તલોદ, તા. 22 જુલાઈ, 2020,
બુધવાર
રાજ્ય સરકારે કોઈને પણ વિશ્વાસમાં
લીધા સિવાય ફાસ્ટ ટ્રેકમાં કરેલ નિર્ણય ગેઝેટમાં વટહુકમથી પ્રસિદ્ધ કરીને, ગુજરાત ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ- ૧૯૬૩માં ૨૬
જેટલા સુધારા કરીને જે અમલ પણ કરી દેતાં તે પૈકીના કેટલાક સુધારા રાજ્યભરના માર્કેટયાર્ડોના
કર્મચારીઓ માટે ઘાતક હોવાનું કર્મચારીઓ અને તેમના સંગઠનો માની રહ્યા છે. તેઓની નોકરીના અસ્તિત્વનો સવાલ પેદા થયો હોવાનું
માનતા કર્મચારીઓએ પોતાના હક્કોનું જતન કરવા આંદોલનનું રણશિંગુ ફૂક્યું છે. જેમાં સાબરકાંઠાના
તલોદ માર્કેટયાર્ડના તમામ કર્મચારીઓ જોડાયા છે. આંદોલનના પ્રથમ તબક્કામાં ૩ દિવસ કાળી
પટ્ટી ધારણ કરવાની તેમના સંગઠન ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘના આદેશ અન્વયે આજે તલોદ
યાર્ડના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને, સરદાર પટેલની
પ્રતિમા આગળ તેઓની લાગણી અને માંગણી અંગે જ્યાં સુધી યોગ્ય નિરાકરણ ના આવે ત્યાં સુધી
સંઘના નેજા હેઠળ આંદોલન જારી રાખવાના શપથ લીધા હતા.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ
- તલોદના સેક્રેટરી વિમલ ભટ્ટએ આ અંગે જણાવેલ કે, સરકારે કરેલા ૨૬ સુધારા આવકાર્ય છે. પરંતુ, આ સુધારા પૈકીના કેટલાક સુધારા કર્મચારીઓના હિત અને આર્થિક હક્કો અંગે અસર
પેદા કરે તેવા છે. જે અંગે સંઘ દ્વારા રાજ્ય સરકારને રજુઆતો કરવામાં આવી હતી. જેનું
પરિણામ 'શૂન્ય' બરાબર રહ્યું છે.
રાજ્ય સરકારે કરેલા આ અણધાર્યા
સુધારા થકી કર્મચારીઓની નોકરી જોખમમાં મુકાય તેમ છે. જેથી તેઓના રક્ષણની માંગ ઉદ્ભવી
છે. સુધારાની કેટલીક જોગવાઈઓને કારણે દાવા મુજબ યાર્ડો અને તેના કર્મચારીઓની નોકરીના
અસ્તિત્વનો સવાલ પેદા થયો છે. જેથી કર્મચારી પરિવારો તણાવગ્રસ્ત જીવન વિતાવવા મજબૂર
બન્યા છે. 'આ સુધારાથી યાર્ડોની આવક
ઘટી ગઈ છે...' તેવું બહાનું આગળ ધરીને પોરબંદર જીલ્લાની એક યાર્ડ
સમિતિએ ૧૦ કર્મચારીઓને છુટા કરી દીધા હોવાથી રાજ્યભરના યાર્ડોમાં તેનું પુનરાવર્તન
થશે તો, શું થશે... ? તેવો દહેશતનો માહોલ
અહીં ઉદભવ્યો છે.
આ અંગે સરકાર સમક્ષ સંઘે
કરેલ રજુઆતો સામે કોઈ જ પ્રતિભાવ સાંપડેલ નહીં હોવાને કારણે યાર્ડના કર્મચારીઓએ ના
છુટકે આંદોલન શરૂ કર્યું છે. જે અન્વયે તા. ૨૨-૭ થી તા. ૨૪-૭-૨૦ ૩ દિવસ માટે કાળી પટ્ટી
ધારણ કરવાની ફરજ પડી છે.
આગામી દિવસોમાં જરૂર પડશે
તો ધરણાં, વર્કડાઉન સ્ટ્રાઇક, એક
દિવસીય બંધનું એલાન, સત્યાગ્રહ છાવણી - ગાંધીનગર ખાતે પ્રતિક
અને આમરણાંત ઉપવાસ, રેલીઓ અને તેવા અનેક કાર્યક્રમો કરવાની સંઘને
ફરજ પડશે. આખરે ગુજ. હાઈકોર્ટનો આશરો લેવાનું પણ સંઘના એજન્ડામાં છે.


