ભાદરવા સુદ બીજનું પર્વ રામદેવપીરના મંદિરોમાં ઉમંગભેર ઉજવાયું
- વહેલી સવારથી દર્શન માટે ભકતોની લાઇનો લાગી
- મોડાસાના દેવરાજ ધામમાં નેજા ઉત્સવ સહિત જામા જાગરણ પાટોત્સવ ઉજવાયો ઃ રાજપુરધામમાં લોક મેળો યોજાયો
મોડાસા,તા.1, 2019, રવિવાર
ભાદરવા સુદ બીજના રામદેવપીર ભગવાનનો પ્રાગ્ટયોત્સવ જિલ્લાભરમાં શ્રધ્ધા-ઉમંગભેર
ઉજવાયો હતો.મોડાસાના દેવરાજધામ ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે
ઉમટયા હતા. જયારે પંથકના પ્રસિધ્ધ રાજપૂરધામ ખાતે પરંપરાગત લોક મેળા સાથે બીજ ઉત્સવ
ધામધૂમથી ઉજવાયો હતો.
જિલ્લાના પ્રસિધ્ધ દેવરાજ ધામ ખાતે અલખધણીના દરબારમાં નવ નેજા સાથે
હજારો પદયાત્રીકો પગપાળા ચાલીને ઉમટી પડયા હતા.દેવરાજ ધામના મહંત ધનેશ્વરગીરી મહારાજની
નિશ્રામાં યોજાયેલા નેજા ઉત્સવ સહિત જામા જાગરણ જયોત પાટોત્સવ આઠ પોર ભજન સંતવાણી તથા
ભંડારાની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. મોડાસા તાલુકાના રાજપૂર ગામ સ્થિત નકળંક દેવના દરબારમાં
પંથકના ભક્તો મોટી સંખ્યામાં ભાવભેર ઉમટી પડયા હતા.મંદિર પરિસરમાં વહેલી સવારથી જ દર્શન
માટે લાંબી લાઈનો લાગી હતી. રામદેવ સેવા સમિતિ રાજપૂરના પનાભાઈ પટેલ સહિતના રામદેવ
ભક્તોના જણાવ્યા મુજબ ભાદરવા સુદ- 1 થી આરંભાયેલ રામદેવજીના નૌરતાની ભવ્ય ઉજવણી હાથ
ધરાઈ છે. જયારે ભાદરવા સુદ-9 ના રોજ રામદેવ પીર મંદિર ખાતે નેજા ઉત્સવ સહિત ભજન સંત્સગની
ઉજવણી કરાશે.
તાલુકાના બાયલ-ઢાંખરોલ ખાતે પણ રામદેવપીર મંદિરે આસપાસના પંથકમાંથી
ભક્તો દર્શનાર્થે ઉમટયા હતા. બાબા રામદેવના દર્શન કરી શ્રધ્ધાળુઓ ધન્ય બન્યા હતા.અલખધણી
ના નવ દિવ્સ ના નૌરતા સહિત ભાદરવા સુદ બીજ ના પવિત્ર પ્રાગ્ટયોત્સવ નું પર્વ સમગ્ર
અરવલ્લી જિલ્લામાં શ્રધ્ધા ઉમંગભેર ઉજવાયું હતું.