તલોદ શહેરના ડૉક્ટર કોરોનામાં સપડાતા ફફડાટ
- તાલુકામાં કુલ 30 કેસ નોંધાયા
- અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તબીબ દાખલ : શહેરમાં માસ્ક પહેરવા વગર ફરતા સામે કાર્યવાહીની માગણી
તલોદ, તા. 29 જુલાઈ, 2020,
બુધવાર
તલોદનગરનો સર્વોદય
સોસાયટીમાં પરિવાર સાથે રહેતા અને બજારમાં કોલેજ રોડ ઉપર જ દવાખાનું ધરાવતા નગર
વિસ્તારના તબીબ ડૉ. અનિલભાઈ મોહનભાઈ પટેલનાં કોરોનાની ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતાં
જ તેઓ અમદાવાદ ખાતેની ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર મેળવી રહ્યા છે.
કોરોના વોરિયર્સની અસલ
ભૂમિકા અદા કરતા તબીબ વર્તુળમાં કોરોનાએ કરેલી એન્ટ્રી એ તબીબ વર્તુળ અને આમ
પ્રજામાં પણ ભારે આંચકો આપ્યો છે. તલોદમાં
કેટલાક દિવસોથી લગભગ એક કોરોનાનો કેસ નોંધાય તેવી દશા થવા પામી છે. જેથી કોરોનાના
કુલ દર્દીઓનો આંકડો જે તા. રર-પ-ર૦ના રોજ ૩ ઉપર હતો તે આજે ૩૦ ઉપર પહોંચી ગયો છે.
દર મહિને કેસોમાં વધારો નોધાયો છે. હવે તલોદ પંથકમાં કોરોનાનું સંક્રમણ અનેકગણું
વધવાની પુરી આશંકા સેવાઈ રહી છે. 'સુપર સ્પ્રેડર'નું બેરોકટોક કામ કરતા પૈકીના
મોટાભાગના લારીઓવાળા ડિસ્ટન્સ જાળવતા નથી. માસ્ક પહેરતા જ નથી. આવા લોકો ધંધા બંધ
કર્યા બાદ પણ ટોળેવળી ચીપકી રહેતા જોવા મળી રહ્યા છે. વેપારીઓની દુકાનોમાં જઈને
માસ્ક બાબતે દંડ ફટકારતા તંત્ર દ્વારા આવા સુપર સ્પ્રેડર પ્રતિ આકરી શિક્ષા થાય તે
જાહેર જન આરોગ્યના હિતમાં હોવાનું વેપારીઓ પણ માની રહ્યા છે.