ચેતનાની ઉચ્ચતર સ્થિતિમાં ઉદ્ભવતા યોગસિદ્ધિના અકલ્પ્ય ચમત્કારો
- અગોચર વિશ્વ : દેવેશ મહેતા
- 'આ યોગની શક્તિ છે. યોગ એક વિજ્ઞાાન છે. યોગ સિદ્ધિ પ્રાપ્ત કરનાર યોગીઓ આવો ચમત્કાર આ વિજ્ઞાાનનું સમર્થન કરાવવા અને લોકકલ્યાણ માટે જ કરતા હોય છે...'
યોગી પુરુષો અનેક પ્રકારની દૈવી શક્તિ ધરાવતા હોય છે. અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિતા અને વશિતા એ યોગશાસ્ત્રોએ દર્શાવેલી અષ્ટ સિદ્ધિઓ છે. યોગી 'અણિમા' સિદ્ધિ દ્વારા અણુ-પરમાણુ જેવું સૂક્ષ્મ રૂપ ધારણ કરી શકે છે. તે 'મહિમા' સિધ્ધિ દ્વારા મહિમ એટલે કે મોટું રૂપ ધારણ કરી શકે છે. 'ગરિમા' સિદ્ધિ થકી યોગી પોતાના સ્વરૂપને અત્યંત ભારે, વજનદાર બનાવી શકે છે. 'લઘિમા' સિદ્ધિ દ્વારા તે અત્યંત નાનું અને વજનમાં હળવું રૂપ એક સાથે બનાવી દે છે. 'પ્રાપ્તિ' નામની સિધ્ધિ દ્વારા તે નજીકની કે દૂરની કોઈપણ વસ્તુને પ્રાપ્ત કરી શકે છે. 'પ્રાકામ્ય' સિધ્ધિ દ્વારા તે પ્રબળ ઈચ્છાશક્તિ ઉત્પન્ન કરી શકે છે અને એ ઈચ્છા - સંકલ્પ કે વિચાર પ્રમાણે ઘટનાને આકાર આપી શકે છે. એટલે કે તે જેમ ઈચ્છે તેમ ક્રિયા કે ઘટના બને છે. ઈશિતા કે ઈશિત્વ સિદ્ધિથી યોગી અમુક અંશે સર્વશક્તિમાન પણું, સર્વવ્યાપીપણું અને સર્વજ્ઞાપણું એવા ઈશ્વરત્વના ગુણધર્મો ઉત્પન્ન કરી શકે છે. વશિતા કે વશિત્વની સિદ્ધિ દ્વારા તે ઈશ્વરીય આકર્ષણ શક્તિ ઉત્પન્ન કરી સર્વને પોતાના વશમાં રાખી શકે છે.
'લિવિંગ વિથ ધ હિમાલયન માસ્ટર્સ'ના લેખક, સ્વામી રામ હિમાલયન ઈન્સ્ટિટયૂટના સ્થાપક એવા મહાન યોગી સ્વામી રામ ૧૯૪૨માં બદ્રીનાથની યાત્રાએ નીકળ્યા ત્યારે તેના માર્ગમાં આવેલા શ્રીનગરથી પાંચ માઈલ દૂર આવેલા એક શક્તિ મંદિરથી બે માઇલ નીચે આવેલી એક ગુફામાં રહેતા અઘોરી સાધુ અને તાંત્રિક યોગીને મળવા ગયા હતા. સ્વામી રામ સાથે તે વખતે ત્યાંના એક વિદ્વાન પંડિત પણ ઉપસ્થિત હતા. અઘોરી યોગીએ તેમને યોગશક્તિથી તત્ક્ષણ કરાતો પદાર્થ પરિવર્તનનો ચમત્કાર પ્રત્યક્ષ કરી બતાવ્યો હતો. અઘોરીએ તે બધા બેઠા હતા ત્યાંથી ખડકનો એક ટુકડો ઉઠાવ્યો અને બધાને તે જોવા-ચાખવા કહ્યું હતું. તેમણે તેનો ભાગ જીભ પર મૂક્યો તો તે પથ્થરનો જ સ્વાદ ધરાવતો હતો. તેનો રંગ પણ પથ્થરના ખડકનો રંગ હતો એવો જ હતો. પછી તે અઘોરી યોગીએ એના પર પોતાની આંગળી મૂકી કોઈ મંત્રોચ્ચાર કર્યો હતો. પળભરમાં તે ખડકનો ટુકડાના રૂપ-રંગ-રસ બદલાઈ ગયા હતા. તેમણે જોયું તો તે સાકરનો ગાંગડો બની ગયો હતો. તેમણે તેનો થોડો ભાગ ચાખ્યો તો તે સફેદ રંગની સાકર ગળી સાકર બની ગયો હતો.
સ્વામી રામને મનમાં એવો વિચાર આવ્યો કે આમાં કોઈ હાથચાલાકી, દ્રષ્ટિ ભ્રમ કે સંમોહન જેવું તો નહીં હોય ને ? અઘોરીએ એમના વિચારો જાણી લીધા એટલે તેણે સ્વામી રામને કહ્યું - 'એવું હોય તો હવે તમે પોતે થોડી રેતી લઈ આવો' સ્વામી રામ થોડી રેતી લઈ આવ્યા. તે અઘોરી યોગીએ સ્વામી રામને તે રેતીના કણોને સ્પર્શ કરવાનું કહ્યું. અઘોરી તો દૂર જ ઊભો રહ્યો હતો એટલે કે હાથચાલાકી કરે એવી સંભાવના નહોતી. પછી તેણે આછો, ધીમો મંત્રોચ્ચાર કરી ધ્યાન કર્યું. બે-ચાર પળો માંડ વીતી હશે ત્યાં સ્વામી રામે જોયું તો રેતીના કણોનું રૂપ બદલાવા માંડયું હતું. પળભરમાં તો તે રેતીના કણો કાજુ અને બદામ બની ગયા હતા. તેમણે બધાએ એ ખાધા પણ હતા. કાજુનો સ્વાદ અસલ કાજુ જેવો જ અને બદામનો સ્વાદ પણ બદામ જેવો જ હતો. કોઈ માની ના શકે કે થોડી પળો પહેલાં એ રેતીના કણો હતા. આ ચમત્કાર પણ થોડીવાર પૂરતું કરાયેલું સંમોહન (હિપ્નોટિઝમ) નથી તે પૂરવાર કરવા વધેલાં કાજુ-બદામ તેમને તેમની સાથે લઈ જવા આપી પણ દીધા હતા.
અઘોરીએ સ્વામી રામને આ પ્રસંગે સમજાવ્યું હતું - 'આ યોગની શક્તિ છે. યોગ એક વિજ્ઞાાન છે. યોગ સિદ્ધિ પ્રાપ્ત કરનાર યોગીઓ આવો ચમત્કાર આ વિજ્ઞાાનનું સમર્થન કરાવવા અને લોકકલ્યાણ માટે જ કરતા હોય છે. પદાર્થ અને ઊર્જાનું નિયમન કરે છે તે ચેતના એક જ અને સમાન છે. પ્રાચીન યોગશાસ્ત્રીએ ચેતનાની રહસ્યમય શક્તિઓ વિશે સમજાવ્યું છે અને એના થકી યોગીઓએ એને નિયંત્રણમાં લેવાની ક્ષમતા પ્રાપ્ત કરી છે. આધુનિક વિજ્ઞાાનીઓ હજુ તેને પૂરેપૂરી સમજી શક્યા નથી. આત્મ-ચેતનાના સિદ્ધાંત પર કામ કરતું યોગ-વિજ્ઞાાન સાધારણ રીતે જેને અસંભવ માને છે તેને તે સંભવ કરી શકે છે.'
ભારતના મહાન યોગી વિશુદ્ધાનંદજી સૂર્ય વિજ્ઞાાનથી પદાર્થ પરિવર્તન કરી બતાવતા હતા. ક્વિન્સ કોલેજના પ્રાધ્યાપક અભયચરણ સાંન્યાલની ઉપસ્થિતિમાં પરમહંસ વિશુદ્ધાનંદજીએ સૂર્ય વિજ્ઞાાનનો ઉપયોગ કરી લેન્સ દ્વારા રૂ ઉપર સૂર્ય રશ્મિઓ ફેંકીને તેને લાકડાના રૂપમાં પરિવર્તિત કરી દીધી હતી. એનું પુનઃ પરિવર્તન કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે એ લાકડા પર સૂર્યની રશ્મિઓ પ્રક્ષિપ્ત કરીને એને પથ્થર બનાવી દીધું હતું. તેમણે એ પથ્થર અભયચરણ સાંન્યાલને આપી દીધો હતો. તેમણે તે ભૌતિક વિજ્ઞાાનની લેબોરેટરીમાં એ જાતે જ ચકાસ્યો હતો જે પથ્થરના પારમાણ્વિક ગુણધર્મોવાળો જ સાબિત થયો હતો. એમાં લાકડાના કે રૂ ના કોઈ ગુણધર્મો જોવા મળ્યા નહોતા.
પરમહંસ વિશુદ્ધાનંદજીએ આ રીતે સૂર્યવિજ્ઞાાનથી એક ફૂલને જુદા જુદા ફૂલ તરીકે રૂપાંતરિત કરી બતાવ્યું હતું. એટલું જ નહીં, એક ફૂલ પર જુદી જુદી સૂર્ય રશ્મિઓ (સૂર્ય કિરણો) પાડીને એમાં જ જુદા જુદા ફૂલની પાંખડીઓ ઉત્પન્ન કરી બતાવી હતી. એક જ ફૂલમાં ગુલાબની, જૂઈની, કમળની અને ચંપાની પાંખડીઓ પ્રગટ કર્યા બાદ એમાં થોડો ભાગ પથ્થરનો પણ કરી બતાવ્યો હતો. આ રીતે કેટલીય ખાવા-પીવાની વસ્તુઓ, ફળફળાદિ, હીરા-મોતી, સોનાનાં અલંકારો, જે કહેવામાં આવે તે વસ્તુ રૂપે ગમે તે વસ્તુમાંથી પરિવર્તન કરી બતાવ્યું હતું. વિખ્યાત બ્રિટિશ પત્રકાર, લેખક પોલ બ્રન્ટને તેમની આ યોગસિદ્ધિઓ નિહાળી હતી. ૧૯૬૪માં જેમને સાહિત્ય અકાદમીનો એવોર્ડ અપાયો હતો તે યોગ અને તંત્ર સાહિત્યના અતિ વિદ્વાન સ્કોલર પંડિત ગોપીનાથ કવિરાજ એમના શિષ્ય હતા અને તેમણે પણ પરમહંસ વિશુદ્ધાનંદજીની સિદ્ધિઓ અનેકવાર જોઈ હતી. એકવાર એક વ્યક્તિએ એણે લખેલો પત્ર બાળી એની રાખ કરી તે રાખ વિશુદ્ધાનંદજીને આપી ત્યારે તેમણે તેમની યોગસિદ્ધિથી એ રાખમાંથી ફરી કાગળ ઉત્પન્ન કરી બતાવ્યો હતો. અત્યંત વિસ્મય ઉપજાવે એવી બાબત એ હતી કે તે કાગળ પર જે મૂળ લખાણ હતું તે અક્ષરશઃ એ જ હતું અને તે એ લખનાર વ્યક્તિના પોતાના હસ્તાક્ષરમાં જ પુનઃ પ્રગટ થયું હતું. પંડિત ગોપીનાથ કવિરાજે લખ્યું છે - 'પરમહંસ વિશુદ્ધાનંદજીનું યોગ-પ્રક્રિયા આધારિત સૂર્ય વિજ્ઞાાન પશ્ચિમનું જડ વિજ્ઞાાન નથી. આ ભારતનું આત્મશક્તિ આધારિત ચેતનાનું વિજ્ઞાાન છે.'