ઝાકળઝંઝ-પરાજિત પટેલ
અસ્તરીની જાત સંધું ય સહન કરી લે, પણ કોશના ધગધગતા ડામ જેવું ગંદું આળ કદી નોં ખમી ખાય !! - જીવલી
'બોંન, સાયબને તો તુરિયું બવ ભાવે સે. લઇ જાવ. બનાવો શાક. ને સાયેબને કરી દો રાજી રાજી !!' - શાકવાળી
'લે તાણેં, તું ય લેતો જા..'જીવલીએ દાંત કચાવ્યા. હાથની મુઠ્ઠીઓ વાળી. આંખોમાં મરચાંની ધૂણી ભરાણી હોય એમ રતાશિયા નજરે નથિયા તરફ તાકતાં કહી નાખ્યું : 'તું ય તાણેં જોઇ લે. હું તારી ઘરવાળી છું એટલે ઇંમ નોં જોંણતો તું બોલે ઇં સંધું ય હું સહન કરી લઇશ. એમાં ય તીં તો આ જ હદ કરી નાખી, નાથિયા !
અસ્તરીની જાત્ય સંધું ય ખમી લે, પણ કોશના ડામ જેવા શબદોમાં તું જે આળ લગાવે છે, ઇં તો નહિ સહન થાય ! હત્ તારી જાત્યના બાયલા, સગી બાયડી પર આવું ગંદું આળ મૂકતાં લજવાતો ય નથ્ય. જા, છોડયું તારું ઘર ! તારા ગંધાતા શબ્દો તારી જણનારીએ કરેલા ઉછેરને અભડાવે છે, લ્યા ! તું કહે છે ને, કે નાનિયો બવ ગમતો હોય તો ઇંના ઘરમાં પેસ. લે, ત્યારે તું ય લેતો જા. મરદનાં આવાં ગંદાં વેણ બીજી કોઇ ગળી જાય, આ જીવલી નહીં..'
ને જીવલી રીતસર નાનિયાના ઘરમાં પેઠી. એના રડતા છોકરાને ઘોડિયામાંથી ંઊંચકી લીધો ને છાતીએ વળગાડી દઇને બોલી : 'બવ ભૂખ લાગી છે, બેટા ? લે. પી..' ને હાથમાં રહેલી થેલીમાંથી દૂધની બોટલ કાઢી એની ટોટી એ નાનકા છોકરાના મોઢામાં ઘાલી દીધી : 'પી, તું તારે ! જેટલું પીવું હોય એટલું પી ! ખૂટશે તો તારા હાટું બીજું લાવી દેનારી હું બેઠી છું, બચુડિયા !' ને પેલો નાનકો ય જાણે સગી જનેતાનો ખોળો મળ્યો હોય એમ, નિરાંતથી ચસ્ ચસ્ દૂધ પીવા લાગ્યો.
નાનિયા અને નાથિયાનાં ઘર નજીક નજીક. એક જ મહોલ્લો. ઘાસફૂસ અને ગારમાટીનાં ઘર. ઘર શાનાં ? ઝુંપડાં કહો તો ય ચાલે. પણ તો ય મજુરી કરીને પેટગુજારો કરતાં આ શ્રમજીવીઓ મહેલમાં રહીને વણસંતોષાયેલી અપેક્ષાઓના ઓશીકે સૂનારાં માલદારો કરતાં ય વધારે સુખી હતાં ! કારણ ? ઝુંપડામાં સંતોષ છલકાતો હતો.
પુરુષ વર્ગ સવારના પહોરમાં મજુરીએ નીકળી જતો, તો સ્ત્રીઓ શાકબકાલાની ટોપલીઓ માથે મૂકીને બહાર નીકળી જતી ને 'લો ત્તોરે, ડુંગરી-બટાકા ! લા ત્તોરે, રીંગણાં તુરિયાં !' એવા લહેંકા સાથે મહોલ્લે મહોલ્લે જઇને ધમધોકાર ધંધો કરતી ! લો ત્તોરે કામબાબુન ! ઇં મણીબા, શાક લઇ લો રે, અને કુંદન બા, ડીસાના તાજા બટાકા છે.. લઇ લો રે ! ઓ લીલીબોંન ! ઓ મંછીબુન ! રાતાંચોળ ટામેટાં લઇ લો રે !
ઘેર ઘેર જાય ! ઘરની માલિકણનું નામ તો ઇંમના હોઠે ! અને જીવલી આ 'વેપારી કલા'માં પાવરધી હતી. એમ જ કહોને કે વેજીટેબલ માર્કેટિંગની એ માસ્ટર હતી ! ઘર ઘરનાં નામ જીભના ટેરવે ! કયા ઘરમાં કયું શાક વધારે ખવાય છે, એની એને જાણ ! ઘરવાળા એટલે કે સાહેબને કયા શાકનો સ્વાદ વધારે ભાવે છે, એની એને ખબર ! એ જબરી સાયકોલોજીસ્ટ હતી ! ટોપલીમાં કોની નજર કયા શાક પર વધારે ફરે છે
એની એને ખબર પડે, એટલે તરત જ બોલી ઊઠે : 'બોંન, સાહેબને તુરિયું વધારે ભાવે છે ને ? લઇ જાવ.. બનાવો શાક ને સાયેબને કરી દો રાજી !' શાક ખરીદનારી અને એના 'સાયેબ'ના ગમા-અણગમાથી તું પૂરી માહેર ! એ મોટી બીઝનેસમેન તો નહોતી, તાતા - અંબાણી કે અદાણી જેટલું માર્કેટીંગ નોલેજ પણ એને નહોતું,
પણ ત્રાજુડીએ તોળાતા એના આ નાનકડા બીઝનેસની એ 'ગ્રેટ માસ્ટર' હતી. એટલે તો એ સાદ પાડતી : જ્યાં જાય ત્યાંની સંધી ય ઓરતો એને ઘેરી વળતી : 'મરચા લાવી છે, 'લી ?' 'દૂધી છે અલી ?' 'અધ પાકાં ટામેટાં ન આપતી, હોં !' 'અલી ત્રાજુડીમાં બરાબર તોળજે હોં.' ને જીવલી બોલી ઊઠતી : 'મારી આ ત્રાજુડી હમ, કદી મેં દગો કર્યો છે ? કદી ઓછું તોળ્યું છે ? ના હોં ! ઇંમાં ભગવાંન રાજી ના રેં !'સાંજ પડયે ઘરમાં એ ય હોય, ને એનો ઘરવાળો મરદ પણ હોય. એ પૂછે : 'આજે ચેટલા કમાયા ?''ચાલીસ રૃપિયા !''બસ, આટલા જ ?''શું થાય ? મજુરી મળે છો જ ચ્યાં ? સહુ વેઠ કરાવે છે, એ ય ઓછા પૈસે ! તારા વકરાની તો વાત કર.''પાંચસો રૃપિયાનું શાક વેચ્યું સે. એમાં ત્રણસો મૂડીના કાઢો તો ય બસો આપણો નફો કે'વાય !'
'વાહ, તારો ધંધો તો બવ સરસ ચાલે છે..' ને ઘરવાળો એની કાખમાં સહેજ ગલીપચી કરી લે. ને પેલી કૃત્રિમ છણકો કરે : 'આઘા રો', ભૂંડા લાગો સો.' જીવલી રોજ અઢીસોનો ચોખ્ખો નફો રળતી. 'નાથિયા માટે જીવલી સોનાનાં ઈંડાં મૂકતી મરઘી જેવી હતી.'
એવામાં અચાનક જ નાનિયાની ઘરવાળી તાવમાં પટકાઇ ગઇ ! ડોકટરે કહ્યું કે 'ઝેરી મેલેરિયા છે !' બહુ દવા દારૃ કર્યા. તો ય તાવ વધતો જ ચાલ્યો. નાથિયો નિમાણો થઇ ગયો. એની ઘરવાળી સવલીની હાલત એનાથી જોઇ શકાતી નહોતી. તે રાત્રે તાવ એકદમ વધી ગયો હતો. એણે કહ્યું : 'જીવલીને બોલાવી લાવો. ઝટ જાવ.'
સવલી જીવલીની બહેનપણી. વળી પિયર પણ એક જ ગામમાં. બેયનાં હૈયાં ખૂબ હળી ગયેલાં. જીવ મળી ગયા હતા. દિવસમાં એકાદ વાર તો મળે જ. દેહ જુદા એટલું જ, બાકી જીવ એક જ. જીવલી રોજ સવલી પાસે આવે.બે ઘડી બેસીને પિયરની વાતો કાઢી હૈયું હળવું કરે ! સવલી ઉદાસ બેઠી હોય ને જીવલી આવે તો રાજી રાજી થઇ જાય ! જીવલી એવી તો મજાની વાતો કરે, કે સવલીની સંધી ય ઉદાસીનતા હવા થઇને ઊડી જાય. એટલે સ્તો સવલી ઘણીવાર કહેતી : 'જીવલી, તું તો મારી દવા સે.'બે ય વચ્ચે પાક્કાં સખીપણાં.નજીક નજીક ઘર.એટલે આવતાં - જતાં બેઠક થઇ જતી.ને સવલી તાવમાં પટકાઇ !તાવ પણ જેવો તેવો નહીં !ઝેરી મેલેરીયા !
બાપ રે ! તાવનું નામ જ એવું હતું કે સાંભળીને ધ્રાસ્કો પડે ! થાય, કે આવી બન્યું ! થાય કે તાવ નહીં છોડે ! થાય કે હવે ખાટલે પટકાયાં ! થાય કે હવે ઝટ બેઠાં નહીં થવાય ! થાય કે હવે ગયાં કામ સે ! થાય કે હવે નહીં બચાય ! રામ રામ કરો !
સવલી તાવનું નામ સાંભળીને જ ગભરાઇ ગઇ હતી ! તાવ આવ્યો, તો ભલે આવ્યો, ઓલ્યા દાગતરની ગોળીઓ ગળીશું એટલે બે દા'ડામાં તાવ ઉચાળા ભરી જશે ને થઇ જઇશું ઘોડા જેવાં ! એમાં ય ભરતભૈ દાગતરની દવા એટલે ? તપાસીને આપી દે અંજીશન, ને ગોળીઓનાં પડીકાં પકડાવી દે.. એટલે પતી ગયું ! તાવ ઊભી પૂંછડીએ ભાગવા માંડે !પણ આ તાવ તો ?
ભારે હઠીલો.
ઝેરી મેલેરીયા.
ઝટ ઊતરે જ નહિ.
ઝટ જાય નહિ !
ગમે તેટલી ગોળીઓ ગળો, કે ગમે તેટલાં અંજીશન લો, જાય એ બીજા ! સવલીનો તાવ વધતો ચાલ્યો. હવે તો એને લાગતું હતું કે, હવે નહિ બચાય ! બચવાની વાત ઓલ્યે આભલે !એ સાંજે તો તાવ વધુ તીવ્ર બન્યો. આખું શરીર ધખતું અને ધૂ્રજતું હતું ! સવલીનો જીવ બચુડામાં હતો.
માંડ એકાદ વર્ષનો બચુડો એની નજર સામેથી ખસતો નહોતો. એની એને જબરી માયા લાગી ગઇ હતી. જીવ એનો બચુડામાં ભરાઇ ગયો હતો ! ધારો કે હું ન બચું તો મારા બચુડાનું શું ? બસ, આ જ સવાલ એના માટે મોટામાં મોટો હતો ! એ સાંજે તો એને લાગી ગયું કે : ઉપર જવાનો સમય આવી ગયો છે ! હંસા રાજા અગોચર ભોમકા ભણી ઊપડી જવા તલપાપડ થઇ રહ્યા છે !આજની રાત ?
નહીં જાય આજની રાત.
નહિ જોવા મળે સવાર.
કલાકેક પછી અર્ધ બેભાનાવસ્થામાં જ એણે નાનિયાને કહ્યું : 'તમે ઝટ જીવલીને બોલાવો.'નાનિયો જીવલીના ઘર ભણી ઊપડયો. સામેની લાઇનમાં હતું એનું ઘર. ત્યાં જ જીવલી એને સામી મળી : 'જીવલી, ઝટ મારા ઘેર હાલ્ય. સવલી બચે એવું લાગતું નથી. એને કૈંક કહેવું છે.. તને બોલાવે છે !''આવું છું..'
ને થોડી વારમાં તો જીવલી સવલીના ઘેર પહોંચી ગઇ. જઇને એના ખાટલા પાસે ઊભી રહી. સવલીએ આંખો ખોલી. બોલી : 'આઇં ગઇં, બુન ?''હોવ્વે !'
સવલી અર્ધબેહોશ હતી. એણે બચુડાને પાસે બોલાવ્યો પછી જીવલીના ખોળામાં બચુડાને મૂકતાં બોલી : 'આની બાલશ રાખજે, બોંન ! હું તો આજની રાત્ય નહીં કાઢું ! બચુડો મા વગરનો થઇ જાહેં ! પણ ના હોં ! જીવલી, આજથી તું ઇંની મા !' ને પછી ધીમેથી ડચકાં ખાતાં બોલી : 'આલ્ય, વચન !' જીવલીએ સવલીના હાથમાં પોતાનો હાથ મૂકી દીધો : 'જા, તારો બચુડો, આજથી મારો દીકરો ! મા મેલડીના હમ !'ને બીજી પળે તો સવલીનો દેહ પટકાયો. આંખો પહોળી અને જડ થઇ ગઇ. એના દેહપિંજરમાંથી જીવ બહાર નીકળ્યો અને ઉપરવાળાના ધામ ભણી ઊપડી ગયો ! સવલી હતી, હવે નહોતી ! ને જીવલી એક મોટા ડૂસકા સાથે પોતાના હાથને પંપાળી રહી !
(વધુ આવતા અંકે)
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar