સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ : નવા દસ કેસ
- જિલ્લામાં અત્યાર સુધીમાં 351 કેસ
- હિંમતનગર શહેર અને તાલુકામાં પાંચ, ધામડી, સવાસલા, બાલીસણા, ભદ્રેસર, મોહનપુરમાં એક - એક કેસ
સાબરકાંઠા, તા.25 જુલાઈ, 2020,
શનિવાર
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું
સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યુ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના પોઝેટીવના દસ કેસ
નોંધાયા છે. જે સાથે જિલ્લામાં કોરોનાના કુલ
કેસનો આંકડો ૩૫૧ પર પહોચી ગયો છે. જેમાં પાંચ કેસ હિંમતનગર શહેર અને તાલુકાના છે. જ્યારે
ઈડર, વડાલી અને પ્રાંતિજ તાલુકામાં પણ કોરોનાના કેસનો
આંક સતત વધી રહ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં જે દસ
કેસ નોધાયા છે તેમાં હિંમતનગરના વ્હોરવાડ વિસ્તારમાં ૩૦ વર્ષિય મહિલા, પોલોગ્રાઉન્ડમાં ૬૭ વર્ષિય પુરૂષ તથા ઉમિયા
સીટીમાં ૬૭ વર્ષિય પુરૂષ ઉપરાંત હડીયોલમાં ૩૯ વર્ષિય પુરૂષ તથા કનાઈ ગામે રહેતા ૬૫
વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે. તેજ પ્રમાણે ઈડરના ભદ્રેસર
ગામમાં રહેતા ૪૪ વર્ષિય પુરૂષ તથા મોહનપુર ગામના ૩૫ વર્ષિય યુવક કોરોનાની ઝપેટમાં
આવતા સારવાર માટે ખસેડાયા છે.
તેજ પ્રમાણે વડાલી
તાલુકાના ધામડી ગામે ૬૦ વર્ષિય પુરૂષ અને સવાસલા ગામના ૫૫ વર્ષિય પુરૂષ ઉપરાંત
પ્રાંતિજ તાલુકાના બાલીસણા ગામમાં ૪૨ વર્ષિય પુરૂષનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો
છે. જિલ્લામાં શનિવારે કુલ કોરોના પોઝેટીવ
કેસનો આંકડો ૩૫૧ પર પહોચી ગયો છે. જે પૈકી
૨૪૮ દર્દીઓ સાજા થયા છે. અને ૯૬ કેસ એક્ટીવ છે.
અત્યાર સુધીમાં હિંમતનગર
તાલુકામાં ૧૫૯, પ્રાંતિજમાં ૭૩,
ઈડરમાં ૪૯, તલોદમાં ૨૬, વડાલીમાં
૧૯, ખેડબ્રહ્મામાં ૧૨, વિજયનગરમાં ૯
અને પોશીનામાં ૪ કેસ નોધાયા છે જેથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પોઝેટીવ કેસની
સંખ્યા ૨૦૧ અને શહેરી વિસ્તારમાં ૧૫૦ થવા જાય છે.