Get The App

ઈડર શહેર-તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધ્યું : કુલ 63 કેસ

- તાલુકામાં 27 એકટિવ કેસ, 33 દર્દીઓ સાજા થયા

- અત્યાર સુધીમાં ત્રણ દર્દીના મોત : શહેરી વિસ્તારમાં 14 અને ગ્રામ્ય વિસ્તારમાં 13 મળી કુલ 27 કન્ટેઈનમેન્ટ ઝોન

Updated: Jul 30th, 2020

GS TEAM

Google News
Google News
ઈડર શહેર-તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધ્યું : કુલ 63 કેસ 1 - image

ઈડર, તા. 29 જુલાઈ, 2020, બુધવાર

ઈડર તાલુકામાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. મંગળવારે નોંધાયેલા એક કેસ સાથે તાલુકાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં મળી અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના ૬૩ કેસ નોંધાવા પામ્યા છે જે પૈકી ૩૩ લોકો આ બિમારીને મ્હાત આપી સંપુર્ણ સાજા થઈ ગયા છે, જ્યારે ત્રણના મૃત્યુ થયા છે. હાલમાં તાલુકામાં ૨૭ કેસ એક્ટીવ છે અને આ તમામ લોકો સારવાર હેઠળ છે. મંગળવારે જિલ્લા કલેક્ટરે તાલુકાના ૨૭ કન્ટેઈન્મેન્ટ ઝોન પૈકી કેટલાક વિસ્તારોની મુલાકાત લઈ કોરોનાને વધતો અટકાવવા જરૂરી સૂચન કર્યા હતા. લોકડાઉન દરમિયાન કોરોના મુક્ત રહેલ ઈડર તાલુકામાં હાલમાં કોરોના સંક્રમણમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. કોરોના ગ્રસ્ત દર્દીઓની વધતી જતી સંખ્યાને કારણે વહિવટીતંત્ર સહિત આરોગ્યતંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. તાલુકા આરોગ્ય અધિકારી કે.એસ. ચારણના જણાવ્યા મુજબ મંગળવારે નોંધાયેલ એક સાથે અત્યાર સુધીમાં તાલુકાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં મળી ૬૩ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યા છે.

જે પૈકી હાલમાં ૩૩ દર્દી કોરોના સામેનો જંગ જીતી રાબેતા મુજબની જીંદગી જીવી રહ્યા છે. જ્યારે કોરોના સાથે અન્ય શારીરિક બિમારી ધરાવતા ત્રણ લોકોને કોરોના ભરખી ગયો છે. હાલમાં શહેરી વિસ્તારમાં ૧૪ તથા ગ્રામ્ય વિસ્તારમાં ૧૩ મળી તાલુકામાં ૨૭ જેટલા એક્ટીવ કેસ છે અને આ તમામ લોકો આરોગ્યતંત્રની દેખરેખ નીચે સારવાર હેઠળ છે.

હાલ શહેર તથા ગામડાના મળી ૨૭ વિસ્તારોનો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે. આ તમામ વિસ્તારના હોમ ક્વોરન્ટાઇન લોકોની તંત્ર દ્વારા રોજે-રોજ આરોગ્ય ચકાસણી થાય છે. ઉપરાંત ડોર-ટુ-ડોર સર્વેની કામગીરિ પણ ચાલી રહી છે. કોરોનાના વધતા વ્યાપને ઘટાડવા આરોગ્ય તંત્રની ટીમ ધન્વંતરી રથ થકી લોકો સુધી પહોંચી જરૂરી માર્ગદર્શન તથા જરૂરીયાતવાળાને દવાનું વિતરણ કરી રહી છે.

મંગળવારે જિલ્લા કલેક્ટરે પણ પ્રાંત અધિકારી, મામલતદાર તથા આરોગ્ય અધિકારીની ટીમ સાથે ૨૭ કન્ટેઈન્મેન્ટ ઝોન પૈકી કેટલાક વિસ્તારોની મુલાકાત કરી કોરોનાને આગળ વધતો અટકાવવા બાબતે જરૂરી સુચન કર્યા હતા.

માસ્કના નિયમનું પાલન થતું નથી

કોરોનાને વધતો અટકાવવા માસ્ક ફરજીયાત હોવા છતાં આજે પણ અસંખ્ય લોકો માસ્ક વિના ફરતા જોવા મળી રહ્યા છે. આવા લોકો કોરોનાનો વ્યાપ વધારી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સના પણ ઠેર-ઠેર ધજાગરા ઉડી રહ્યા છે. સરકારી કચેરીઓમાં પણ નિયમ પાલન થતું નથી. તંત્રએ ઈડરની જનતાને ભગવાન ભરોસે છોડી દીધી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર કડકાઈ નહીં દાખવે તો સંક્રમણ વધતું જશે તેમાં બે મત નહીં.

Tags :