હિંમતનગર,
તા. 25
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ખેડુતોએ ઉનાળુ વાવેતર શરૂ કર્યું
છે પરંતુ પ્રારંભે જ વીજ ધાંધીયા શરૂ થતાં ખેડુતોમાં રોષ જોવા મળ્યો છે. દિવસે અપાતા
વીજ પુરવઠામાં ભારે અનિયમિતા હોવાના આરોપ લાગ્યા છે. હજું ઉનાળો શરૂ થયો નથી અને આ
રીતે વીજ ધાંધીયા શરૂ થતાં આકરા ઉનાળામાં ખેતી વિષયક વીજ પુરવઠો મળશે કે કેમ ? તેવા સવાલ સર્જાયો
છે.
રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા ખેડૂતોને સમયપત્રક પ્રમાણે ૮
કલાક વીજપુરવઠો આપવાની સરકારે જાહેરાત કરી છે ત્યારે અરવલ્લી જિલ્લાના કેટલાંક
ગામડાઓમાં દિવસે અપાતાં વીજ પુરવઠામાં સળંગ ૮ કલાક વીજ પુરવઠો આપવાના બદલે માત્ર ૩
થી પ કલાક વીજ પુરવઠો મળતાં ખેડુતોને બોર,
કુવામાં પાણી છતાં વાવેતર ઘટાડવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. વારંવાર
ખેતી વિષયક વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે અને આ અંગે વીજ તંત્રનું ધ્યાન દોરવા છતાં
તેનો કોઈ હકારાત્મક ઉકેલ આવ્યો નથી.
ખેડુતોના જણાવ્યા અનુસાર દિવસે અપાતાં વીજ પુરવઠામાં
ધાંધીયા શરૂ થયા છે જેથી ખેડુતો પરેશાન બની ગયા છે . વારંવાર વીજપુરવઠો ખોરવાતાં ખેડુતો અને ખેતમજૂરો પણ છેલ્લી હદે
ત્રાસી ઉઠયા છે. હજુ તો ફેબુ્રઆરી મહિનો
પુરો થયો નથી ને હવે વીજ પુરવઠામાં અનિયમિતતા શરુ થઈ છે ત્યારે આકરા ઉનાળામાં આ
રીતના વીજ ધાંધીયા ચાલુ રહે તો ખેડુતોનું ઉનાળું વાવેતર સુકાઈ જવાની સાથે ખેડુતો
બરબાદ થઈ જાય તેવો ભય વ્યક્ત કર્યો છે.


