Get The App

જિંદગી... યારોં કી કહાની કા નામ હૈં, જિંદગી... દોસ્તી મેં તૂફાની વો શામ હૈ !

- કેળુ, કેરી, કામિની, પિયુ, મિત્ર, પ્રધાન... એ સર્વે પાકાં ભલા, કાચાં ન આવે કામ

- સ્પેક્ટ્રોમીટર : જય વસાવડા

Updated: Aug 2nd, 2020

GS TEAM

Google News
Google News
જિંદગી... યારોં કી કહાની કા નામ હૈં, જિંદગી... દોસ્તી મેં તૂફાની વો શામ હૈ ! 1 - image


- કેળુ, કેરી, કામિની, પિયુ, મિત્ર, પ્રધાન... એ સર્વે પાકાં ભલા, કાચાં ન આવે કામ ! - દોસ્તી પોઝિટિવ કે નેગેટિવ છે, એનો ટેસ્ટ આપત્તિ છે !

જિંદગી... યારોં કી કહાની કા નામ હૈં, જિંદગી... દોસ્તી મેં તૂફાની વો શામ હૈ ! 2 - imageબપોરે મેપલ સ્ટ્રીટ સ્ટેન્ડથી એક કિશોર, હાથમાં ગિટાર લઇને, સ્કૂલબસમાં ચડયો. એના ચહેરા પર મૂંઝવણ હતી. તે જગ્યા શોધીને બેઠો, વ્યાકુળ થઇને આજુબાજુ જોયું પછી નીચું માથું કરીને બસની ફર્શ પર બંને પગ ઘસવા લાગ્યો. મેલની એને જોઇ રહી. તેને જોઇને જ મેલનીને થયું કે આ સાવ નકામો લાગતો હતો. એની સખી કેથીએ ચોપડીમાંથી ઊંચું જોઇને કહ્યું

'લે ! આને નથી ઓળખતી ? આ ચસકેલ કાર્લ છે !'

'કોણ ચસકેલ કાર્લ ?' મેલનીએ પુછ્યું. કેથીએ કહ્યું 'તારી બાજુમાં રહેતા પાડોશીને નથી ઓળખતી ?' મેલની બોલી 'બાજુમાં રહેતા પાડોશી ? બાજુમાં તો બેલ કુટુંબ રહેવા આવ્યું છે.' કેથીએ કહ્યું 'બસ તો ! આનું નામ કાર્લ બેલ છે.'

કાર્લ સીકામોર સ્ટેન્ડ પર પોતાની ગિટાર ઉપાડીને ઉતરી ગયો. મેલનીએ અહીં જ ઉતરવાનું હતું પરંતુ તે આગલા સ્ટોપે ઉતારી. ઘેર પહોંચીને લાગલું પુછ્યું 'મમ્મી, પેલો વિચિત્ર છોકરો આપણી બાજુમાં રહે છે ?' એની માતાએ રસોડામાંથી આવીને કહ્યું 'બેટા, કોઇને વિચિત્ર ન કહેવાય. હા, બેલ દંપતીને એક દિવ્યાંગ દીકરો છે. શ્રીમતી બેલે મને કાર્લ વિષે વાત કરી. એ ક્યારેય બોલી નથી શક્યો. તેને જન્મજાત હૃદયની બીમારી છે અને નબળાઈ છે. તે લોકોએ એક શિક્ષક શોધ્યો છે જે કાર્લને ગિટાર શીખવે છે.'

'હાય નસીબ ! તે લોકોએ શું આપણા ઘર પાસે જ આવવાનું હતું ?' મેલનીએ બળાપો કાઢ્યો અને કહ્યું 'એ રોજ બસમાં આવે છે. છોકરાઓ તેની ઉપર હસે છે...'

'પણ તું એની પર ન હસીશ.' માતાએ શીખ આપી.

કાર્લ અઠવાડીયા પછી બસમાં આવ્યો. થોડા જ વખતમાં કાગળના ડુચા કાર્લ તરફ ઉડવા લાગ્યા. જ્યારે કાગળનો ડૂચો વાગતો ત્યારે તે ધુ્રજી જતો. એની ગિટાર નીચે પડી ગઈ. સિકામોર આવ્યું ત્યારે કાર્લ પોતાની ગિટારને ખભે લટકાવીને દરવાજા તરફ ચાલ્યો. ગિટારનું કેસ ચક વિલ્સને વાગ્યું. વિલ્સને કાર્લને એક મુક્કો માર્યો. ગિટાર ગટરમાં પડી ગઈ. કાર્લ રડતો રડતો એના ઘેર દોડયો.

મેલની આગલા સ્ટોપ પર ઉતરીને ચાલી. રસ્તામાં ગિટાર જોઈ. પહેલા ધ્યાન ન આપ્યું, પણ પછી પાછી ફરીને પુસ્તકો સાથે ગિટારનુંકેસ લઇને કાર્લને ઘેર ગઈ. શ્રીમતી બેલે જ્યારે પૂછ્યું કે શું થયું ત્યારે મેલનીએ જણાવ્યું 'કાંઈ નહીં, કાર્લ એની ગિટાર ભૂલી ગયેલો. મને થયું હું લેતી આવું' એ કોઇને ચિંતા થાય તેવું કહેવા નહોતી માગતી.

પછી મેલની કાર્લ પાસે બેસતી. એ બહુ બોલતો નહીં. મેલની એને ક્યારેક રિસેસમાં કંપની આપતી. ક્યારેક એ ગિટાર વગાડતો, એ સાંભળવાનો દેખાવ હસીને કરતી. એક વાર ગુલાબના બગીચામાં કાર્લ બેઠો હતો ત્યારે તોફાની છોકરાંઓ એના પર સોફ્ટ ડ્રિંકના ખાલી ટીન ફેંકતા હતા. મેલનીએ એમને ભગાડી મુક્યા.

એક વાર કોઇક બ્લેકબોર્ડ પર લખી ગયું 'ગાંડિયા કાર્લની પાગલ સખી મેલની.' મેલનીની આખો દિવસ મજાક થઇ. એને રડવું આવ્યું. એ સાંજે એ કાર્લની મમ્મી પાસે ગઈ. અમસ્તી વાતો કરતા બોલી ઃ 'તમારા મિત્રો જ તમને સમજ્યા વિના ઉતારી પાડે, ત્યારે તમને બહુ રડવું આવે નહિ ?'

જિંદગી... યારોં કી કહાની કા નામ હૈં, જિંદગી... દોસ્તી મેં તૂફાની વો શામ હૈ ! 3 - imageપછી જરાક વાર ખામોશ રહી બબડી 'કાર્લ કેટલી બધી વાર રડયો હશે !'

નિશાળના છેલ્લા દિવસે પાર્ટીમાં જવા મેલની વહેલી ઘરે આવી. કાર્લ પોતાના બગીચામાં હતો. તેણે તૈયાર થયેલી મેલનીને આવતા જોઈ એટલે એક ગુલાબ તોડી તેણે મેલનીને ધર્યું. મેલનીએ હાથ લંબાવ્યો, તો કાર્લે તેને અટકાવી અને ગુલાબના કાંટા તોડવા લાગ્યો. મેલનીને પાર્ટીમાં પહોંચવાની ઉતાવળ હતી પણ તે ધીરજથી ઊભી રહી. થોડી વારે કાર્લે કાંટા વિનાનું ગુલાબ મેલનીને આપ્યું. મેલનીએ કહ્યું 'થેન્ક યુ, કાર્લ. હવે મને કાંટા નહીં વાગે.' કાર્લનું બાળક જેવું નિર્દોષ સ્મિત જોઇને મેલનીએ તેનો ગાલ પંપાળ્યો. ઘેર પહોંચી મેલનીએ નજર કરી તો કાર્લ પોતાના ગાલ ઉપર હાથ રાખીને હજુ ત્યાં જ ઊભો હતો.

એક અઠવાડીયા બાદ કાર્લનું હૃદય બંધ પડવાને કારણે અવસાન થયું.

અંતિમ વિધિ પછી બેલ દંપતી થોડા સમય માટે બહારગામ ગયા. એક દિવસ શ્રીમતી બેલનો પત્ર આવ્યો. એમાં મેલની માટે ખાસ સંદેશો હતો ઃ 'પ્રિય મેલની, મને લાગે છે કે કાર્લને એની ડાયરીનું છેલ્લું પાનું તને આપવાનું ગમ્યું હોત. અમે તેને રોજનું ઓછામાં ઓછું એક વાક્ય ડાયરીમાં લખવા કહેતા. જો કે, એના જીવનમાં મોટાભાગે લખવા જેવું કાંઈ બનતું નહીં. અમે બંને તારો આભાર માનીએ છીએ કે, તું કાર્લની મિત્ર હતી. તું એની એકમાત્ર યુવા મિત્ર હતી.'

એમણે મોકલેલા પાનામાં કાર્લનું અંતિમ વાક્ય હતું - 'મેલની કાંટા વગરનું ગુલાબ છે !'

* * *

ઇવા હાર્ડિંગની આ અંગ્રેજી સ્ટોરી વર્ષોથી ફેવરિટ છે, યારદિલદાર બનવાની, એવા દોસ્તો શોધવાની કસરત એટલે જ સંજોગોના કાંટા વચ્ચે ગુલાબ મેળવવાની જ નહિ, ખુદ ગુલાબ બનવાની પણ મહેનત. અને એ ફુલગુલાબી ફીલિંગ્સને સલામી આપવાનો અવસર એટલે સત્તાવાર રીતે ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવાતો ઓગસ્ટનો પહેલો રવિવાર.

મૈત્રી શું છે ? હું ઇઝ એ ફ્રેન્ડ ? ઉનાળાની બપોરનો કોયલનો ટહૂકો જેવા મુરબ્બામેસેજીઝ ફોરવર્ડ કરવાથી એ સમજાતું નથી. આપણા પ્રાચીન સંસ્કૃત ગ્રંથોએ એની કાળજીથી ચર્ચા કરી છે. પંચતંત્ર અને હિતોપદેશમાં કાનભંભેરણી કરતા અને અવળા રસ્તે ચડાવી દેતા શત્રુથી વધુ શેતાન મિત્રોની ય વાતો છે, અને એક એસોસિએશન, ટીમ બનાવીને કપરી પરીસ્થિતિને હંફાવતા મિત્રોની ય વાતો છે. પરિચીતો પ્લાનિંગ સાથે મેળવી શકાય છે. દોસ્ત અકસ્માત મળી જાય છે. એટલે વધુ પ્રેક્ટિકલ વાતો આપણે ત્યાં વખણાય છે બહુ, પણ વંચાતા જરાય નથી એવા સંસ્કૃત ગ્રંથોમાં છે.

જેમ કે, ઋગ્વેદનું આ ક્વોટ ઃ ન સ સખ્યા યો ન દદાતિ સખ્યે ! સુપરરિયાલિસ્ટિક. 'જે મૈત્રીમાં કશું આપતો નથી, એ મિત્ર બની શક્તો નથી !' યસ, આપવું એટલે માત્ર ઉધારી કે રૂપિયાની સોલ્જરી જ નહિ. ક્યારેક સમય આપવાનો થાય. ક્યારેક સપોર્ટ આપવાનો થાય. ક્યારેક લાઇક એન્ડ સ્માઇલ ઓનલાઈન, તો ક્યારેક દોડીને કોઈ હેલ્પ ઓફલાઈન. સામસામું સરખું જ આપવું જરૂરી નથી. દ્વારકાધીશને સોનાની હિંડોળાખાટે બચપણનું ભોળપણ સુદામાએ આપ્યું સ્મૃતિસફર કરાવીને અને મોહનમુરારિએ ઐશ્વર્ય આપ્યું. સમાન ચીજોના એક્સચેન્જની સોદાગીરીની વાત નથી. પણ કશુંક આપવું પડે છે. આપતાં રહેવું પડે છે. સીંચ્યા વિના છોડ પણ ઉગતો નથી. અને પાણી-પ્રકાશથી સીંચાયેલ ફસલ કંઇ પાણી-પ્રકાશ જ આપતી નથી. અનાજ કે ફળ આપે છે. પ્રેક્ટિકલી, યારીમાં આદાન-પ્રદાન ભલે વર્ચ્યુઅલી પણ જળવાવું જોઇએ.

કિષ્કિંધાકાંડમાં વાલ્મીકિ એટલે જ રામાયણમાં ગાય છે ઃ સર્વથા સુકરં મિત્રં, દુષ્કરં પ્રતિપાલનમ્ દોસ્ત બનવું સાવ સહેલું છે. પણ દોસ્તી કાયમ ટકાવી રાખવી બહુ અઘરી છે ! યસ, એટલે બધા જ લંગોટીના ફ્રેન્ડસ ટી પાર્ટીના ફ્રેન્ડસ સુધી ટકી શક્તા નથી. આ સ્વાભાવિક ક્રમ છે. ગેરાલ્ડ એલેનહોર્સ્ટ નામના સોશ્યોલોજી રિસર્ચ સ્કેલરે પશ્ચિમી સર્વેક્ષણો કરી રસપ્રદ તારણ કાઢ્યા છે. એવરેજ દર સાત (કે પછી દસ) વર્ષે મોટે ભાગે 'સર્કલ' કહીએ એવું મિત્રવર્તુળ ફરી જતું હોય છે. વર્ષો જૂના બે-ચાર અતિ અંગત મિત્રો જે સ્કૂલથી સ્મશાન સુધીના સથવારા હોય એની વાત નથી. એવા હોય જ ઓછા, ને હોય એ અચળાંક માનવા. મોટે ભાગે એવી પાકી દોસ્તીના પાયા વિદ્યાર્થીકાળમાં જ ચણાઈ જાય. પાછળથી એટલું મજબૂત કામ અશક્ય નથી, પણ અઘરું ખરું પણ ચેક કરો. સાત-આઠ વર્ષે ફેસબૂકમાં ય કોમેન્ટસ કરનારા ક્લોઝ ફ્રેન્ડસનું સર્કલ એંશી ટકા ફરી ગયું હશે. ડિટ્ટો ઈન વર્કપ્લેસ, ઓફિસ કે ક્રિકેટ જેવી ટીમ કે ઇવન પોલિટિક્સ મૈત્રી કાયમ ટકાવવી મહિમાગત ખબર હોવા છતાં ય મુશ્કેલ છે.

ઋગ્વેદ અને રામાયણ બાદ ત્રીજા વાસ્તવવાદી ક્વૉટ માટે તો મહાભારત જ ફંફોસવું પડે. ઉદ્યોગપર્વનો શ્લોક કહે છે ઃ યસ્મિન્ મિત્રે પિતરીવાશ્વસતિ, તદ્ વૈ મિત્રં સંગતાનીતરાણિ ! જેના પર પિતા (અર્થાત્ સાવ ઘરના સ્વજન મા-બાપ) જેટલો ભરોસો મૂકી શકાય એ જ મિત્ર. બાકી સહુ માત્ર સાથી ! જસ્ટ ગુડ કમ્પેનિયન્સ બટ નોટ નીઅર એન્ડ ડીઅર ફ્રેન્ડસ. મોંઘું સોનું કે રિલાયન્સનો શેર નથી. મોંઘો છે ટ્રસ્ટ, વિશ્વાસ. કારણ કે એની અછત પેટ્રોલથી ય વધતી જાય છે. કોલ રેકોર્ડિંગ અને સ્વાર્થ ખાતર જાજમ નહિ, પેન્ટ પણ ખેંચી લેતા કાંચિડાનુમા રંગબદલુ જમાનામાં હૈયું ઠાલવવાના ઠેકાણા કોરોનાકાળમાં સિનેમા થિયેટર કે છપ્પનીયા દુકાળમાં કૂવા સૂકાઈ ગયા, એમ સૂકાતા જાય છે. ફ્રી થિંકર ઇકોનોમિસ્ટ નસીમ નિકોલસ તાલેબ તો વોર્નિગ જ આપી દે છે ઃ ટ્રીટ યોર ફ્રેન્ડસ એન્ડ ટેમ્પરરી પ્રિ-એનિમીઝ ! આજનો મિત્ર આવતીકાલનો શત્રુ ગમે ત્યારે બની શકે. સીઝર પર ખંજર બુ્રટસ જ ઉગામી શકે, કારણ કે બાકીના દુશ્મનો તો નજીક પહોંચી જ ન શકે !

* * *

ગુજરાતી શાયરોએ કદાચ પરાપૂર્વથી ચાલ્યા આવતા પોતાનાઓની પીડાતા અનુભવોને સ-ચોટ બયાન કર્યા છે. મરીઝ લખે છે ઃ સંભવની વાત છે કે નભી જાય દોસ્તી, ઓ દોસ્ત, આપણી જો મુલાકાત કમ રહે ! ક્યા બાઆઆત ! ક્યારેક વધુ નજીક હોવાથી અપાકર્ષણ વધે છે. દૂર-હોવાથી બીજાના દોષો નથી દેખાતા, પણ કરીબ હોવાથી જે પોતીકાં છે, એમના દેખાયા કરે છે. પહેલેથી અંતર વધુ હોય તો ડિસ્ટન્સને લીધે 'સેફ રહો' પણ બહુ ખીલીને ખુલવા લાગ્યા તો ગમે ત્યારે વધુ પડતી નજદીકિયાં તમને ટાર્ગેટ તરીકે 'વલ્નરેબલ' બનાવી દે.

એટલે દોસ્તની છાતીને બારમાસી વસંત કહી ત્યાં 'વરણાગી પડાવ' નાખી બેસતા રમેશ પારેખ પણ સચ્ચાઈની ધાર ચમકાવે છે ઃ 'ન હોત પ્રેમ તો શું હોત !'  છાલ જાડી હોત ? હું હોત વૃક્ષને હે મિર તું કુહાડી હોત ! આહ અને વાહ ! આ જ ર.પા. જળ અને ઝપઝળિયાંનો તફાવત પણ સમજાવે, ને ગુજરાતી ભાષાને એક મૌલિક શબ્દ આપે એકલવ્યે અંગૂઠો કાપેલો ચાહવા જતાં એમ ઃ 'મિત્રદક્ષિણ ! મિત્રતાના નામે કોઈ 'કરી' નાખે એ શબ્દ ઃ ટેક્સ યુ હેવ પેઇડ બિકોઝ ઓફ ફ્રેન્ડશિપ !'

સૈફ પાલનપુરીએ ફરમાવ્યું ઃ દોસ્તોની મહેર કે સંખ્યા વધી ગઈ જખ્મની, દુશ્મનોનું એ પછી વર્તુળ નાનું થઈ ગયું ! તો 'શયદા'એ ભરૂચમાં ૧૨ મે, ૧૯૫૧ના રોજ મુશાયરામાં તત્કાળ રચીને સંભળાવેલું ઃ શત્રુ ! 'ઘરભેદુ' થઈ ઘર મારવું સહેલું નથી, કામ એ કરનાર કોઈ મિત્ર સારો જોઇએ ! અહા ! અને એની પૂર્તિ કરતા હોય એમ અમૃત ઘાયલ લખે ઃ ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા, પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા !

કિરણ ચૌહાણ રોકડો લેબોરેટરી ટેસ્ટ જ આપી દે છે. મૈત્રી પણ સ્તર ચકાસવા માટે, એક-બે અણબનાવ માંગે છે ! વિવેક ટેલર 'વફાના જેણે ખાધા સમ એ વિભીષણ સમ' એવું લખે તો રઈશ મણિયાર બીજાને માફક ન જ આવે એ સ્વ-ભાવ જ આપણો આગવો હોય, એ સ્પષ્ટતા સાથે દોસ્તોને અધૂરા શિકારી કહી લખે ઃ 'ખૂંપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે !' એ અફસોસને શૂન્ય પાલનપુરી મસ્તીના મિજાજથી વરાળ કરી નાખે ઃ 'મિત્રો હતા, એ શત્રુ થયાની વધાઇ છે, ઓ મન ! ઉમંગે નાચ કે બેડી કપાઇ છે ! જેબ્બાત કપટની ભીંત રેતીની હોય છે, ટેકો દેવા જાવ તો ફસકી પડે. વિશ્વાસની પહાડની છે. તોફાન સામે ટકી રહે.'

અને દોસ્ત થોડી અહીં હવા લઇને જાઉં છું, કોઈ નથી કારણને ગીત ગાંઉ છું કહીને થોડા થોડા બધા મિત્રોની આંખડીમાં રહેતા કવિ હરીન્દ્ર દવે 'વાતાવરણમાં મૌનનો ભાર ઉંચકીને' લખી નાખે છે ઃ ઝાકળ સમું મિલન તો પલકમાં ઉડી ગયું, મૈત્રીનું ભીનું ફુલ સમય સૂકવી ગયો !  મદદ કરો ત્યારે મિત્રો આપણને જાણે છે. પણ ક્યારેક મદદ બંધ કરો ત્યારે આપણે મિત્રોને સાચુકલા જાણી શકીએ છીએ. કાબિલ ડેકાણવી જેવા પ્રમાણમાં ઓછા જાણીતા કવિ જાણીને સમજવા જેવી વાત કરે છે ઃ ખુદ મારા વ્યક્તિત્વમાં એવી ખૂશ્બો, ગજું શું કોઇનું મને ભૂલી બેસે / હજીયે પુરાણા બધા મારા મિત્રો, કરે છે મને યાદ દુશ્મનના નામે !

બરકત વિરાણી બેફામ એટલે જ દોંગાઇની સામે ગરવાઇનો મહિમા ગાય છે ઃ લ્યો બોલીને તમે મિત્રતા પુરી કરી નાખી, લ્યો મેં પણ ચૂપ રહી પુરી વફાદારી કરી લીધી !

* * *

એમાં તમે છો, હું છું ને થોડા મિત્ર છે.

એથી જીવનકથાના પ્રસંગો સચિત્ર છે !

આ ય 'બેફામ'ની વાણી છે. ભલે, મિત્ર શત્રુ થાય એનો વસવસો રહે, તો ય મૈત્રી એ જીવનની રંગપૂરણી છે. મિત્ર નથી, તો લાઇફ નથી. અરે, માનો કે ધંધારોજગારને કારણે, બીમારી કે અવસાનને કારણે, કે પછી ગેરસમજમાં ગુસ્સાને કારણે મિત્રો દૂર સરકી જાય, દુશ્મન બની જાય. એથી સાથે કરેલી મોજમસ્તી થોડી ભૂલાઇ જાય ? જોડે કરેલા પ્રવાસો અને પાર્ટીઓના ફોટો આલ્બમ્સ દિમાગમાં ભણકારા અને છાતીમાં સણકા પેદા ન કરે ? ભેગા થઈ ઉડાડેલી હાસ્યની છોળો અને માણેલી વાનગીઓની જયાફત ભૂંસવાનું ઇરેઝર મળે છે ક્યાંય ? માન્યું કે, વર્તમાનમાં ધુમ્મસ છે. એટલે ભૂતકાળનો ઉજાસ ખોટો માની લેવાનો ? ફ્રેન્ડશિપ ઇઝ ટુ વે પ્રોસેસ. ગુમાવે તો ય બેઉ ગુમાવે. મેળવે એ ય બેઉ મેળવે. આપણા વ્યક્તિત્વના ચિત્રમાં ક્યાંક વિદાય લઇ ગયેલા કોઇ ગાઢ મિત્રનો ય હિસ્સો કિસ્સો બનીને રહેવાનો જ.

માટે એરિક સેગલની 'લવ સ્ટોરી'નો ડાયલોગ રિલેશનશિપમાં યાદ રાખવા જેવો. દિલ ફરતે કટુતાની - દીવાલ ચણશે, તો બહારવાળા તમને અડી નહિ શકે. પણ એ સુરક્ષિત અભેદ કિલ્લામાં રહી તમે ય બીજાને સ્પર્શી નહિ શકો. માટે યારીમાં ગાફેલ રહીને ઘાયલ થવાની ય એક લિજ્જત છે. જૂનું સુભાષિત એટલે જ શાણપણનું ગણપણ કર્કશ કડવાશ પણ લગાડે છે ઃ ઔષધ સર્વ દુઃખોનું મૈત્રીભાવ સનાતન !

યસ, મિત્રો ભલે સાવધ રહેવામાં ગુમાવવા પડે. મૈત્રીભાવમાં શ્રદ્ધા નહિ ગુમાવવાની. ગમે એવા જીનિયસ લોજીકથી જીવતા મેગાઇન્ટલેકચ્યુઅલ શેરલોક હોમ્સને ય એક ડૉ. જોન વૉટસન તો જોઇએ જ ને સથવારા માટે ! વી ધ પીપલ, ઇમોશનલી નીડ બાઉન્સિંગ બોર્ડ.

જી હા, બાઉન્સિંગ બોર્ડ એટલે એ પાટિયું જ્યાં પછડાઇને બોલ પાછો આવે. આપણને બધાને એકાકીપણાનો ખાલીપો ખંખેરવા ઠલવાઇ જવાના ઠેકાણા જોઇએ. કન્વર્ઝેશન માટે કંપની જોઇએ. એ આપણને હ્યુમન બનાવે. ધબકતાં જીવતા ઇન્સાન. ઘણી વાર જૂના દોસ્તો ય આ જરૂરને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે છે. કાયમ મિત્ર કોઇ વાત વહેંચવા જાય એમાં પટ્ટી પાડતા એને ઉતારતા ફરે છે. ધીરે ધીરે કોઇ ખામોશ થઈ જાય, કાં રિલેશનની વેલ્યૂ મનોમન ઘટાડી દે.

આ કોવિડે આપણને 'કોવિદ' (વિદ્વાન) બનાવી દીધા છે કે ભૂખ શેરિંગની પણ હોઈ શકે. અને ફ્રેન્ડસ એ માટેનું ગુ્રપ છે. એ ચપટી વગાડતા થઈ નથી જતી. એને ખેતરની જેમ ખેડવી પડે છે. ટૂકડે ટૂકડે કલ્ટીવેટ કરવી પડે છે. ઝગડા અને રૂસણા મનામણા થકી. ગિફટસ એન્ડ સરપ્રાઇઝીઝ થકી. સાયકોથેરાપીમાં સિમ્પથી ગુ્રપ કેરગિવર્સ બનાવતા હોય છે. ફ્રેન્ડસ સહાનુભૂતિના નહિ, પણ 'સમાનુભૂતિ'ના એમ્પથી ગુ્રપ છે. બધા સરખા નથી હોતા મિત્રો.  કોઇ ખાણીપીણીના જલસાવાળા હોય તો કોઇક મૂવીઝના મેજીકવાળા હોય. કોઇ ટ્રાવેલિંગ પાર્ટનર હોય તો કોઇ 'નોન-વેજ જોક' ગણાતી નટખટ ટીખળોના ભાગીદાર હોય, કયાંક ચર્ચા-ડિસ્કશનના બાશિંદા મળે તો કોઇક ઠરેલ સલાહોના એક્સપર્ટસ જડે. કોઇ મેચ જોવાની મહેફીલવાળા તો કોઇ પીણા અને પત્તાની રાતોવાળા, કોઇ પવનની જેમ સ્પર્શીને દૂર સરકે ને કોઇ સાગરની જેમ માથાબોળ ભીંજવી દે. ક્યારેક આપણે મિત્રમાં આપણા ડૂસકાંનો હોંકારો શોધીએ તો ક્યારેક આપણા ડરનો પડકારો.

આપણે એકમાં આ ટોટલ પેકેજ મેળવી શકતા નથી, કારણ કે આપણે ખુદ એવું પરફેક્ટ ઓલ ઇન વન પેકેજ નથી. એટલે મિત્ર મોટા ભાગે બહુવચનમાં મિત્રો બને છે. ડિઝનીની 'એમ્પરર્સ ન્યુ ગુ્રપ' કાર્ટૂન ફિલ્મ બે તદ્દન વિરોધાભાસી કેરેકટર્સની ફ્રેન્ડશિપનું સેલિબ્રેશન છે. યાર, દોસ્ત, ફ્રેન્ડ આપણું પ્રતિબિંબ પાડતો અરીસા તો છે જ, પણ આપણી અધૂરપ પૂરતા એકડા છે. બડીઝ ઇમ્પ્રેસ કરવા માટે નથી કોઇને, ડિપ્રેસ ન થઇ જાવાય એ માટે છે. હેપી ફ્રેન્ડશિપ ડે !

ફાસ્ટ ફોરવર્ડ

સહેજ ડર, એ દોસ્ત છે !

દૂર સર, એ દોસ્ત છે !

એ ભલે નિંદા કરે...

માફ કર, એ દોસ્ત છે !

માર્ગ તારો રોકશે...

હમસફર એ દોસ્ત છે !

રાહ દેખે ક્યારનો -

ચાલ ઘર, એ દોસ્ત છે !

એ ભલે ચડતો શિખર

તું ઉતર, એ એ દોસ્ત છે !

ચાલ એને બેઠો કર,

ઝાલ કર (હાથ), એ દોસ્ત છે !

આવશે, પાછો જરૂર -

દ્વાર પર, એ દોસ્ત છે !

(રિષભ મહેતા)

Tags :