ઇડર, તા. ૧૮ ઓકટોમ્બર ૨૦૧૮, ગુરૃવાર
ઇડરના ગોરલ ગામની સીમમાંથી મંગળવારે રાત્રે ચોરાયેલા ૨૦ ઘેટા-બકરા
પૈકી ૮ બકરા ને વડનગર પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડયા હતા. પોલીસે પશુચોરી
સાથે સંકળાયેલા કેટલાક આરોપીઓને પણ જેલ હવાલે કર્યા હતા. આસમાચાર બાદ ઇડર પોલીસની એક
ટીમ વડનગર જવા રવાના થઇ છે.
ઇડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડેરા-તંબુ નાખી વસવાટ કરતા
રાજસ્થાની રબારી પરિવારોનું પશુઓએ જીવવું હરામ કરી નાખ્યું છે. અગાઉ ગત વર્ષે છુટક-મુટક
ઘટનાઓ થકી આ માલદરીઓના ૧૫૦થી ૨૦૦ જેટલા ઘેટા-બકરાની ચોરી થઇ હતી.
જેને પગલે મોટી સંખ્યામાં
માલદારીએ એકઠા થઇ પોલીસ સમક્ષ ઉગ્ર રજુઆતો કરી હતી. જો કે જે તે સમયે પોલીસે પશુચોરીની
ફરિયાદ નોંધી ઘટતુ કરવા હૈયાધારણા આપી હતી. તેમ છતાં પોલીસ આ પ્રકારની પશુચોરી અટકાવવામાં
નિષ્ફળ રહી છે.
દરમિયાન ગત મંગળવારની રાત્રિ ગોરલની સીમમાં લાલાભાઈ રબારીના
ડેરા પર ત્રાટકેલા પશુ ચોર ટોળકી ૨૦ ઘેટા-બકરાની ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. આ ઘટના અંગે
સવારે લાલાભાઈને જાણ થતાં તેઓએ આજુ-બાજુમાં શોધખોળ બાદ ઇડર પોલીસને જાણ કરી હતી.
જેમાં ઇડર પોલીસની તપાસ દરમિયાન જણવા મળ્યું હતું કે, વડનગર પોલીસે રાત્રિ
પેટ્રોલિંગ દરમિયાન ઘેટા-બકરા ભરેલા એક વાહન સાથે કેટલાક પશુચોરની અટકાયત કરી છે. આ
પશુ ઇડરના ગોરલની સીમમાંથી ચોરાયેલ ઘેટા બકરા પૈકીના હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઇ
હતી.
આ જાણકારી બાદ ઇડર પોલીસની એક ટીમ પશુ તથા આરોપીનો કબ્જો મેળવવા
વડનગર જવા રવાના થઇ છે.


