હિંમતનગરમાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યુ : નવા આઠ કેસ નોંધાયા
- જિલ્લામાં 24 કલાકમાં કોરોનાના નવ કેસ : કુલ આંકડો 112
- વડાલીમાં નવો એક કેસ નોધાયો : કુલ કેસ 14 થયા
હિંમતનગર, તા.15 જુલાઈ, 2020,
બુધવાર
સાબરકાંઠા જિલ્લામાં કોરોના
પોઝેટીવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં હિંમતનગરમાં ૮ અને
વડાલીમાં ૧ કેસ ઉમેરાતા જિલ્લામાં કોરોના પોઝેટીવ કેસનો આંકડો ૨૫૮ ને પાર કરીને ૨૬૭
પર પહોચી ગયો છે. અને આગામી દિવસોમાં જો પ્રજા વધુ જાગૃત નહી બને તો અન્ય જિલ્લાઓની
જેમ સાબરકાંઠામાં કોરોના મહામારી ખુબજ વધી જવાની શક્યતા છે. આ અંગે આરોગ્ય વિભાગના
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા ૨૪ કલાકમાં જે ૯ કેસ નવા નોધાયા છે તેમાં મુખ્યત્વે
હિંમતનગર શહેરમાં કોરોના માહામારીએ ભરડો લીધો છે. જેના લીધે શહેરના દરીયાપાર્કમાં રહેતા
૩૦ વર્ષિય મહિલા, વ્હોરવાડમાં
૩૨ વર્ષિય યુવક, પોલોગ્રાઉન્ડમાં ૭૨ વર્ષિય મહિલા તથા ૫૨ વર્ષિય
પુરૂષ કોરોના પોઝેટીવનો ભોગ બન્યા છે તેજ પ્રમાણે મદીના મસ્જીદ સ્ટ્રીટમાં રહેતા ૨૬
વર્ષિય યુવક અને ભોલેશ્વરમાં ૫૨ વર્ષિય પુરૂષનો રીપોર્ટ કોરોના પોઝેટીવ આવ્યો છે.
સાથોસાથ મુફભા મસ્જીદ નજીક
રહેતા ૭૨ વર્ષિય વૃધ્ધ સહિત વડાલીમાં ૨૪ વર્ષિય યુવકનો રીપોર્ટ કોરોના પોઝેટીવ આવ્યો
છે. આમ જોવા જઈએ તો હિંમતનગરમાં કોરોના પોઝિેટીવનો કુલ આંક ૧૧૨ થયો છે જેમાંથી ૬૩ દર્દીઓને
રજા અપાઈ છે પ્રાંતિજમાં ૬૪ દર્દીઓ પૈકી ૪૯ દર્દીઓ સાજા થયા છે. જ્યારે વડાલીમાં બુધવાર
સુધીમાં જે ૧૪ કેસ નોધાયા છે તેમાંથી ૧૦ દર્દીઓ સાજા થયા છે અને જિલ્લમાં અત્યાર સુધી
૨૬૭ દર્દીઓ પૈકી ૧૮૭ દર્દીઓને રજા અપાઈ છે. અને એક્ટીવ કેસની સંખ્યા ૭૩ પર પહોચી છે.
ઉલ્લેખનીય છેકે હિંમતનગર
શહેરમાં કોરોનાએ જિલ્લાના અન્ય વિસ્તારો કરતા વધુ ભરડો લીધો હોવા છતા તંત્ર ધ્વારા
ધંધા રોજગાર બંધ રાખવાની અપીલ કરીને સંતોષ માને છે પરંતુ કેટલાક લાલચુ વેપારીઓ
નિયમોની એંસીતેંસી કરીને સાંજ સુધી પોતાના સ્ટાફ સાથે દુકાનો ખુલ્લી રાખે છે તેમાય
ખાસ કરીને મોટા કોમ્પ્લેક્ષોમાં આવેલી દુકાનોના વેપરીઓ પોતાની મનમાનીઓ ચલાવી રહ્યા
છે જે ખુબજ જોખમી પુરવાર થાય તેમ છે. બપોર પછી ગ્રાહકો ન આવતા હોવા છતા વેપારીઓ
પોતાના નોકરો સાથે ટોળા વળીને બેસી રહે છે અને કોઈ નિયમનું પાલન કરતા નથી.