બાયડ તાલુકામાં વાઘ જેવું પ્રાણી દેખાયાની વાતો વચ્ચે વનતંત્રની તપાસમાં ઝરખ નિકળ્યું
- અગાઉ હિંમતનગરના હુંજમાં વાઘ દેખાયાની અફવા ફેલાઈ હતી
- વાત્રક સરકારી કોલેજ પાસેના ગૌચરમા મળેલા પગના નિશાનના આધારે તંત્રને ઝરખની ઓળખ થઇ
બાયડ, તા. 11 ઓગષ્ટ, 2020,
મંગળવાર
બાયડ તાલુકામાં વાઘ
જેવું પ્રાણી દેખાયું હોવાની વાત વાયુવેગે પ્રસરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો
જો કે વન વિભાગની ટીમે વાત્રકની સરકારી કોલેજ પાસેના ગૌચરમાં મળેલા પ્રાણીના પગના
નિશાનની તપાસ કરતા વાઘ નહીં પણ ઝરખ હોવાનું સામે આવ્યું હતું. ખેડા અને અરવલ્લી
જિલ્લાની સરહદે આવેલા બાયડના છેવાડાના ગામોમાં દિપડો દેખાયાના અનેક બનાવો
પ્રકાશમાં આવ્યા છે. ત્યારે બાયડ તાલુકામાં બે દિવસથી વાઘ જેવું પ્રાણી આટાફેરા
કરતું હોવાની અફવા ફેલાતા લોકોમાં ભયની લાગણી જન્મી હતી.
બાયડ તાલુકાના વાત્રક
વિસ્તારમાં રાત્રિના સમયે વાઘ જેવું પ્રાણી દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ પેદા
થવા પામ્યો હતો. રાત્રિના સમયે વનવિભાગના અધિકારીઓને જાણ કરતાં રાત્રે ૧૦ વાગ્યાના
સુમારે આર.એફ.ઓ. એચ.એમ.ફૂલ ચરા, તેમજ
ફોરેસ્ટર અશ્વિનભાઈ પટેલની ટીમ રાત્રિના સમયે આ વિસ્તારની મુલાકાત લેતા સમગ્ર
વિસ્તારને ખુંદી વળ્યા હતા. જુદા જુદા વિસ્તારોમાં તપાસ કરતાં બાયડ તાલુકાની
સરકારી કોલેજ વાત્રક પાસેના ગૌચરમાંથી મળેલા પગલાની તપાસ કરતા વનવિભાગના અધિકારીઓ
દ્વારા જણાવવામાં આવેલ કે પગલા વાઘના નહીં પરંતુ ઝરખના હોવાનું જણાવ્યું હતું,
બાયડ તાલુકામાં આવું પ્રાણી દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ પેદા થયો
હતો, શરૃઆતમાં સ્થાનિકોને વાઘ હોય તેવું લાગ્યું હતું પરંતુ
વન અધિકારીઓ દ્વારા ઝરખ જણાવતાં સ્થાનિકોમાં હાશકારો થયો હતો.