તલોદ માર્કેટ યાર્ડમાં મગફળી, કપાસ સહિતના પાકોની બમ્પર આવક
- વરસાદ બાદ જિલ્લાના યાર્ડ કૃષિ જણસથી ઊભરાયા
- માર્કેટ યાર્ડમાં વાહનો સાથે ઉમટી પડયા ઃ યાર્ડમાં 7248 બોરીની આવક થઇ
તલોદ, તા. 17 નવેમ્બર, 2019,
રવિવાર
ચોમાસુ ખેતર ઉત્પાદનોના પાક તૈયાર થઇ જતા તેનું વેચાણ કરવા વાહનો
ભરીને ખેડૂતો તલોદ માર્કેટ યાર્ડમાં ઊમટી પડેલા જોવા મળ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના
તલોદ માર્કેટ યાર્ડ અને તેના સબયાર્ડ હરસોલ ખાતે પણ ખેતપેદાશાનો વેચાણ માટે ખેડૂતો
ઊમટી પડતાં વિશાળ મેદાનોમાં પણ હકડેઠઠ ભીડ ભાસતી હતી. શનિવારે મોડી સાંજ સુધીમાં તલોદ
યાર્ડમાં કુલ 7248 બોરીની વિપુલ આવક પણ આવી હતી.
જેમાં મગફળી અને ડાંગરના પાક વધુ પ્રમાણમાં વેચાણ બાદ આવેલા હતાં.
તદઉપરાંત અહીં ઘઉં, બાજરી, એરંડા, ગવાર, અડદ અને હરસોલ ખાતે કપાસ જેવા ખેત ઉત્પાદનો પણ
વેચાણ માટે આવ્યા હતા. તલોદ માર્કેટ યાર્ડ સમિતિના ચેરમેન કલ્પેશ પટેલના જણાવ્યા અનુસાર
અહીં ખેડૂતો અને વેપારીનો એમ બંનેને ન્યાય મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સારા
માલના સારા ભાવ અહી મળે જ છે. તેમજ તોલ અને નાણાંની ઉત્તમ સુવિધા ખેડૂતોને મળે છે.
તલોદ યાર્ડમાં શનિવારે આવેલ ખેતપેદાશોમાં મગફળી 3173 બોરી
અને ડાંગર ઃ 3123 બોરીનો સમાવેશ થાય છે.
અહીં ખેડૂતોને મગફળીના ભાવ રૃા. 1056 (ઊંચા) ઉપજ્યા હતા. તે
જ રીતે ડાંગરના ભાવ રૃા. 251થી રૃા. 348 ઊપજ્યા હતા. અહીં એરંડા 40 બોરી, ઘઉં 687 બોરી, બાજરી 174 બોરી, ગવાર 36 બોરી, અડદ - 11 બોરી અને હરસોલ ખાતે કપાસ 4 બોરીની આવક થઇ હતી.