ક્રિકેટમાં જીતવા માટે બેટિંગ, ફિલ્ડિંગ અને બોલિંગ એમ ત્રણેય ઉચ્ચ કક્ષાના હોવા જરૂરી છે. આ સાથે ટીમવર્ક અને કેપ્ટનશીપ પણ અગત્યના છે.
ક્રિકેટમાં હવે નવી નવી ટેકનીક અપનાવી સફળતાની કોશીશ કરવામાં આવે છે. બેટસમેન રિવર્સ સ્ટ્રોક મારે છે. તો બોલર પણ રિવર્સ સ્વીંગ કરે છે.
શરૂઆતમાં પરંપરાગત રીતે પહેલાં બોલર સીમની ઉપર બન્ને આંગળીઓ સાથે રાખી બોલિંગ કરતો હતો. સીમની દિશા સ્લીપ કે ફાઇન લેગ તરફ રહેતી હતી.
હવે 'વોબલ સીમ' ટેકનીકમાં બોલર સીમની ઉપર બન્ને આંગળીઓને વધુ પહોળી રાખે છે અને વર્ટિકલી બેટસમેન તરફ નિશાન લઈ પકડે છે. બોલરની કેટલીક ડિલીવરી સીધી રહે છે. કેટલીક ઓફ તરફ તો કેટલીક લેગ તરફ પીચ પડીને ફંટાય છે. આને કારણે બેટસમેનને નક્કી કરતાં તકલીફ પડે છે. એની બોલની દિશાની કલ્પના ખોટી પડે તો એ આઉટ થઈ શકે છે.
બોલની ગમે તે દિશા પકડવાની આ ટેકનીક 'વૉબલ સીમ' તરીકે ઓળખાય છે આમ તો એ ઇંગ્લેન્ડમાં ૧૯૯૦ થી પ્રચલીત છે પરંતુ ભારતે ઇંગ્લેન્ડ સામે એનો ભરપુર ઉપયોગ કર્યો.
૨૦૨૫માં રમાયેલી ૨-૨ થી ડ્રો થયેલી આ શ્રેણીની અંતિમ મેચમાં સિરાજે વૉબલ સીમનો ઉપયોગ કરી પાંચ વિકેટ ખેરવી લીધી હતી. ઘાસવાળી ભેજ સાથેની પીચ પર વોબલીંગનો લાભ ખૂબ મળે છે. તેમાયે બૉલની સ્પીડ તોફાની હોય તો બેટસમેન માટે રમવું મુશ્કેલ બને છે.
આ વૉબલ સીમ (ટાંકાઓ) નું વિજ્ઞાાન અને મિકેનિકસ સમજવા જેવા છે. વૉબલ સીમ માટે હવા અને પીચની સપાટી અગત્યના છે. હવામાં ડાબે જમણે ડોલતો સીમ પોતાની આસપાસ અતિસૂક્ષ્મ 'ટરબ્યુલન્સ' પેદા કરે છે. આને કારણે એની દિશા પરંપરાગત ડિલિવરી જેવી હોતી નથી. આ ડોલતો બોલ (સે સીમ) પડીને ગમે તેમ ફંટાય છે. ક્યારેક બહાર, ક્યારેક સીધો તો ક્યારેક અંદર...!
તમને યાદ હોય તો ઇંગ્લેન્ડ સામે સિરાજે ઓલી પોપ, હેરી બુ્રક અને જો રૂટને વૉબલ સીમથી આઉટ કર્યા હતા...! ભાતની ૨૦૨૫ની પાંચ મેચની શ્રેણીમાં વોબલ સીમે જ ભારતનાં પેસરોની અને ભારતની લાજ રાખી હતી.
૨૦૦૦ થી ૨૦૧૦ ની વચ્ચે દક્ષિણ આફ્રિકાના શોન પોલોકે આ વોબલ સીમનો ભરપુર ઉપયોગ કરી અનેકની વિકેટ ખેરવી હતી. સફેદ અને લાલ બોલ સાથે વોબલ સીમનો ટ્રેન્ડ બોલરોમાં પ્રિય બની રહ્યો છે. અને હા, બોલને રિલીઝ કરતી વખતે તમારો અંગુઠો બોલની નીચે સેન્ટરમાં હોવો જોઈએ તો જ બોલ બતકની જેમ ડાલમડોલમ કરતો આગળ વધશે અને બેટસમેનને ગોથા ખવડાવી દેશે... !!


