જિલ્લામાં ધો.3 માં અભ્યાસ કરતા બાળકો પેપર લખતા થાકી ગયા
- કોરોનાનાં ગંભીર પરિણામો દેખાયાં
- લખતાં ફાવતું નથી, બાળકો રડયાં જેવી ફરિયાદો કરતા શિક્ષકો મૂંઝવણમાં મૂકાયા
હિંમતનગર,
તા.11
સળંગ ર૧ મહિના સુધી કોરોનાના કારણે ધો.૧ થી પ નું ઓફલાઈન શિક્ષણ
બંધ હતું જેથી મોટાભાગના બાળકો મોબાઈલના રવાડે ચઢી ગયા, લખવાનું બધું ભૂલી
ગયા અને શાળાઓ ખુલ્યા પછી એકમ કસોટી શરૂ થઈ ત્યારે કોરોનાનાં ગંભીર પરિણામો સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની
સરકારી પ્રાથમિક શાળાઓમાં જોવા મળી રહ્યા છે. ધો.૩ માં અભ્યાસ કરતા બાળકો પેપર લખતાં
રીતસરના રડતા હોવાનું કેટલાક શિક્ષકોએ જણાવ્યું છે. રડવાનું કારણ પૂંછવામાં આવતાં તેઓએ
લખતાં ફાવતું નથી, થાક લાગે
છે તેવી ફરિયાદો કરી હતી. સળંગ ર વર્ષથી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું જેથી ધો.૩
માં આવેલા મોટાભાગના વિદ્યાર્થીઓ નબળા રહ્યા છે.
સરકારે બીજા નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી ધો.૧ થી પ નું
ઓફલાઈન શિક્ષણ શરૃ કર્યું. સાબરકાંઠા,
અરવલ્લી જિલ્લાના ૧૪ તાલુકાની સરકારી અને ખાનગી શાળાઓમાં પાંખી હાજરી વચ્ચે ધો.૧
થી પ ના ઓફલાઈન વર્ગો શરૂ થયા. ધો.૩ ની એકમ કસોટીનું આયોજન થયું ત્યારે અનેક શાળાઓમાં
વિદ્યાર્થીઓ પેપર લખી શકતા ન હોવાની અતિગંભીર બાબત બહાર આવી છે.
સરકારી શાળાના કેટલાક પ્રા.શિક્ષકોએ પોતાનું નામ જાહેર નહીં
કરવાની શરતે જણાવ્યું કે ધો.૧,
ર ના વિદ્યાર્થીઓ માસ પ્રમોશનનો સતત ર વર્ષથી લાભ લીધો છે એટલે તેમનો પાયો નબળો
હોય અને કોરોનાના કારણે શાળાઓમાં તેમના માટે શિક્ષણ કાર્ય બંધ હોવાથી ઘેર જ લખતા વાંચતા
હતા અને બાળકો મોટેભાગે ટીવી તેમજ મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહેતા હોવાથી તેમનો વાંચન
અને લખવાનો મહાવરો સંપૂર્ણ ભૂલાઈ ગયો છે.
ર૧ મહિના પછી શાળામાં એકમ કસોટીનું પેપર લખવાનું
આવ્યું ત્યારે ધો.૩ ના અનેક બાળકો રડતા જોવા મળ્યા. બાળકોને રડતા જોઈ કેટલાક શિક્ષકોએ આ અંગે પૂછતાં
લખતાં ફાવતું નથી, હાથ દુખે છે તેવી ફરિયાદો સાંભળી શિક્ષકો પણ ચોંકી ઉઠયા
છે.