શુભાંશુ શુક્લા જે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા તેના વિશે જાણવા જેવું
- ભારતના શુભાંશું સહિત 23 દેશના 280 અવકાશયાત્રીઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત કરી ચૂક્યા છે : અમેરિકાના સૌથી વધુ 169 વ્યક્તિઓએ આઈએસએસની મુલાકાત લીધી, 63 અવકાશયાત્રીઓ સાથે રશિયા બીજા ક્રમે
- નવેમ્બર-2000થી સતત અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં હાજર છે. ઓછામાં ઓછામાં 3 અને વધુમાં વધુ 6 અવકાશયાત્રીઓ એક સાથે સ્પેસ સ્ટેશનમાં હાજર હોય છે.
- ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની સાઈઝનો અંદાજ એ બાબત પરથી આવી શકે કે તે છ બેડરૂમ હાઉસ જેટલું વિશાળ છે. એમાં બે બેડરૂમ, છ બેડ, એક જીમ અને ૩૬૦ ડિગ્રી વિન્ડો વ્યૂ છે. તે સિવાયની જગ્યા વર્કિંગ પ્લેસ છે. એમાં વિવિધ ઉપકરણો રાખવામાં આવ્યા છે અને તેના દ્વારા વિવિધ પ્રયોગો થાય છે.
- સ્પેસ સ્ટેશનને મેઈનટેઈન કરવા, રીપેર કરવા કે તેમાં ફેરફાર કરવા માટે દુનિયાભરના અવકાશયાત્રીઓ 1998થી લઈને અત્યાર સુધીમાં 275 સ્પેસવૉક કરી ચૂક્યા છે.
- 156 વખત સ્પેસવૉક અમેરિકન અવકાશયાત્રીઓએ કર્યું છે અને 51 વાર રશિયન અવકાશયાત્રીઓએ સ્પેસવૉક કર્યું છે.
- સ્પેસ સ્ટેશનને ઉર્જા સૂર્ય દ્વારા મળે છે અને એ માટે સોલાર પેનલનો ઉપયોગ થયો છે. એ સોલાર પેનલની લંબાઈ 240 ફૂટ છે. જે એરબસ એ-380 પેસેન્જર વિમાન જેટલી છે.
- સ્પેસ સ્ટેશન બનાવવા માટે જે સામાન વપરાયો હતો તેને અવકાશમાં મોકલવા માટે ૪૨ ફ્લાઈટ રવાના કરવામાં આવી હતી, જેમાં ૩૭ ફ્લાઈટ
- અમેરિકાએ મોકલી હતી અને પાંચ ફ્લાઈટ રશિયાએ મોકલી હતી.
શુભાંશુ શુક્લા: સ્પેસ સ્ટેશનમાં જનારા પ્રથમ ભારતીય
શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં પહોંચનારા પ્રથમ ભારતીય બન્યા છે. અગાઉ ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ સ્પેસ સ્ટેશનમાં ગયા હતા અને તેમના નામે તો ઘણાં રેકોર્ડ્સ પણ નોંધાયા છે. શુભાંશુ સ્પેસ સ્ટેશનમાં ગયા તે સાથે જ ભારતનો પણ રેકોર્ડ બન્યો છે. ભારત એ ૨૩ દેશોમાં સામેલ થયું છે, જેમણે સ્પેસ સ્ટેશનમાં અવકાશયાત્રીઓ મોકલ્યા છે. અમેરિકાના સર્વાધિક ૧૬૯ વ્યક્તિઓએ આઈએએસની મુલાકાત લીધી છે. ૬૩ અવકાશયાત્રીઓ સાથે રશિયા બીજા ક્રમેસ છે. ભારત સહિત દોઢ ડઝન દેશ એવા છે જેમના એટલીસ્ટ એક વ્યક્તિએ સ્પેસ સ્ટેશનની મુલાકાત લીધી હોય.
સ્પેસ સ્ટેશનનું કદ ફૂટબોલના મેદાન જેવડું
સ્પેસ સ્ટેશન કુલ ૩૫૭ ફૂટના વિસ્તારમાં બન્યું છે. તેનું કદ ફૂટબોલના મેદાન જેટલું છે. ૨૩૯ ફૂટ લાંબુ, ૩૫૬ ફૂટ પહોળું અને ૬૬ ફૂટ ઊંચુ સ્પેસ સ્ટેશન અત્યાર સુધીમાં પૃથ્વીવાસીએ અવકાશમાં કરેલું સૌથી મોટુ બાંધકામ છે. સાડા ચાર લાખ કિલોગ્રામ વજનનું અવકાશમથક પ્રતિ કલાકે ૨૮૮૦૦ કિલોમીટરની ઝડપે પૃથ્વીની પ્રદક્ષિણ કરે છે. એટલે કે એક સેકન્ડમાં ૮ કિલોમીટરનું અંતર કાપે છે.
સ્પેસ સ્ટેશન ૯૦ મિનિટમાં પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી કરે છે. સ્પેસ સ્ટેશન ૨૪ કલાકમાં કુલ ૧૬ વખત પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી કરે છે. એનો અર્થ એ કે સ્પેસ સ્ટેશનમાં હાજર અવકાશયાત્રી ૨૪ કલાકમાં ૧૬ વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ શકે છે.
સ્પેસ સ્ટેશનની આસપાસ જે ઈલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ ગોઠવવામાં આવી છે એમાં એટલું વાયરિંગ થયું છે કે એ વાયર સીધો કરીને બિછાવવામાં આવે તો ૧૨ કિલોમીટર સુધી પહોંચાડી શકાય.
સ્પેસ સ્ટેશનના રીપેરિંગ માટે તેનો રોબોટિક હાથ બનાવાયો છે. એ હાથ ૫૫ ફૂટ લાંબો છે. તે આખા સ્પેસ સ્ટેશનની આસપાસ પહોંચી શકે છે. કોઈ બાહ્ય ખામી સર્જાઈ હોય કે કંઈ તપાસ કરવાની થાય તો અવકાશયાત્રી એ હાથમાં સવાર થઈને સ્પેસ સ્ટેશનના જે તે ભાગ સુધી પહોંચે છે. સ્પેસ સ્ટેશનનો આ હાથ અવકાશયાત્રીઓને ઘણી બધી રીતે મદદરૂપ થાય છે.
સ્પેસ સ્ટેશનની એવી ક્ષમતા છે કે તેની સાથે એક જ સમયે ૬ અંતરિક્ષયાન જોડી શકાય છે. પૃથ્વી ઉપરથી અંતરિક્ષયાનને રવાના કરવામાં આવે તે પછી છ કલાકની સફર ખેડે ત્યારે તે સ્પેસ સ્ટેશન સુધી પહોંચે છે.
પૃથ્વીના દરેક ભાગમાંથી સ્પેસ સ્ટેશનનો વ્યૂ
પૃથ્વી ઉપર રહેતા ૯૦ ટકા લોકો સ્પેસ સ્ટેશનને જોઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્પેસ સ્ટેશન એ રીતે આકાશમાં ભ્રમણ કરે છે કે તેની ભ્રમણકક્ષામાં પૃથ્વી ઉપર રહેતી ૯૦ ટકા વસતિ આવી જાય છે. તે ક્યારે, ક્યાંથી પસાર થાય છે તેનો મેપ નાસાએ વેબસાઈટમાં ઉપલબ્ધ કરાવ્યો છે. અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશન ઉપરથી પૃથ્વીની અને અવકાશની તસવીરો ખેંચે છે, એ તસવીરોની સંખ્યા પણ કરોડોમાં છે. આકાશમાં ૪૦૦ કિલોમીટરની ઊંચાઈએ રહેલું સ્પેસ સ્ટેશન ગુજરાતના પણ ઘણાં વિસ્તારમાંથી જોઈ શકાય છે. નાસાની વેબસાઈટ રાૉથ//ર્જૅાારીજાર્ચૌહ.હચજચ.ર્યપ/ પર જઈને નિયમિત અપડેટ જાણી શકાય છે.
સ્પેસ સ્ટેશનની બહાર વિવિધ સંશોધનો માટે ૨૦ પેલોડ (ઉપકરણ) રાખી શકાય એવી ક્ષમતા છે. આ ઉપકરણો પૃથ્વી, વાતાવરણ વગેરેની માહિતી અવકાશયાત્રીઓ સુધી પહોંચાડે છે.
સ્પેસ સ્ટેશનની ચંદ્રની સમકક્ષ અંતરે પૃથ્વીનું ચક્કર લગાવેે છે.
સ્પેસ સ્ટેશનમાં ૩,૫૦,૦૦૦ સેન્સર્સ/સોફ્ટવેર લગાવાયા છે, જે અવકાશયાત્રીઓની તબિયતથી માંડીને સુરક્ષા સુધીની બાબતોનું ધ્યાન રાખે છે અને તેની સૂચના આપે છે.
સ્પેસ સ્ટેશનની અંદર હવાનું દબાણ બોઈંગ-૭૪૭માં હોય એટલું છે. બીજી રીતે કહીએ તો બોઈંગ-૭૪૭માં શરીરને જેવો અનુભવ થાય એવો જ અનુભવ સ્પેસ સ્ટેશનમાં થાય છે.
સ્પેસ સ્ટેશનમાં ૫૦ કરતા વધુ કમ્પ્યુટર્સ છે, જેનાથી આખી સિસ્ટમ કંટ્રોલ થાય છે.
સ્પેસ સ્ટેશનનું બજેટ
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે ૧૦૦ અબજ ડોલરનું બજેટ નક્કી થયું હતું. વધતું વધતું આ બજેટ હવે ૧૫૦ અબજ ડોલર થઈ ચૂક્યું છે. કોઈ એક સાધન માટે આટલું માતબર બજેટ વપરાયું હોય એવું માનવ ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે.