Get The App

રુકિએ, આપ કતાર મેં હૈં..

Updated: Dec 27th, 2025

GS TEAM

Google News
Google News
રુકિએ, આપ કતાર મેં હૈં.. 1 - image

આપણે એમ કહીએ છીએ કે ઊંચાઈ પર ભીડ હોતી નથી. આ વાક્ય મોટિવેશન માટે વપરાતું હોય છે. તમે ઊંચાઈ પર પહોંચી જાઓ ત્યાં તમે એકલા હશો, ભીડ તો નીચે સંઘર્ષ કરતી વખતે જ મળે છે. સફળ થયા પછી ઊંચાઈએ ભીડ હોતી નથી. આ વાત દરેક ઊંચાઈના સંદર્ભમાં ભલે વપરાતી હોય, પરંતુ હવે એવરેસ્ટના કિસ્સામાં ઊંચાઈએ પણ એકલા રહી શકાતું નથી. એક સમયે એવરેસ્ટમાં ખૂબ ઓછા પર્વતારોહકો પહોંચી શકતા હતા. હવે જ્યારે એવરેસ્ટ આરોહણની સીઝન આવે છે ત્યારે દુનિયાના એટલા સાહસિકો ઉમટી પડ છે કે દુનિયાની સર્વોચ્ચ ઊંચાઈને આંબતાં પહેલાં રાહ જોવી પડે છે. એવરેસ્ટ પર પણ હવે વેઈટિંગ હોય છે!

ભારતીય મૂળના સ્પેલિંગ બી વિજેતાનું સેલિબ્રેશન

અમેરિકામાં યોજાતી સ્પેલિંગ બીની સ્પર્ધામાં ભારતીય મૂળના બાળકોનો દબદબો રહેતો આવ્યો છે. છેલ્લી ૩૬માંથી ૩૦ સ્પર્ધામાં ભારતીય બાળકો વિજેતા બન્યાં છે. અમેરિકન્સ જ નહીં, દુનિયાભરના અમેરિકામાં સ્ટડી કરતાં બાળકો સાથે સ્પર્ધા થતી હોય છે. એકથી એક તેજસ્વી બાળકો વચ્ચે ભારતીય મૂળના બાળકો કાયમ છવાઈ જાય છે. રસપ્રદ બાબતો એ હોય છે કે સ્પર્ધામાં ફાઈનલ સુધી પહોંચનારાઓમાં ઘણી વખત તો બધા જ ભારતીય મૂળના બાળકો હોય છે. આ વર્ષે પણ ભારતીય મૂળનો ફૈઝાન ઝાકી નામનો ૧૩ વર્ષનો બાળક વિજેતા બન્યો હતો. તે વિજેતા બન્યો ત્યારે તેણે આવા અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું. ફૈઝાનના સ્કૂલ ફેન્ડ્સે આ રીતે તેના પર પ્રેમ વરસાવ્યો હતો.

ઈંડામાંથી બચ્ચું બહાર આવે ત્યારે છેલ્લી ક્ષણ કેવી હોય છે?

ભારતીય મૂળના આનંદ વર્મા નેશનલ જ્યોગ્રાફિકમાં ફોટોગ્રાફર છે. નેચર ફોટોગ્રાફીમાં તેમનો આગવો કસબ છે. તેમણે આ વર્ષે એક નવા પ્રકારની મથામણ આદરી હતી. ઈંડાનું કોચલું તોડીને બચ્ચું બહાર આવે ત્યારે છેલ્લી ક્ષણ કેવી હોય છે? ત્યારે ઈંડું કેવું દેખાય છે? તેમણે ૧૨ દિવસના ઈંડાના પરિવર્તનને કેદ કરવામાં મહિનાઓ સુધી મહેનત કરી. આખરે તેમને એ છેલ્લી ક્ષણ કેદ કરવામાં સફળતા મળી હતી. આ તસવીર નેશનલ જ્યોગ્રાફિકની ઈમેજ ઓફ ધ યર બની હતી.

રોબોટ્સની 100 મીટરની દોડ

૨૧મી સદી ટેકનોલોજીની સદી છે. એઆઈ, રોબોટિક્સના કારણે દુનિયા ઝડપભેર બદલાઈ રહી છે. આગામી દાયકાઓમાં હજુય વિશ્વમાં મોટાં પરિવર્તનો આવશે. એનો અંદાજ આ તસવીરમાંથી મળે છે. વર્લ્ડ હ્યુમનોઈડ રોબોટ ગેઈમ્સનું આયોજન આ વર્ષે ચીનમાં થયું હતું. એમાં રોબોટ્સની વિવિધ રમતો રમાડાઈ હતી. ૧૦૦ મીટરની દોડનો પણ એમાં સમાવેશ થયો હતો. અદ્લ માણસો વચ્ચે સ્પર્ધા જામે એમ જુદી જુદી કંપનીના રોબોટ્સ વચ્ચે સ્પર્ધા થઈ હતી. અમુક રોબોટ્સ ટ્રેક પર પડી ગયા હતા તો અમુક પાછળ રહી ગયા હતા. ઘણાં પૂરપાટ દોડીને ૧૦૦ મીટરની દોડ પૂરી કરવામાં સફળ બન્યા હતા. આવી સ્પર્ધાઓ હવે દિવસે દિવસે વધવાની છે.

આઈ ઓલ્સો વર્ક વિથ મોમ!

જગતમાં સિંગલ મધરનો ટ્રેન્ડ ખૂબ આગળ વધ્યો છે. મહિલાઓ સોલો પેરેન્ટિંગને પ્રાધાન્ય આપીને એકલાં જ સંતાનને ઉછેરવાનું પસંદ કરતી થઈ છે. એના કારણે ઘણી વખત વર્ક અને લાઈફ વચ્ચેનું સંતુલન જાળવવાનું કપરું બની જાય છે. જે મહિલાઓ વધુ પડકારજનક ફીલ્ડમાં કામ કરતી હોય છે તેમને ખૂબ મુશ્કેલી પડતી હોય છે. આ તસવીર એની સાક્ષી છે. ટેક્સાસમાં વાવાઝોડું અને ભયાનક પૂર પછી મહિલા કર્મચારીએ બચાવ કામગીરીમાં જોતરાવું પડયું હતું. આવા કામમાં સમયના કોઈ ઠેકાણાં ન હોય ત્યારે બાળકને ઘરે મૂકીને આવી શકાય નહીં. એટલે મહિલાએ આ રીતે બાળકને પણ સાથે લઈને બમણો પડકાર ઝીલ્યો હતો. આ ફોટો જિમ વોન્ડ્રસ્કા નામના ફોટોગ્રાફરે પાડયો હતો. તસવીર ગ્લોબલી ખૂબ વાયરલ થઈ હતી. 

રંગ રંગ રાધા હુઈ કાન્હા હુએ ગુલાલ...

વ્રજનો ૪૦ દિવસનો રંગોત્સવ જગતભરમાં વિખ્યાત છે. દેશમાંથી ખાસ વ્રજની હોળી કરવા લોકો ઉમટી પડે છે. વિદેશમાં રહેતા કૃષ્ણભક્તો પણ હોળીમાં ભારત આવવાનું આયોજન કરતાં હોય છે. મથુરા, વૃંદાવન, બનારસ, નંદગાંવ વગેરે સ્થળોએ હોળી રમવાનું વિશેષ મહત્ત્વ હોય છે. વ્રજમાં વસંત પંચમીથી હોળીનો ઉત્સવ શરૂ થાય છે અને રંગ પંચમી સુધી ચાલે છે. ક્યા મંદિરોમાં કેવી રીતે અને ક્યારે હોળી ઉજવાશે એનું તો ટાઈમટેબલ દર વર્ષે બહાર પડે છે. જેમ દિવાળી ભગવાન રામ સાથે જોડાયેલો તહેવાર છે એમ હોળી ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલો ઉત્સવ છે. રાધા-કૃષ્ણને ધ્યાનમાં રાખીને અનેક હોળી ગીતો રચાયા છે.  

લાઈટ ઈફેક્ટ્સ : યે કૌન ચિત્રકાર હૈ...

કુદરતના અનેક રૂપ છે - કરાલ-કોમલ, ભયાવહ-મનોહર, રૌદ્ર-શાંત... કુદરતના અનેક રંગો છે. મેઘધનુષમાં દેખાતા રંગોથી લઈને દરિયાના પેટાળમાં જોવા મળતી રંગીન દુનિયા સુધી કુદરત પાસે રંગોનો અખૂટ ખજાનો છે. એવો જ એક ખજાનો છે ઓરોર. એને ઉત્તરીય પ્રકાશ (નોર્થન લાઈટ્સ) કહેવાય છે. સંશોધકો એવું તારણ આપે છે કે ઉત્તરી ભાગમાં ખૂબ જ સ્વચ્છ આકાશ હોવાથી આવો પ્રકાશ રેલાય છે. કેનેડા, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, અલાસ્કા, રશિયા જેવા દેશોના અમુક વિસ્તારમાં ઓગસ્ટથી એપ્રિલની વચ્ચે આ લાઈટ્સ દેખાય છે. તસવીર ગ્રીનલેન્ડના સુંદર શહેર નૂકની છે. ૧૭ ફેબુ્રઆરી-૨૦૨૫ની સાંજે આખાય નૂક પર લીલો પ્રકાશ રેલાયો હતો, તેના કારણે શહેર થોડીવાર માટે અલૌકિક જણાતું હતું. આવા શહેરોમાં જ્યારે આ કુદરતી પ્રકાશ આવે છે ત્યારે સ્થાનિક સરકારી બોડી તમામ લાઈટો બંધ કરી દે છે.