૮૦ ટકા ગોલ્ડનો ખજાનો હજુ પણ પૃથ્વીના પેટાળમાં પડયો છે. બીજી રીતે કહીએ તો પેટ્રોલિયમ પેદાશોનો અંત આવી જશે, તો પણ સોનાનો ખજાનો ત્યારે ય સાબુત હશે.
૧૯૦૦ની સાલમાં વર્ષે સોનાનું માત્ર ૩૮૬ ટન ઉત્પાદન થયુ હતું. હવે વર્ષે ૨૫૦૦ ટન થાય છે!
પૃથ્વીના પેટાળમાંથી અત્યાર સુધીમાં અલગ અલગ ૯૨ ધાતુઓ મળી આવી છે, જેમાં સોનાનો ૫૮મો નંબર છે.
એશિયાની જ્વેલરી પશ્ચિમના દેશોના દાગીના કરતાં વધુ કીમતી એટલા માટે હોય છે કે આપણે ત્યાં દાગીના બનાવવા માટે વધુ શુદ્ધ સોનું વાપરવામાં આવે છે.
મોટાભાગના પશ્ચિમી રાષ્ટ્રોનાં ચલણમાં ૧૯૬૦ સુધી ઓછાવત્તા અંશે ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો.
કાળાં નાણાં બાબતે બદનામ દેશ સ્વિટ્ઝર્લેન્ડ સોનાને કરન્સીરૂપે વાપરનારો છેલ્લો દેશ છે. ૧૯૯૯ સુધી સ્વિટ્ઝર્લેન્ડના સિક્કાઓમાં સોના મિશ્રિત ધાતુનો ઉપયોગ કરાતો હતો.
કીમિયાગરો આજેય માને છે કે સીસામાંથી સોનું બનાવી શકાય છે અને એ માટેના પ્રયાસો પણ તેઓ કરતા રહે છે. કીમિયાગરોના ઉલ્લેખો પણ સદીઓ જૂના છે. ભારતમાં પણ જૂના ગ્રંથોમાં કીમિયાગરો આ પદ્ધતિ જાણવા હોવાનું નોંધાયું છે. આ કળા ઈજિપ્તમાં બહુ પ્રચલિત છે.
સોનું ક્યારેય ઝાંખું પડતું નથી, પણ તેના પર ખારાશ જેવાં તત્ત્વોનું પડ જામી જતું હોવાથી તે કાળાશ પડતું દેખાય છે. વળી, શુદ્ધ સોનું ક્યારેય ચામડી માટે હાનિકારક હોતું નથી.
સોનું એકમાત્ર એવી ધાતુ છે, જેનો ખોરાકમાં ઉપયોગ કરી શકાય છે અને તેનાથી માણસના શરીરમાં કોઈ જ પ્રકારનું નુકસાન થતું નથી. આ કારણે જ દાંત તૂટી ગયો હોય તો બનાવટી દાંતમાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો શોખથી પણ દાંત પર સોનાનું પડ ચડાવે છે.
જાપાનમાં સિઝુકોઆ ખાતે ટોઈ ગોલ્ડ મ્યૂઝિયમ નામે સોનાનું સંગ્રહાલય આવેલું છે. એ સંગ્રહાલયમાં સોનાની સૌથી મોટી પ્લેટ રાખવામાં આવી છે, જેનું વજન ૨૬૦ કિલોગ્રામ છે. સામાન્ય રીતે આવી કિંમતી ચીજો કાચના દરવાજા પાછળ હોય પરંતુ આ પ્લેટ તો ખુલ્લી રાખવામાં આવી છે. કેમ કે આટલી મોટી પાટ કોણ ઉપાડી જઈ શકે? લોકો તેને અડકી પણ શકે છે!
સોનાના કુલ જથ્થા પૈકી ૫૨ ટકા ઘરેણા બનાવવા માટે, ૩૪ ટકા રોકાણ માટે તથા ૧૨ ટકા ઔદ્યોગિક વપરાશમાં વપરાય છે. વપરાશકારોમાં ભારત સૌથી મોટું ગ્રાહક છે એ જાણીતી વાત છે.
ભારતનો સોનાનો સંગ્રહ જોકે સત્તાવાર એટલે કે સરકારી સંગ્રહ નથી. જે ખરીદી થાય એ વ્યક્તિગત અને ખાનગી છે. પરિણામે સોનાનો સત્તાવાર સ્ટોક ધરાવતા પહેલા દસ દેશોમાં ભારતનો સમાવેશ થતો નથી!


