Get The App

સીરિયલ કિલર .

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
સીરિયલ કિલર                                              . 1 - image

- હિતેશ શાહ

- સામંથાએ દરેક કેસનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. કોમન તારણમાં દરેક સ્ત્રી 40 થી 50 વચ્ચેના વયની અત્યંત સ્વરૂપવાન અને અમીર હતી

- 'દસ વરસ પહેલા સીરિયલ હત્યાકાંડ થયો હતો. દરેક કેસ મારા ઇન્ચાર્જમાં હતા. કોઈ મોટીવ કે પુરાવા મળ્યા નહોતા'

માયાવી મુંબઈ નગરીમાં એલીટ (અમીર) વર્ગમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. રાતના ૧૦ વાગ્યા બાદ આધેડ વયના સ્ત્રી, પુરૂષ ઘરની બહાર નીકળતા નહોતા. છેલ્લા ૧૫ દિવસમાં કફ પરેડ, પેડર રોડ, વાલ્કેશ્વર વિસ્તારના પરિવારોમાંથી ત્રણ આધેડ, સ્વરૂપવાન સ્ત્રીઓની હત્યા થઈ હતી. કાતિલ પકડાયો નહોતો. ભયનો ઓથાર હતો. પોલીસ નાકામીયાબ રહી હતી. પોલીસ કમિશ્નર પર સખત પોલિટિકલ પ્રેશર હતું. કાતિલ એટલો ચાલાક અને બાહોશ હતો કે તેને સુમડીની માફક કતલ કરી હતી અને સમ ખાવા પૂરતોય પુરાવો છોડયો ન હતો. પોલીસ ડિપાર્ટમેન્ટે ખબરી નેટવર્ક એક્ટિવ કર્યું. દરેક વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત રાખવા છતાંય કોઈ પરિણામ મળ્યું નહોતું. છેવટે પોલીસ કમિશ્નરે ડિટેક્ટિવ સામંથા ડીકોસ્ટાને કેસ સોંપવાનું નક્કી કર્યું.

સામંથાએ દરેક કેસનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. કોમન તારણમાં દરેક સ્ત્રી ૪૦ થી ૫૦ વચ્ચેના વયની અત્યંત સ્વરૂપવાન અને અમીર હતી. કાતિલ પોશ એરિયાની સ્ત્રીને જ શિકાર બનાવતો હતો. દરેક લાશ મુંબઈના કોઈને કોઈ દરિયા કાંઠેથી મળી આવી હતી. ત્રણેય હત્યા કરવાની પેટર્ન સ્ટીરિયો ટાઇપ હતી. દરેક સ્ત્રી ગુમ થયાના બરાબર પાંચમા દિવસે કોઈ ગુમનામ ફોન દ્વારા તેઓની લાશનું લોકેશન મળ્યું હતું. એકસરખી રીતે ખૂન થયું હોવાથી તે તો નક્કી થઈ ગયું હતું કે ત્રણેયનો કાતિલ કોઈ એક જ વ્યક્તિ હતો. સામંથાને દરેક કેસ વિચિત્ર લાગ્યા. સૌ પ્રથમ તેને મોટીવ પર ફોક્સ કર્યું. સામંથાએ કોમન થિયરી પર વિચાર કર્યો.

એક તો કિડનેપર મોટી રકમ માંગે. બીજામાં હવશખોર તેના પર બળાત્કાર કરે અથવા તો ત્રીજામાં દાની અદાવતનું વેર વાળે. પણ આ દરેક કેસમાં વ્યક્તિઓને એકબીજા સાથે કોઈ સ્નાનસૂતકનોય સંબંધ નહોતો. ઉપરાંતમાં કોઈ બિઝનેસ રાઇવાલ કે ખાનદાની દુશ્મન એક જ વ્યક્તિ નહોતો. બીજામાં કોઈ રૂપિયાની માંગણી થઈ નહોતી કે કોઈપણ સ્ત્રી પર બળાત્કાર થયો નહોતો. તો પછી હત્યાનું કારણ શું હોઈ શકે ? સામંથાએ મગજનું દહીં કરી નાખ્યું. પણ તે ન તો કોઈ મોટીવ શોધી શક્યો કે ના કોઈ આગળની થીયરી સેટ કરી શક્યો. તેના માટે દરેક કેસ ચેલેંજિગ બની ગયો હતો. બીજે દિવસે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ જોયો. દરેકના હાથ અને પગ સખત રીતે બાંધેલા હોય તેવા નિશાન હતા અને ગળાની ચોક્કસ નસને કાપી નાખી હતી. ફોરેન્સિક એક્સપર્ટ ડોક્ટરનું કહેવું હતું કે કોઈ કાબેલ સર્જન જ આટલી સફાથી અને કાળજીથી નસ કાપી શકે. સામંથાને કેસ સંબંધી પહેલી કડી મળી.

હવે તેને દરેક કેસની ફાઇલ ડિટેલ્સમાં ચકાસવા માંડી. પહેલી વ્યક્તિ આશા પારેખના ૫૨ વર્ષના કરોડપતિ હસબન્ડ કફ પરેડમાં રહેતા હતા. તેમનો ડાયમંડનો બિઝનેસ બીકેસીમાં હતો. પરિવારમાં દીકરો, દીકરી અને મધર હતા. તેમનો બનેવી એક કુશળ સર્જન હતો. આશા પારેખ અત્યંત સ્વરૂપવાન હોવાથી મોડેલિંગ કરતી હતી. જે દિવસે તેનું કિડનેપિગ થયું ત્યારે રાતના ૯.૩૦ વાગ્યે તે કીટી પાર્ટીમાંથી પાછી આવી રહી હતી. મરીન ડ્રાઈવ પર કારમાંથી ઉતરી ગઈ અને ડ્રાઇવરને ગાડી ઘરે લઈ જવા કહ્યું. તે કેમ મરીન ડ્રાઇવ પર ઉતરી ? કોને મળવા જતી હતી ? આગળ ક્યાંથી કીડનેપ થઈ ? તે રહસ્ય વણઉકેલ્યું રહ્યું. બરાબર પાંચ દિવસ પછી રાત્રે ૯ વાગે અજાણ્યા વ્યક્તિનો ફોન ક્રાઇમ બ્રાન્ચ પર આવ્યો. તેને લાશનું લોકેશન વસઈની ખાડીના કિનારા પાસે બતાવ્યું હતું.

બરાબર તેના અઠવાડિયા પછી અત્યંત દેખાવડી સુમંત દેસાઈ કીડનેપ પેડર રોડના તેના ઘરની પાસેથી જ થઈ. તે એક હાઉસ વાઈફ હતી. તેનો હસબન્ડ મોટો બિલ્ડર હતો. તેનો દિયર એક કુશળ સર્જન હતો. રાત્રે ૮.૩૦ વાગે કેટલીક ઘરવખરીની ચીજો લેવા તે ઘરની બહાર ગઈ હતી. સીસીટીવીના ફૂટેજમાં ગલીના વળાંક સુધી દેખાઈ પછી તેનું શું થયું તેની ખબર ના પડી. સામંથાએ ત્યાર પછીના ત્રણ કલાકના સીસીટીવી ફૂટેજ ખૂબજ ધ્યાનપૂર્વક જોયા પણ કોઈ શંકાસ્પદ વસ્તુ ધ્યાનમાં ના આવી. બરાબર પાંચ દિવસ પછી રાત્રે ૯ વાગે ફરીવાર અજાણ્યા વ્યક્તિએ ક્રાઇમ બ્રાન્ચને ફોન પર જાણ કરી કે તેની લાશ મરીન ડ્રાઇવના દરિયાના કાંઠેથી મળશે.

ત્રીજી વ્યક્તિ મારીયા પરમારે એમબીએ કરેલું. તે તેના પતિ કાબેલ સર્જન ડોક્ટર ફ્રાંસીસના હોસ્પીટલમાં એડમીન હેડ હતી. બંનેના લવ મેરેજ થયા હતા. અને બંને સુખી જીવન જીવતા હતા. બીજી હત્યાના અઠવાડિયા બાદ ડોક્ટર ફ્રાંસીસ ઇમરજન્સી ઓપરેશનમાં વ્યસ્ત હોવાને લીધે રાત્રે ૯.૩૫ કલાકે મારીયા એકલી વાલકેશ્વર પોતાના ઘરે જવા માટે હોસ્પિટલની બહાર ટેક્સી માટે વેઇટ કરતી હતી. પણ કોઈ ટેક્સી ના મળતા તે ચાલતી ચાલતી આગળની ગલીમાં ટેક્સી શોધવા ગઈ. ત્યાં કોઈ સીસીટીવી કેમેરા નહોતા બસ પછી તે દેખાઈ નહીં. પાંચ દિવસ પછી રાબેતા મુજબ ક્રાઇમ બ્રાન્ચ પર કોઈ અજાણ્યા શખ્સે તેની પણ લાશ વરસોવા બીચ પાસેથી મળશે તેવું જણાવ્યું.

રાતના ૧૨ વાગી ગયા હતા. સામંથાએ આળસ મરડી, બીટ્ટુ (આસિસ્ટન્ટ)ને એક કડક કોફી બનાવવાનું કહ્યું. થોડીવાર બાદ નિચોડરૂપે મુદ્દા તારવવાના શરૂ કર્યા. કાતિલે દરેક હત્યા કરતાં પહેલાં વ્યક્તિના ફેમિલી હિસ્ટ્રીની પરફેક્ટ રેકી કરી હતી. નાનો સરખોય પુરાવો ના છોડવાના કારણે સામંથાએ વિચાર્યું કે તે એક અત્યંત બુદ્ધિશાળી, પ્લાનિંગવાળો અને રીઢો ગુનેગાર છે. કાંતો એક કુશળ સર્જન છે અથવા તો સર્જરીની પરફેક્ટ તાલીમ લીધી છે. પોલીસને ભ્રમિત કરવા જે ફેમિલીમાં એક કુશળ સર્જન હોય તેવીજ સ્ત્રીઓને પસંદ કરી છે.

રાતના બે વાગી ગયા હતા. ત્યાં જ તેના મોબાઇલની રીંગ વાગી. ક્રાઇમ બ્રાન્ચમાંથી ફોન હતો. વરલી સી ફેસની અત્યંત સ્વરૂપવાન શાલીની અગ્રવાલની ચોથી હત્યા કાતિલે કરી હતી. આ વખતે તેનો કોલ રાતના ૧.૪૫ વાગે આવ્યો તો. લાશ વરલી દરિયાના કાંઠા પરથી મળી આવી હતી. સામંથા ચકરાઈ ગયો. તે સમજી ગયો કે કાતિલ પોલીસ ડિપાર્ટમેન્ટને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યો છે કે તાકાત હોય તો પકડી જુઓ... હવે તો સામંથાની ઇજ્જતનો સવાલ હતો.

ત્યાંજ પોલીસ કમિશનરનો ફોન આવ્યો. તાત્કાલિક સામંથાને બોલાવ્યો. ''સામંથા, આ ખૂની ડિપાર્ટમેન્ટ કરતા ચાર ડગલા આગળ ચાલે છે. ખૂન કરવાનો મોટીવ શું છે તેની જ સમજ પડતી નથી. હવે જો ઝડપથી તેને ઝબ્બે કરવામાં નહીં આવે તો પોલીસની ઇજ્જત બે કોડીની થઈ જશે અને પ્રજાનો ભરોસો પોલીસ પરથી ઉઠી જશે. મારા રિટાયર્ડ થવાના છ મહિના બાકી છે ને માથે કલંક લાગશે. તારી પાસે માત્ર અઠવાડિયાનો સમય છે, નહીં તો આ કેસ સીબીઆઈને સોંપી દેવો પડશે.'' પોલીસ કમિશનર ખૂબ જ વ્યથિત હતા. સામંથા તેમની પરિસ્થિતિ સમજતો હતો. તે જાણતો હતો કે કાલે તો સોશિયલ મીડિયાનો પોલીસ ડિપાર્ટમેન્ટ પર મારો આવશે. નજીકમાં રાજ્યની ચૂંટણી આવતી હોવાથી બિઝનેસ લોબીનું સખત પ્રેશર સીએમ પર આવશે, આથી રાજ્યના ગૃહપ્રધાન સીધા જ ઇનવોલ્વ થશે.

સામંથાએ બીટ્ટુ સાથે બીજા ચાર બાહોશ ઓફિસરની ટીમ બનાવી. દરેકને પોશ એરિયા વહેંચી દીધા. અને લોકલ પોલીસને એલર્ટ કરી. કોઈપણ વ્યક્તિ પર થોડો પણ શક પડે તો તેને સામંથાની સમક્ષ રજૂ કરવો. તેવી કડક સૂચના આપી. સૌ પ્રથમ તો પોલીસ સ્ટેશન પર ખૂનની જાણકારી આપતા ફોન નંબર હેકર પાસે ટ્રેસ કરાવવાનો પ્રયત્ન કર્યો પણ તે તો બેંગકોક, દુબઈ, અમદાવાદ એમ સર્ક્યુલર રૂટથી ફોન આવતો હતો મતલબ કે કાતિલ ટેકનોસેવી હતો. સામંથાની એક વાત સમજ બહારની હતી કે કિડનેપિંગ વખતે કોઈએ જોયો જ ના હોય કે કોઈ વિટનેસ ના હોય તેવું કેવી રીતે બને ? અર્થાત, કોઈ જાણકાર વ્યક્તિ હોઈ શકે પણ જે રીતે હત્યાઓની પેટર્ન હતી તે મુજબ અંદરનો કે પછી પરિચિત વ્યક્તિની શક્યતા ઓછી હતી. સામંથા જેટલો બુદ્ધિનો વિનિમય કરતો હતો તેટલો જ તે કેસ વધારે ને વધારે જટિલ બનતો હતો. હવે તે એક જ થિયરી પર ગયો કે ભૂતકાળમાં કે ભવિષ્યમાં દરેક ગુનેગાર કોઈને કોઈ ભૂલ તો કરતો જ હોય છે પણ સામે સમયનો અભાવ હતો. હવે તો કોઈ ચમત્કાર જ આ કેસને ઉકેલી શકે. ઉપરવાલાએ સામંથાનું સાંભળ્યું અને એક ચમત્કાર થયો.

બીજા દિવસે સવારે ચેન્નાઈથી વેમ્બુ નામના એક રિટાયર્ડ સિનિયર ઇન્સ્પેકટરનો ક્રાઇમ બ્રાન્ચ પર આ કેસ સંબંધી ફોન આવ્યો. ક્રાઈમ બ્રાન્ચે સામંથાને કોન્ફરન્સમાં લીધી.

'સર, આજથી દસ વર્ષ પહેલા વેલ્લુર શહેરમાં આ જ ટાઇપની મોડસ ઓપરેન્ડી પર સાત હત્યાઓ થયેલી હતી. ફર્ક એટલોજ હતો કે દરેકની ગળાની નસ કાપવાને બદલે ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી, સાથે પગ અને હાથના જમણા અંગૂઠા કાપી નાખવામાં આવ્યા હતા. મેં ટાઇમ્સમાં મુંબઈમાં બનેલી હત્યાઓની વિગત વાંચીને ફોન કર્યો છે.'

સામંથાની આંખમાં ચમકારો થયો. તાત્કાલિક ફ્લાઇટ પકડી બીટ્ટુ સાથે ચેન્નાઈ પહોંચ્યો.

* * *

'દસ વરસ પહેલા સીરીયલ હત્યાકાંડ થયો હતો. દરેક કેસ મારા ઇન્ચાર્જમાં હતા. કોઈ મોટીવ કે પુરાવા મળ્યા નહોતા. માત્ર નદી કિનારે બંધ પડેલી એક જર્જરીત ફેક્ટરીના ગોડાઉનમાં કેટલાક પુરાવા મળ્યા હતા. તે પણ આ હત્યાકાંડને સંબંધી જ હતા. તેની કોઈ ખાતરી નહોતી. બાદમાં ફાઇલને ક્લોઝ કરી દીધી હતી.' ઇન્સ્પેકટર વેમ્બુએ જાણકારી આપી. સામંથાએ ગોડાઉન બાબતે વધુ ડિટેલ્સ પૂછી.

'સર, ત્યારે ત્યાંથી પસાર થતાં કોઈ વ્યક્તિને ગોડાઉનમાંથી સ્ત્રીની બુમબુમ સંભળાઇ. તેને પોલીસ સ્ટેશન પર ફોન કર્યો હતો. અમે પહોંચ્યા તો ગોડાઉન ખાલી હતું. ત્યાં ધારદાર છરી અને દોરડું પડયા હતા. પણ લોહીના ધબ્બા કે કોઈપણ ફિંગર પ્રિન્ટસ મળ્યા નહોતા. આજુબાજુ ઘણી તપાસ કરી પણ અવાવરું જગ્યા હોવાથી વિશેષ કોઈ જાણકારી મળી નહોતી.

સામંથાના મગજમાં ઝબકારો થયો. તેણે તુર્તજ લોકલ પોલીસની મદદથી શહેરની મેડિકલ કોલેજના ડીન સાથે મુલાકાત ગોઠવી. નસીબજોગે છેલ્લા ૨૦ વર્ષથી ડો. જોન ડીન તરીકે કાર્યરત હતા.

'સર, લગભગ પંદર વર્ષની આજુબાજુ કે તે પહેલાં સર્જરી ડિપાર્ટમેન્ટમાં પાસ થયેલા કાબેલ સર્જનનું લિસ્ટ તથા તેમની ડિટેલ્સ જોઇએ છે.' સામંથા બોલ્યા ડીન થોડીવાર વિચારમાં પડયા. બાદમાં તેમને તે વખતના હેડ ઓફ ધ ડિપાર્ટમેંટના રિટાયર્ડ ડો. રામાસ્વામીનો કોન્ટેકટ કરી તેમને તાત્કાલિક કોલેજમાં બોલાવ્યા.

'મિસ્ટર રામાસ્વામી, એક સીરીયલ કિલર બાબતે તપાસ ચાલી રહી છે. લગભગ ૧૦ થી ૧૫ વર્ષના ગાળામાં કોલેજના કાબેલ સર્જન જે માખણની માફક ઓપરેશન કરી શકતા હોય તેની જાણકારી જોઈએ છે.' સામંથા બોલ્યા.

રામાસ્વામી ભૂતકાળમાં સરી પડયા. થોડીક વાર બાદ કહ્યું કે, 'મારે તે વખતના લિસ્ટ જોવા પડશે. લાંબો સમય થઈ ગયો હોવાથી કંઈ યાદ આવતું નથી.' સામંથા સમજતા હતા કે આ મોટા ઢગલામાંથી સોય શોધવાની વાત છે. પણ સામંથા એવા નિર્ણય પર આવ્યા હતા કે દસ વર્ષ પહેલા થયેલી હત્યાઓ અને તાજેતરની હત્યાઓનું સીધું જોડાણ છે અને તેનો હત્યારો પણ એકજ છે. તે એક કાબેલ સાઉથ ઇન્ડિયન સર્જન છે અને બંનેય સમયની હત્યાઓનો કોઈ ચોક્કસ મોટીવ ના હોવાથી આ સીરીયલ કીલર એક સનકી અને મનોરોગી છે. જો તે અરસાના કાબેલ સર્જનની છાનબીન કરવામાં આવશે તો ચોક્કસજ પોઝિટિવ પરિણામ મળશે.

રામાસ્વામીએ બીજે દિવસે કહ્યું કે તેને ઓછામાં ઓછા ૧૦ દિવસ જોઈશે. સામંથા નિરાશ થયો. તેને બને તેટલું જલ્દી રિપોર્ટ આપવાનું કહ્યું. હવે લોકલ પોલીસ સ્ટેશનમાં જઈ દસ વર્ષ પહેલાંની દરેક હત્યાઓનું પૃથ્થકરણ શરુ કર્યું. તથા ત્યારના જે અવાવરું ગોડાઉનમાં પોલીસ તપાસ થઈ હતી તેની મુલાકાત લીધી. હજુય તે જગ્યા તેવીજ જર્જરીત હાલતમાં હતી. તેના માલિક ચેન્નાઈમાં રહેતા હતા. પહેલા લોખંડનું કારખાનું હતું. પછી તેમને બિઝનેસને ચેન્નાઈમાં ટ્રાન્સફર કર્યો હોવાથી તે અત્યાર સુધી બંધ હાલતમાં હતું. તેને નોંધ્યું કે ગોડાઉન નદીના કિનારે હતું. સામંથાએ વિચાર્યું કે ત્રણ દિવસ થઈ ગયા છે હવે અહીં વધારે રોકાવું નિરર્થક છે. બીજા દિવસના સવારની મુંબઇ જવાની ફ્લાઇટ બુક કરી. સાંજે હોટલ પર પહોંચી બીટ્ટુ સાથે અહીંના દરેક પાસાઓની ચર્ચા કરી પણ કોઇ ચોક્કસ તારણ પર આવી ન શક્યા. અચાનક તેના દિલમાં ડો. સામાસ્વામીને મળવાની તીવ્ર ઇચ્છા થઈ. આમ કેમ થાય છે ? તેની સમજ ના પડી. 

રામાસ્વામીએ તો ચોખ્ખું કહેલું કે ઘણા વર્ષો પહેલાંની વાત છે આથી દસ દિવસમાં હું આપને ચોક્કસ માહિતી ના પણ આપી શકું. તો અત્યારે તેમને મળીને કોઈ ફાયદો નહોતો પણ તેનું દિલ માનતું નહોતું. છેવટે રામાસ્વામીને હોટલ પર બોલાવ્યા.

'સરજી, આપ સમજોકે ઓલરેડી ચાર હત્યાઓ થઈ ગઈ છે. બીજી કેટલીક ખૂબસૂરત સ્ત્રીઓની જાન જોખમમાં છે. અમારી પાસે કોઈ પુરાવા કે કોઈ દિશા નથી. હવે તો આપનોજ આધાર છે.' સામંથાએ વિનંતીપૂર્વક કહ્યું.

રામાસ્વામી બોલ્યા કે, 'આપના પ્રત્યે સહાનુભૂતિ છે પણ હું આમાં આપને કોઈ મદદ કરી શકું તેમ નથી.' પરંતુ સામંથા તંત છોડવા તૈયાર નહોતા.

'આપ સમજો, અત્યંત સ્વરુપવાન, અમીર સ્ત્રીઓની જાન જોખમમાં છે. આ વ્યક્તિ કોઈ સનકી કે મનોરોગી છે. તે હત્યા કરીને પાશવી આનંદ લે છે.' આટલું સાંભળતા રામાસ્વામી ભૂતકાળમાં ઉતરી ગયા. ઊંડા વિચારમાં હતા. સામંથાને રામાસ્વામીની આવી વર્તણૂક અકળાવી ગઈ. ત્યાંતો એકદમ રામાસ્વામી બોલ્યા,

'૧૫ વર્ષ પહેલા ચોથા સેમિસ્ટરમાં ભણતો એક સ્ટુડન્ટ અત્યંત હોશિયાર અને તેના હાથમાં જાદુ હોય તેવી સર્જરી કરતો હતો, પણ તે એકદમ સનકી હતો. એક વખત ઓપરેશનના ડેમોન્સ્ટ્રેશન દરમ્યાન તેને એક ખૂબસૂરત કલીગ પર કારણ વગર છરીથી ઘાતક હુમલો કર્યો હતો. તે છોકરીને આઇસીયુમાં દાખલ કરવી પડી હતી. આ બાબતે તેને કોલેજમાંથી ડીસમીસ કરેલો. કોલેજમાં તે કિસ્સો ખૂબજ ચર્ચાસ્પદ થયેલો એટલે મને બરાબર યાદ રહી ગયો છે.'

સામંથા સીટી મારી અને કૂદયો. 'બીટ્ટુ, કાતિલ હાથવેંત જ છે.' આટલું બોલી સામંથાએ ત્યાં રોકાવાનું નક્કી કરી, બીજે દિવસે સ્ટુડન્ટની પુરી હિસ્ટ્રી મંગાવી. ત્યારબાદ તે વ્યક્તિની પુરી ખણખોદ કરી. પછી મુંબઇ પહોંચી સીધો કમિશ્નરને મળવા ગયો.

'સાહેબ, હત્યારો મુથુપ્પા નાયર છે. તે એક મનોરોગી વ્યકિત પણ અત્યંત બુદ્ધિશાળી અને પાશવી મનોવૃત્તિવાળો છે. હાલમાં મુંબઈમાં ક્યાં છે તે શોધવા માટે દરેક પોલીસ સ્ટેશનમાં તેનો ફોટો મોકલાવી ગહન તપાસ કરવી પડશે.' સામંથાએ સંક્ષિપ્તમાં જણાવ્યું.

'સામંથા, કયા બેઇઝ પર તું આટલો કોન્ફિડન્ટ છે ? નથી કોઈ પુરાવા, નથી કોઈ થીયરી, નથી કોઈ દિશા. આ તો એક એઝમ્પશન છે. તેના આધારે આટલા મોટા પગલાં ના લઈ શકાય. હવે મારે દરેક રિપોર્ટ ડાયરેકટ ગૃહપ્રધાનને આપવાનો હોય છે. તે આ થિયરી સાથે જરાય સંમત થશે નહીં.' કમિશ્નરે તેની વાતનો છેદ ઉડાવી દીધો. ત્યાંતો સામંથાના મોબાઈલ પર ક્રાઇમ બ્રાન્ચમાંથી મેસેજ આવ્યો કે મલબાર હિલના એક વ્યક્તિએ પોતાની ખૂબસૂરત પત્ની ગુમ થઇ છે તેવી ફરિયાદ નોંધાવી છે. હવે સામંથા એક્શનમાં આવી ગયો.

પહેલા તો દરિયા કિનારાની નજીક કોઇ બંધ પડેલું કે જર્જરીત ગોડાઉન શોધવા માટે બીટ્ટુ અને ટીમને મોકલી આપ્યા. તેને કમિશનર પાસેથી ૨૪ કલાકનો સમય માંગ્યો. સાંજ સુધીમાં તો વસઇની ખાડીની નજીક એક ગોડાઉન તરફ સામંથા તેની ટીમ સાથે પહોંચ્યો. દરેકને અલગ અલગ લોકેશન પરથી આગળ વધવાનું કહ્યું. પોતે ભરી બંદૂકે બીટ્ટુ સાથે ગોડાઉનની અંદર પ્રવેશ્યો. ચારેકોર ભયંકર અંધારું હતું. બેટરીના પ્રકાશમાં ચોમેર નજર રાખતા સામંથાએ પરિસ્થિતિનું માપ કાઢી લીધું. ગોડાઉનની વચ્ચે મોટી ખાલી જગ્યા હતી. સામેની બાજુએ વચ્ચેના ભાગમાં ત્રણ ઓરડીઓ બંધ પડી હતી. બીજી બાજુથી ટીમ અંદર આવી ગઈ હતી. ધીરે રહીને વચ્ચેની ઓરડીની પાસે દરેકને ચૂપચાપ ભેગા કર્યા. બાદમાં જોરથી બારણાને લાત મારી જર્જરિત બારણું ખુલી ગયું.

અંદરનું દ્રશ્ય જોતાં બધા સ્તબ્ધ થઈ ગયા. સામેની ખુરશીમાં એક સ્વરુપવાન સ્ત્રીના હાથ પગ દોરડાથી બાંધેલા હતા. તે અર્ધ બેભાન અવસ્થામાં હતી. બાજુમાં મુથુપ્પા મોટો છરો લઈને ફાનસના પ્રકાશમાં ઉભો હતો. સામંથાએ રિવોલ્વર તેની સામે તાંકીને કહ્યું.

'મુથુપ્પા, તારો ખેલ ખલાસ થઈ ગયો છે. છરો મારી તરફ ફેંકીને આ સ્ત્રીને છોડી દે.'

મુથુપ્પાની નજર સામંથા પર પડી. તેને જોયું કે પુરા સાત વ્યક્તિઓની ગન તેની સામે ટંકાયેલી હતી. છતાંય તેના પર કોઈ ગભરાટ ન દેખાયો. ઉપરથી અટ્ટહાસ્ય કરવા લાગ્યો.

'આને તો હવે ભગવાન પણ ના બચાવી શકે.'

'આ સ્ત્રીએ તારું શું બગાડયું છે ? તેને છોડી દે. આપણે સામ સામે બેસીને વાત કરી લઈએ.' સામંથા સમજી ગયો હતો કે જરાય શરતચૂક થશે તો આ સ્ત્રીનું મોત નક્કી જ છે.

સામે મુથુપ્પાએ કોઈ જવાબ ના આપ્યો. તેને છરાને સ્ત્રીના ગળાના ચોકક્સ ભાગ પર મૂક્યો.

'મુથુપ્પા, આમ કરવાથી તને શું ફાયદો છે ? તારેય પત્ની, મા, બહેન હશે. દયા કર.' સામંથા વાતોમાં તેને ઉલઝાવી રહ્યો હતો. તે જાણતો હતો કે જો હું ગોળી છોડીશ તો તે એકજ સેકન્ડમાં તે સ્ત્રીનું ગળું કાપી નાખશે.

ત્યાંતો મુથુપ્પા બરાડયો. 'પત્ની કે માની તો વાત જ ન કરતા. હું દસ વર્ષનો હતો ત્યારે મારી ખુબસુરત મા મારા ભોળા બાપને મને એકલો મૂકીને તેના આશિક સાથે ફરાર થઈ ગઈ હતી. અને સ્વરુપવાન પત્નીનો તો કાંટો મેં જ કાઢી નાંખ્યો હતો.'

સામંથાને હત્યાઓ કરવાનું કારણ મળી ગયું. પણ રહેમ કરવાનો કે વિચાર કરવાનો સમય નહોતો. વાતો કરતા મુથુપ્પાનું ધ્યાન સામંથા પર ફોકસ થયું હતું. તેનો ફાયદો ઉઠાવી સામંથાએ સીધી ધાંય ધાંય કરતી બે ગોળી છરાવાળા હાથ પર છોડી. છરો ઊછળીને બાજુમાં રહેલા થાંભલા પર અથડાઇને પાછો મુથુપ્પાના પગ પાસે પડયો. મુથુપ્પા વીજળી ઝડપે છરો ઊઠાવી, સ્ત્રીનું ગળું કાપવા જાય તે પહેલા બીજી બે ગોળી તેના પગમાં સામંથાએ મારી. તે ભોંય ભેગો થઈ ગયો. ખુરશીમાં બેઠેલી સ્ત્રી ચિત્કાર પાડી બેભાન થઈ ગઈ. હવે મુથુપ્પા સમજી ગયો કે બચવાના કોઈ ચાન્સ જ નથી. આથી તેણે પોતાનું ગળું કાપી નાખ્યું. અને ત્યાંજ ઢગલો થઈ પડી ગયો. સામંથા સાવચેતીપૂર્વક ત્યાં પહોંચ્યો તો મુથુપ્પા રામશરણ પહોંચી ગયો હતો.