- નટવર આહલપરા
- 'રાધિકા, હું મા-બાપ વિનાનો ગરીબ માણસ અને તું લાખોપતિ બાપની છોકરી. મારી સાથે ફરતા તારૂં અને તારા ફેમિલિનું સ્ટેટસ ઘવાતું નથી ને?'
ચં દ્રકાન્તે પોતાના સ્કેચ ગામના સરપંચને બતાવ્યાં, સરપંચે ચંદ્રકાન્તના વખાણ કર્યા, ચંદ્રકાન્ત બરાબર સમજતો હતો કે વખાણથી પેટ થોડું ભરાય ? એ અવાચક
બની ગયો.
રળિયામણા ગામમાં ચંદ્રકાન્તનું નાનું ઘર. ફળિયામાં લીમડાનું ઝાડ. ઘરની બાજુમાં ઢાળિયામાં તે ચિતર ચિતરતો. નાનપણથી કુદરતી સૃષ્ટિને કેનવાસ ઉપર આળેખી ખુશ થતો હતો. ઘરમાં પડેલા નકામા કાગળો ઉપર ચિત્રો દોરવા એ એનો શોખ બની ગયેલો.
પિતાની ખોટ અને માતાનું દુઃખ તેનાથી જોવાતું નહોતું. પોતાની માતાની સમજાવવાની ઉંમર પણ થઈ નહોતી. ઘરને ચલાવવા તનતોડ મહેનત કરતા તેણે ભણવાનું છોડી દીધું.
માતાને હવે તો જીવનમાં જે ગણો તે ચંદ્રકાન્ત જ સર્વસ્વ હતો. વિટંબણાઓ વધવાને કારણે તેને ચિત્રો દોરવામાં પીછેહઠ કરવી પડેલી. ચંદ્રકાન્ત નાનપણથી જ કવિ-લેખકોના પેન્સિલ સ્કેચ બનાવતો.
પણ ઘરની આર્થિક મુશ્કેલીથી તેની ચિત્રની દુનિયા પર નિરાશાનું આવરણ છવાઈ ગયેલું.
પિતા જીવતા ત્યારે ઘોડાગાડી ચલાવીને ઘરનું ગુજરાન માંડ ચલાવતા. તે ઘરમાં ઘર ચલાવવા હવે બચ્ચું શું હોય ? ઘરની પરિસ્થિતિ દિવસે દિવસે નબળી થતી હતી. થોડું ઘણું રાચરચીલું વેચી ચંદ્રકાન્તની માએ દિવસો પસાર કર્યા.
ચંદ્રકાન્તે પોતાના સ્કેચ ગામના સરપંચને બતાવ્યાં. સરપંચે ચંદ્રકાન્તના સ્કેચના વખાણ કર્યા. ચંદ્રકાન્ત બરાબર સમજતો હતો કે, વખાણથી પેટ થોડું ભરાય ? તે અવાચક બની ગયો. રંગો, પીંછીઓ અને કેનવાસ બધું અવ્યવસ્થિત થઈ ગયેલું.
જિંદગીના વિકરાળ સ્વરૂપની સામે બાથ ભીડવા તેણે પ્રતિજ્ઞાા કરી. જીવનમાં કંઈક કરી છુટવા ચંદ્રકાન્ત તત્પર થઈ ગયો હતો. અરજણભાઈની વાડીમાં ખેતીકામમાં મદદ કરવાનું કામ સ્વીકારી લીધું. સવારથી સાંજ સુધી કામ કરવામાં તે થાક્યો નહીં.
ખેતરમાં હરિયાળી જોઈને તેણે ફરીવાર રંગોની દુનિયા જીવંત બનાવી. ખેતી કામમાંથી સમય મળતા ચંદ્રકાન્ત રંગોની દુનિયામાં ખોવાઈ જતો.
આર્થિક ચિંતા હળવી થવા માંડી હતી. તેના ચિત્રોના વખાણ સરપંચે કર્યા હતાં તે શબ્દોથી ચંદ્રકાન્તને થોડી ઘરપત મળેલી.
કપરા સંજોગોમાં પહોંચી વળવા તેણે ખરા દિલથી માતાની સેવા અને ચિત્ર પ્રવૃત્તિ આદરી દીધી.
અઢાર વર્ષની જુવાન વયે આનંદ કરવાને બદલે દીકરાને મંજૂરી કરતો જોઈ માતા છાનાખૂણે રડી લેતી.
દિવસો સુધર્યા હતા. ચંદ્રકાન્ત ખેતરમાં ખુશખુશાલ દેખાતો હતો. સાંજ પડી ગઈ હતી. ઘેર આવતા મોડું થઈ ગયેલું. ઘર પણ દૂર હતું. તે ઘર તરફ આવતો હતો ત્યાં જ તેને પાડોશીનો છોકરો મળ્યો. હાંફતા-હાંફતા તેણે કહ્યું. 'ચંદ્રકાન્તભાઈ, તમારી બા કૂવે પાણી ભરવા ગયાં ત્યાં પડી ગયાં. તમે જલદી...' છોકરો હાંફતો હતો. ચંદ્રકાન્ત દોડયો. માનું પ્રાણ પ્રખેરૂ ઉડી ગયું. ચંદ્રકાન્તનું રૂદન ગામ લોકોને પણ પીગળાવી ગયેલું.
મા-બાપની ખોટને ભૂલવા, ખાલીપો દૂર કરવા ધીમે-ધીમે પોતાનું કામ શરૂ કર્યું.
જોગાનુજોગ ચંદ્રકાન્તને ગામના એક આગેવાનના પુત્ર સાથે શહેરમાં જવાની તક મળી.
શહેરમાં નાની એવી રૂમ ભાડે રાખી. ધીમે ધીમે ચંદ્રકાન્ત શહેરથી પરિચિત થતો હતો. તેમના માર્ગદર્શનથી અને મદદથી ચંદ્રકાન્તના ચિત્રોનું પ્રદર્શન ભરાયું. લોકોને તો પોટ્રેટ ખુબ ગમ્યાં.
ચિત્રકાર જોષીએ ચિત્ર પ્રદર્શન દરમ્યાન શહેરના બીજા પોર્ટેઈટ આર્ટિસ્ટ અંબરનો પરિચય કરાવ્યો. અંબરને ચંદ્રકાન્ત સાથે ઘણી મજા આવેલી અંબર ચંદ્રકાન્તથી પ્રભાવિત થયેલો. બંને નિયમિત મળતા. ચંદ્રકાન્તના પોટ્રેઈટ જેટલા ટૂંકાગાળામાં વેચાયેલા હતા એની તુલાનામાં અંબર ઘણો પાછળ હતો.
એક ડેમોન્સ્ટ્રેશન-શોમાં ચંદ્રકાન્તે કોલેજની એક સુંદર છોકરીનું પોટ્રેઈટ બનાવેલું. છોકરી પોતાનું આબેહૂબ પોટ્રેઈટ જોઈ તેના પર મુગ્ધ થઈ ગયેલી.
'આપે તો કમાલ કરી નાખી ! મારે જોઈતો હતો એવો જ પોટ્રેઈટ આપે બનાવી આપ્યો છે. આપને શું પેમેન્ટ આપવાનું છે ?'
રાધિકા ચંદ્રકાન્તની કલાને બિરદાવ્યાં વિના રહી ન શકી.
'પ્લીઝ, આપનું શુભ નામ કહેશો મેડમ !' ચંદ્રકાન્તે રાધિકા સામે વિવેક પ્રગટ કર્યો.
'આપનું નામ તો બહુ જ સાંભળ્યું છે. મારું નામ રાધિકા ! આપે પેમેન્ટ વિષે કાંઈ કહ્યું નહીં ?'
રાધિકાએ પોટ્રેઈટના પેમેન્ટ માટે ફરીવાર પ્રશ્ન કર્યો.
'રાધિકાજી, આપનું પોટ્રેઈટ મેં દિલથી બનાવ્યું છે, મગજથી નહીં. દિલથી કરેલા સર્જનનું મૂલ્ય અમૂલ્ય હોય છે !'
ટૂંકમાં, ચંદ્રકાન્ત રાધિકામાં ખોવાઈ ગયો હતો. આજ સુધી તેણે આવી સુંદર છોકરી જોઈ જ ન હતી. રાધિકા પણ ચંદ્રકાન્ત પર ફીદા થઈ ગયેલી.
રાધિકાએ તેને પોતાના ઘરે આવવા નિમંત્રણ આપ્યું અને પોતાના પપ્પાનું સરસ પોટ્રેઈટ બનાવી આપવા વિનંતી કરી.
ચંદ્રકાન્તના પોટ્રોઈટ જોઈ રાધિકાના પપ્પા ખુશ થઈ ગયાં.
'ચંદ્રકાન્ત, તમારા જેવા કલાકારોની તો કિંમત થવી જોઈએ.'
ચંદ્રકાન્ત રાધિકાના પપ્પાનું પોટ્રેઈટ બનાવવામાં મગ્ન થઈ ગયો હતો. રાધિકા ચંદ્રકાન્તને જોવામાં મગ્ન હતી. ચંદ્રકાન્ત પણ રાધિકાને કાયરેય જોઈને ધીમું હસી લેતો હતો. રાધિકાના પપ્પા તો તેનું પોટ્રેઈટ જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયેલાં.
'પપ્પા, તમે તેના બહુ વખાણ ન કરો, નહીં તો તે પરદેશ ચાલ્યો જશે !' તે નિખાલસતાથી વાત કરતો હતો.
'ચંદ્રકાન્ત, તારું આવું ભર્યું-ભર્યું જીવન હોવા છતાં તને ખાલીપો લાગે છે ?' ચંદ્રકાન્તને જે જવાબની જરૂર હતી તે મળી ગયો.
પછી તો ચંદ્રકાન્ત અને રાધિકા અવારનવાર તળાવમાં બોટિંગ કરતા હતાં.
'રાધિકા, હું મા-બાપ વિનાનો ગરીબ માણસ અને તું લાખોપતિ બાપની છોકરી. મારી સાથે ફરતા તારૂં અને તારા ફેમિલિનું સ્ટેટસ ઘવાતું નથી ને ?'
ચંદ્રકાન્તે પ્રશ્ન કર્યો.
'ચંદ્રકાન્ત તું આવું શા માટે વિચારે છે ? આપણી નિખાલસતા જ પવિત્રતા છે, પછી મને સમાજની કે સ્ટેટસની પરવા નથી.'
રાધિકાના વિશ્વાસથી ચંદ્રકાન્તના દિલમાં ખુશી પ્રસરેલી.
ખુશખુશાલ થઈ ઘરે ગયો ત્યારે આફ્રિકાથી આવેલા શેઠ નરોતમદાસે ચંદ્રકાન્તને પૂછ્યું ઃ
'આપ ચંદ્રકાન્ત ?'
'અમે આફ્રિકામાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવાના છીએ. અમારે ભારતના સંતો - મહંતો અને દેવ દેવીઓના પોટ્રેઈટ બનાવવાના છે. આપણું એક પોટ્રેઈટ મેં આફ્રિકામાં જોયેલું અમને સૌને બહુ ગમ્યું હતું.'
આપને મારી સાથે આવવાનું છે અને પોટ્રેઈટ બનાવવાનું જે પેમેન્ટ થાય, તે પેમેન્ટ ઉપરાંત રહેવા - જમવાની આવવા - જવાની વ્યવસ્થા આપવામાં આવશે.
શેઠ નરોતમદાસે ચંદ્રકાન્તને આફ્રિકા આવવા આમંત્રણ આપ્યું. તેણે શેઠને હા-નાનો જવાબ ન આપ્યો પણ બે દિવસ પછી મળવાનું કહ્યું. ચંદ્રકાન્ત માટે તો રાધિકા જ સર્વસ્વ હતી. તેણે રાધિકાના પપ્પાને આફ્રિકા જવાની વાત કરી તેઓ ખુશ પણ રાધિકા નાખુશ દેખાતી હતી.
પિતાએ રાધિકાને સમજાવી. ચંદ્રકાન્તના ઉજળા ભવિષ્ય માટે રાધિકાએ ચંદ્રકાન્તને આફ્રિકા જવા માટે અનુજ્ઞાા આપી. ચંદ્રકાન્તે તેના પોટ્રેઈટ અંબરને સાચવવા આપ્યાં. અંબરે ચિંતામુક્ત રહેવા કહ્યું.
જિંદગીમાં પહેલી જ વાર વિમાનમાં બેસી મુસાફરી કરતાં ચંદ્રકાન્તની છાતી ગજ-ગજ ફૂલતી હતી. તેની આંખમાં હર્ષનાં આંસુ હતા. તેને માતા-પિતાની યાદ આવતી હતી. રાધિકાનો ચહેરો નજર સામે તરવરતો હતો. વાતાવરણમાં ધીરે-ધીરે પલ્ટો આવ્યો.
આફ્રિકા નજીક આવતું હતું. તેમ વાતાવરણ ભયંકર બનતું હતું. સર્વત્ર ધોધમાર વરસાદ. કાંઈ દેખાતુ ન હતું. વિમાનના પાયલોટે વિમાનને યોગ્ય દિશામાં લઈ જવા ઘણા પ્રયત્નો કર્યા છતાં વિમાન જોરદાર ઘડાકા સાથે નીચે પડયું. સળગતા વિમાનમાંથી ચંદ્રકાન્ત અને નરોતમદાસનો આબાદ બચાવ થઈ ગયો.
છ મહિનાને બદલે પોટ્રેઈટ બનાવવામાં એક વર્ષ જેવો સમયગાળો પસાર થઈ ગયો. આફ્રિકામાં રહેતા ભારતીય લોકોની વચ્ચે ચંદ્રકાન્તને ખૂબ જ લાગણી મળી હતી. તે પોતાના વતન ભારતમાં છે એવી અનુભૂતિ થયેલી.
પોટ્રેઈટનું કામ તેણે ખૂબ જ સુંદર રીતે કર્યું. તેને કમાણી પણ સારી એવી થઈ ગઈ હતી. ગુજરાતી સમાજે ચંદ્રકાન્તને વિદાય આપી ત્યારે લાગણીસભર દ્રશ્ય સર્જાયેલું.
વિમાન ઉપડયું ત્યારે તેને ફાળ પડી કે ફરીવાર અકસ્માત ? શહેર નજીક આવી ગયું. તેનું હૈયું હરખવા લાગ્યું. વિમાને ઉતરાણ કર્યું. બધી વિધિ આટોપી તે એકદમ એરપોર્ટની બહાર નીકળ્યો. તે ટેક્સીમાં ક્યારે બેસી ગયો તેની પણ ખબર જ ન રહી. જે જલ્દી રાધિકાને મળી કહેવા માગતો હતો કે હું ઘણા રૂપિયા કમાઈ આવ્યો. ટેકસીમાં બેઠાં બેઠાં તે પોતાના શહેરને ધારી-ધારીને
જોઈ રહ્યો.
રસ્તામાં આવતા હોર્ડિંગ પર તેની નજર ગઈ. તેણે ટેક્સી ઊભી રખાવી. હોર્ડિંગ વાંચી ચંદ્રકાન્ત ખુશ થયો. અંબરના પોટ્રેઈટ-શોના સ્થળે જ ટેક્સીવાળાને ટેક્સી લઈ જવા કહ્યું. તે હરખાતો હતો. મિત્રના પોટ્રેઈટ જોવા તેનું મન આતુર હતું.
આર્ટ ગેલેરીમાં ભાવકોની ભીડ. ચંદ્રકાન્તનું આગમન થયું. ભાવકોમાં ચર્ચા ઃ ''આ ચિત્રો તો 'ચિત્રકાર' ચંદ્રકાન્તના છે. ચંદ્રકાન્તના પોટ્રેઈટની ચોરી ?''


