વિજયનગર,
તા.2
સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં પાલ-દઢવાવ ખાતે અંગ્રેજોની ગોળીએ
વિધાઈને ૧૨૦૦ લોકોએ જાન ગુમાવી હતી. આ હત્યાકાંડને ૧૦૦ વર્ષ પૂરા થતા
હોવાથી શતાબ્દી અવસરે આગામી ૭મી માર્ચે ૨૦૨૨ના રોજ અરવલ્લી અને સાબરકાંઠા આદિવાસી શિક્ષક
એસોસિયેશન દ્વારા શહિદ સ્થળ ખાતે ૧૨૦૦ મીણબત્તીઓ દ્વારા ૧૨૦૦ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણનો
કાર્યક્રમ યોજાશે.
આ કાર્યકમની પૂર્વ તૈયારીના ભાગરૃપે આદિવાસી ડુંગરી ગરાસિયા
સમાજવાડીમાં વજાપુર ખાતે એસીસિએશનના પ્રમુખ દિલીપકુમાર નિનામાની ઉપસ્થિતિના એક બેઠકનંુ
આયોજન કરવામાં આવ્યું હતું અને તૈયારીના ભાગરૃપે
વિરાંજલિ વન અને શાહિદ સ્થળની પણ મુલાકાત લેવામાં આવી હતી એ અગાઉ મળેલી બેઠકમાં સર્વે
હોદ્દેદારોની સર્વ સંમતિથી આજે લેવાયેલા નિર્ણય મુજબ જલિયાંવાલા કાંડથી વધુ ભીષણ એવા
પાલ-દઢવાવના હત્યાકાંડમાં આઝાદીની લડતમાં જાનનું બલિદાન આપનારા ૧૨૦૦ આદિવાસી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ખાસ કાર્યક્રમ યોજીને ૧૨૦૦ મીણબત્તીઓ દ્વારા તા.૭/૩/૨૦૨૨ ના રોજ સાંજે
૬ થી ૭ દરમિયાન આ ૧૨૦૦ શહીદ સ્થળ પર શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે અને આ હત્યાકાંડ
વિશેની જાણકારી નવી પેઢીના બાળકોને આપવામાં આવશે અને શ્રધ્ધાંજલિ સ્વરૃપે દરેક શાળામાં
બે મિનિટ મૌન પળાવવામા આવશે.
ગુજરાતના દરેક આદિવાસી જિલ્લાઓ અને તાલુકામાં જે આ શહીદ સ્થળ
પર હાજર ના રહી શકે તો પોત -પોતાના જિલ્લા-તાલુકામાં એક સ્થળે ભેગા મળીને મીણબત્તી
સળગાવીને તે દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરશે.જ્યારે વિજયનગર અને ભિલોડા તાલુકાના શિક્ષક
મિત્રો શાળા છુટયા પછી સૌ ૬ વાગ્યે શહીદ સ્થળ પર હાજર રહેશે.


