- જ્યાં લોકો સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે છે એ વિસ્તારોને બ્લૂ ઝોન કહેવામાં આવે છે. દુનિયામાં એવા પાંચ બ્લૂ ઝોનને હેલ્થ એક્સપર્ટ્સ માન્યતા આપે છે
માઈકલ પોલિને બ્લૂ ઝોનનો વિચાર આપ્યો
બેલ્જિયમમાં ૧૯૪૭માં જન્મેલા માઈકલ પોલિને ૨૦૦૦ના દશકામાં બ્લૂ ઝોનનો વિચાર દુનિયાને આપ્યો હતો. એ માઈકલ જ હતા, જેમણે સુખી અને દીર્ઘાયુ જીવન જીવતા લોકોનો પ્રથમ બ્લૂ ઝોન ઓળખી કાઢ્યો હતો. માઈકલ મૂળ તો ડેમોગ્રાફર તરીકે કાર્યરત હતા. તેઓ દુનિયાની વસતિને લગતું અને ઈન્ટરનેશનલ માઈગ્રેશનનું કામ કરતા હતા. અલગ અલગ દેશોમાં સ્થાઈ થયેલા લોકોના મૂળ ક્યાંના છે એ જાણતી વખતે જ તેમના ધ્યાનમાં ઈટાલિયન ટાપુમાં લાંબું જીવન જીવતા લોકો આવ્યા હતા. તેમણે ઈટાલીના સાર્ડિનિયા ટાપુને પ્રથમ બ્લૂ ઝોન જાહેર કર્યો હતો અને તેને લગતી થિયરી રજૂ કરી હતી. માઈકલ પોલિનને આ કામમાં જિન્ની પેસ નામના સંશોધકનો પણ સાથ મળ્યો હતો. જોકે, જિન્ની પેસને બ્લૂ ઝોનના રિસર્ચનો જોઈએ એટલો યશ મળ્યો નથી.
ડાન બુટ્ટનરનું બ્લૂ ઝોન પર સંશોધન
અમેરિકન લેખક-સંશોધક ડાન બુટ્ટનર નેશનલ જ્યોગ્રાફિક માટે કામ કરતા હતા. લેખક અને રિસર્ચર તરીકે કામ કરતા ડાન બુટ્ટનરે નેશનલ જ્યોગ્રાફિક માટે લાંબું જીવન જીવતા લોકોના સ્થળો શોધવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. આ કામ ચાલતું હતું એ દરમિયાન દુનિયાનો પ્રથમ બ્લૂ ઝોન શોધી કાઢનારા માઈકલ પોલિન સાથે તેમનો પરિચય થયો હતો. બંને સાથે કામ શરૂ કર્યું અને તેના પરિણામે જાપાનનું ઓકિનાવા, ગ્રીસનું ઈકરિયા અને કોસ્ટા રિકાનું નિકાયા એમ વધુ ત્રણ બ્લૂ ઝોન ઓળખી કાઢવામાં આવ્યા હતા. એ પછી ડાન બુટ્ટનરે જ અમેરિકાના લોમા લિન્ડા નામના સ્થળને બ્લૂ ઝોન તરીકે ઓળખી કાઢ્યું હતું. માઈકલ પોલિને ૨૦૧૯માં ફ્રેન્ચ-કેરેબિયન ટાપુ માર્ટિનિકને પણ બ્લૂ ઝોન ગણાવ્યું હતું. એમ તો ઘણાં સંશોધકો ઈટાલીના ઓગ્લીસ્ટ્રાનો પણ બ્લૂ ઝોનમાં સમાવેશ કરે છે. જોકે, પ્રચલિત રીતે દુનિયાના પાંચ બ્લૂ ઝોનને માન્યતા આપવામાં આવી છે. પાંચમા બ્લૂ ઝોન તરીકે લોમા લિન્ડાને સ્થાન આપવામાં આવે છે. કારણ કે ડાન બુટ્ટનરે પાંચેય સ્થળોએ જે જીવનશૈલીની ૯ બાબતો જુદી તારવી બતાવી છે એ લોમા લિન્ડામાં બંધ બેસે છે.
પ્લાન્ટ બેઝ્ડ ખોરાકમાં લાંબાં આયુષ્યનું રહસ્ય
ડાન બુટ્ટનરે બ્લૂ ઝોન, તેમાં રહેતા લોકોની જીવનશૈલી પર પુસ્તકો લખ્યા છે. એમાં તેમણે લાંબાં આયુષ્યનું રહસ્ય પ્લાન્ટ બેઝ્ડ ખોરાકને ગણાવ્યું હતું. લાંબું આયુષ્ય ભોગવતા બધા લોકોમાં કેટલીય બાબતો કોમન હતી. તેમની જીવનશૈલીમાં શારીરિક હાડમારીને સ્થાન હતું, પરંતુ માનસિક તણાવ નહીંવત હતો. ખોરાકમાં પ્લાન્ટ આધારિત ચીજવસ્તુઓનો સમાવેશ થતો હતો. શાકભાજી, ફળ, જવ, દાળ, સૂકામેવા વગેરેનો સમાવેશ વધારે થતો હતો. બ્લૂ ઝોનના લોકો આયુષ્ય વધારવા માટે નહીં, પરંતુ પરંપરાગત રીતે આ ખોરાક પસંદ કરે છે. વળી, વહેલા ઉઠીને કામે વળગી જવું ને વહેલા કામ પૂરું કરીને પૂરતી ઊંઘ લેવી તે આ લોકોની વિશેષતા છે. દરેક બ્લૂઝોન પર અલગથી પુસ્તકો લખાયા છે અને તે ગ્લોબલ બેસ્ટ સેલર પણ બન્યા છે. જેમ કે જાપાનના ઓકિનાવા પર લખાયેલા પુસ્તક ઈકિગાઈનો અનેક ભાષામાં અનુવાદ થયો છે.
નવા બ્લૂ ઝોનની ઓળખ
ફિનલેન્ડના પશ્વિમી ભાગમાં આવેલા ઓસ્ટ્રોબોથનિયાના લોકો બ્લૂ ઝોનની વ્યાખ્યા પ્રમાણે દીર્ઘાયુ અને નિરોગી જીવન જીવે છે. ફિનલેન્ડની એબો એકેડમી યુનિવર્સિટીના સંશોધકોએ ઉપરોક્ત પાંચેય બ્લૂઝોનની લાઈફસ્ટાઈલનો અભ્યાસ કરીને ઓસ્ટ્રોબોથનિયાના લોકોની જીવનશૈલીનો અભ્યાસ કર્યો હતો. સંશોધનમાં જણાયું કે આ વિસ્તાર પણ બ્લૂ ઝોન કહી શકાય એવો છે. ત્યાંના લોકોના જીવનમાં શારીરિક એક્ટિવિટીનું ખૂબ પ્રાધાન્ય છે, પરંતુ માનસિક સ્ટ્રેસનું લેવલ સાવ ઓછું છે. તેમનો પરંપરાગત ખોરાક પણ પ્લાન્ટ બેઝ્ડ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે બ્લૂ ઝોનના લોકોની જેમ તેમનો જીવન તરફનો અભિગમ ખૂબ હકારાત્મક છે.


