્કાર મંડળીના બોગસ ધિરાણ કૌભાંડમાં 34 સામે ગુનો
- તલોદની મંડળીમાં વહીવટદારની નિમણૂંક બાદ ઓડિટ કરાતા સત્તાધિશોની સંડોવણી ખુલી
- રૂ. 20 કરોડથી વધુના મસમોટા કૌભાંડમાં બેંક પૂર્વ ચેરમેન, એમડી, મેનેજર, હોદ્દેદારો સહિત ૩૪ સામે ફરિયાદ નોંધાઈ
તલોદ, તા. 5 જુલાઈ, 2020,
રવિવાર
સાબરકાંઠાના તલોદની વિવાદાસ્પદ
નમસ્કાર શરાફી સહકારી મંડળીના કરોડોના બોગસ ધિરાણ કૌભાંડમાં આખરે મંડળીના પૂર્વ ચેરમેન, એમડી, પૂર્વ મેનેજર,
પૂર્વ ડીરેક્ટર સહિત ૩૪ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાતા સરકારી માળખામાં
હડકંપ મચી જવા પામ્યો છે. નોંધનીય છે કે, ૩૪ આરોપીઓ પૈકી બે વ્યક્તિની
ધરપકડ કરાઈ છે. જ્યારે ચાર વ્યક્તિના અવસાન થયા છે. જે પૈકીના ૨૮ આરોપીઓ પોલીસની ધરપકડથી
બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
પ્રાંતિજમાં રહેતા
મંડળીના વહીવટદાર રાકેશ કરશનભાઈ પટેલ એ ભૂતપૂર્વ ચેરમેન, ભૂતપૂર્વ વાઇસ ચેરમેન, પૂર્વ ડિરેક્ટર સહિત ૩૪ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ
ફરિયાદમાં દર્શાવ્યું છે કે ગત તા. ૧-૪-૨૦૧૨થી ૩૦-૧૧-૨૦૧૮ દરમિયાન મંડળીના
દસ્તાવેજોની ચકાસણી કરાઈ હતી. જેમાં આરોપીઓએ ભેગા મળી આયોજીત કાવતરૂ રચીને
હોદ્દાનો દૂરઉપયોગ કરીને સગાવ્હાલાઓને જુદી જુદી પેઢીઓના નામે કોઈપણ પ્રકારના
દસ્તાવેજો સિવાય જામીન મેળવ્યા વગર બોગસ ધીરાણ આપ્યા હતા. એટલું જ નહીં વસૂલાત
કરવા માટે કોઈ પ્રયત્ન કર્યા ન હતા. તેમજ થાપણદારોની પાકતી મુદ્દતે થાપણદારોના
નાણાં ડૂબાડીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા ગુનો નોંધાયો હતો.
તલોદની નમસ્કાર શરાફી
મંડળી છેલ્લાં કેટલાંક સમયથી નાણાંભીડ ને કારણે મંડળીના શટર પાડી દેવાની નોબત
આવતાં તેના સત્તાધીશો એ તા. ૩-૧૧-૧૮ના દિવસથી મંડળીના શટર બંધ કરી દીધા હતા.
જિલ્લા. રજી.એ સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (હિંમતનગર)ની નમસ્કાર મંડળીના
વહિવટદાર તરીકે નિમણૂંક કરી હતી. જે બેંક પણ આ મંડળી પાસે મોટી રકમ માગતી હોવાનું
મનાય છે.
સાબરકાંઠા બેંકે એક અધિકારી
રાકેશકુમાર કે. પટેલને આ બેંકના વહિવટદારની જવાબદારી સંભાળી લેવા તા. ૩૦-૪-૧૯ના રોજ
બેન્કે હુકમ કર્યો હતો. જે મંડળીનો ચાર્જ મંડળીના શાસકોએ ચાર્જ નહીં સોંપતા આખરે તા.
૨-૫-૧૯ના રોજથી એક તરફી ચાર્જ સંભાળી લીધો હતો. ત્યારે મંડળીના વહિવટમાં ગંભીર ખામીઓ
હોવાનું વહીવટદારના ધ્યાને આવ્યું હતું. જેની જાણ વડી કચેરી અને જિલ્લા રજીસ્ટ્રારને
પણ કરી હતી. જે અન્વયે થયેલા ઓડીટમાં તા. ૧-૪-૨૦૧૨થી તા. ૩૦-૧૧-૧૮ સુધીના સમયગાળાના
ઇન્સ્પેક્શન અહેવાલમાં બોગસ ધિરાણ કર્યાનું પણ જણાઈ આવેલું.
આ મંડળીમાં જે તે વખતના
ચેરમેન વિનોદરાય તારાચંદ ગાંધી અને જનરલ મેનેજર સુરેશકુમાર કિશનલાલ શાહ બંને રહે.
તલોદનાઓએ તા. ૧૫-૯-૨૦૦૦ના રોજ ધિરાણ મર્યાદા નક્કી કરવાનો ઠરાવ કરીને વિનોદ રતિલાલ
શાહને ૧૧ લાખનું ધિરાણ આપ્યું હતું. જે પાર્ટી પાસે આજે મંડળી વ્યાજ સાથે રૂ. ૮૩
લાખ ૧૩ હજાર ૪૩૨ (વ્યાજ સાથે) માંગે છે. આવી જ રીતે અનેક ડિરેક્ટરોએ પણ ખોટા ઠરાવો
કરીને જે તે પાર્ટીઓને બોગસ ધિરાણ કર્યું હતું.
જેમાં અલગ અલગ સ્કીમો
બનાવી થાપણદારોના રૂ. ૧૩ કરોડ ૧૬ લાખ ૧૦ હજાર ૮૪૧ જેટલી રકમના જમા નાણાં પાકતી
મુદ્દતે મંડળીએ પરત નહીં કરીને તેમજ ધીરાણની રકમ રૂ. ૭ કરોડ ૯૯ લાખ ૧૪ હજાર ૧૦૪ના
દસ્તાવેજ કે સિક્યુરીટી કે જામીનગીરી મેળવ્યા સિવાય ખોટી રીતે ધીરાણ આપીને
ગ્રાહકોના નાણાં ડૂબાડી દીધા હતા. આમ છતાં છેતરાયેલા ગ્રાહકો અને થાપણદારોની હાલત
કફોડી બનતાં તેઓ આક્રોશમાં આવ્યા હતા.
ત્યારે દયનીય હાલતનો ભોગ
બનેલા ગ્રાહકોની અનેક રજૂઆતો બાદ મંડળીના વહિવટદારે ગત રોજ મધ્યરાત્રી બાદ તલોદ
પોલીસ દફતરે નમસ્કાર મંડળીના પૂર્વ ચેરમેન, વાઇસ ચેરમેન, એમ.ડી., અને
ડિરેક્ટરો તથા મેનેજર અને લોન ઓફિસર ઉપરાંત મંડળીમાંથી લાખોની લોનો લઈને પરત નાણાં
નહીં ચૂકવી અમન-ચમન કરતાં ધિરાણ લેનારા સહીત કુલ ૩૪ ઇસમો સામે પોલીસ ફરિયાદ
નોંધાવી છે. આ ૩૪ આરોપી ઇસમોમાંથી ૪ના
અવસાન થઈ ચૂક્યા છે. ૨ની અટકાયત થયેલ છે. જ્યારે બાકીના ૨૮ પૈકીના લગભગ મોટાભાગના
પોલીસની ધરપકડથી બચવા ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે.
તા. ૧-૪-૨૦૧૨ થી તા.
૩૦-૧૧-૨૦૧૮ સુધીના સમયગાળામાં થયેલા નમસ્કાર મંડળીના વહિવટને કેન્દ્ર સ્થાને
રાખીને આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેની તપાસ તલોદ પો.સ.ઇન્સ. જી.એસ. સ્વામિ
ચલાવી રહ્યા છે. આ નમસ્કાર મંડળીના ઘટનામાં નાના-મોટા મળી હજારો થાપણદારોના કરોડો રૂપિયા
ડૂબી ગયા છે. બીજી તરફ કરોડોની બોગસ મનાતી લોનના નાણાં આજ સુધી લોન હોલ્ડર્સ કે
તેમના જામીનોએ પરત ચૂકવ્યા નથી.