ધર્મમાં ધનલોભ પ્રવેશ્યો ત્યારથી દેવો પણ ધંધાનો વિષય બની ગયા છે ! દિનકરરાય
- તમે કર્ણનગરમાં કોઇનેય પૂછો કે નિરંજન શેઠનો બંગલો ક્યાં છે ?
- કેમ છે, દોસ્ત : ડો. ચન્દ્રકાન્ત મહેતા
- હકીકતમાં નિરંજન મનોરોગી નહીં, પણ 'પ્રેમરોગી' છે. એની એકલતા અને પત્ની પૃથા સાથે જીવવાની અભિલાષાએ એને મનોરોગી બનાવી દીધો છે !
તમે કર્ણનગરમાં કોઇનેય પૂછો કે નિરંજન શેઠનો બંગલો ક્યાં છે ? તો તરત જ કહે, ''તમે આ શહેરના રહેવાસી નથી લાગતા ! નહીં તો નિરંજન શેઠનું સરનામું ના જાણતા હો એવું ના બને ! નિરંજન શેઠ તો કર્ણનો બીજો અવતાર છે. એમનાં પત્ની પૃથાદેવી પણ ઉદારતાની મૂર્તિ. ગર્ભશ્રીમંત પરિવારની પુત્રી હોવા છતાં નિરાભિમાની અને નમ્ર ! એ બન્નેને જોતાં લોકો અનાયાસ જ બોલી ઊઠે: ''હો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે.'' એમનું પ્રસન્ન દામ્પત્ય જોઇ અદેખાઓને ઈર્ષ્યા આવે !
નિરંજન શેઠનો નોકર-ચાકર પરિવાર પણ મોટો. બબ્બે રસોઇઆ, બબ્બે નોકર, બે માળી, બે નોકરાણી અને બે ડ્રાઇવર ! દરેકને પેટ ભરીને નાસ્તો કરવાની છૂટ અને ભાવતા ભોજનની ફરમાઇશની પણ છૂટ !
પૃથા શેઠાણી સવારે લટાર મારવા નીકળે ત્યારે કર્ણનગરની સ્ત્રીઓ એમની વેશભૂષા, કેશભૂષા અને અલંકાર જોવા બારીએ વણનોંતરી હાજર થઇ જાય. પૃથા શેઠાણી જેવાં વસ્ત્રો અને હેર સ્ટાઇલની નકલ કરવા સ્પર્ધા થાય !
નિરંજન શેઠના પિતા દિનકરરાય અત્યંત 'દીન' અવસ્થામાં ઉછરેલા. કોઇનીયે નોકરી નહીં કરવાની પ્રતિજ્ઞાા. કથાવાર્તા કરે, પણ દક્ષિણાને હાથ સુધ્ધાં ન લગાડે. મહાત્મા ગાંધીજી એમનો આદર્શ. રેંટીઓ જીવનાધાર. સૂતર વેચીને જે પૈસા મળે તેમાં ગુજારો કરે !
દિનકરરરાયના મિત્ર કૃષ્ણકાન્તે તેમને વારંવાર ફોન કરીને કહ્યું: ''આવી ઘોર ગરીબીમાં જીવ્યા કરતાં મારી પાસે અમેરિકા આવતા રહો. અમેરિકામાં મેં ચાર મંદિરો બંધાવ્યા છે ! તમે પસંદ કરો એ મંદિરના મુખ્ય પૂજારી તરીકેની જવાબદારી સોંપીશ. સવાર - સાંજની આરતીમાં જ ડૉલરનો ઢગલો થઇ જાય છે ! હું તમારો અભિન્ન મિત્ર 'કૃષ્ણ'કાન્ત, પછી તમારે 'સુદામા' રહેવાની શી જરૂર ?'' પણ દિનકરરાય કહેતા: ''ભગવાનની પૂજા, કશી લાલચે ન થાય. ધર્મમાં ધનલોભ પ્રવેશ્યો, ત્યારથી દેવો પણ ધંધાનો વિષય બની ગયા છે ! કથા કોઇની વ્યથા દૂર કરવા માટે કરાય, પોતે માલેતૂજાર થવા માટે નહીં. કૃષ્ણકાન્ત, મારી પાસેથી મારા સ્વાવલંબનની ખુમારી છીનવીશ નહીં.''
દિનકરરાયની અનાસક્તિ જોઇને મિત્ર કૃષ્ણકાન્ત ગદગદ્ થઇ જતા. તેઓ કોઇ પણ ભોગે દિનકરરાયની દીનતા દૂર કરવા ઈચ્છતા હતા.
દિનકરરાયનો પુત્ર નિરંજન ગરીબીનો વિરોધી. એણે કૃષ્ણકાન્તને કહ્યું: ''અંકલ, મારે પૂજારી નથી બનવું, પૂજાપાત્ર બનવું છે. લોકો ઇમાનદારીને નમતા નથી, પણ લક્ષ્મીવંતોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમે છે. મને અમેરિકા બોલાવી ધીકતો ધંધો કરાવો એટલે મારી સાત પેઢી તરી જાય !''
અને કૃષ્ણકાન્ત અંકલે 'ભત્રીજા' નિરંજનને અમેરિકા તેડાવી લીધો. નિરંજનનો ઉત્સાહ, ધગશ અને કાર્યદક્ષતા જોઇ એને પોતાની એક કંપનીનો ભાગીદાર બનાવી દીધો.
નિરંજને તનતોડ મહેનત કરી અને કંપનીના નફામાં ત્રણ વર્ષમાં દસગણો નફો વધારી દીધો. અઢળક રૂપીઆ કમાયો. કૃષ્ણકાન્ત એને અમેરિકામાં સ્થિર થવા આગ્રહ કરતા હતા પણ એણે સ્વદેશ પાછા ફરવાનો આગ્રહ કર્યો અને કૃષ્ણકાન્તને મનાવી લીધા.
ભારત આવતાંની સાથે એણે દારિદ્રની સાક્ષી પૂરતું પોતાનું જીર્ણ-શીર્ણ મકાન એક ગરીબ વિધવાને દાનમાં આપી દીધું. દસ કરોડનો બંગલો ખરીદ્યો અને જાહોજલાલી પૂર્વક જીવવાનું શરૂ કર્યું. પિતા દિનકરરાય માટે સેવાપૂજાનું ઘરમાં જ મંદિર બનાવી દીધું અને બહાર કથાવાર્તા કરવા જવાનું બંધ કરાવી દીધું.
અત્યાર સુધી દિનકરરાયને ઘેર પગ મૂકતાં ખચકાતા લોકો નિરંજનની કૃપા દ્રષ્ટિ માટે અને નિરંજનની ફેકટરીમાં પોતાનાં સંતાનોને નોકરી અપાવવા માટે લાળ પાડવા લાગ્યા. શહેરના ધનાઢ્ય શેઠ વિનલકાન્તે પોતાની લાડકી પુત્રી પૃથા માટે નિરંજનનો હાથ માગ્યો. શેઠ વિમલકાન્ત ધનવૈભવની દ્રષ્ટિએ પોતાને સમકક્ષ હતા, એટલે નિરંજને શેઠ વિમલકાન્તનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. લાખ્ખો રૂપીઆ ખર્ચીને વિમલકાન્તે નિરંજન અને પૃથાનો લગ્નોત્સવ ઉજવ્યો. નિરંજને કર્ણનગરમાં તમામ રહેવાસીઓ, ફેકટરીનો સ્ટાફ અને શહેરના વી.આઇ.પી.ઓને આમંત્રિત કરીને શાનદાર ભોજન સમારંભ ગોઠવી દીધો.
નિરંજન બેફામ ખર્ચ કર્યે જતો હતો. હવે એ કેવળ 'નિરંજન' નહીં પણ 'નિરંજન શેઠ' બની ગયો હતો. પૃથા જેવી રૂપાળી અને તવંગર પરિવારની પુત્રી સાથે લગ્ન થયા બાદ એનામાં વૈભવી જીવનની પ્રબળ લાલસા જન્મી હતી, પણ એ સુખી થવામાં નહીં બીજાને સુખી કરવામાં પણ માનતો. ઉદાર હાથે સખાવત કરી 'દાનવીર'નું બિરુદ પણ પામ્યો.
એણે ફેકટરીનું બિલકૂલ ધ્યાન આપ્યું નહીં અને શેરસટ્ટા અને જુગારના ખર્ચા કરવા માંડયા. સાદગીને વરેલા એના પિતા દિનકરરાયે કહ્યું: ''દીકરા, તું એક વાત યાદ રાખજે કે તમે લક્ષ્મીની ઈજ્જત નહીં સાચવો તો લક્ષ્મી પણ તમારી ઈજ્જત નહીં સાચવે. તમે અ-લક્ષ્મીના ઉપાસક બનો એટલે શુભલક્ષ્મી તમારા ઘરમાંથી ઉચાળા ભરીને વિદાય થઇ જાય ! તારી પત્ની પૃથાએ પણ તને પૈસા વેડફતાં રોકવો જોઇતો હતો, પણ એય અમીર પરિવારની દીકરી છે. કાળના સાગરની લીલા અનોખી છે. એનું મોજું માણસને ઊંચે પણ ચઢાવે છે અને કિનારે લાવીને ભોંય પર પણ પટકે છે.''
''પપ્પા, મને તમારી જૂનવાણી ફિલ્સૂફીમાં રસ નથી ! મારે દુનિયા નચાવે તેમ નથી નાચવું, પણ દુનિયાને કઠપૂતળી બનાવીને નચાવવી છે. કૃપા કરી મારા કામમાં દખલ ન કરો.'' નિરંજને પિતાને અલ્ટીમેટમ આપી દીધું !
અને દિનકરરાયની કાળની વિચિત્ર ચાલ અંગેની આગાહી સાચી પડી ! શેર-સટ્ટા અને જુગારની લતે ચઢેલો નિરંજન બરબાદ થઇ ગયો. દેવું ચૂકવતા ફેકટરી વેચી દેવી પડી અને શરાફો તથા બેંકોનું ઋણ ચૂકવવા બંગલો પણ વેચી દેવો પડયો. અહંકારે નિરંજનને પતનની ખીણમાં ધકેલી દીધો. બે રૂમ રસોડાનું મકાન ભાડે રાખી જીવવાના દિવસો આવ્યા.
વૈભવી જિંદગી માણવા ટેવાએલી પૃથાને આવી લાચારી બિલ્કૂલ ગમી નહીં. એના પિતા શેઠ વિમલકાન્ત તરંગી અને આંધળૂકીઆ કરનાર જમાઇરાજ નિરંજનથી નારાજ થઇ તેમની સાથેના સંબંધો કાપી નાખ્યા. પૃથાએ પણ કહ્યું: ''મારે એક ભિખારી બનેલા પતિની શ્રીમતી તરીકે નથી જીવવું. ગરીબીને હું અભિશાપ માનું છું.. તમારા પિતા 'સુદામા' જેવું જીવન જીવ્યા અને તમને પણ સુદામા બનાવી દીધા ! હું મારા પીયરમાં રહીશ. તમારે ખબરદાર ! મારા પપ્પાને ઘેર પગ નથી મૂકવાનો. તમારા જેવા ઈજ્જતહીન જમાઇના સસરા કહેવડાવવાનું એમને લેશમાત્ર પસંદ નહીં પડે ! કૃષ્ણકાન્ત અંકલ પાસે અમેરિકા રહ્યા હોત તો તેઓ તમને બહેકવા ન દેત અને હું પણ સુખી થાત. હવે તમે અને તમારા ધર્મિષ્ઠ પિતા બન્ને ગૃહમંદિરમાં બેઠા-બેઠા ભજન કર્યા કરો. હું તો આ ચાલી' - કહી એક અઠવાડિયામાં જ પૃથ્વાએ નિરંજનના ભાડાના મકાનમાંથી વિદાય લીધી !
પૃથાના ગૃહત્યાગથી નિરંજન ભાંગી પડયો. પૃથાને એ ખરા દિલથી ચાહતો હતો. એણે પોતાના શયનખંડને 'પૃથા સ્મૃતિ ખંડ' બનાવી દીધો. પૃથાની તસ્વીરો, પૃથાનાં વસ્ત્રો, પૃથાની ચીજ-વસ્તુઓથી ઓરડાની રોનક પલટાવી નાખી. વહેલી સવારે પિતા દિનકરરાય ભગવાનનાં ભજનો ગાતાં, ત્યારે નિરંજન પૃથા ફોટાની આરતી ઉતારતો. સવારનો નાસ્તો 'નૈવેદ્ય' તરીકે પૃથાના ફોટાને ધરાવતો અને બપોર તથા સાંજનું ખાણું પણ પૃથાની હાજરી હોય તેમ તેના ફોટા પાસે બેસીને જ પતાવતો.
એ દરરોજ પૃથાને ફોન કરતો, પણ પૃથા એના ફોનનો પ્રત્યુત્તર આપતી નહીં. પૃથાની સૂચના છતાં તે મોહવશ સસરા વિમલકાન્તને બંગલે દોડી ગયો !
ત્યાંનું દ્રશ્ય જોઇ એ હેબતાઇ ગયો. લોકો ટોળે વળેલાં હતાં. બહાર શબવાહિની ઊભેલી હતી. એણે બહાર એકઠા થએલા લોકો પૈકી એકને પૂછ્યું: ''ઘરમાં કોઇનું મરણ...''
''હા, પણ તમે કોણ ?''
''હું શેઠ વિમલકાન્તનો જમાઇ નિરંજન''
પેલા માણસે કહ્યું: ''તમે ઊંધા રસ્તે ચઢી ગયા એનું વિમલકાન્ત શેઠને ભારે દુઃખ હતું.. તેઓ હૃદયરોગના દર્દી હતા. પોતાના અવસાન બાદ પુત્રી પૃથાનું શું થશે, એની તેમને ખૂબ જ ચિંતા હતી. એમણે તમારી સ્થિતિ સુધારવા વીલ તૈયાર કરવા એડવોકેટને બોલાવ્યા. પોતાની મિલકત તમારે નામે કરવાનો દસ્તાવેજ તૈયાર થય, પણ પૃથાએ તેનો વિરોધ કર્યો. એણે કહ્યું: ''નિરંજન તમારી મિલ્કતનો પણ દુરુપયોગ કરશે. એના કરતાં તમારી મિલ્કત અનાથાલયના કલ્યાણ માટે દાનમાં આપી દો. તમે નહીં હો ત્યારે નિરંજન સામેથી અહીં રહેવા દોડી આવશે અને મને શાન્તિથી રહેવા દેશે નહીં.'' બાપ-દીકરી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો. વિમલકાન્ત શેઠને ખૂબ જ માઠું લાગ્યું... અને રાત્રે ઊંઘમાં જ તેમને હાર્ટએટેક આવ્યો અને તેઓ મૃત્યુ પામ્યા. એમની પુત્રી અને તમારી પત્ની પૃથા પોતાના પિતાના મૃત્યુ માટે તમને જ જવાબદાર માને છે. માટે મહેરબાની કરી ચાલ્યા જાઓ.''
અને પૃથાને મળ્યા સિવાય જ એ પોતાને ઘેર પાછો ફર્યો.
આફત, અપમાન અને એકલતાએ નિરંજનની માનસિક સ્વસ્થતા છીનવી લીધી. એ ફ્રસ્ટેશનનો શિકાર બન્યો. એના પપ્પા દિનકરરાય દિવસે દિવસે વધારે પડતા ધાર્મિક અને સંસાર પ્રત્યે વિરક્ત બની રહ્યા હતા. એમના એક મિત્રનો હરિદ્વારમાં આશ્રમ હતો. તેઓ નિરંજનના નામે ચિઠ્ઠી લખીને હરિદ્વાર જવા ઉપડી ગયા !
પૈસે-ટકે બરબાદ થઇ ગએલા નિરંજન પાસે નોકર-ચાકર કે રસોઇઓ રાખવાની પણ ત્રેવડ નહોતી. એ જાતે જ કાચું-પાકું ખાણું તૈયાર કરતો અને રાબેતા મુજબ પૃથાની તસ્વીર આગળ પ્લેટ મૂકી ધૂ્રસકે-ધૂ્રસકે રડી પડતો ! ઘણી વાર તો એ રુદન એટલું ભયાનક બની જતું કે અડોશી-પડોશી દોડી આવતાં. ડૉકટરને બોલાવી સારવાર અપાવતા.. રડતાં-રડતાં એ એક જ વાત ઉચ્ચારતો: ''મારી પૃથા જરૂર પાછી આવશે. મારા ગુના માફ કરી દેશે. ફરી પાછો મારો સંસાર... મારો સંસાર'' - અને તે બેહોશીમાં સરી જતો.
નિરંજનનો એક માત્ર નિકટનો સાથી યશવર્ધન. દિવસે-દિવસે નિરંજનની કથળતી તબીઅત જોઇ ડાયરીમાંથી યશવર્ધનનો ફોન નંબર શોધી એક પડોશીએ મુંબઇ તેને ખબર આપી અને માનસિક રોગની સારવાર માટે નિરંજનને લઇ જવાની વિનંતી કરી.
બે દિવસમાં જ યશવર્ધન નિરંજનને મળવા દોડી આવ્યો. નિરંજનના ફેમિલી ડૉકટરને મળી તેના રોગ અને સારવારની વિગતો જાણી. આગળની સારવાર માટે ડૉકટરનું માર્ગદર્શન માગ્યું.
ડૉકટરે કહ્યું: ''હકીકતમાં નિરંજન 'મનોરોગી' નહીં પણ 'પ્રેમરોગી' છે. એની એકલતા અને પત્ની પૃથા સાથે જીવવાની અભિલાષાએ જ એને મનોરોગી બનાવી દીધો છે ! તમે ગમે તેમ કરીને પણ પૃથાને મનાવી લો. પૃથાવ જ એનો રોગ છે અને પૃથા જ એની દવા. તમે મુંબઇ લઇ જશો તો પણ બહારના કોઇ ઈલાજથી નિરંજનની દિમાગી હાલત સુધરશે નહીં.''
યશવર્ધનને પોતાને ઘેર આવેલો જોઇ નિરંજનને થોડી ટાઢક થઇ. એણે કશુંક કહેવાની કોશિશ કરી પણ યશવર્ધને તેને હમણાં આરામ કરવાની સૂચના આપી તેનું માથું પંપાળતાં તેને પોઢાડી દીધો.
અને થોડી જ વારમાં એ પૃથાને ઘેર પહોંચી ગયો. નિરંજન પૃથાને એક પળવાર માટે પણ ભૂલ્યો નથી અને એક અલગ ઓરડામાં પૃથાની તસ્વીર રાખી તેની પૂજા કરી રહ્યો છે. એનો આંખે દેખ્યો અહેવાલ આપ્યો. પૃથ્વા જ નિરંજનની જિંદગી બચાવી શકશે, એ વાત તેને આજીજીપૂર્વક સમજાવી.
પૃથાની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. એ ઊભી થઇ. બેગ તૈયાર કરી અને યશવર્ધન સાથે નિરંજનને ઘેર જવા વિદાય થઇ.
પૃથા સાથે યશવર્ધન નિરંજનના ઘેર પહોંચ્યો ત્યારે નિરંજન નિદ્રાધીન હતો. યશવર્ધન પૃથાને તેની સ્મૃતિમાં શણગારેલા ઓરડામાં લઇ ગયો. નિરંજનનો પોતાના પ્રત્યેનો અગાધ પ્રેમ જોઇ પોતે કરેલી તેની ઉપેક્ષા બદલ પૃથાને પારવાર પશ્ચાતાપ થયો.
તે ધીમે પગલે યશવર્ધન સાથે નિરંજનના શયનખંડમાં આવી. તેના પગમાં મસ્તક ઢાળી મનોમન તેની માફી માગી.
પૃથાના હાથનો સ્પર્શ થતાં નિરંજન સફાળો જાગી ગયો અને ભાવાવેશમાં પૃથાની કોટે વળગીને રડતાં-રડતાં બોલવા લાગ્યો: ''યશવર્ધન, જો કોણ આવ્યું છે ! મારી પૃથા, મારી જીવનસંગિની ! હું નહોતો કહેતો કે મારી પૃથા જરૂર પાછી આવશે !''
પૃથાએ તેને લાગણીપૂર્વક પલંગમાં સુવાડયો. પૃથાનો હાથ પકડી ઊંઘમાં એ એક જ વાક્યનું રટણ કરી રહ્યો હતો: ''હું નહોતો કહેતો કે 'એ' જરૂર આવશે !''