Get The App

જૈન ધર્મમાં સપનાંની સૃષ્ટિ .

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
જૈન ધર્મમાં સપનાંની સૃષ્ટિ                                 . 1 - image


- સ્વપ્નશાસ્ત્ર

- મન વાંચવાનું થર્મોમીટર 

ભગવાન મહાવીરના જન્મ પહેલાં માતા ત્રિશલાએ 14 સપનામાં શું શું જોયું? આ સપનાઓનો ગૂઢ અર્થ શો હતો?

ભ ગવાન મહાવીરના માતા ત્રિશલાને મહાવીર ભગવાનના જન્મ પહેલાં ૧૪ સપનાં આવ્યાં હતાં. આ સઘળાં સપનાં શુભ હતાં. એનું અર્થઘટન સ્પષ્ટ હતું: જે બાળકનો જન્મ થશે તે ખૂબ શક્તિશાળી, શૂરવીર અને ગુણોથી ભરપૂર હશે. તે એક મહાન ધર્મગુરુ અને રાજા બનીને ધર્મનું પુન:સ્થાપન કરશે. બ્રહ્માંડના પ્રાણીઓને મુક્તિની દિશામાં આગળ વધવા માર્ગદર્શન આપશે. આવો, માતા ત્રિશલાને આવેલા પ્રત્યેક સપના વિશે વાત કરીએ. 

૧. હાથી:  આ સ્વપ્નનો સૂચિતાર્થ એ છે કે બાળક (એટલે કે મહાવીર)નો સ્વભાવ દયાળુ હશે. એમનું વ્યક્તિત્વ શ્રેષ્ઠ હશે. સપનામાં માતાએ ચાર દંતશૂળવાળો હાથી જોયો હતો. આ ચાર દાંત ધર્મના ચાર તત્ત્વોનાં પ્રતીક છે - સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા.

૨. ઋષભ: આ સ્વપ્ન દર્શાવે છે કે આવનાર વીર પુત્ર પોતાના જ્ઞાન અને ચારિત્રબળથી વિષય-કષાયરૂપી સંસારના કાદવકીચડમાં ફસાયેલા અનેક જીવોને બહાર કાઢશે. આ ધર્મનિષ્ઠ બાળક આગળ જતાં મહાન ગુરૂ બનશે.

૩. સિંહ: સિંહ વીરતાનું પ્રતીક છે. ત્રિશલામાતાએ સપનામાં સિંહ જોયો તેનો અર્થ એ થયો કે આવનારું બાળક સિંહ જેવું બળવાન હશે. એ સિંહની જેમ પરાક્રમી બનીને શાસનની ધુરા સંભાળશે, નીડર બનીને વિચરણ કરશે.

૪. લક્ષ્મીદેવી: આ સપનું જાણે કે માતા ત્રિશલાને કહેતું હતું કે હે માતા, આપના પુત્ર પાસે અપાર સંપત્તિ અને સમૃદ્ધિ હશે, પણ એ ભૌતિક સુખવૈભવ, લક્ષ્મીનો ત્યાગ કરી શાશ્વતી એવી મોક્ષ લક્ષ્મીને વરશે અને તીર્થંકર બનશે. 

૫. ફૂલોની માળા:  આ સપનાનો ગૂઢાર્થ એ છે કે આવનારું બાળક મોટો થઇ આગાર અને અણગાર ધર્મ સમજાવીને તીર્થની સ્થાપના કરશે, ઉપદેશનો સુગંધ સમગ્ર જગતમાં ફલાશે અને ખૂબ સન્માનિત થશે.

૬. સંપૂર્ણ ચંદ્રમા: ત્રિશલામાતાએ જોયેલા આ સપનાનો અર્થ એ હતો કે એમનું આવનારું સંતાન ચંદ્ર સમાન સૌમ્ય અને શાંતિપ્રિય હશે. એ પોતાના સાથીઓનાં દુ:ખોને હળવા કરશે.

૭. તેજસ્વી સૂર્ય:  આ સપનું એ વાતનો સંકેત આપતો હતો કે આવનારું બાળક પરમ જ્ઞાન થકી જગતમાંથી મિથ્યા તત્ત્વના અને માયાના અંધકાર દૂર કરશે. એ સૂર્ય સમાન તેજસ્વી બનશે. 

૮. સોનેરી ધ્વજ: આ સપનું જાણે કે ત્રિશલામાતાને કહેતું હતું કે તમારું સંતાન ધર્મની ધ્વજા લહેરાવશે. જેમ દૂર લહેરાતી ધજા જોઈને સૌને મંદિરનો ખ્યાલ આવે છે તે રીતે આપના સંતાનની યશ કીત પણ દૂર-સુદૂર ફેલાશે.

૯. કળશ (સિદ્ધ): આ સપનું દર્શાવે છે કે બાળક બધા સર્વગુણસંપન્ન હશે, સંવેદનશીલ હશે. અમૃતના કળશમાંથી જેમ અમૃતપાન કરાવી શકાય છે તેમ આપનો પુત્ર સમગ્ર જગતને જિનવાણી રૂપી જ્ઞાનામૃત પીવડાવશે.

૧૦. પદ્મ સરોવર (તળાવ): આ દર્શાવે છે કે બાળક સાંસારિક બંધનો તોડીને મુક્ત થશે. 

૧૧. મહાસાગર: આ સપનું એ બાબતનું દ્યોતક છે કે બાળક અનંત જ્ઞાન અને મુક્તિ પામશે. હે માતા, તમારો પુત્ર સમુદ્રની જેમ અનેક જીવાત્માનો આધાર અને નાથ બનશે.

૧૨. દિવ્ય વિમાન: વિમાન અહીં સદગતિનું પ્રતીક છે. આ સપનાનો સૂચિતાર્થ એ છે કે આવનારું બાળક અનેક આત્માઓના સદગતિનું નિમિત્ત બનશે અને સ્વયં સિદ્ધ ગતિને વરશે. સ્વયં સ્વર્ગના દેવો તેના ઉપદેશને માન્યતા આપશે.  

૧૩. રત્ન રાશિ: ભૌતિક સમૃદ્ધિને પ્રગટ કરવા માટે જેમ લક્ષ્મીનું મહત્ત્વ છે એવી રીતે આત્મિક ગુણોને પ્રગટ કરવા રત્ન રાશિનું મહત્ત્વ છે. આ સપનું સંદેશો આપે છે કે આવનારું બાળક બાળક અનંત ગુણ અને બુદ્ધિ ધરાવતો હશે.

૧૪. ધૂમાડા વિનાનો અગ્નિ:  આ સપનાનો ગૂઢાર્થ થાય છે કે આવનારું બાળક કર્મોનું દહન કરીને મુક્તિ પામશે. હે માતા, જેવી રીતે અગ્નિ પ્રજ્વલિત થવાથી અંધારું ચાલ્યું જાય છે તેમ આપનો લાડકવાયો કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરીને દુનિયાનો પ્રકાશ પૂંજ અને તારણહાર તીર્થંકર બનશે.

આમ, માતા ત્રિશલાને આવેલાં આ ૧૪ સ્વપ્નો દર્શાવે છે કે મહાવીર ભગવાનનું જીવન ધામક, શિસ્તબદ્ધ અને અધ્યાત્મના રંગે રંગાયેલું હશે અને તેઓ તમામ જીવોને મુક્તિ તરફ લઈ જશે.

Tags :