Get The App

વસંતાવતાર - વિનોદિની નીલકંઠ

Updated: Oct 8th, 2017

GS TEAM

Google News
Google News
વસંતાવતાર - વિનોદિની નીલકંઠ 1 - image

''માસી, હવે મને સમજાયું છે કે લગ્નનાં અળખામણાં બંધનમાંથી મુક્તિ મેળવવાનો રસ્તો તેને સૂઝ્યો હોવો જોઈએ, તેથી એ ખુશાલીમાં હતી.'' પાછલી રાત કહો કે વહેલી પરોઢ કહો. એવી મઝાની મારી ફૂલગુલાબી નીંદરમાં મને સ્વપ્નું આવ્યું કે મારા ખાટલાના માથા બાજુના ગોખલામાં મૂકેલી ઘડિયાળમાં જાણે એલાર્મની ઘંટડી વાગે છે. એકવાર નહીં પણ બેત્રણ વાર ફરીફરીને એ જ ઘંટડી મારા સ્વપ્નમાં રણકી રહી, જેથી મારી ઊંઘ ઊડી ગઈ, અને મારાં સ્વપ્નમાં ભંગાણ પડયું.

મારી આંખ ખૂલી ગઈ કે તરત મને ખ્યાલ આવ્યો કે આ નહોતી રણકતી એલાર્મની ઘંટડી, પરન્તુ આ તો અમારા છાત્રાલયને આગલે બારણે મુકાયેલી વીજળી- ઘંટડીની કળ કોઈ દબાવી રહ્યું હતું. તે ઘંટડી જોરથી અને વારંવાર ચિત્કાર કરી રહી હતી. હું તરત ઊઠી ગઈ, માથાના વાળ ઉપર કાંસકી ફેરવવા પણ ન રહી. ખાટલા પાસેની ખુરશી ઉપર મૂકેલી સાડી ઝપાટાબંધ લપેટી, સ્લીપરમાં પગ ખોસી હું દાદર ભણી દોડી.

મારી માફક બીજી બેચાર અને તેની પાછળ ટોળેબંધ વિદ્યાર્થિનીઓ પણ એમ જ દોડી આવતી હતી. નીચે સૂતેલાં અમારાં ગૃહમાતા વન્દિતાબહેને આગલું બારણું તે જ ઘડીએ ઉઘાડયું અને તરત ઊંચે સ્વરે ગભરાયેલા અવાજે કોઈએ બૂમ પાડતાં પૂછ્યું : 'નન્દિતા અહીં આવી છે?'

નન્દિતાનું નામ સાંભળી અમે બધા વધારે ઝડપથી નીચે ઊતરી એક દોટે અદ્ધર શ્વાસે દાદરો વટાવી, આગલે બારણે અત્યંત કુતૂહલપૂર્વક એકઠાં થઈ ગયાં, ત્યારે વન્દિતાબહેન પૂછી રહ્યાં હતાં : 'નન્દિતા? કઈ નન્દિતા? અમારા છાત્રાલયમાં નન્દિતા નામની કોઈ છોકરી રહેતી જ નથી.' અમે જોયું તો છાત્રાલયને આંગણે એક મોટર ઊભી હતી.

મેં તે તરત ઓળખી. આ તો મારી બહેનપણી નન્દિતાના બાપુજીનું સ્ટેશન વેગન. અને અમારે ઓટલે ઊભો હતો નન્દિતાનો ભાઈ પરાક્રમ. તે કહી રહ્યો હતો : ''આજે વસન્તપંચમી છે; આજે ગોરજ મુહૂર્તે નન્દિતાનું લગ્ન છે, પણ અત્યારે પાછલી રાત્રે મારાં બાએ અચાનક જોયું તો બહેનની પથારી ખાલી છે. રાત્રે તેમાં તે સૂતી જ ન હોય, એવી અકબંધ પથારી છે.'

''પણ તેમાં મારે શું? અર્ધી રાત્રે તમે અમારા છાત્રાલયનું બારણું કેમ ઠોક્યું?'' વન્દિતાબહેન જરા ગરમ થઈને બોલતાં હતાં.

બિચારા આજીવન કુંવારાં, પ્રૌઢાવસ્થાએ પહોંચવા આવેલાં - વન્દિતાબહેનનું ક્યારે પણ સિદ્ધ ન થાય એવું સુંદર અને સુકુમાર પરોઢનું સ્વપ્નું નંદિતાના ભાઈએ ભાંગી નાખ્યું હશે! નન્દિતા અમારા વર્ગમાં ભણતી હતી. મારી તો તે ખાસ બહેનપણી. સાંજે ગોરેજ મુહૂર્તે તેનાં લગ્ન હતાં. સૌ કોઈ જાણતું હતું કે નન્દિતાએ પોતાના લગ્ન માટે શક્ય એટલો વિરોધ કર્યો હતો. તેણે પરણવું ન હતું. હજી ભણવું'તું. તેથી આ લગ્ન ન લેવા તેણે વડીલો સમક્ષ ધા નાખી હતી.

પણ તેનું કંઈ વળ્યું ન હતું. લગ્ન પછી ભણવા દઈશું - વગેરે પોલાં આશ્વાસનથી તેને સંતોષ નહોતો થયો. કૉલેજમાં આવીને અમારી પાસે બેસીને તે રડતી. તે હતી પણ કેવડી નાની! પંદરમે વર્ષે એસ.એસ.સી. પાસ કરીને સોળમે વર્ષે કોલેજમાં આવી હતી. ભણવામાં ખાસ્સી હોંશિયાર અને દેખાવે તો કેવી નમણી - પણ તે બધા વિચારો પછી. અત્યારે તો આ પરાક્રમ શું બોલતો હતો?

'એની ઘણી બહેનપણીઓ આ છાત્રાલયમાં રહે છે.' મને જોઈ તે જરા ઉત્સાહમાં આવીને બોલ્યો : 'ચન્દ્રાબહેન, નન્દિતા તમારી તો ખાસ બહેનપણી છે. કહો ને! તે રાત્રે અહીં આવી છે?'

મને પુછાયેલા આ સીધા પ્રશ્નથી અત્યંત નારાજ બનીને વન્દિતાબહેન મારા મોં ભણી તાકી રહ્યાં  હતાં. પણ જ્યારે મેં નકારમાં ડોકું ધુણાવીને કહ્યું : 'લગ્ન નક્કી થયા ત્યારથી તો નન્દિ બહુ રડતી હતી, પણ ગઈ કાલે તો તે પૂરા આનંદમાં હોય એમ જણાતું હતું.'

નન્દિતા રાત્રે છાત્રાલયમાં છુપાઈ ન હતી, એવી ખાતરી થતાં વળી વન્દિતાબહેન રોફબંધ બોલ્યા : 'મારી રજા વગર અમારા છાત્રાલયમાં બહારની કોઈ પણ છોકરી રાત ન ગાળી શકે એવો અમારો કડક નિયમ છે.'

''બીજી કોઈ વિદ્યાર્થિનીઓને કાંઈ ખબર છે?'' પરાક્રમ બધી છોકરીઓ તરફ એક દ્રષ્ટિપાત કરતા પૂછવા લાગ્યો. તેની સાથે સાથે મેં પણ તમામ છાત્રકન્યાઓ ઉપર મારી નજર ફેરવી. જેમતેમ, જે હાથમાં આવ્યાં તે વસ્ત્ર પરિધાન કરેલા અને વાળ તો સાવ વિખરાયેલા છતાં આખી રાતની ઊંઘ પછી પરોઢિયે આ વિદ્યાર્થિનીઓ વિના ટાપટીપે (કે તેથી જ?) અત્યારે કેવી સુંદર દેખાતી હતી! કવિ કાલિદાસે કોઈ કિશોરીનું આવું લાવણ્ય જોઈને જ શકુન્તલાના આવા જ મનોહર વપુનું વર્ણન કર્યું હશે? મારા મનમાં આવો વિચાર આવી ગયો, બધી છોકરીઓ ડોકાં ધુણાવવા લાગી. એકબે જણીઓએ તો કહ્યું પણ ખરું કે, 'ખબર હોય તો ચન્દ્રાને જ હોય.'

પરાક્રમને હજી થોડો વહેમ છે, એમ જાણી વન્દિતાબહેન બોલ્યાં : ''તમે આ બાજુ ઉપરના બેઠકખંડમાં બેસો, તો હું ઉપર તપાસ કરી આવું.'' પછી અમારી તરફ જોયું. અમારા વેશની અવદશા તરફ હવે તેમનું ધ્યાન ખેંચાતાં તે તપી જઈને બોલ્યાં : 'જાવ! તમે સૌ પોતપોતાના રૃમમાં જતાં રહો.'

પથ્થરનો ઠપકારો થતાં જેમ ચણચણતું ચકલાનું ટોળું ફર્ર્ર્ કરતું ઊડી જાય છે, તેમ બધી છોકરીઓ સામટી ભાગી. પણ પરાક્રમે મને સંબોધીને કહ્યું : 'જરા થોભજો ચન્દ્રાબહેન તમને કાંઈ ખ્યાલ આવે છે ખરો કે નન્દિતા ક્યાં છુપાઈ હોય?' પછી મારી નજીક આવી તે બોલ્યો : 'કોલેજના કોઈ યુવકસાથે તેને મૈત્રી ખરી?'

નન્દિતા કોઈ છોકરા સાથે ભાગી ગઈ હોવાનો વિચાર તેના ભાઈને આવ્યો તે જોઈ મને પરાક્રમ માટે ઘૃણા ઊપજી. મેં ભારપૂર્વક જવાબ દીધો : 'નહિ જ વળી, એ તો હજી સાવ બાળક જેવી છે. ઘરમાં તમે સૌ તેને હજી નન્દિબેબી કહીને બોલાવો છો ને? આવી હોંશિયાર અને કોડભરી કન્યાનું ભવિષ્ય ધૂળધાણી કરવા તમે સૌ એના પોતાનાં કુટુમ્બીજનો- કટિબદ્ધ થયાં, અને હવે તેના ચારિત્ર્ય વિશે શંકા આણો છો?'

મારી વાક્છટા સાંભળી મૂળે ગભરાયેલો પરાક્રમ વધુ ગભરાઈ ગયો : 'ના, ના, હોં! એવું અમારા કોઈના મનમાં નથી, હોં બહેન! એણે આપઘાત તો ન કર્યો હોય? કોણ જાણે આ શું સૂઝ્યું મારી નન્દિબહેનને?' આક્રન્દ કરતાં પરાક્રમ બોલી ગયો. તેની આંખ ઉપર પાણીનો આછો પડદો જોઈ હું શાંત પડી.

મેં કહ્યું : 'ના, આપઘાત કરનાર પ્રત્યે નન્દિતા હંમેશા તિરસ્કાર દેખાડતી, એટલે તે રસ્તો તો તે ન જ લે.'

છાત્રાલયમાં શોધખોળ કરીને વન્દિતાબહેન પાછાં આવ્યાં ત્યારે મને એકલીને ત્યાં ઊભેલી જોઈ તે ખાસ્સાં ખિજાયાં. પણ પરાક્રમને પહેલો કાઢવા તત્પર હતાં : 'હવે તમે જશો? અહીં નન્દિતા આવી જ નથી. મેં ખાતરી કરી લીધી છે.' તેમનું વાક્ય પૂરું થાય તે પહેલાં જ હું ઉપર દોડી ગઈ.

ઉપર જોઉં છું તો સુભગાની રૃમમાં મોટી સભા ભરાયેલી! નન્દિતાની જ વાતો : 'પાપડ વણવા આપણે એના ઘેર ગયાં, ત્યારે બાપડી કેટલું રોતી'તી. યાદ છે ને?' કાનન બોલતી હતી.

''અને એનાં મામી ચૂડીનો નમૂનો દેખાડતાં હતાં ત્યારે બિચારી એની મામીને કહેતી હતી : 'તમે પણ આ લોકોની સાથે ભળી ગયાં ને? મારા મામા જો હયાત હોત તો મારો પક્ષ જરૃર તેમણે લીધો હોત.' કેતકીએ સંભાર્યું, ત્યારે ફૂલરેણુએ યાદ કર્યું : નન્દિતા એમ કહ્યા કરતી હતી કે મારાં ઘરડાં દાદા- દાદીને છેલ્લું એક લગ્ન જોઈ લેવાની બહુ હોંશ છે તેથી તેમને જિંદગીમાં છેલ્લો એક તમાશો પૂરો પાડવા માટે મારું બલિદાન અપાય છે.

નાની વર્જીનિયા બોલી : ''અને એ ડોસાડોસીએ તો કેટલાંય લગ્નો જોઈ કાઢ્યાં હશે. ખરું જોતાં તો એમને ઘણી હોંશ હતી તો એમનું ગોલ્ડન વેડિંગ (લગ્નના પચાસ વર્ષની ઉજવણી) ઊજવ્યું હોત તો?''

પણ એ ગઈ ક્યાં? એ પ્રશ્ન સૌને અકળાવી રહ્યો હતો. મેં કહ્યું : 'એ રોજ અવનવી યુક્તિઓ વિચારતી હતી, અને પછી એનું અવ્યવહારુપણું સમજીને તે યુક્તિઓ પડતી મૂકતી હતી. મને એ કહેતી હતી કે, 'નાસી જવામાં હિમ્મત છે. પણ નાસીને જાઉં ક્યાં? કાકા, મામી, દાદા, દાદી, નાની, મોટા ભાઈ, મોટાં બહેન- બનેવી બધાં જ મારા મા-બાપની ગાડીમાં ચઢી બેઠાં છે.''

તે પછી વળી વાતે વળાંક લીધો. આ લગ્ન સામે નન્દિતાને ખાસ શો વાંધો હતો તે વિશે ચર્ચા શરૃ થઈ.

''મુખ્ય વાત તો એ જ કે નન્દિતાને હજી ભણવું છે.'' મેં વાતનો ખરો મુદ્દો રજૂ કર્યો. 'વળી જે છોકરા સાથે તેનું સગપણ કર્યું છે, તેની તરફ નન્દિને અણગમો છે.'

'તેનું નામ શિશિર છે, ખરું ને?' સાધનાએ પૂછ્યું. જો કે એ બધાં જ તે નામ જાણતાં જ હતાં.

'શિશિર છે કેવો? મને તો ખબર નથી કે એ શું ભણેલો છે, દેખાવે કેવો છે?' શ્રીદેવી આ ટર્મમાં નવી જ આવેલી હોઈ તેણે પોતાનું અજ્ઞાાન ખુલ્લી રીતે જાહેર કર્યું.

''આપણી કોલેજમાં ગયે વર્ષે પ્રતિમા નામની છોકરી આવતી હતી, તેનો શિશિર કાંઈ સગો થાય છે, ખરું ને ચન્દ્રા?'' પ્રીતિ મને પૂછવા લાગી.

મેં કહ્યું : 'શિશિર પોતે હજી ભણે છે. લૉ કૉલેજમાં છે - આપણી નન્દિતા કરતાં સાત- આઠ વર્ષ મોટો હશે. મૂળ ગામડાનો એટલે કદાચ અભ્યાસ મોડો શરૃ કર્યો હોય. દેખાવે સાધારણ. કદમાં ખાસ્સો લાંબો અને પહોળો અને મોઢું ખાસ સારું નહિ, પણ હસતો ચહેરો હોઈ જોવો ગમે એવો છે. મેં એક બે વાર નન્દિતાને ઘેર જોયો હતો.'

''તને જોવો ગમ્યો, તો નન્દિતાને કેમ ન ગમ્યો?'' હંસિકા હસીને બોલી. એની બોલવાની રીત તથા આવે ગંભીર પ્રસંગે આવી આછકલી મશ્કરી મને અળખામણી લાગી એટલે મેં તેને જવાબ ન દીધો.

નાહીધોઈને ઝટ પરવારી હું નન્દિતાના ઘરભણી દોડી. વસંતપંચમીનો મૃદુ પવન વાતો હતો. પણ તેથી મારું ઉદ્વિગ્ન મન જરાયે શાતા ન પામ્યું. નન્દિ, મારી વહાલી બહેન! તું મને કહ્યા વગર ક્યાં જતી રહી? મને સહેજ અણસારો તો કરવો હતો! શું હું કદી કોઈને પણ તારી છૂપી વાત કહી દેત ખરી? ઊલટી હું તો તારા નાસવાનો માર્ગ રેતી અને સૂકાં પાંદડાં વડે ઢાંકી દેત. મારી આ વિચારધારા છેક તેના ઘર આગળ જ અટકી.

ઘરની બાજુ ઉપરને ઓટલે નન્દિનાં બા હાથમાં કાંસકી સાહી છૂટા વાળ સાથે બેસી રહ્યાં હતાં. તેમના ગાલ ઉપર સુકાયેલાં આંસુના ડાઘ હતા. ખરેખર તેઓ સાક્ષાત્ કારુણ્યમૂર્તિ જેવાં દેખાતાં હતાં. તેમની બેસવાની ઢબ જોઈ મને શાન્તિવર્ધનની મંડળીનાં મહોરાં-નાટિકા દ્વારા ભજવાયેલા રામાયણમાં જોયેલી અશોકવાડીની સીતા સાંભરી.

બસ, બેસવાની રીતમાં જ તેના જીવનની નિરાધારી તથા કરુણતા નીતરી રહ્યાં હતાં. આજે આ નન્દિનાં બા પણ મને તેવાં જ લાગ્યાં. મને જોઈ તેમનું રોણ છૂટી ગયું. મને વળગીને તે ખૂબ રડયાં. હું પણ આંસુ ન ખાળી શકી. જ્યારે તે જરા સ્વસ્થ થયાં, ત્યારે તેમણે મને પૂછ્યું : ''ગઈકાલે તો તે ખાસ્સી ખુશાલીમાં હતી ને? મને પણ એમ લાગેલું - અને તેં પણ પરાક્રમને મોઢે એમ જ કહ્યું ને?''

''માસી, હવે મને સમજાયું છે કે લગ્નનાં અળખામણાં બંધનમાંથી મુક્તિ મેળવવાનો રસ્તો તેને સૂઝ્યો હોવો જોઈએ, તેથી એ ખુશાલીમાં હતી.''

આ વાત ચાલતી હતી ત્યાં ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. માસી તો એટલાં ગભરાયેલાં હતાં કે ટેલિફોન ઉપાડવાની તેમની હિમ્મત જ ન ચાલી. પરાક્રમ કે બીજું કોઈ ત્યાં જણાયું નહિ. ''બધાં જ નન્દિબેબીને શોધવા નીકળી પડયાં છે-તું ફોન ઉપાડને બહેન.'' તે બોલ્યાં.

'કોણ નન્દિતા કે?' શિશિરનાં બા બોલતાં હતાં. શિશિર ત્યા આવ્યો મે કહ્યુ: હું નન્દિતાની બહેનપણી ચન્દ્રા છું.શિશિરભાઈ અહીં આવ્યા નથી.''તો એ ગયો ક્યાં? કાલ રાતનો એ ક્યાંક ગયો છે.'' પાછલું અર્ધું તો તે સ્વગત જ બોલી રહ્યાં હતાં. જવાબની અપેક્ષા વગર જ બોલાયેલા શબ્દો પછી તેમણે ફોન મૂકી દીધો.

દોડીને નન્દિનાં બા પાસે જઈને મેં કહ્યું : ''માસી! માસી! શિશિર પણ ઘેરથી ચાલ્યો ગયો છે! આ તો કેવું કૌતક! સાંજે ગોરજ સમયનાં લગ્ન છે, પણ વરને ઘેર વરનો પત્તો નથી અને કન્યાને ઘેર કન્યાનો પત્તો નથી!''

માસી જરા કચવાટથી બોલ્યાં : ''એ તો સૂઈ રહ્યો હશે કોઈ ભાઈબંધ દોસ્તારને ઘેર. એની શી ચિંતા કરે છે, ડાહીલી ચતુરલક્ષ્મી?''

વળી ફોન આવ્યો. શિશિરનાં મોટી બહેન બોલી રહ્યાં હતાં : ''ચન્દ્રા, માસીને જરા બોલાવને.''

મેં કહ્યું : ''માસીને શરીરે ઠીક નથી અને ઘરમાં બીજું કોઈ જ નથી.''

''તો તું માસીને કહે કે આજનું લગ્ન બંધ રાખવું પડશે.''

મેં માસીને આ સંદેશો કહ્યો ત્યારે તેમને નવાઈ તો ઘણી લાગી, પણ તે ખુશ ન થયાં : ''અરેરે! છોકરીએ મારું નાક વાઢી નાખ્યું.''

મેં કહ્યું : ''હવે તો સામસામું સરખેસરખું થઈ ગયું. જો કે શિશિર કેમ ચાલ્યો ગયો તે ન સમજાયું - પણ હવે આપણો એકલાંનો દોષ નહિ આવે.''

માસી કહેવા મંડયાં : ''અરેરે ચન્દ્રા! છોકરો નાસી જાય, અને છોકરી નાસી જાય તેમાં તો આસમાન-જમીનનો ફરક, છોકરીને તો આખી જિંદગી સુધી કલંક ચોંટેલું રહે-છોકરાની વાત તો ગમ્મતમાં ઊડી જાય. હથેલીમાંની ધૂળ જેમ હાથ ખંખેરતાં ઊડી જાય છે તેમ જ.'' બે હાથ ખંખેરી નાંખતાં માસી વળી બોલ્યાં : ''આપણા સમાજમાં આવાં બેવડાં ધોરણની તને કે નન્દિતાને ક્યાં ગમ છે? એટલું સમજતી હોત તો તે આમ જતી રહેત ખરી?'' આટલું બોલી તેમણે એક ઊંડો નિશ્વાસ મૂક્યો. હાથમાંની કાંસકી તરફ તે તાકી રહ્યાં અને વળી બોલ્યાં :

''ચન્દ્રા, સ્ત્રીનો અવતાર લઈને સંસારસાગર પાર કરવો એ કોઈ રમત નથી.''

મારી જીભ ઉપર આવી ગયું કે, ''તો પછી નાની શી નન્દિબેબીને તમે ઝટપટ સ્ત્રી બનાવી સંસારસાગરમાં ધક્કેલી દેવા આટલાં ઉતાવળાં કેમ થઈ ગયાં?''

પણ માસી અત્યારે દુ:ખમાં હતાં, તેમની આ સ્થિતિમાં તેમની સાથે જીભાજોડી કરવી, તે અજુગતું ગણાય તેથી હું કાંઈ ન બોલી. માસી પોતે જ ફરી બોલ્યાં : ''શિશિરને કોણ જાણે કશો તુક્કો સૂઝ્યો ? એ વળી ક્યાં નાઠો ? પણ ના-એ તો કદાચ કોઈ ભાઈબંધ દોસ્તારને ઘેર સૂઈ રહ્યો હશે. એનો તો હમણાં પત્તો લાગશે.''

આ વાત ચાલતી હતી ત્યાં પરાક્રમ આવ્યો. તેનો ચહેરો જોઈ મને મજૂરલત્તામાં વેચાતાં ફળ અને શાકભાજી સાંભર્યાં.

વિલાઈને વાસી થઈ ગયેલો એ બાપડાનોે ચહેરો! નન્દિતાનાં લગ્નનો એણે એકલાએ જ વિરોધ કરેલો-પણ એનું ગજું કેટલું? જા જા હવે, તું શું સમજે? મૂછનો દોરો તો હજી ફૂટયો નથી...વગેરે શબ્દોથી વડીલોએ તેનો અવાજ સાવ ગૂંગળાવી દીધો હતો. વળી નન્દિતા કરતાં તે બે વર્ષે મોટો ખરો, પણ સ્વભાવે જરા નરમ અને મોળો હતો.

તેનાં બાએ શિશિર વિશે વાત કહી તે જ ઘડીએ તેના પિતા પણ મિથ્યા શોધને અંતે ઘેર આવ્યા. તેમણે વાતનો તાંતણો ઉપાડી લેતાં કહ્યું : ''થયું. તો પછી આપણી વાત હવે દબાવી રાખીએ. શિશિર વગર લગ્ન કેવી રીતે થાય? વરરાજા અદ્રશ્ય થયા તેથી લગ્ન બંધ રહ્યાં છે, એમ જ સૌને કહીશું?''

મેં કહ્યું : ''નન્દિતાની શોધખોળ ઘણી જગાએ કરી ચૂક્યા છો - પોલીસમાં પણ ખબર આપી છે. મારા છાત્રાલયમાં પણ શોધ માટે પરાક્રમભાઈ આવી ગયા એટલે આપણી વાત છાની તો નહિ જ રહી શકે ને? શિશિરનાં બાએ પોતાની વાત આપણને કરી દીધી તો પછી આપણે પણ પેટછૂટી વાત તેમને ન કરવી જોઈએ? આપણે નહિ કરીએ તો પણ વાત તેમને કાને તો જરૃર જવાની જ છે, તો પછી આપણે આવી મહત્ત્વની વાત છુપાવી એથી તેમના મનમાં આપણી પ્રત્યે કડવાશ નહિ વધે?''

''કહી દ્યો ત્યારે! ફજેતી ક્યાં સુધી છાની રહેશે?'' નન્દિનાં બાએ એવું કડવું મોઢું કર્યું કે જાણે સુદર્શન ચૂર્ણનો મોટો ચમચો તેમના મોઢામાં ભર્યો ન હોય!

જ્યારે નન્દિતાના બાપુજીએ ટેલિફોન ઉપર વેવાઈને આ વાત કરી ત્યારે તે સ્તબ્ધ બની ગયા. તે શું બોલ્યા તે કોણ જાણે, પણ જવાબમાં નન્દિના પિતા કહેવા લાગ્યા : ''હા ભાઈ! આવું કદી પણ સાંભળ્યું છે? લગ્નની સવારે વર અને કન્યા બન્ને ગુમ! જેને જેને કહેવાય તેને કહી દો કે અસાધારણ સંજોગો ઊભા થવાથી લગ્ન બંધ રહ્યાં છે.''

પરિસ્થિતિ કાંઈ થાળે પડેલી જોઈ હું પાછી છાત્રાલય ભણી ચાલી. વસન્તપંચમીનો દિવસ કહેવાય, પણ સવારના સુમધુર પવન સિવાય વસન્તાવતારની શી નિશાની હતી?

છતાં પાછા ફરતી વખતે મારા મનને તે આછી સુગંધીભર્યા વાયુથી બહુ સારું લાગ્યું. નન્દિતાનો વિચાર કરતાં હવે મને હસવું આવ્યું : ''તું નકામી ભાગી ગઈ, નન્દિ. લગ્ન તો આજે થાત જ નહિ, કારણ, શિશિર પણ ચાલ્યો ગયો છે! આવો થ્યાલ હોત તો તું કદી પણ છુપાઈ ગઈ ન હોત.'' હું એકલી જ બબડી રહી હતી.

છાત્રાલયમાં પહોંચી કે તરત છોકરીઓ મારી આસપાસ ફરી વળી. શિશિર પણ ચાલ્યો ગયો છે, એમ જ્યારે તેમણે જાણ્યું ત્યારે આ નવો ધડાકો સાંભળી સૌને વાતમાં વધારે રસ પડયો. જાતજાતની કલ્પનાઓ થવા લાગી. શિશિરે કદી આ લગ્ન સામે વિરોધ દર્શાવેલો જાણ્યો ન હતો. તો છેલ્લી ઘડીએ આમ કેમ કર્યું?

હર્ષા બોલી : ''માનસશાસ્ત્રના એક પુસ્તકમાં મેં વાંચ્યું હતું કે લગ્નને આગલે દિવસે પુરુષ ઘણી વાર ગભરાઈ જાય છે.''

પન્ના હસી પડતાં બોલી : ''બહુ મોટી માનસશાસ્ત્રની નિપુણિકા ન જોઈ હોય તો!'' અને વાતાવરણ હળવું બન્યું.

અમે સૌ યથાસમય પોતપોતાની કોલેજોમાં ચાલ્યા ગયાં. મારું ચિત્ત અભ્યાસમાં ક્યાંથી લાગે? મધરાતના શ્યામ પાણીમાં તરતું મારી નન્દિતાનું શબ મને ઘડીકમાં દેખાય, તો ઘડીભર ઝેર ખાઈને સૂઈ ગયેલી તેની સુકુમાર દેહલતા મારી નજરે ચઢે - તેવા વિચારોથી મન બહુ ગભરાઈ જાય, ત્યારે હું પરાણે સારા વિચારો કરું : કોઈ દૂરનાં સગાંને ઘેર, ગામડામાં તે ભરાઈને બેઠી હશે. બે દિવસ પછી તો હસતીરમતી તે પાછી આવશે.

આમ ને આમ વસન્તપંચમીનો દિવસ પૂરો થવા આવ્યો. સાંજે જ્યારે ગાયભેંસનાં ટોળાં દરેક ગામગામડે સીમમાં ચારો ચરી, ધૂળ ઉડાડતાં પાછાં ઘરભણી ફરતાં હતાં, તે ગોધૂલીને સમયે, શહેરમાં ઘણાં લગ્ન ઊજવાઈ રહ્યાં હતાં. શરણાઈના મધુર સ્વર કેવા કર્ણપ્રિય લાગતા હતા! ફૂલની સુગંધ અને સ્ત્રીઓના કંઠમાંથી વહી જતા મંગલાકષ્ટકના શાર્દુલવિક્રીડિતનો ધીમો પ્રવાહ અમારા છાત્રાલયની પડખેના મકાનમાંથી આવી રહ્યો હતો. પણ નન્દિતા માટે ખરીદેલી લગ્નભેટ એમ ને એમ મારા ટેબલ ઉપર અકબંધ પડી રહી હતી.

છઠ્ઠને દિવસે સવારે હું ઊઠી, ત્યારે મારું માથું ઉજાગરાથી ભારે થઈ ગયેલું હતું. સવારની ટપાલમાં અજાણ્યા અક્ષરનો એક પત્ર મને મળ્યો. તેમાં મને સંબોધન કરીને લખ્યું હતું : 'ચન્દાબહેન, તમારી બહેનપણી નન્દિતા સુરક્ષિત સ્થળે ક્ષેમકુશળ છે. હું એકાદ દિવસ પછી તમને મળીશ. લિ. શિશિર.'

આ વળી નવો ધડાકો! તે જ દિવસે કોલેજમાંથી છૂટીને હું સાઇકલમાં હવા પુરાવવા દુકાને ઊભી હતી, ત્યાં શિશિરે આવીને મને નમસ્કાર કર્યા. મારા બન્ને હાથથી સાઈકલનું ગવર્નર ઝાલેલું હોવાથી મેં સ્મિતથી તે નમસ્કાર ઝીલીને કહ્યું : 'આ બધું શું થયું? મને સમજાવો.'

શિશિરે મને સમજણ પાડી : ''લગ્નને આડા બે જ દિવસ રહ્યા હતા ને મારી ઉપર નન્દિતાનો ફોન આવ્યો. તે કહે કે તમને મળવું છે. બહુ જ અગત્યનું કામ છે. સંધ્યાકાળે નક્કી કરેલ સ્થળે અમે મળ્યાં. નાની શી તે કિશોરી પંજાબી કમીજ, સલ્વાર અને ઓઢણામાં બહુ જ સરસ દેખાતી હતી. પણ તે બધી વાત જવા દઉં. તેણે પોતાનું દિલ મારી સમક્ષ ખોલ્યું. લગ્ન માટેની અનિચ્છા દર્શાવી. ઘરમાં સૌ તેની ઈચ્છાની વિરુદ્ધ હતાં,

તે પણ તેણે મને કહ્યું. મેં સહાનુભૂતિપૂર્વક તેની વાત સાંભળી, પછી પૂછ્યું : 'પણ આમાં હું શું કરી શકું, નન્દિતા?' ત્યારે તે કહે, 'તમે મને કોઈ જગાએ છુપાવી દો. મને બીજું કોઈ મદદ કરી શકે એમ નથી.' તેની લાંબી પાંપણો ઉપર આંસુનાં મોતી પરોવાઈ ગયાં. હું પીગળી ગયો.''

''પછી?'' મેં અત્યંત ઉત્સુકતાપૂર્વક પૂછ્યું.

''મેં જરીક વિચાર કરીને સ્થળ શોધી કાઢ્યું. ચરોતરમાં અમારી એક વાડી છે. ફળની વાડી તથા આંબાવાડી. ત્યાં અમારી એક નાની બંગલી છે. રખેવાળ- કુટુમ્બ પણ ત્યાં રહે છે. હું તેને ત્યાં લઈ ગયો. લગ્નની આગલી બપોરે અમે ગયાં. મારો ખ્યાલ હતો કે એને મૂકીને હું ત્યાંથી મારા મિત્રની જીપમાં નીકળી જઈશ તો જલદી પાછો આવી પહોંચીશ. મિત્રની ગાડી બગડી ગયેલી હતી તેથી ધારેલે સમયે ન નીકળાયું. આથી મોડું થઈ ગયું અને વરકન્યા બન્ને નાસી ગયાનું સૌને કૌતુક થયું.''

''તો હવે?'' મેં પૂછ્યું. નન્દિતાના જતા રહેવા વિશે મેં અનેકાનેક કલ્પનાઓ કરેલી. પણ શિશિરની મદદ વડે તે જતી રહી હશે એવો તો મને સ્વપ્ને પણ ખ્યાલ ક્યાંથી આવે?

''હવે શું વળી? નન્દિતા આજે સાંજ સુધીમાં આવી જશે.''

''નન્દિતા અહીં રહી હોત અને તમે લગ્ન કરવાની ના પાડી હોત તો લગ્ન અટકત નહિ? એમ થાત તો આ બધી દોડાદોડ અને ગભરાટ તથા માસી કહે છે તેમ ફજેતી અટકી શકી હોત.'' મેં કહ્યું.

''શી વાત કરો છો? છેક છેલ્લે દિવસે મારી એવી અઘટિત માગણી ઘરમાં બાપાજી કે મોટા કાકા માનત ખરા? બા જ પહેલો વિરોધ તો જોરશોરથી કરત.

''તો હવે વિવાહ પણ ફોક ને?'' મેં પૂછ્યું.

''હાલ તો ગુસ્સાનાં, ક્રોધનાં અને એકબીજા પ્રત્યે દોષારોપણ કરવાનાં ઘનઘોર કાળાં વાદળ બન્ને કુટુમ્બોને માથે છવાઈ ગયાં છે. બાકી થોડા કલાકના અત્યંત અલ્પ સહવાસ પછી મને તો થયું કે આવી છોકરી માટે ગમે તેટલાં વર્ષનું તપ કરી શકાય.''

બીજી સવારે નન્દિતા આવી ગઈ. મને મળી ત્યારે અમે બન્ને મૂર્ખા જેવાં હસ્યાં અને સાથે સાથે રડયાં. આંખમાં આંસુ વહી જાય અને હોઠ ઉપર હાસ્ય. કંઠ પણ આંસુથી રૃંધાઈ ગયેલા. લગીર સ્વસ્થ બન્યા પછી મેં તેને પણ પેલો જ પ્રશ્નો પૂછ્યો : ''તો પછી હવે આ વિવાહ તો ફોક ને?''

''હાસ્તો વળી! હજી પાંચ વર્ષ સુધી - પૂરાં એકવીસ વર્ષની થાઉં નહિ, ત્યાં સુધી તો હું પરણવાની જ નથી. શિશિરની સાથે આ નાસભાગમાં થોડી ઓળખાણ થઇં. તેની તરફ જે પૂર્વગ્રહ બંધાઈ ગયેલો તે જતો રહ્યો છે.'' તે બોલી.

મેં, પૂછ્યું, ''પણ જો પાંચ વર્ષ સુધી શિશિર રાહ જુએ તો?''

''જવા દે ચન્દ્રા! એ 'જો' અને 'તો'ની વાતો શા કામની?'' નન્દિતાના ચહેરા ઉપર પથરાઈ ગયેલો આછો ફૂલગુલાબી રંગ જોઈ મને થયું કે ખરેખર, વસન્તઋતુ બેસી ચૂકી છે.

લેખકનો પરિચય

વિનોદિની નીલકંઠ

જન્મ - ૦૯ ફેબુ્રઆરી, ૧૯૦૭

મૃત્યુ - ૨૯ સપ્ટેમ્બર, ૧૯૮૭

નિબંધકાર, નવલિકાકાર, નવલકથાકાર અને બાળસાહિત્યકાર વિનોદિની નીલકંઠને સાહિત્યનો વારસો સમર્થ સાહિત્યકાર અને સાક્ષર પિતા રમણલાલ નીલકંઠ અને માતા વિદ્યાગૌરી નીલકંઠ પાસેથી મળ્યો હતો. પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું હતું. ૧૯૩૦માં અમેરિકામાં જઈને તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. અમેરિકા જઈને એમ.એ. થનારાં તેઓ પ્રથમ ગુજરાતી યુવતી હતાં.

'ગુજરાત સમાચાર'માં વિનોદિની નીલકંઠની 'ઘરઘરની જ્યોત' કોલમ ખૂબ લોકપ્રિય થઈ હતી. 'કાર્પાસી અને બીજી વાર્તાઓ', 'દિલ દરિયાવનાં મોતી' અને 'અંગુલિનો સ્પર્શ' જેવાં તેમના વાર્તાસંગ્રહો ૧૯૫૧થી ૧૯૬૫ દરમિયાન પ્રસિદ્ધ થયા હતા અને વાંચકોનો આદર પામ્યાં હતાં.

'રસદ્વાર' 'ઘરઘરની જ્યોત', 'નિજાનંદ' અને 'કદલીવન' સહિતનાં તેમનાં સાહિત્યસર્જનો ગુજરાતી ભાષામાં નોંધપાત્ર ગણાય છે. 'શિશુરંજના', 'મેેંદીની મંજરી', 'બાળકોની દુનિયામાં ડોકિયું', 'સફરચંદ' સર્જનોથી તેમણે ગુજરાતના બાળસાહિત્યને પણ સમૃદ્ધ કર્યું છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar