બહુ લાંબા સમયથી આપણે સૌ મેટા કંપનીની ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી સર્વિસિસનો લગભગ મફત ઉપયોગ કરતા આવ્યા છીએ. આ વાક્યમાં ‘લગભગ’ અવતરણ ચિહ્નમાં લખવાનું કારણ એટલું કે આ બધી સર્વિસમાં વિવિધ પ્રકારે લાંબા સમયથી પેઇડ સર્વિસિસ પણ ઉપલબ્ધ થઈ ગઈ છે. પરંતુ સરેરાશ યૂઝર્સ માટે જૂની ને જાણીતી સગવડોનો લાભ હજી સુધી મફત રહ્યો છે.
હવે સમાચાર છે કે મેટા કંપની ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ત્રણેયમાં વધુ એક વાર પેઇડ સર્વિસિસનાં લેયર ઉમેરવાની તૈયારીમાં છે. કંપનીએ આ માટે ત્રણેય સર્વિસમાં વિવિધ પ્રકારે ટેસ્ટિંગ શરૂ કરી દીધાં છે. અલબત્ત રાહતની વાત એ છે કે ત્રણેય સર્વિસમાં હજી પણ આપણે માટે રોજિંદો ઉપયોગ મફત જ રહેશે.
આ બધાની શરૂઆત અથવા કહો કે અખતરા લાંબા સમયથી ચાલી રહ્યા છે અને કંપની પોતાની ત્રણેય સર્વિસમાં મળતાં વિવિધ ફ્રી ફીચર્સ પર જુદી જુદી રીતે નવી લિમિટ્સ મૂકવા લાગી છે. મેટા કંપનીએ ૨૦૨૩માં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે માસિક ફી સાથે પેઇડ વેરિફિકેશન સર્વિસ શરૂ કરી હતી. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પર્સનલાઇઝડ, એડ સપોર્ટેડ ફ્રી વર્ઝન અને એડ વગરનાં પેઇડ વર્ઝન ઉમેરવાની પણ કોશિશ ચાલી રહી છે.
ગયા વર્ષથી ફેસબુકમાં ઘણા યૂઝર્સ તેમની ફેસબુક પોસ્ટમાં શેર કરી શકાતી લિંક્સની સંખ્યા બાબતે લિમિટ્સનો સામનો કરી રહ્યા છે. આ યૂઝર્સ ફેસબુકના ફ્રી વર્ઝનમાં પોસ્ટમાં નિશ્ચિત સંખ્યાથી વધુ લિંક્સ હોય તો પોસ્ટ શેર કરી શકતા નથી. એ જ રીતે ઇન્સ્ટાગ્રામમાં હમણાં હેશટેગની સંખ્યા પર ભારે નિયંત્રણ આવી ગયું છે. અગાઉ જ્યાં પોસ્ટ સાથે ૩૦-૩૦ હેશટેગ મૂકી શકાતા ત્યાં હવે માત્ર ૫ હેશટેગ મૂકી શકાય તેવી મર્યાદા આવી રહી છે.
વોટ્સએપમાં પણ કંઈક એવું જ થઈ રહ્યું છે. તેમાં બ્રોડકાસ્ટ ગ્રૂપમાં એક સાથે અનેક લોકોને મેસેજ મોકલવાની સુવિધા તો છે, પરંતુ મોટા ભાગના યૂઝર્સ હવે તેમાં અવરોધનો સામનો કરી રહ્યા છે કેમ કે કંપનીએ નક્કી કરેલી મેસેજની સંખ્યા પાર કરી ગયા પછી બ્રોડકાસ્ટ ગ્રૂપમાં વધુ મેસેજ જે તે મહિના માટે બ્લોક કરી દેવામાં આવે છે.
દેખીતું છે કે ત્રણેય સર્વિસના પેઇડ વર્ઝનમાં આ નવી મર્યાદાઓ હળવી કરી દેવામાં આવશે અને સાથોસાથ ‘એઆઇ ફીચર્સ’ પણ ઉમેરવામાં આવશે!


