Get The App

ટેકનોવર્લ્ડ : ડિજિલોકરનો વોટ્સએપ સાથે મેળાપ

Updated: Jun 5th, 2022

GS TEAM

Google News
Google News
ટેકનોવર્લ્ડ : ડિજિલોકરનો વોટ્સએપ સાથે મેળાપ 1 - image

- જાતભાતનાં સર્ટિફઇકેટ મેળવવાં, ઝેરોક્સ કરાવવી, ટુ-કોપી કરાવવી, જાતે સબમિટ કરવી... આ ઝંઝટ ધીમે ધીમે ભૂતકાળ બની રહી છે

- ભારત જેવા વિરાટ અને વિશાળ વસતિવાળા દેશમાં સૌથી વિવિધ જરૂરિયાતો પૂરી કરવી હંમેશાં પડકારભર્યું કામ રહ્યું છે

- હવે આપણો દેશ ધીમી પણ મક્કમ ગતિએ, ઘણી બધી બાબતોમાં પેપરલેસ ગવર્નન્સ તરફ આગળ વધી રહ્યો છે

- ડિજિલોકર એવી જ એક પહેલ છે અને હવે તેને વોટ્સએપ જેવી લોકપ્રિય એમની મદદથી વધુ વિસ્તારવાની કોશિશ થઇ છે

પેલી અલાદ્દીનના જાદુઈ ચિરાગવાળી વાર્તા યાદ કરો. એ વાર્તામાં અલાદ્દીન ફક્ત એક હતો, એના હાથમાં ચિરાગ પણ ફક્ત એક હતો અને અલાદ્દીનના આદેશ મુજબ કામ કરી આપતો જિન પણ એક હતો. એટલે આખી વાર્તામાં બધી કામગીરી સરળતાથી ચાલતી હતી. અલાદ્દીન જ્યારે ફુરસદ મળે ત્યારે ચિરાગ હાથમાં લઈ તેને ઘસતો, ચિરાગમાંથી જિન પ્રગટ થતો અને અલાદ્દીનના આદેશનું ફટાફટ પાલન કરી આપતો.

હવે સમય બદલાઈ ગયો છે. ફક્ત ભારતની વાત કરીએ તો આપણા દેશમાં  ૧.૩ અબજ જેટલા અલાદ્દીન છે ને એમાંથી કમ સે કમ ૬૦-૬૫ કરોડના હાથમાં જાદુઈ ચિરાગ છે. સામે પક્ષે આટલા બધા અલાદ્દીનોના આદેશોનું પાલન જેણે કરવાનું છે તે વિવિધ ડિપાર્ટમેન્ટ્સ વાર્તાવાળા જિન જેટલા એફિશિયન્ટ તો નથી જ! તમે જ વિચાર કરો - બધાના આદેશોનું પાલન કરવા જતાં જિન કેટલો ઘાંઘો થાય?!

કોરોના મહામારી પછી આપણા દેશમાં વિરાટ રસીકરણ અભિયાન શરુ થયું ત્યારે લગભગ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર દેશના ખૂણે-ખૂણે લોકો કોરોના સામેની રસી મેળવી રહ્યા હતા અને તેઓ વેક્સિનેટેડ હોવાનું સર્ટિફિકેટ તેમને આપવું પણ જરૂરી હતું. ભારત કરતાં ઘણી ઓછી વસતી અને ટેક્નોલોજીની રીતે ઘણી વધુ ક્ષમતાવાળા દેશોમાં પણ આવાં કોઈ સર્ટિફિકેટ આપવામાં આવતાં નહોતાં, ત્યારે ભારતે નવા સમયના ડિજિટલ જિન - ચેટબોટ - ને કામે લગાડ્યો, જેને હવે વધુ કામઢો બનાવ્યો છે.

આ ‘ડિજિલોકર’, ‘ચેટબોટ’ વગેરે તમને ગૂંચવતા હોય તો આગળ વાંચો!

ડિજિલોકરનો વોટસએપમાં ઉપયોગ કેવી રીતે કરશો ?

તમે ડિજિલોકર સર્વિસનો ઉપયોગ કરતા હો કે ન કરતા હો, હવે વોટ્સએપની મદદથી તમારે માટે મહત્ત્વના સર્ટિફિકેટ્સ કે ડોક્યુમેન્ટ્સ પળવારમાં મેળવી શકાય છે. એ માટે આપણે વોટ્સએપમાં ડિજિલોકરના ઓફિશિયલ ચેટબોટ સાથે ‘વાતચીત’ કરવાની રહે છે. 

આ માટે નીચે મુજબનાં પગલાં લઈ શકાય...

ટેકનોવર્લ્ડ : ડિજિલોકરનો વોટ્સએપ સાથે મેળાપ 2 - image

જો તમે અગાઉ કોરોના વેક્સિનનું સર્ટિફિકેટ મેળવવા માટે વોટ્સએપમાં સરકારી ચેટબોટની મદદ લીધી હશે તો તમારા ફોનમાં ૯૦૧૩૧ ૫૧૫૧૫ નંબર સેવ થયેલો હશે. જો ન હોય તો આ નંબર Mygov કે DigiLocker નામથી તમારા ફોનમાં સેવ કરી લો. થોડી વારમાં આ નંબર વોટ્સએપના કોન્ટેક્ટ લિસ્ટમાં આવી જશે. 

હવે વોટ્સએપ ઓપન કરી નવી ચેટ ઓપન કરી, નવો સેવ કરેલો નંબર સર્ચ કરો. આ નંબર પર  ‘નમસ્તે’ મેસેજ મોકલતાં, પળવારમાં આપણને વળતો મેસેજ આવશે અને કહેવામાં આવશે કે આપણે ભારત સરકારના Mygov હેલ્પડેસ્ક સાથે વાતચીત કરી રહ્યા છીએ. અહીં આપણને કોવિડ સર્વિસિસ તથા ડિજિલોકર સર્વિસિસ મેળવવાના બે વિકલ્પ આપવામાં આવશે. 

ટેકનોવર્લ્ડ : ડિજિલોકરનો વોટ્સએપ સાથે મેળાપ 3 - image

આપણે ડિજિલોકર સર્વિસિસ પર ક્લિક કરીશું તો પૂછવામાં આવશે કે આપણું પહેલેથી ડિજિલોકર એકાઉન્ટ છે? આપણે હા કહીએ કે ના કહીએ, આપણો આધાર નંબર પૂછવામાં આવશે જે સ્પેસ વિના લખવાનો છે. જો આપણું ડિજિલોકરમાં એકાઉન્ટ હશે તો તરત આગળ વધી શકીશું. બાકી આપણા આધાર સાથે લિન્ક્ડ રજિસ્ટર્ડ મોબાઇલ નંબરની મદદથી આપણું વેરિફિકેશન કરવામાં આવશે અને ડિજિલોકરમાં આપણું એકાઉન્ટ એક્ટિવેટ થશે.

આ વિધિ પછી આપણને ડ્રાઇવિંગ લાયસન્સ તથા વ્હિકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ડાઉનલોડ ટેકનોવર્લ્ડ : ડિજિલોકરનો વોટ્સએપ સાથે મેળાપ 4 - imageટેકનોવર્લ્ડ : ડિજિલોકરનો વોટ્સએપ સાથે મેળાપ 5 - imageકરવાના વિકલ્પ મળશે. એ માટે આપણે એક અથવા બે નંબર ટાઇપ કરવાનો રહેશે. 

એક નંબર ટાઇપ કરીને તેનો મેસેજ મોકલતાં એકાદ મિનિટમાં આપણું ડ્રાઇવિંગ લાયસન્સ વોટ્સએપ દ્વારા પીડીએફ સ્વરૂપે મળી જાય છે. આ પીડીએફ યોગ્ય ઓથોરિટી દ્વારા ડિજિટલી સાઇન્ડ છે, તેથી આઇટી એક્ટ ૨૦૦૦ મુજબ તેનો ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ઉપયોગ માન્ય છે.

ડિજિલોકર ચોક્કસપણે કઇ રીતે ઉપયોગી છે ?

ટેકનોવર્લ્ડ : ડિજિલોકરનો વોટ્સએપ સાથે મેળાપ 6 - imageટેકનોવર્લ્ડ : ડિજિલોકરનો વોટ્સએપ સાથે મેળાપ 7 - imageઆપણા જીવનમાં આપણે અનેક પ્રકારના સર્ટિફિકેટ પર આધાર રાખીને જીવવું પડે છે, જેમાં આધાર સર્ટિફિકેટ પોતે જ હવે બહુ મોટો આધાર બની ગયું છે! સર્ટિફિકેટ્સની આ રેન્જ બાળકના જન્મના દાખલાથી લઈને મરણના દાખલા સુધી પથરાયેલી છે. સમગ્ર જીવન દરમિયાન આપણને વિવિધ સરકારી કે અન્ય સંસ્થાઓ તરફથી જાતભાતના દસ્તાવેજો ઇસ્યૂ કરવામાં આવે છે. 

સામે પક્ષે સ્કૂલ કોલેજમાં એડમિશનથી લઇને મોબાઇલ કનેકશન, પાસપોર્ટ, બેન્ક એકાઉન્ટ ખોલાવવું કે વીમો ખરીદવાથી માંડી સ્મશાન સુધીના તબક્કે આપણે આ સર્ટિફિકેટ્સ કાગળ પર આપવાં જરૂરી બને છે. અગાઉ આવા સર્ટિફિકેટની નકલ અસલી હોવાનું સાબિત કરવા માટે તેના પર ટ્રુકોપીનો સિક્કો લગાવવા આપણે ગેઝેટેડ ઓફિસર્સને શોધવા જવું પડતું હતું. એ પછી સેલ્ફ-એટેસ્ટેડ એટલે કે જાતે જ સહી કરેલી નકલ માન્ય ગણવામાં આવી અને હવે આખી વાતને બિલકુલ પેપરલેસ બનાવવામાં આવી રહી છે - ડિજિલોકરની મદદથી. 

ભારત સરકારે વર્ષ ૨૦૧૬માં ડિજિલોકર સર્વિસ (digilocker.gov.in) લોન્ચ કરી. હવે તેમાં ભારત સરકાર, વિવિધ રાજ્ય સરકારો, શિક્ષણ સંસ્થાઓ, બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ કંપનીઓ, પરિવહન, આરોગ્ય, સંરક્ષણ મંત્રાલય તથા જુદા જુદા બીજા ઘણા પ્રકારના કુલ ૨૦૧૫ વિભાગ/સંસ્થા જોડાઈ ગયા છે. 

અત્યાર સુધીમાં ૧૧ કરોડ જેટલા લોકોએ ડિજિલોકરમાં એકાઉન્ટ ખોલાવી, કુલ ૫.૧૦ અબજ ડોક્યુમેન્ટ્સ ઇસ્યૂ કરાવ્યાં છે. બીજી તરફ ૩૭૫ વિભાગો/સંસ્થાઓ ડિજિલોકરમાંનાં ડોક્યુમેન્ટ્સ સ્વીકારે છે.

આપણે ડિજિલોકરની એપલ કે એન્ડ્રોઇડ માટેની એપ ડાઉનલોડ કરીને પોતાના આધાર નંબર તથા તેમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબરની મદદથી પોતાનું ડિજિલોકર એકાઉન્ટ ઓપન કરી શકીએ છીએ. આ પછી વિવિધ સરકારી વિભાગો કે સંસ્થાઓ તરફથી આપણા નામે જારી દસ્તાવેજો જે તે વિભાગ/સંસ્થા તરફથી ડાયરેક્ટ ડિજિલોકર એકાઉન્ટમાં મેળવી શકીએ છીએ. 

ડિજિલોકર એકાઉન્ટમાં આ રીતે સત્તાવાર ચેનલ દ્વારા આવેલા ડોક્યુમેન્ટ્સ ‘ઇસ્યૂડ ડોક્યુમેન્ટ્સ’ તરીકે ઓળખાય છે. ઇસ્યૂડ ડોક્યુમેન્ટ્સ આપણે જે જગ્યાએ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ડોક્યુમેન્ટ્સ સ્વીકારવામાં આવતા હોય ત્યાં પોતાના ડિજિલોકર એકાઉન્ટમાંથી ડિજિટલ રીતે શેર કરી શકીએ છીએ અને તેને માન્ય ગણવામાં આવે છે. 

ડિજિલોકર એકાઉન્ટ્સમાં આપણે પોતે અથવા મહત્ત્વના ડોક્યુમેન્ટ્સની પીડીએફ ફાઇલ્સ સેવ કરી શકીએ છીએ. પરંતુ આ રીતે જાતે સેવ કરેલાં સર્ટિફિકેટ્સ કાયદાની દૃષ્ટિએ વેલિડ ગણવામાં આવતાં નથી. ભારત સરકાર ડિજિલોકર સર્વિસ પરનો ભાર ઘટાડવા માટે તથા તેના વિશે વધુ જાગૃતિ કેળવવા માટે હવે વોટ્સએપ જેવી લોકોમાં પહેલેથી અત્યંત લોકપ્રિય સર્વિસનો ઉપયોગ કરી રહી છે. 

ડિજિલોકર સર્વિસનો ઉપયોગ ખાસ્સો સરળ હોવા છતાં ઘણા લોકોને હજી તેના ઉપયોગમાં ફાવટ આવતી નથી. બીજી તરફ વોટ્સએપનો તેઓ બહુ સહેલાઈથી ઉપયોગ કરી જાણે છે. આથી ડિજિલોકરમાં ઇસ્યૂ થતા વિવિધ ડોક્યુમેન્ટ્સ વોટ્સએપની મદદથી લોકો ડાઉનલોડ કરી શકે એવી સગવડ આપવામાં આવી છે. 

ડિજિલોકરમાં કયા કયા વિભાગ સંસ્થાઓ તરફથી આપણાં સર્ટિફિકેટસ મેળવી શકાય છે ?

ટેકનોવર્લ્ડ : ડિજિલોકરનો વોટ્સએપ સાથે મેળાપ 8 - image

ડિજિલોકરનો ચેટબોટ ઘણો વિસ્તરશે

ટેકનોવર્લ્ડ : ડિજિલોકરનો વોટ્સએપ સાથે મેળાપ 9 - imageલોકોને કોરોના વેક્સિનનાં સર્ટિફિકેટ સહેલાઈથી મળી રહે એ માટે ગયા વર્ષે સરકારે વોટ્સએપનો ચેટબોટ લોન્ચ કર્યો હતો. હવે તેનો સ્કોપ વિસ્તારવામાં આવી રહ્યો છે, આથી તેનું નામ ‘Mygov કોરોના હેલ્પડેસ્ક’માંથી બદલીને ‘Mygov હેલ્પડેસ્ક’ કરી દેવામાં આવ્યું છે. 

અત્યાર સુધીમાં આઠેક કરોડ લોકોએ વોટ્સએપના ચેટબોટ પર કોરોના સંબંદિત માહિતી મેળવી છે અને ૩.૨ કરોડ જેટલા લોકોએ વોટ્સએપના ચેટબોટની મદદથી તેમનાં વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કર્યાં છે. હાલમાં આ હેલ્પડેસ્કની સેવાઓ ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે, ટૂંક સમયમાં તેમાં અન્ય ભારતીય ભાષાઓ પણ ઉમેરાશે. કેન્દ્ર સરકારની જેમ, ૧૪ રાજ્યોએ પણ પોતપોતાની ભાષામાં આ પ્રકારના ચેટબોટ લોન્ચ કર્યા છે.

હાલમાં વોટ્સએપ પર માત્ર ડ્રાઇવિંગ લાઇસન્સ અને વ્હિકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સીધાં જ ડાઉનલોડ કરી શકાય છે, પરંતુ અહીંથી જ ઘણા અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ તમારા ડિજિલોકર એકાઉન્ટમાં ઇસ્યૂ કરી શકાય છે. આગળ જતાં, આ ડોક્યુમેન્ટ્સ પણ વોટ્સએપમાં સીધા જ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થશે. 

ડિજિલોકર વાપરશો કે વોટ્સએપનો ચેટબોટ ?

ડિજિલોકર સર્વિસ સરળ હોવા છતાં લોકોએ વ્યાપક પ્રમાણમાં તેનો ઉપયોગ શરૂ કર્યો નથી.  તેની એપમાં સાઇન-અપ કે લોગ-ઇન થવામાં પણ લોકોને તકલીફ પડતી હોય છે. પરંતુ તેની એપ ડાઉનલોડ કર્યા પછી તેમાં રજિસ્ટ્રેશનની વિધિ વોટ્સએપમાં કરવી પડતી વિધિ જેવી જ છે. ડિજિલોકર એપનો ફાયદો એ છે કે તેને તમે પિનથી પ્રોટેક્ટ કરી શકો છો, જેથી તમારા દસ્તાવેજો અન્ય કોઈ જોઈ શકે નહીં. વોટ્સએપમાં ડાઉનલોડ કરેલાં ડોક્યુમેન્ટ્સ ફોનમાં સેવ કરવા પડતા હોવાથી, ફોન બીજા કોઈના હાથમાં આવે તો તેના સુધી પહોંચી શકે છે. ઉપરાંત, તે આખરે પીડીએફ હોવાથી તેમાં ચેડાં થઈ શકે છે, જોકે એ ડોક્યુમેન્ટ માગતી સંસ્થાની ચિંતાનો વિષય છે!

તમારા બિઝનેસનો વોટ્સએપ ચેરબોટ બનાવી શકાય ?

ટેકનોવર્લ્ડ : ડિજિલોકરનો વોટ્સએપ સાથે મેળાપ 10 - imageવાત સરકારની હોય કે નાના-મોટા બિઝનેસની, એક સાથે હજારો-લાખો યૂઝર્સ-કસ્ટમર્સના પ્રશ્નોના જવાબ આપવાનું કામ કોઈ માટે સહેલું નથી. એ માટે સેંકડો લોકોની ટીમ કામે લગાડવી પડે, તેમને બરાબર ટ્રેઇન કરવા પડે અને પછી પણ યૂઝર્સ/કસ્ટમર્સને પૂરો સંતોષ તો કદાચ મળે જ નહીં. આ તકલીફના ઉપાય તરીકે ચેટબોટ્સ વિકસ્યા અને હવે આપણે વોટ્સએપ, ફેસબુક, મેસેન્જરથી માંડીને વિવિધ બેન્ક્સની સાઇટ્સ પર પણ ચેટબોટ સાથે ‘વાતચીત’ કરવા લાગ્યા છીએ, સામે છેડે કોઈ માણસ નહીં, મશીન છે એ હકીકત પ્રત્યે આપણે સભાન પણ હોતા નથી!

ચેટબોટ્સ ઘણા પ્રકારના હોય છે અને જુદી જુદી ઘણી જગ્યાએ તેને કામે લગાડી શકાય છે, પરંતુ હાલ પૂરતું આપણું ફોકસ વોટ્સએપમાંના ચેટબોટ પર સીમિત રાખીએ. અત્યારે મેસેજિંગ માટે વોટ્સએપ વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય સર્વિસ છે અને તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, એટલે યૂઝર-કસ્ટમર્સ સાથે કમ્યુનિકેશન અને સપોર્ટ પૂરો પાડવા માટે પણ વિવિધ બિઝનેસને વોટ્સએપમાં જબરજસ્ત સ્કોપ દેખાઈ રહ્યો છે.

આ વાત ધ્યાનમાં રાખીને વોટ્સએપે તેની બિઝનેસ એપ લોન્ચ કરી. આ મફત એપની મદદથી નાના બિઝનેસ પોતાના કસ્ટમર્સ સાથે વધુ સારી કનેક્ટેડ રહી શકે, તેમને પોતાની પ્રોડક્ટ્સનું કેટેલોગ બતાવી શકે, તેમના પ્રશ્નોને વધુ સારી રીતે મેનેજ કરીને ઝડપથી જવાબ આપી શકે… આ બધું કામ ઘણે અંશે આપોઆપ થાય એવી ગોઠવણ પણ કરી શકાય.

આ બધું નાના બિઝનેસ માટે બરાબર છે, પણ હજારો નહીં, લાખો લોકો સાથે કમ્યુનિકેશન કરવામાં વોટ્સએપ બિઝનેસ એપનો પનો પણ ટૂંકો પડે. આથી, વોટ્સએપે મધ્યમ કે વિશાળ બિઝનેસ ‘વોટ્સએપ એપીઆઇ’નો ઉપયોગ કરી શકે એવી સગવડ આપી છે. આપણે અગાઉ વાત કરી છે તેમ, એપીઆઇની મદદથી બે કમ્પ્યૂટર એપ્લિકેશન એકબીજા સાથે કનેક્ટ થઈ શકે છે.

વોટ્સએપ એપીઆઇનો ઉપયોગ કરીને મધ્યમ-મોટા બિઝનેસ કે સરકારી વિભાગો પોતાની સિસ્ટમ અને તેમાંના ડેટાબેઝને વોટ્સએપ સાથે કનેક્ટ કરી શકે છે. આ પછી આપણા જેવા સરેરાશ યૂઝર્સ અને જે તે બિઝનેસ-સંસ્થા-સરકારી વિભાગ વચ્ચેની કડી તરીકે બે બાબત કામ કરે છે - વોટ્સએપ અને ચેટબોટ. 

ચેટબોટ આખરે એક પ્રકારના ઓટોમેટેડ સોફ્ટવેર છે, જે નિશ્ચિત નિયમોનું પાલન કરી શકે (પોપટની જેમ પઢાવેલું બોલી શકે!) અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી, યૂઝર્સ સાથેની ‘વાતચીત’ પરથી વધુ ને વધુ શીખી શકે. આવા ચેટબોટમાં નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ટેક્્નોલોજીનો પણ ઉપયોગ થાય એટલે આપણે સામે કોઈ માણસ જ છે એમ ધારીને રોજિંદી ભાષામાં આપણી વાત મૂકીએ તો પણ ચેટબોટ આપણી જરૂરિયાત બરાબર સમજીને તેના જવાબ આપી શકે. ચેટબોટ આખરે મશીન હોવાથી એ કંટાળ્યા વિના, એકધાર્યું કામ કરી શકે અને એક સાથે હજારો-લોકોની જરૂરિયાતો સંતોષી શકે!

આ બધું વાંચીને તમને તમારા બિઝનેસ કે સંસ્થા માટે વોટ્સએપ ચેટબોટ કામે લગાડવાની ઇચ્છા થઈ હોય તો તમારે નિરાશ થવું પડશે. વોટ્સએપની એપીઆઇ ગમે તેને મળતી નથી. જોકે હવે એવી ઘણી કંપની વિકસી છે, જે પ્રમાણમાં નાના બિઝનેસને પણ વોટ્સએપ સાથે કનેક્ટ કરીને, વોટ્સએપ એપીઆઇની મદદથી તેને માટે ચેટબોટ બનાવી આપે છે. આવી કંપની શોધવા તમારે થોડું ગૂગલિંગ કરવું પડશે! હા, ‘જોઈએ તો બસ વોટ્સએપનો જ ચેટબોટ’ એવો તમારો હઠાગ્રહ ન હોય તો તમારી વેબસાઇટ, એપ વગેરે માટે પણ તમે પ્રમાણમાં વધુ સહેલાઈથી ચેટબોટ ડેવલપ કરાવી શકો છો.

હેકર્સ પણ ચેટબોટનો ઉપયોગ કરવા લાગ્યા છે

દરેક સારી ટેક્નોલોજીનો દુરુપયોગ બહુ ઝડપથી શરૂ થઈ જાય છે - આ વાત ચેટબોટને પણ લાગુ પડે છે. હેકર્સ સામાન્ય રીતે આપણા કોઈ પાર્સલ કે ઇનામની ડિલિવરીમાં મુશ્કેલી હોવાનો મેઇલ/મેસેજ મોકલે છે અને તેને ઉકેલવાનાં સ્ટેપ્સ તરીકે પીડીએફમાં કોઈ પેજની લિંક્સ મોકલે છે (જેથી સ્પામ ફિલ્ટરમાંથી છટકી શકાય). આપણે લિંક પર ક્લિક કરીએ તો જે પેજ પહોંચીએ ત્યાં ચેટબોટ આપણી સાથે ‘વાતચીત’ શરૂ કરે છે. તેમાં આપણા ‘પાર્સલ/ઇનામ’ની વિગતો, ફોટોગ્રાફ વગેરેની માયાજાળ ઊભી કરી, આખી વાત જેન્યુઇન હોવાનો દેખાવ ઊભો કરવામાં આવે છે. હવે લોકોને માણસ કરતાં મશીન પર વધુ વિશ્વાસ હોવાથી, આવી ચેટમાં તેઓ પોતાની સંવેદનશીલ વિગતો આપી બેસે છે! 

હાર-જીત વિના પણ મજા પડે એવી એક અનોખી ગેમ

ટેકનોવર્લ્ડ : ડિજિલોકરનો વોટ્સએપ સાથે મેળાપ 11 - imageસ્માર્ટફોનમાં મોટા ભાગે ત્રણ બાબતો આપણો ટાઇમ ચોરી લે - વીડિયો, ઓટીટી અને ગેમ્સ! આ ત્રણમાંથી તમે ગેમ્સના રસિયા હો તો એમાં પાછી અનેક પ્રકારની વેરાઇટી મળે, પણ કેટલીક ગેમ એવી હોય જે તેની કોઈક ખાસ ખાસિયતને લીધે આપણા દિમાગ પર કબજો જમાવી દે. આમ જુઓ તો ઇન્ટરનેટ પર ગેમ્સનો તો કોઈ પાર નથી, એક શોધો ત્યાં લાખ મળે એવી સ્થિતિ છે, પણ મોટા ભાગની ગેમ ‘મારો કે મરો’ અથવા ‘હારો કે જીતો’ પ્રકારની હોય છે. તમે કોઈને મારીને જ જીવતા રહી શકો કે કોઈને હરાવીને જ જીત્યાનો આનંદ લઈ શકો.

આમાં અલગ પડે છે એક ગેમ સીરિઝ - નામ છે ‘ફાયરબોય એન્ડ વૉટરગર્લ’. આ ગેમમાં કોઈ હારતું કે જીતતું નથી! હાર-જીત વિના કશું પણ રમવાની મજા શું એવી દલીલ સાચી, પણ આ ગેમમાં હાર-જીત નથી છતાં મજો-મજો થઈ જાય એમ છે. 

સામાન્ય રીતે પરિવારના કોઈ પણ બે સભ્ય, દાદા-પૌત્રી, પતિ-પત્ની કે ભાઈ-બહેન કોઈ પણ ગેમ રમે તો બે વાત બને, કાં તો મોટેરાંએ જાણી જોઈને હારવું પડે અથવા નાનાં ભાઈ-બહેન રમે તો મોટા ભાગે એમની ગેમ બંનેમાંથી એક પાર્ટીના રીસામણા ને ઝઘડાથી જ પૂરી થાય.

જ્યારે આપણી આ ‘ફાયરબોય એન્ડ વૉટરગર્લ’ ગેમમાં બંને પાર્ટીએ એકબીજાને હંફાવવાના કે હરાવવાના નથી. બંનેએ એકબીજાની મદદ લઈને જ આગળ વધવાનું અને વધુમાં વધુ પોઇન્ટ સ્કોર કરવાના છે. ચડસાચડસી છે, ધમાલ-મસ્તી છે ને સાથે દિમાગને જરા કસવું- દોડાવવું પડે એવું પણ છે.

ટેકનોવર્લ્ડ : ડિજિલોકરનો વોટ્સએપ સાથે મેળાપ 12 - imageઓસ્લો આલ્બેટ નામના ડેવલપરે આ ગેમ ડેવલપ કર્યા પછી ઇન્ટરનેટ પર વિવિધ સાઇટ્સ પર અને પ્લે સ્ટોરમાં પણ તેના જેવાં જ ઘણાં વર્ઝન લોન્ચ થઈ ગયાં છે. ગેમ પ્લે સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે અને સિંગલ પ્લેયર કે ટુ-પ્લેયર તરીકે રમી શકાય છે, પણ એની ખરી મજા પીસી પર, કી-બોર્ડની મદદથી અને બે પ્લેયર સાથે મળીને રમવામાં છે (ફક્ત વધુ પડતી એડ્સનો ત્રાસ છે). બ્રાઉઝરમાં https://www.fireboynwatergirl.com/ પર પહોંચો. સાઇટ પર જાહેરાતોની ભરમાર હશે એટલે મૂળ ગેમની લિંક્સ પર જ ક્લિક કરવાનું ધ્યાન રાખશો. પ્લે સ્ટોરમાં  સર્ચ કરી જુઓ Pub:Oslo Albet. આથી ગેમના પબ્લિશર ઓસ્લો આલ્બેટે ડેવલપ કરેલી, આ સીરિઝની છ ગેમ્સ જોવા મળશે - ફોરેસ્ટ ટેમ્પલ, લાઇટ ટેમ્પલ, આઇસ ટેમ્પલ, એલિમેન્ટ્સ અને ફેરી ટેલ્સ. દરેક ગેમમાં જુદાં જુદાં ઘણાં લેવલ છે.

ગેમની સ્ટોરી એકદમ સિમ્પલ છે, ફાયરબોય અને વૉટરગર્લ બંને નાનાં નાનાં કેરેક્ટર છે. વાસ્તવિક જિંદગીમાં ભાઇ-બહેન વચ્ચે સતત ખેંચતાણ ચાલતી રહે અને છતાં બંનેને એકબીજા વિના ચાલે નહીં એવું જ કંઈક આ ગેમમાં છે. દરેક ગેમમાં બંને કેરેક્ટર જુદા જુદા પ્રકારના, ભૂલભૂલામણીવાળા ટેમ્પલમાં ડાયમંડની શોધમાં નીકળ્યાં છે અને ભૂલાં પડે છે. આપણે તેમને ભૂલભૂલામણીમાંથી સલામત રીતે, પોતપોતાના ડાયમંડ્સ લઈને બહાર નીકળવાના દરવાજા સુધી પહોંચાડવાના છે. ધ્યાન એ રાખવાનું કે ફાયરબોય પાણીમાં પડવો ન જોઈએ અને વૉટરગર્લ આગમાં પડવી ન જોઈએ. જો પડે તો ગેમ ફરી એકડેએકથી શરૂ કરવી પડે.

એક પ્લેયર ચારેય એરો કીની મદદથી એક કેરેક્ટરને ભૂલભૂલામણીમાં આગળ ધપાવે છે, બીજા પ્લેયરે એ, એસ, ડી અને ડબલ્યુ કીનો ઉપયોગ કરવાનો છે. રસ્તામાં કેટલીય આડશ આવે, ઊંચી-નીચી થાય એવી લિફ્ટ આવે, એ બધું જુદા જુદા લીવર અને મીરરના ચોક્કસ એંગલ ગોઠવીને ખોલવાનું કે ચાલુ-બંધ કરવાનું, એકબીજાના અંતરાય દુર કરવાના, એ બધું કરવા માટે સાથે મળીને દિમાગ દોડાવવું પડે, ક્યાં શું પ્રોલ્બેમ છે અને એનું સોલ્યુશન શું છે એ સમજવાનું અને છેવટે પોતપોતાના દરવાજા સુધી પહોંચીને લેવલ પૂરું કરવાનું.

ગેમની મજા એ છે કે કોઈ એક કેરેક્ટર પોતાના દરવાજા સુધી પહોંચી જાય તો લેવલ પૂરું ન થાય, બંનેએ પહોંચવું પડે - ભલે વારાફરતી! 

આ ગેમ બરાબર અહીં જ બીજી ગેમ્સથી અલગ પડે છે. મોટા ભાગની ગેમ્સ બીજાને પછાડી, હરાવી, ખતમ કરીને આગળ વધતાં શીખવે છે ત્યારે આ ગેમ ટીમવર્કનું મહત્ત્વ સમજાવે છે - રમતાં રમતાં. બાળકોને કમ્પ્યૂટર, સ્માર્ટફોન અને ગેમ્સથી દૂર રાખી ન શકતા હો, તો એમની સાથે આવી ગેમ રમી જુઓ. કમ સે કમ, એ આડઅસરોથી બચશે અને રમત રમતમાં કંઈક નવું સમજશે.

આ ગેમ પહેલી નજરે નાનાં છોકરાંની રમત લાગશે, પણ નાના બનીને રમશો તો ઓર મજા આવશે! 

સ્માર્ટફોન ગાયબ થઇ જશે ?!

અત્યારે આપણે સ્માર્ટફોન વિનાના જીવનની કલ્પના કરી શકતા નથી, પરંતુ નોકિયા કંપનીના સીઇઓ કંઇક જુદું માને છે. તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે ફાઇવજી પછી સિક્સજી ટેક્નોલોજી ઓપરેશનલ થશે તે પછી લોકોએ હાથમાં સ્માર્ટફોન પકડવાની જરૂર નહીં રહે. તેમના મતે, ત્યાં સુધીમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સ તથા માનવશરીરમાં જ ફિટ કરી શકાય તેવી ચિપ્સને કારણે કનેક્ટેડ રહેવા માટે સ્માર્ટફોન જેવા અલગ ડિવાઇસની જરૂર રહેશે નહીં. હજી ફાઇવજીની જ પૂરેપૂરી શરૂઆત થઈ નથી, પરંતુ નિષ્ણાતો માને છે કે ૨૦૩૦ સુધીમાં સિક્સજી ઓપરેશનલ થઈ જશે. નોકિયાના સીઇઓના મતે ત્યાં સુધીમાં મેટાવર્સ, ઓગમેન્ટેડ રિયાલિટી તથા વર્ચ્યુઅલ રિયાલિટી જેવા કન્સેપ્ટ બિલકુલ મેઇનસ્ટ્રીમમાં આવી જશે.