રાજ્ય પ્રમાણે કેન્દ્ર સરકાર જુદી જુદી કેટેગરીમાં ક્રમ આપે છે એમાં પહેલો નંબર ઉત્તર પ્રદેશના ટેબ્લોને મળ્યો હતો. મહાકુંભ ૨૦૨૫ - સ્વર્ણિક ભારત : વિરાસત ઓર વિકાસ. એવા નામથી ઉત્તર પ્રદેશના ટેબ્લોમાં મહાકુંભની થીમ રજૂ થઈ હતી. આ વર્ષે ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબુ્રઆરી દરમિયાન મહાકુંભ મેળો યોજાયો હતો. રિપબ્લિકન ડે પરેડ અગાઉ મહાકુંભ શરૂ થઈ ચૂક્યો હતો અને દેશભરમાં તેનો માહોલ હતો. ગ્લોબલ મીડિયાએ પણ આ મહાકુંભ મેળાને દુનિયાનો સૌથી મોટો ધાર્મિક ઉત્સવ ગણાવ્યો હતો. ૧૨ વર્ષે આવતા મહાકુંભમાં આ વર્ષે કરોડો લોકોએ ભાગ લીધો હતો અને તેનો પણ નવો રેકોર્ડ બન્યો હતો. ટેબ્લોમાં મહાકુંભની પ્રાચીન પરંપરા રજૂ થઈ હતી. સાગરમંથનની દેવો-દાનવોની કથા ટેબ્લોમાં વણી લેવામાં આવી હતી. સાગરમંથન પછી અમૃતકુંભમાંથી જે ચાર સ્થળોએ અમીછાંટણાં થયા ત્યાં મહાકુંભ યોજાય છે એની વાત ટેબ્લોમાં કળાત્મક રીતે રજૂ થઈ હતી.
રિપબ્લિક પરેડમાં ગુજરાત 12મી સદીની વિરાસત, 21 સદીનો વિકાસ
૨૦૨૫માં રિપબ્લિક પરેડમાં ટેબ્લો માટે થીમ હતી - સ્વર્ણિમ ભારત : વિરાસત ઓર વિકાસ. એમાં ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઈસમાં પ્રથમ એવોર્ડ મેળવ્યો હતો. ગુજરાતના ટેબ્લોમાં ૧૨મી સદીના સોલંકીયુગના કીર્તિ તોરણથી લઈને ૨૧મી સદીના સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની ઓળખોને સ્થાન આપવામાં આવ્યું હતું. કચ્છી ભરતકામ, પીઠોરા પેઈન્ટિંગ્સ, અટલ બ્રિજ, ડિફેન્સ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર્સ જેવી ગુજરાતની ઓળખ બની રહેલી બાબતો પણ ટેબ્લોમાં સમાવાઈ હતી. તેને દેશવાસીઓએ ઓનલાઈન વોટિંગથી પહેલો ક્રમ આપ્યો હતો. સતત ત્રણ વર્ષથી ગુજરાત રિપબ્લિક ડે પરેડમાં પહેલા નંબરે આવે છે. અગાઉ ૨૦૨૪માં ધોરડો દુનિયાનું શ્રેષ્ઠ પ્રવાસન ગામ - એ થીમ પર બનેલા ટેબ્લોને પીપલ્સ ચોઈસમાં પહેલો ક્રમ મળ્યો હતો. ૨૦૨૩માં ગુજરાતની ગ્રીન એનર્જીની થીમને પણ વોટિંગ કરીને દેશવાસીઓએ અવ્વલ ક્રમ આપ્યો હતો.
સાધારણ દેખાતી તસવીરમાં અસાધારણ બાબત છે ફીલિંગ્સ
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી પછી ઈમિગ્રેશનની પૉલિસી બદલાઈ ગઈ. કેટલાય લોકોને સકારણ તો કેટલાયને અકારણ ઈમિગ્રેસનના નામે પરેશાન કરવાનું શરૂ થયું. આ તસવીરમાં દેખાતી મહિલાના પતિને ઈમિગ્રેશન વિભાગનો એજન્ટ પકડીને પૂછપરછ માટે લઈ ગયો હતો. તે વખતે મહિલા માટે કપરી સ્થિતિ હતી. ન્યૂયોર્કની બહાર આવેલી ઈમિગ્રેશન વિભાગની બિલ્ડિંગની બહાર મહિલા શું થશે અને શું નહીં થાય એ વિચારે રડી રહી હતી. મમ્મીને રડતી જોઈને બાળકી પણ ધુ્રસકે ચડી હતી. એ બંનેને રડતાં જોઈને સંવેદનશીલ સુરક્ષાગાર્ડની આંખ પણ ભીંજાઈ ગઈ હતી. અમેરિકામાં આ તસવીર ખૂબ વાયરલ થઈ હતી. લોકોએ કહ્યું કે એક સાધારણ સુરક્ષાાગાર્ડ કશું કરી શકે તેમ નથી. એને કંઈ કરવાની જરૂર પણ નથી. પણ લાગણીથી નીતરતું એનું હૈયું અસાધારણ છે. કોઈના દુખમાં દુખી થવાની તેની ભાવના લોકોને સ્પર્શી ગઈ હતી.
આ ફોટોનો સરવાળો ૧.૧ ટ્રિલિયન ડોલર
૨૦મી જાન્યુઆરી-૨૦૨૫ના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા એમાં દુનિયાના ટોચના બિઝનેસમેનને આમંત્રણ અપાયું હતું. આ ફ્રેમમાં દેખાય છે એ લોકોના હાથમાં દુનિયાની ટોચની ટેકનોલોજી કંપનીઓ છે. (ડાબેથી) પ્રિશિલા ઝુકબર્ગ અને માર્ક ઝુકરબર્ગ છે. ઝુકરબર્ગ મેટાના સીઈઓ છે અને મેટા ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, થ્રેડ્સ, વોટ્સએપની માલિકી ધરાવે છે. ઝકરબર્ગ ૨૩૬ અબજ ડોલરના માલિક છે. તેમની બાજુમાં લોરેન બેઝોસ અને જેફ બેઝોસ છે. જેફ એમેઝોન, બ્લૂ ઓરિજિન, વોશિંગ્ટન પોસ્ટના માલિક છે. તેમની સંપત્તિ ૨૫૫ અબજ ડોલર છે. તેમની બાજુમાં સુંદર પિચાઈ છે. તેઓ ગૂગલના સીઈઓ છે. તેમની સંપત્તિ ૧.૧ અબજ ડોલર છે. સંપત્તિ આ ધનપતિઓની સરખામણીએ ભલે ઓછી છે, પરંતુ સુંદર પિચાઈ પાવરફુલ ટેકનોક્રેટ છે. ગૂગલે તેમના નેતૃત્વમાં એઆઈ ટેકનોલોજીમાં ચેટજીપીટીને ટક્કર આપી છે. સુંદર પિચાઈની બાજુમાં સૌથી છેલ્લે છે ઈલોન મસ્ક. ટ્રમ્પના વિજય પાછળ મસ્કની ચાવીરૂપ ભૂમિકા હતી, પણ પછી ગણતરીના મહિનાઓમાં જ ટ્રમ્પ સાથે મતભેદો થયા. ટેસ્લા, સ્પેસએક્સ, ગ્રોક, ન્યૂરાલિંક કંપનીઓના સ્થાપક અને એક્સ પ્લેટફોર્મના માલિક મસ્કની સંપત્તિ ૭૦૦ અબજ ડોલરની હોવાનો અંદાજ છે. આ તમામ ધનવાનોની સંપત્તિનો સરવાળો ૧.૧ ટ્રિલિયન ડોલરથી પણ વધારે થાય છે. દુનિયાની ૧૫૦ દેશોની ઈકોનોમી એક ટ્રિલિયન ડોલરથી ઓછી છે.
જિબલીના ગ્લોબલ ટ્રેન્ડથી કરોડો આર્ટિસ્ટિક ઈમેજ બની
માર્ચ મહિનાના અંતે અને એપ્રિલની શરૂઆતમાં એકાએક ભારત સહિત દુનિયાભરમાં જાપાની આર્ટ સ્ટૂડિયો જિબલી પરથી જિબલી સ્ટાઈલથી એનિમેટેડ ફોટો બનાવવાનો ટ્રેન્ડ ચાલ્યો. અમેરિકાના આઈટી ફીલ્ડમાંથી એઆઈના ઉપયોગથી પહેલી વખત જિબલી ઈમેજ બનાવીને શેર સોશિયલ મીડિયામાં કરવામાં આવી. પછી તો ટ્રેન્ડ એવો જામ્યો કે ચેટજીપીટી, જેમિનાઈ, ગ્રોક જેવા પોપ્યુલર એઆઈ ચેટબોટ્સ રીતસર હાંફીને કહેવા લાગ્યા : 'ખમૈયા કરો! અમે લાખો ઈમેજ બનાવી રહ્યા હોવાથી તમારી ઈમેજ બનાવવામાં સમય લાગશે!' વર્ષના અંતે એઆઈને પ્રોમ્પ્ટ આપીને ફોટો ક્રિએટ કરવાનો નેનોબનાના ટ્રેન્ડ પણ ખૂબ જામ્યો. આ વર્ષે એઆઈથી ઈમેજમાં ઈફેક્ટ્સ આપવાનો ક્રેઝ દુનિયાભરમાં છવાયેલો રહ્યો.
ક્યા સે ક્યા હો ગયા...
સેંકડો વર્ષોથી હિમશીલાઓ અડીખમ છે, પરંતુ આજના માનવીની સતત દખલના કારણે એને પીગળવું પડે છે. હિમશીલાઓ પૃથ્વી પર પર્યાવરણના સંતુલન માટે બેહદ જરૂરી છે. જો એ સતત પીગળતી રહે તો તેની અસર આખીય ઈકો સિસ્ટમ પર પડયા વગર રહેશે નહીં. પૃથ્વીનો ૧૦ ટકા ભાગ ગ્લેશિયર કવર કરે છે, પરંતુ ક્લાઈમેટ ચેન્જ, વધતું જતું તાપમાન, પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન જેવા કેટલાય પરિબળોની અસર હિમશીલાઓ, હિમનદીઓ પર પડી રહી છે. તેના કારણે ૧૯૮૦ પછી હિમશીલાઓ ઝડપભેર પીગળવા માંડી છે. આ ટ્રેન્ડ ચાલશે તો ૨૧૦૦ સુધીમાં અત્યારે જે છે એનાથી ત્રીજા ભાગનો બરફ પીગળી જશે. આ સંભવિત ખતરા સામે ગ્લેશિયર બચાવવાના અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. આ તસવીર સ્વીટ્ઝર્લેન્ડની છે. ગોમ્સ નજીક વિખ્યાત રોન ગ્લેશિયરને બચાવવા માટે એક્સપર્ટ્સે તેના પર ચાદર બિછાવી દીધી છે. એક જમાનામાં સોડા અને ગોલાના વેપારીઓ બરફને પીગળતો અટકાવવા માટે ઉપર કપડું ઢાંકી દેતા. આ દેશી ટેકનિકનો ઉપયોગ હવે વિદેશમાં થવા માંડયો છે અને જે હેતુથી થઈ રહ્યો છે એ ચિંતાજનક છે.


