Get The App

સાધુતાને શિખરે બિરાજેલી સાત્વિક સાધના : આચાર્ય શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજ

- આચાર્યશ્રી ગુણરત્નવિજયજી મહારાજનું સંસારી નામ ગણેશમલ હતું

- જાણ્યું છતાં અજાણ્યું : મુનીન્દ્ર

Updated: Aug 2nd, 2020

GS TEAM

Google News
Google News
સાધુતાને શિખરે બિરાજેલી સાત્વિક સાધના : આચાર્ય શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજ 1 - image

ગુરુ કોને પ્રિય ન હોય ! ગુરુ પાસેથી માત્ર શ્રુતજ્ઞાન જ પ્રાપ્ત થતું નથી, બલ્કે મોક્ષ સાંપડે છે. આવા ગુરુ દેહ રૂપે હોય, ત્યારે પણ અસ્તિત્વ ધરાવે છે અને એ ચેતના સર્વત્ર વ્યાપ્ત હોય છે. એને આદિ કે અંત હોતા નથી, એવી સાસ્વત ગુરુચેતનાનો અનુભવ દીક્ષાદાનેશ્વરી ગુરુદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજના સંયમપર્યાયના ૬૬ વર્ષ, પાંચ મહિના અને અઢારમાં દિવસ સુધી અર્થાત્ એમના કાળધર્મના ૮૭ વર્ષ, છ મહિના અને અઢારમા દિવસ લગી સહુ કોઇને અનુભવ થતો રહ્યો અને આજે ય થઇ રહ્યો છે.

પોતાના પૂજ્ય દાદાગુરુદેવ પ્રેમસૂરીશ્વરજી મહારાજ પ્રત્યેની અગાધ ભક્તિનો પ્રભાવ જેમના જીવનની ક્ષણે ક્ષણે પ્રગટ થતો રહ્યો, એવા ૪૫૧ દીક્ષાદાનેશ્વરી શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજનું જીવન એક અનુપમ ગુરુભક્તિમય જીવન હતું. તેઓ એમના એટલા વિશ્વાસુ હતા કે જ્યારે શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજનો દીક્ષાપર્યાય માત્ર અગિયાર વર્ષનો હતો, તેવા સમયે ત્રણસો સાધુઓના વિશાળ સમુદાયનું વ્યવસ્થાપત્ર (વિલ) પૂ. પ્રેમસૂરીમહારાજે એમની પાસે લખાવ્યું હતું. હકીકતમાં પૂ. આ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજનું આખું જીવન ગુરુમય હતું અને તેઓના અંતિમ સમયે પણ લગભગ એવી જ સમાન ઘટનાઓ આકાર પામી.

પૂજ્ય પ્રેમસૂરિદાદા છેલ્લા દિવસે ૫૦-૬૦ માંડલીમાં દર્શન આપવા પધાર્યા, તો પૂ. ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. પણ એમ જ કર્યું. પૂજ્ય દાદા ગુરુદેવશ્રીએ સમાધિ સૂત્રો સાંભળ્યાં, તો પૂ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજીએ પણ એમ જ કર્યું. છેલ્લે પૂ. પ્રેમસૂરિજી બોલ્યા, 'મારે ઘર બદલવું છે.' તો પૂ. ગુણરત્નસૂરીજી પણ એમ જ બોલ્યા, 'મારે કૈલાસનગર જવું છે.' દાદાગુરુદેવ પ્રેમસૂરિજી રાત્રીએ કાલધર્મ પામ્યા તો એમના શિષ્ય પણ રાત્રીનો સમય જ પસંદ કર્યો !

દીક્ષા દાનેશ્વરી શ્રી ગુણરત્નસૂરિજીના ૬૬ વર્ષના દીક્ષાપર્યાય પર દ્રષ્ટિપાત કરીએ, ત્યારે કેવી કેવી અનેરી શાસનપ્રભાવના જોવા મળે છે ! ૪૫૧ જેટલાં મુમુક્ષુઓના દીક્ષાદાતા એવા દીક્ષાદાનેશ્વરીએ ૬૩ છરીપાલિત સંઘ, ૩૭ ઉપધાન, ૯૦ પ્રતિષ્ઠાઓ અને ૩૫ અંજનશલાકાઓ કરી છે. એમણે આપેલી છેલ્લી ૪૫૧મી દીક્ષા વિ.સં. ૨૦૭૬ અષાઢ સુદ બારસના સુરત મુકામે થઈ. આ રીતે પિસ્તાલીસ વર્ષમાં દર તેત્રીસમા દિવસે એમણે એક દીક્ષા આપી છે, તેથી તેઓ યથાર્થ રીતે દીક્ષાદાનેશ્વરી કહેવાયા.

આ ઘટનાની નોંધ તો ઇન્ડિયા બુક રેકોર્ડ જેવી ઘણી વિક્રમ-નોંધ કરતી સંસ્થાઓએ લીધી છે. અનેક પ્રાચીન તીર્થોના ઉદ્દારક અને કેટલાય તીર્થોના માર્ગદર્શક પ્રતિષ્ઠાચાર્ય તરીકે માર્ગદર્શન આપનાર તેઓનું જીવન પ્રમાણમાં અજ્ઞાાત રહ્યું છે. આમેય સાચી સાધુતા પ્રસિદ્ધિથી ઘણી દૂર વસતી હોય છે, પણ એને પરિણામે એ સાધુતાની ભવ્યતાનો બહુ ઓછી વ્યક્તિઓને પરિચય પ્રાપ્ત થતો હોય છે.

આચાર્યશ્રી ગુણરત્નવિજયજી મહારાજનું સંસારી નામ ગણેશમલ હતું અને રાજસ્થાનના જાલોર જિલ્લાનું પાદરલી ગામ એ એમનું વતન હતું. એમનો જન્મ ૧૯૩૩ની ૩૧મી ઑક્ટોબરે આ પાદરલી ગામમાં થયો હતો જ્યારે એમની દીક્ષા ૧૯૫૪ની ૭મી ફેબુ્રઆરીએ મુંબઇના દાદરમાં થઈ. એમના દીક્ષાદાતા આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ હતા અને દીક્ષાગુરુ આચાર્ય શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજ હતા અને તેઓશ્રીના હાથે જ ૧૯૮૮માં આચાર્ય પદવી મેળવી. એમના પરિવારની સાતેક વ્યક્તિઓએ દીક્ષા લીધી હતી. વિશાળ શિષ્ય-પ્રશિષ્ય ધરાવનાર તેઓના ૧૦૮મા શિષ્ય મુનિરાજશ્રી ભવ્યરત્નવિજયજી હતા. દિલ્હીના એ ઉદ્યોગપતિ અને સાંસારિક ભંવરલાલ દોશી નામ ધરાવનારની દીક્ષા એ એક ઐતિહાસિક ઘટના બની ચૂકી છે.

પરંતુ આ બધી ઘટનાઓની સાથોસાથ સાધુની વિશેષતા એ એનું આંતરજીવન હોય છે અને એમનું આંતરજીવન એક અનોખા પ્રકારનું હતું. જીવનમાં ગમે તેટલી બાહ્ય મુશ્કેલીઓ કે શારીરિક તકલીફો આવે, તો પણ એની કશીય ફરિયાદ કરવાને બદલે સદૈવ સમભાવમાં રહેતા. વિહારયાત્રામાં કેટલાક ગામોમાં તો મચ્છરોનો એવો ઉપદ્રવ હોય કે આખી રાત જાગવું પડે, પરંતુ તેઓ એની કશી ફરિયાદ ન કરતા. સદા સમભાવમાં રહેતા.

એક વાર પાલિતાણામાં ચાતુર્માસ સમયે એવું બન્યું કે આંખની તકલીફને કારણે એમની આંખમાં ટીપાં નાખવાના હતા. ભૂલથી સેવક મહાત્માએ આઈ ડ્રોપને બદલે બાજુમાં રહેલી અમૃતબિંદુની બોટલમાંથી ટીપાં નાખ્યાં. પંદર દિવસ સુધી આંખ લાલચોળ રહી. જે જલદ ટીપાંને કારણે ખૂબ બળતરા થતી હતી, તેમ છતાં ક્યારેક એ સેવક-મહાત્માને ઠપકાનો એક શબ્દ પણ કહ્યો નહીં અને પોતાની પીડાને કારણે કોઈ ઊંહકારો પણ કર્યો નહીં.

અઢાર વર્ષ પહેલાં અમદાવાદમાં પૂજ્યશ્રીની તબિયત ઘણી ગંભીર થઈ ગઈ. સોડિયમ ઘટી જવાથી મોટી મુશ્કેલી ઊભી થઇ હતી, તેમ છતાં એ સમયે પણ મુખેથી કોઈ વેદનાનો અવાજ નહીં, જાણે વેદનાને પી ગયા ન હોય ! માત્ર એમના મુખેથી 'અરિંહત' અને 'મોક્ષ' એ બે જ શબ્દોનું સતત રટણ થતું હતું.

એકવાર ટાઈફોઇડની બીમારી થતાં કર્મસાહિત્યના ગહન અભ્યાસમાં એમનું બરોબર ચિત્ત ચોંટતું નહોતું, ત્યારે પોતાના ગુરુ પ્રેમસૂરીશ્વરજી મહારાજની ઇચ્છાથી એમણે દસહજાર શ્લોક પ્રમાણે 'ઉપશમનાકરણ' ગ્રંથની રચના કરી. એથીય વિશેષ ખવગસેઢી (ક્ષપકશ્રેણી) આદિ કુલ મળીને આશરે ૬૦૦૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથની રચના કરી, જેની જર્મનીની બર્લિન યુનિવર્સિટીના અધ્યાપક ક્લાઉઝ બૂ્રને ભારોભાર પ્રશંસા કરી અનુમોદનાનો પત્ર લખ્યો હતો.

એમના દીક્ષાના પ્રારંભિક તબક્કામાં ૧૪ વર્ષ સુધી લોકપરિચય અને પ્રવચન-વ્યાખ્યાન આદિથી તેઓ દર રહ્યા. માત્ર ગુરુભક્તિ અને વૈય્યાવચ્ચ એ બે જ એમનાં કાર્ય. એક બાજુ ગુરુદેવ પ્રેમસૂરીમહારાજની ભક્તિ અને બીજી બાજુ કર્મસાહિત્યનું સર્જન. એમનાં કર્મવાદનાં વ્યાખ્યાનો તો એવાં કે આ અઘરું તત્ત્વજ્ઞાાન સરળતાથી શ્રોતાઓને સમજાવી શક્તા. એવી જ રીતે જૈનેતર લોકોને રામાયણના આધારે એવો બોધ આપતા કે જે ચિત્તમાં કાયમને માટે વસી જાય. આજે પણ રાજસ્થાનના પાલી જેવા વિસ્તારોમાં પૂજ્યશ્રીને જૈન સિવાયના લોકો 'રામાયણવાળા મહારાજ' તરીકે ઓળખે છે.

ત્યાગનું ઉચ્ચ શિખર એમના જીવનમાં જોવા મળતું હતું. વીસેક વર્ષ પૂર્વે એક નિકટના ભક્તે એક લાખ રૂ.ની કિંમતની સોનાની હીરાજડિત પેન આપવાનો પ્રયાસ કર્યો, એમાં સાધુજીવનની મર્યાદાનો ભંગ હોવાથી એમણે તત્કાળ સ્પષ્ટ ના કહી. કોઈ મોંઘી માળાઓ લઇને આવે, તો પણ એવું કશું પોતાની પાસે રાખતા નહીં. જીવનમાં ક્યારેય કોઈ સન્માનની અપેક્ષા રાખી નહીં, એથીય વિશેષ ધાર્મિક આયોજનમાં કોને બોલાવવા અને કોને ન બોલાવવા તે વિશે કદી કોઈ આગ્રહ રાખે નહીં.

સેંકડો શિષ્યોના ગુરુ હોવા છતાં અને ભક્તોની અપરંપાર ભક્તિ પામ્યા હોવા છતાં એમણે મીઠાઈ, ફરસાણ અને મેવા આદિનો ત્યાગ કર્યો હતો. ૬૫ વર્ષની ઉંમર સુધી તો નિત્ય એકાસણાં કરતાં હતાં. વર્ધમાન તપની ૬૯ ઓળીની આરાધના કરી. ક્યારેક તો માત્ર રોટલી અને પાણી વાપરીને આયંબિલ કર્યા હતા.

ઇ.સ. ૨૦૧૦માં ૭૮ વર્ષની વયે બે મહિના સુધી સંપૂર્ણ એકાંતવાસમાં મૌનપૂર્વક સૂરિમંત્રની સાત્ત્વિક સાધના કરી અને આવી ઉંમરે પણ કશાય ટેકા વિના ટટ્ટાર બેસીને આઠ-આઠ કલાક સુધી જાપની આરાધના કરતા હતા. કોઇને પણ સમાધિ આપવા તેઓ સદૈવ તત્ત્પર તો બીજી બાજુ યુવાનોની જાગૃતિ માટે સદૈવ ઇચ્છુક. મને (કુમારપાળ દેસાઈ) એમની નમ્રતા, સૌમ્યતા, યુવાજાગૃતિ માટેની તિવ્રતા અને કર્મસિદ્ધાંતની ગહનતાનો પ્રત્યક્ષ પરિચય થયો હતો.

૪૪ જેટલી યુવાશિબિરો દ્વારા એમણે યુવાનોમાં ધર્મજાગૃતિનો અપૂર્વ સંચાર કર્યો, તો બીજી બાજુ જૈન ધર્મની જ્ઞાાન આપનાર કોર્સ માટે આજથી ૪૫ વર્ષ પૂર્વે 'વિશ્વપ્રકાશ પત્રાચાર પાઠયક્રમ'ની રચના કરી. એક લાખ વિદ્યાર્થીઓને જૈન ધર્મના વિશારદ બનાવ્યા અને હાલ એને 'જૈનિઝમ કોર્સ'નું નવું નામાભિધાન કરીને આધુનિક રૂપ આપવામાં આવ્યું છે તો બીજી બાજુ 'જો જો કરમાય ના' ગ્રંથની રચના કરીને એમણે જીવનશુદ્ધિ માટે શ્રાવક-શ્રાવિકાઓને પ્રેરણા આપી છે, તો દસહજારથી અધિક ભવઆલોચના કરાવી છે. જ્યારે એમણે શત્રુંજય મહાતીર્થની ઘેરબેઠા ભાવયાત્રા થઇ શકે તે માટે 'સહુ ચાલો સિદ્ધગિરિ જઇએ' નામના ગ્રંથની રચના કરી. કેટકેટલી એમની વાત કરીએ અત્યારે તો એટલું જ કે દીક્ષાદાનેશ્વરી આચાર્ય શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજની દિવ્યચેતના આજે પણ અનેક સાધકો, મુમુક્ષુઓને તથા સાધુમહાત્માઓને શાસનપ્રભાવનાની પ્રેરણા આપી રહી છે અને આપતી રહેશે.

Tags :