Get The App

વિજ્ઞાન ધ્વનિની રોગોપચારક શક્તિનું સમર્થન કરે છે!

Updated: Jun 5th, 2022

GS TEAM


Google News
Google News
વિજ્ઞાન ધ્વનિની રોગોપચારક શક્તિનું સમર્થન કરે છે! 1 - image

- અગોચર વિશ્વ : દેવેશ મહેતા

- એક સ્ટડી દર્શાવે છે કે એક કલાક સુધી ઉચ્ચારેલો મંત્રધ્વનિ, તે મંત્રધ્વનિનું કરેલું ધ્યાન ક્રોધ, થાક, હતાશા, નિરાશા, વિષાદ અને તણાવને ઘટાડી દે છે

ઋગ્વેદમાં કહેવાયુ છે - 'પ્રાવીવિપદ્વાચ ઊર્નિ ન સિન્ધુ ઃ! જે રીતે સમુદ્રમાં તરંગો ઉઠે છે તે વાફ (ધ્વનિ) ના તરંગો પણ કંપન સાથે ગતિ કરે છે.' ધ્વનિ એક મહાશક્તિ છે. અણુ શક્તિ, વિદ્યુત શક્તિ, તાપ શક્તિ વગેરેની જેમ એનો પણ ઉપયોગ કરીને મોટા કાર્યો કરી શકાય છે. શબ્દ અને ધ્વનિ હકીકતમાં કંપન-પ્રવાહની વિશેષ સ્થિતિ છે જે ઈચ્છા પ્રમાણે ઉત્પન્ન કરી શકાય છે. ભારતીય મંત્ર વિદ્યામાં શબ્દોની જે સંવહન શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે એનું એક લઘુરૂપ પરાધ્વનિ (અલ્ટ્રાસાઉન્ડ) રૂપે ભૌતિકવિજ્ઞાાનીઓએ જાણી લીધું છે. એના જુદી જુદી રીતે ચિકિત્સકીય ઉપયોગ પણ હવે વધવા લાગ્યા છે.

'આર્કાઈવ્ઝ ઓફ ફિઝિકલ મેડિસિન એન્ડ રિહેબિલિટેશન' જર્નલમાં એક કિસ્સો વર્ણન કરવામાં આવ્યો છે જેમાં એક મહિલાની આંગળીઓને એવો લકવા લાગી ગયો હતો કે તે આંગળીઓનું સહેજ પણ હલનચલન કરી શકતી નહોતી પણ જ્યારે તે આંગળીઓ પર પરાધ્વનિ (અલ્ટ્રાસાઉન્ડ)નો પ્રયોગ કરવામાં આવ્યો તો તેનો લકવા દૂર થઈ ગયો કરવા, તેનો કોઈ વસ્તુ પકડવા કે દોરીના બે છેડા બાંધવા જેવા કામોમાં ઉપયોગ કરવા સમર્થ બની ગઈ હતી. ફ્રાંસની મોટામાં મોટી ગણાતી પેરિસમાં આવેલી પિટી-સાલપેટ્રિ હોસ્પિટલ (Pitie-salpetriere Hospital)માં ૨૭ જેટલા અસાધ્ય રોગોથી પીડાતા દર્દીઓને અલ્ટ્રાસાઉન્ડ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. આ લાઈલાજ રોગીઓ કર્ણાતીત ધ્વનિ-પરાધ્વનિથી એકદમ સ્વસ્થ થઈ ગયા હતા.

વિજ્ઞાન ધ્વનિની રોગોપચારક શક્તિનું સમર્થન કરે છે! 2 - imageઅમેરિકાના ન્યૂયોર્કની માઉન્ટ સિનાઈ હોસ્પિટલ (Mount sinai Hospital)માં એકવાર ઈલેક્ટ્રિક કરન્ટથી સખત દાઝી ગયેલા એક યુવાનને દાખલ કરવામાં આવ્યો. મેડિકલ ટ્રીટમેન્ટથી તેના શરીરના બીજા અંગોે તો સારા થઈ ગયા પણ તેની એક આંગળી સારી ના થઈ. ડૉક્ટરોને એવું લાગતુ હતુ કે તે કાપી નાંખવી પડશે. તે સંજોગોમાં તેની આંગળી પર અલ્ટ્રાસાઉન્ડ ધ્વનિનો પ્રયોગ કરવામાં આવ્યો અને વિસ્મયજનક રીતે તેની આંગળીની ક્ષતિ દૂર થઈ ગઈ અને તે એકદમ સારી થઈ ગઈ. અમેરિકાના ૯૦ બાળકો પોલિયો અને ઓસ્ટિયો-આર્થાઈટિસ (સંધિવા)નો ભોગ બની ગયા હતા તેમને પણ અલ્ટ્રાસાઉન્ટ ટ્રીટમેન્ટ આપવામાં આવી ત્યારે તે સાજા થઈ ગયા હતા. પેરિસના એક એડવોકેટ કમરના દુખાવાથી ભારે પીડા ભોગવતા હતા તે ટટ્ટાર ઊભા રહે તો પણ તેમને વેદના થતી હતી. તેમને અલ્ટ્રાસાઉન્ડ ચિકિત્સા આપવામાં આવી એની પાંચ જ મિનિટ બાદ તેમનો દુખાવો દૂર થઈ ગયો હતો અને એ રોગ કાયમ માટે મટી ગયો હતો. જર્મનીના કેટલાક ડૉક્ટરોએ કાનના ૧૬ રોગીઓ પર અલ્ટ્રાસાઉન્ડનો પ્રયોગ કર્યો હતો. એ રોગીઓ એવા હતા જેમને દવા કે સર્જરીથી પણ સારું થયું નહોતુ. આ ટ્રીટમેન્ટથી ૬ દર્દીઓ પૂરેપુરુ સાંભળવા લાગ્યા હતા બીજા ૬ દર્દીઓ અડધુ-પડધુ સાંભળવા લાગ્યા હતા.

પરા ધ્વનિ (Ultra Sound) એ ધ્વનિ છે જેને મનુષ્યનો કાન સાંભળવા સમર્થ નથી. અતિ સૂક્ષ્મ કંપનીને જ્યારે વિદ્યુત આવેશ આપવામાં આવે છે ત્યારે તેની વેધક શક્તિ એટલી વધી જાય છે કે તે સખત અને કઠણ વસ્તુઓને ભેદીને એની આંતરિક રચનાનું ચિત્ર બતાવે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કોલોરાડો મેડિકલ સેન્ટરના શરીર વિજ્ઞાાની ડૉ. જોસેફ હોમ્સે અલ્ટ્રા સાઉન્ડનો ઉપયોગ કરી ઊતકો (ટિશ્યૂ)નું અધ્યયન કરવાને લગતું સંશોધન કર્યું હતું. આ માટે જે સાધન બનાવવામાં આવ્યું તેને ટ્રાન્સડયુસર (Transducer) તરીકે ઓળખવામાં આવે છે. આ યંત્રમાં વિદ્યુત ઊર્જાને ધ્વનિ ઊર્જામાં રૂપાંતરિત કરવામાં આવે છે. તે એક સેકંડમાં ૨૦ હજાર સાઈકલ્સથી ૮૦ લાખ અને એક કરોડ સાઈકલ્સ એવી પ્રવૃદ્ધ ગતિથી ધ્વનિતંરગો પ્રસારિત કરે છે. આ તરંગો રોગના નિદાન માટે જ નહીં પણ હવે ઉપચાર માટે પણ ઉપયોગમાં લેવાય છે. એ પછી ન્યૂમાં ઈ. થોમસ નામના અમેરિકન વિજ્ઞાાનીએ રેટ્રોમીટર નામનું સાધન બનાવ્યુ જે કોઈપણ માધ્યમના પ્રકાશને ફોટો સેન્સિટિવ સેલમાં મોકલી વિદ્યુત ઊર્જામાં બદલી નાંખે છે અને તે પછી રિસિવર યંત્રમાં વિદ્યુત ઊર્જામાં બદલાયેલા તરંગોને ધ્વનિ રૂપે ફેરવીને સાંભળવામાં આવે છે.

મંત્ર ધ્વનિ અમોઘ શક્તિ છે. મંત્રોચ્ચારથી ઉત્પન્ન ધ્વનિ પ્રવાહ વ્યક્તિની સમગ્ર ચેતનાને પ્રભાવિત કરે છે અને એના કંપન અંતરિક્ષમાં વિખેરાઈને પરિસ્થિતિને અનુકુળ બનાવે છે. કંઠ, હાથ, જિહ્વા, તાલૂ વગેરે મુખ્ય અવયવોને વિભિન્ન શબ્દોના ઉચ્ચારણમાં અલગ અલગ હલન ચલન કરવું પડે છે. એનો પ્રભાવ સ્થળ અને સૂક્ષ્મ શરીરના અવયવો પર પડે છે. ઉપત્યિકાઓ, નાડી ગુચ્છકો, વિદ્યુત ર્ભંવરો ઉપર આ મંત્ર ધ્વનિઓનો પ્રભાવ પડે છે અને સૂક્ષ્મ શરીરના ચક્ર અને ઈડા, પિંગલા, સુષુમ્ણા જેવા વિદ્યુત પ્રવાહ પ્રભાવિત થાય છે. ધ્યાન અને યોગથી સક્રિય થયેલા ચક્રોની વિદ્યુત શક્તિ મંત્ર ધ્વનિને એવા શક્તિશાળી બનાવે છે જે રોગની ગંભીર સ્થિતિને પણ સુધારી દે છે.

ધ્વનિ ક્રમબધ્ધ-લયબધ્ધ અને વૃત્તાકાર હોય છે. એક ક્રમથી નિરંતર એક જ શબ્દ વિન્યાસનું ઉચ્ચારણ કરાતું રહે તો એનું એક ગોળ ચક્ર બને છે. ત્યારે ધ્વનિ તરંગો સીધી રેખામાં જવાને બદલે વૃત્તાકાર (વર્તુળાકાર) ફરવા લાગે છે. એનાથી તે પ્રચંડ શક્તિ ઉત્પન્ન કરે છે. કેટલાક શબ્દોને એક રસ, એક સ્વર, એક લય અનુસાર વારંવાર ઉચ્ચારિત કરતા રહેવાથી ધ્વનિ તરંગો સીધા કે સાધારણ બની રહેતા નથી. એટલે જ એક જ મંત્રનો લાખો કે કરોડો વાર જાપ કરવાથી તે ચમત્કારિક સિદ્ધિ આપનારા બની જાય છે. 

જર્નલ ઓફ એવિડન્સ બેઝડ ઈન્ટિગ્રેટિવ મેડિસિનમાં પ્રકાશિત થયેલો એક સ્ટડી દર્શાવે છે કે એક કલાક સુધી ઉચ્ચારેલો મંત્રધ્વનિ, તે મંત્રધ્વનિનું કરેલું ધ્યાન ક્રોધ, થાક, હતાશા, નિરાશા, વિષાદ અને તણાવને ઘટાડી દે છે. તિબેટન સિન્ગિંગ બાઉલ્સ, ક્રિસ્ટલ સિન્ગિંગ બાઉલ્સ, ઘંટ, શંખ તથા અમુક વાદ્યનો ધ્વનિ ધ્યાનપૂર્વક સાંભળવામાં આવે તો તે રોગોપચારક પરિણામો લાવે છે. એટલા માટે અનેક સાઉન્ડ થેરાપિસ્ટ એમનો રોગોપચાર માટે ઉપયોગ કરે છે. એ સાથે ટોનિંગ-સ્વર શૈલી પર આધારિત ઉપચાર પદ્ધતિ પણ જબરદસ્ત ચમત્કારિક પરિણામો લાવે છે. અમેરિકાના ઓહાયો (Ohio) ના આલ્બનીમાં આવેલી હોકિંગ કોલેજના હ્યુમન બાયો-એકોસ્ટિક સાઉન્ડ વિભાગના અધ્યક્ષ શ્રેષ્ઠ સાઉન્ડ થેરાપિસ્ટે 'ટોનિંગ' પદ્ધતિથી ઘણા અસાધ્ય રોગો મટાડયા છે. મેકઆર્થર-ઓહ્યોના રહેવાસી બોબ બેથેલને શેરી એડવર્ડઝે પોર્ટેબલ ટોન બોક્તમાં પોતાનો વિશિષ્ટ ટોન ભરીને સાંભળવા આપ્યો. એ ટોન એના માટે જરૂરી ક્રિડવન્સી ધરાવતો હતો. એનાથી એના સ્નાયુઓમાં દ્રઢતા આવી ગઈ હતી અને અકસ્માતથી થયેલી ક્ષતિ દૂર થઈ ગઈ હતી. શેરી એડવર્ડઝના પોતાના પુત્ર જેસી (Jessi) ને મોટર સાઈકલ અકસ્માત થવાથી ડાબા પગના ગોઠણ પાસેનું પેટેલા (Patella) હાડકું તૂટી જતાં તેના ૩૬ જેટલા નાના નાના ટુકડા થઈ ગયા હતા. હાડકાનો ટિબિયા છેદાઈ ગયો હતો અને એક રક્તવાહિની કપાઈ ગઈ હતી. શેરી એડવર્ડઝે એને લો ક્રિડવન્સી મોડયુલેટરથી ટોનિંગ કરી ચિકિત્સા આપી એનાથી તે ટુકડા સંધાઈ ગયા હતા અને તે વોકર કે લાકડીથી સહાય વગર સ્વસ્થ પણે ચાલવા લાગ્યો હતો!

Tags :