Get The App

તૃપ્તિની તૃષ્ણા - વિનોદિની નીલકંઠ

Updated: Oct 1st, 2017

GS TEAM

Google News
Google News
તૃપ્તિની તૃષ્ણા - વિનોદિની નીલકંઠ 1 - image

''વારુ કૌશલ્યાબહેન, હવે મને વધુ ટળવળાવ્યા વિના આ પાંચ છોકરાંની વાત કરો. હવે મારું મન તે સાંભળવા અધીરું બની ગયું છે.'' તૃપ્તિના આ દુ:ખમાં થોડા દિવસ તો તેના પતિ મધુકરે ભાગ લીધો. શુકન સાથે તેને પણ દોસ્તી હતી. તેથી બે પાંચ દિવસ તો કૂતરાવિહોણું ઘર તેને પણ બહુ સૂનું લાગ્યું. પાળેલો કૂતરો શુકન જ્યારે સડક ઉપર દોડતી મોટર નીચે કચરાઈને મરી ગયો, ત્યારે તૃપ્તિએ જે રુદન કર્યું અને તે પછી પણ જ્યારે તેણે દિવસો સુધી, તે વહાલા વફાદાર જાનવર પાછળ વિલાપ ચાલુ રાખ્યો, એટલું જ નહિ પણ આહાર-નિદ્રાનો પણ તેણે લગભગ ત્યાગ કર્યો, ત્યારે તેની પાડોશણો એકબીજીને કહેવા લાગી : 'ભાઈ, આ તો ભારે નવાઈ! ગમે તેટલું તો ય એ છેવટે જાનવર તે જાનવર જ કહેવાયને વળી! આ તો જાણે પેટનું જણ્યું ગુમાવ્યું હોય એવું કલ્પાન્ત કરે છે.' ત્યારે બીજી પાડોશણ બોલી : 'તે તૃપ્તિબહેને પેટ માંડયું જ નથી, એટલે જાનવર એ જ એમનો વસ્તાર.

' ત્રીજી સ્ત્રીએ તૃપ્તિનો પક્ષ સબળ રીતે તાણતાં કહ્યું : 'શુકન હતો પણ તેવો સરસ! પરાણે વહાલો લાગે એવો નહોતો શું? હજી કાલે રાતે જ તે મારા સપનામાં આવ્યો હતો. રોજ આવતો તેમ ધીમે ધીમે પૂંછડી હલાવતો જાણે મારા રસોડા સામે આવીને ઊભેલો. મેં તેને સપનામાં દીઠો. સવારે જાગી ગઈ ત્યારે શુકન હવે નથી એ ભાન થતાં મારો ઘણો જીવ બળ્યો હતો.'

તૃપ્તિના આ દુ:ખમાં થોડા દિવસ તો તેના પતિ મધુકરે ભાગ લીધો. શુકન સાથે તેને પણ દોસ્તી હતી. તેથી બે પાંચ દિવસ તો કૂતરાવિહોણું ઘર તેને પણ બહુ સૂનું લાગ્યું. સાંજે જ્યારે પોતે કામથી પરવારી ઑફિસેથી ઘરે આવતો, ત્યારે શુકન છેક રસ્તે આવીને ઊભો રહેતો. મધુકરના સ્કુટરનો અવાજ ઘણે દૂરથી પારખી જતો અને ખુશાલીથી કૂદકા મારતો શુકન સામે આવતો, મધુકર ઘરમાં પેસે ત્યારે શુકન તેના શરીર ઉપર બે પગ મૂકી ઊભો થઈ જતો.

અને તેના હાથ ચાટવા મંડી પડતો. આ બધુ મધુકરને નહોતું સાંભરતું એમ નહિ, પણ સમજતો હતો કે બીજો કૂતરો લાવીશું તો તે પણ આવી જ લાગણી બતાવશે. પણ જ્યારે તેણે બીજો કૂતરો લાવવાની દરખાસ્ત મૂકી, ત્યારે તૃપ્તિ નવેસરથી રોવા લાગી : 'શુકનની જગા વળી કોણ પૂરી શકવાનું છે?' અને 'હવે હું સમજી ગઈ છું કે મારા નસીબમાં બાળક તો શું પણ કૂતરા ઉપર વહાલ વર્ષાવવાનું પણ સુખ મંડાયલું નથી.'

શરૃઆતના તે દિવસોમાં તૃપ્તિને દિલાસો દેવાના મધુકરે ઘણા પ્રયત્નો કર્યા. પણ તૃપ્તિ તો જાણે દુ:ખની દોસ્તી બાંધીને બેસી ગઈ હતી. દિવસો વહી જતાં તે જાણે વધારે ને વધારે શોકાર્ત તેમજ ગમગીન બનતી જતી હતી.

ઘણી વાર તે સાવ સૂનમૂન બની કલાકો સુધી સ્થિર બેસી રહેતી. મૂળથી તે એકવડા બાંધાની હતી જ, પણ હવે તો તે બહુ જ સુકાઇ જવા લાગી હતી. તેણે સારું ભોજન, સારાં કપડાં, આનંદનું દરેક સાધન તથા તેમનો ભેગો શયનખંડ પણ તજી દીધો હતો. બેઠકના ખંડમાં એક નાનકડી ગોદડી પાથરી તેની ઉપર તે રાતે સૂઈ જતી.

જો કદીક મધુકર તેને આશ્વાસન આપવા અને પોતાની દેહભૂખ તૃપ્ત કરવા તેની પાસે જતો તો પતિના ખભા ઉપર માથું ઢાળી દઈ તૃપ્તિ પતિનો ખભો ભીંજવી દેતી. કૂતરા માટેના શોકના આવા અતિરેકથી મધુકર હવે કંટાળી ગયો હતો. 'બસ થયું હવે. જે વાત વિસારે પડાવવા હું મથું છું, તેને તું તો ભૂલવા જ નથી માગતી. મારે પણ જિંદગી માણવી છે. આવી રોતીસૂરત પત્નીનો મને પણ કદાચ કંટાળો આવી જશે, તેનો તું ખ્યાલ કેમ નથી કરતી, તૃપ્તિ?' એક દિવસે મધુકરે કહી નાખ્યું.

પતિના શબ્દો જોકે પત્નીના હૃદયમાં તીર માફક ભોંકાઈ ગયા છતાં તેમાં રહેલું સત્ય ન સમજે એવી તે ભોટ નહોતી. વળતી સવારે શુષ્ક ચહેરે તૃપ્તિ પતિને કહેવા લાગી : 'હું સ્થળફેર કરી જોઉં. તમે સંમત થાઓ તો બાને ઘેર જઇને રહું.

મન જરા સ્વસ્થ થશે ત્યારે પાછી આવીશ.' મધુકરને આ વાત ગમી. તેણે સસરા ઉપર વિગતવાર કાગળ લખી શુકનના મૃત્યુથી પોતાનું નિ:સન્તાનપણું તૃપ્તિને દ્વિગુણિત બનીને કેવું સતાવી રહ્યું હતું, તે સમજાવ્યું. લગ્નજીવનનાં દસ વર્ષ વીતી ગયાં છતાં તૃપ્તિનો ખોળો ખાલી જ રહી ગયો હતો. શુકનના મૃત્યુથી બાળકપ્રાપ્તિની તૃપ્તિની તૃષ્ણા અસહ્ય બની ગઈ હતી. એ સર્વે તેણે સસરાને લખી જણાવ્યું.

પિયર જવા માટે તૃપ્તિ ગાડીમાં બેઠી ત્યારે મધુકરને ખાતર તેણે હસતું મોઢું રાખવા ઘણો પ્રયત્ન કર્યો હતો. થોડીવાર તો હોઠ ઉપર ખોટું ફિક્કું ચોમાસાની ચાંદની જેવું તે સ્મિત ટક્યું, પણ હોઠ જ્યાં વફાદાર રહ્યા, ત્યાં તેની આંખોએ દગો દીધો! અને ઝાકળનાં બિન્દુ જેવાં મોતી બે આંખોમાંથી સરી પડયાં. ગાડી ઊપડવાનો સમય થઈ ગયો હતો,

ગાર્ડની સીટી વાગી ગઈ હતી, સાન્ત્વના માટે સમય જ ન હતો, તે હકીકત પતિપત્ની બન્ને માટે આવકારદાયક બની. પોતાનાં આંસુથી મધુકર બહુ જ કંટાળી ગયો હતો, તે વાતનો મધુકરે જ્યારે ખુલ્લા શબ્દોમાં એકરાર કર્યો હતો ત્યારે જોકે તૃપ્તિને પોતાની લાગણીની અવગણના થયેલી લાગવાથી ઘણું અપમાનજનક લાગ્યું હતું.

છતાં મધુકરનો કંટાળો વહોરવામાં તેમના સંસાર-નાવડામાં ગાબડું પડી જાય, તે પણ તૃપ્તિ સમજી ગઈ હતી. તેથી જ તે પિતાના ઘર ભણી ભાગી રહી હતી. ત્યાં જઇને ધરાઈને રડી લેવું એવો તેનો ઇરાદો હતો.

સ્ટેશન ઉપરથી ડબ્બાઓનો ભાર ખેંચતા એન્જિને ધીમી ગતિએ પ્રયાણ આદર્યું. તૃપ્તિની મનોદશા પણ તેવી જ હતી. દુ:ખનો ડુંગર તાણતી તે પણ જાણે મંદ ગતિએ, અનિચ્છા અને ઇચ્છાના સંમિશ્રણ સહિત, પિયર-ઘર તરફ પ્રયાણ કરી રહી હતી. સ્ટેશન વટાવી ગાડી આગળ ચાલી રહી હતી. તૃપ્તિની આંખમાંથી હજી આંસુનો પ્રવાહ અસ્ખલિત વહી રહ્યો હતો. મધુકરની નારાજી વહોરવાનો હવે ભય ન હોવાથી તેણે આંસુને રોકવાનો પ્રયત્ન પણ કર્યો નહિ.

'બસ બહેન, હવે છાની રહી જા.' એવા શબ્દો સાંભળી અતિશય નવાઈ પામી તૃપ્તિએ ઊંચું જોયું તો સામી બેઠક ઉપર બેઠેલી સ્ત્રી તેની તરફ હેતપૂર્વક નિહાળીને બોલી રહી હતી. તૃપ્તિના ડબ્બામાં માત્ર એક જ સ્ત્રી હતી. છાયલના પાલવથી આંખો લૂછીને જરાક મલકતું મોઢું રાખવાનો તૃપ્તિએ પ્રયાસ કર્યો. તે જોઇ તે સ્ત્રી બોલી : 'શાબાશ! એમ હસતું મોઢું રાખતી જા.' તે સ્ત્રી એકલી ન હતી. તેના ખોળામાં નાનુંશું, દૂબળુંપાતળું અને દીવાના પ્રકાશમાં તદ્દન પીળચટ્ટું જણાતું એક છોકરું હતું.

જ્યારે તૃપ્તિ તંદુરસ્ત હસતાં રમતાં છોકરાં જોતી, ત્યારે તેના હૈયામાં પોતાના દુર્ભાગ્યનો તરત જ વિચાર આવી જતો. મારે આવું બાળક હોય તો? વિચાર તો નાનો સરખો હતો, પણ તેનાથી તેનું હૃદય ઊભરાઈ જતું. જલેબી માટે પલાળેલા લોટમાં જરાક અમથો આથો નાખી દેવાથી વળતે દિવસે જ આખું વાસણ જેમ ઊભરાઈ જાય છે, તે જ દશા તે નાનકડા વિચારકણ વડે તૃપ્તિના હૃદયની થઈ જતી. પણ અત્યારે જોયું તે છોકરું તો વિલાઇ ગયેલી કળી જેવું હતું.

તે નબળા અને રોતલ છોકરા તરફ કેવા અપાર હેતથી એ સ્ત્રી જોઈ રહી હતી! ગમે તેવું પણ પેટનું સંતાન... આ વિચાર અધૂરો જ રહી ગયો, કારણ કે તૃપ્તિને તરત ખ્યાલ આવ્યો કે આ સ્ત્રી, આવડી પ્રૌઢ વયની સ્ત્રીને આવડું છોકરું હોય ક્યાંથી? સ્ત્રીના માથા ઉપરના કાળા વાળ ઉપર ઘણા ધોળા તાંતણા સવાર બની ગયા હતા,

અને જો કે તેનો ચહેરો હસતો હતો, છતાં પણ તેમાંથી યુવાની ડોકાતી ન હતી. પોતાનું ન હોવા છતાં કેટલા વહાલભર્યા જતનપૂર્વક આ બાળકને પોતાને ઉછરંગે લઇને તે સ્ત્રી બેઠી હતી! એ સ્ત્રી તરફ તૃપ્તિની નજર મંડાઈ. તે જરાયે રૃપાળી કે સુંદર ન હતી, પણ તેની આંખોમાંથી કેવું અમૃત ઝરતું હતું! અમી નીતરતી આંખો અને તેનું આખું મુખમંડળ પણ વાત્સલ્યથી મઢાયેલું હોવાથી તે કેટલી સુમધુર જણાતી હતી! વખાણભરી નજરે તૃપ્તિ આ બધું નિહાળી રહી હતી, ત્યાં પેલી સ્ત્રી બોલી: ''પારકી પંચાત કરવાનો મારો સ્વભાવ છે,

તેથી પૂછું તો માઠું ન લગાડતી. તું જવાબ નહિ દે તો મને પણ માઠું નહિ લાગે; પણ બહેન, આટલી ભરજુવાન વયે, તને એવડું તે શું દુ:ખ પડી ગયું છે કે મધચોમાસે ગરીબના ઘરના છાપરા માફક તારી આંખોમાંથી પાણી ટપકાવ્યા જ કરે છે? તને વળાવવા આવેલો તારો પતિ પણ કેવો અચ્છો આદમી જણાતો હતો! મને તો એવો પતિ મળ્યો હોય તો હું તો સદા હસતી જ રહું. મને તો તું પૂરી ભાગ્યશાળી જણાય છે.''

સહાનુભૂતિના આવા સરસ અને સહૃદયી શબ્દો સાંભળી તૃપ્તિને પોતાની સન્તાનવિહોણી દશાના અફસોસને ઉદ્દીપ્ત કરનારો- શુકનના મૃત્યુનો બનાવ યાદ આવી ગયો. અને તરત જ તેની લાંબી કાળી પાંપણો ઉપર આંસુનાં બિંદુ બાઝી ગયાં. આગગાડીમાં ત્યારે સાવ અજાણી સ્ત્રીઓ એકઠી મળે છે, ત્યારે ગમે તે કારણથી પણ તેમના દિલના પડદા ઊંચકાઇ જાય છે. અને જરાયે સંકોચ વિના તે સ્ત્રીઓ પોતાનાં અન્તરની વાતો એકબીજાને કહી દે છે,

એ હકીકત અહીં પણ સાચી પડી. તૃપ્તિએ પોતાની સન્તાન માટેની તૃષ્ણાની અને માનીતા વહાલા કૂતરા શુકનના થઇ ગયેલા કરુણ અકસ્માત મૃત્યુની વાતો લગીરે અન્તરપટ રાખ્યા વગર કહી સંભળાવી. વાતચીત ચાલતી હતી, તે દરમિયાન પેલા માંદલા બાળકે સ્ત્રીનો ખોળો બગાડી દીધો, ત્યારે તેના મોઢા ઉપરના ભાવ જોતાં તૃપ્તિના મનમાં આપોઆપ પેલી સંસ્કૃત કાવ્યપંક્તિ ખડી થઇ ગઇ, જ્યાં કવિ કહે છે:
તૃપ્તિની તૃષ્ણા - વિનોદિની નીલકંઠ 2 - image

ગુજરાતી લોકગીતમાં પણ વંધ્યા સ્ત્રી એ જ ભાવ ગાય છે ને?

ધોબી રૃંછીયો મારો સાડલો રે,
ખોળાનો ખૂંદનારો દેને રનાદે,
વાંઝિયા મહેણાં માડી, દોહ્યલાં રે.

કેવી અપાર કાળજીથી તે બાળકનું શરીર તેણે સારું કર્યું અને કપડાં બદલાવ્યાં, વળી પાછું તેને ઢાંકીને ઢબૂરી દીધું! ત્યારે તૃપ્તિથી તેને પૂછ્યા વગર ન રહેવાયું : ''ક્યારની વિચાર કરી રહી છું કે આવડું નાનું છોકરું તમારું તો ન જ હોય.

એટલે તે તમારા દીકરાનું છે કે દીકરીનું?'' પ્રશ્ન સાંભળી તેના જવાબમાં તે સ્ત્રી હસી. કેવું સોહામણું તે હાસ્ય હતું? તે હાસ્યની ચાંદનીએ તૃપ્તિની રોતલ સૂરતને પણ પ્રસન્નતા અર્પણ કરી. પછી તે સ્ત્રી બોલી: ''તમારી વાત તમે મને સંભળાવી તેમાં ખૂબ રસ પડયો. હવે મારી વાત સાંભળો- આ બાળક કોનું છે તેનો જવાબ પણ તે વાતમાં આવી જશે.''

તૃપ્તિ ખુશી થઇને બોલી: ''પહેલાં તમારું નામ કહો, ને પછી તમારી વાત માંડો.'' ત્યારે તે સ્ત્રી બોલી: ''મારું નામ છે કૌશલ્યા. આ મારું સૌથી નાનું પાંચમું બાળક છે. બીજાં ચાર છોકરાં ઘેર છે, પણ હું પરણી જ નથી.'' આટલું બોલી તે તૃપ્તિની સામે જોઇ રહી. તે વખતે તેની આંખો હસી રહી હતી અને ચહેરો તોફાની બની ગયો હતો. પરંતુ તૃપ્તિ તે તોફાની હાસ્યનો જવાબ ન વાળી શકી. તે તો આ ધડાકો સાંભળીને એવી તો ડઘાઇ ગઇ કે કૌશલ્યાના મોઢા સામે વકાસીને જોઇ જ રહી.

કૌશલ્યાએ વાતનો તાંતણો ફરી ઉપાડી લેતાં ચલાવ્યું : ''વાત જાણે એમ છે કે અમારી કોમમાં દીકરીને પરણાવવાનો ખૂબ જ ખર્ચ થઇ જાય. હું ઘણી નાની હતી ત્યારે મા-બાપનું સુખ ગુમાવી બેઠી હતી. મોસાળમાં મોટી થઇ, ત્યાં પણ મામા તો હતા નહીં.

મામી તથા મારા મોળાઇ ભાઇઓની પ્રીત પણ મોળી જ હતી. લગ્નનું તો અમારી કોમમાં રીતસરનું બજાર હોય છે. તેમાં કન્યાને એકલીને તો ત્રાજવા એક પલ્લામાં બેસાડી શકાય જ નહીં, પહેલાં તો પલ્લામાં ઘણું નગદ નાણું મુકાય ત્યારે બે પલ્લાંનો ધડો થાય. મારે માટે તો ત્રાજવાના પલ્લામાં કોઇ કાણી કોડી પણ મૂકે એવું જ ન હતું. એટલે મારા લગ્નની શક્યતા જ ન હતી.

''ઘરનાં બધાં છોકરા નિશાળે જતાં એટલે મને પણ ભણવા મોકલતાં. અભ્યાસમાં હું સદ્ભાગ્યે હોંશિયાર હતી. મેટ્રિકની પરીક્ષા તો રમતાં રમતાં મેં પસાર કરી દીધી પછી વગર ખર્ચે આગળ શું ભણાય તેની તજવીજ કરતાં ભાળ મળી કે નર્સ બનવાનો અભ્યાસ એ રીતે થઇ શકશે. એટલે મેં તો ખાસ્સાં પાંચ વર્ષ અભ્યાસમાં ગાળ્યાં. ભણવાનો ખર્ચ સરકાર તરફથી મળતો હતો.

જ્યારે હું ભણી રહી ત્યારે મને એટલું સારું લાગ્યું! થયું, હા-શ! હવે હું કોઇની ઓશિયાળી નહિ. સરસ મનગમતો ધંધો મારે હાથ લાગી ગયો. મારે માટે કુંવારું જીવન તો નક્કી થઇ જ ગયું હતું. બહારથી તે પ્રત્યે હું નફકરાપણું બતાવતી. પરણેલી બહેનપણીઓમાંથી કોઇ જ ખાસ સુખી જણાતી ન હતી. લગ્નની જંજાળ- લગ્નની બેડી- મને પસંદ નથી, એમ હું સૌને મોઢે કહેતી હતી.''

તૃપ્તિએ પૂછ્યું : 'તો શું ખરેખર તમારા મનમાં લગ્ન કરવાની ઇચ્છા રહી હતી ખરી, કૌશલ્યાબહેન?'' ત્યારે કૌશલ્યા બોલી: ''એક વાતને- અર્ધસાચી વાતને સાચી કરાવી, ભારપૂર્વક સૌને કહેતાં રહીએ તો પછી આપણે પણ તે અર્ધસત્યને સત્ય તરીકે માનતાં થઇ જઇએ છીએ, એ ન્યાયે હું પણ લગ્ન પરત્વેની મારી એ મનોવૃત્તિને સાચી માનતી થઇ હતી, એમ મને લાગે છે. પુરુષ સાથેના સહજીવનનો અણગમો તો મને થઇ ગયો હતો. છતા મનને એક ઓતાડે ખૂણે કોઇ વહાલસોયા પુરુષના હૈયામાં વસવાની અને તેથી પણ વધુ તો તેનાં બાળકોની માતા બનવાના કોડ તો હતા જ.''

''તો તમે બીજી જ્ઞાાતિમાં લગ્ન કેમ ન કર્યું, વારુ? ઘણી ન્યાતોમાં પૈસાની લેવડદેવડ મુદ્દલ નથી હોતી.'' તૃપ્તિનો આ સવાલ સાંભળી કૌશલ્યા જરીક હસી. પણ તે સ્મિતમાં મીઠાશની ઊણપ હતી. આગલા બે દાંત વડે લવિંગ ચાવ્યું હોય, અને તેની તીખાશ જીભ ઉપર જાણે ઝમઝમ થતી હોય એવો તેના ચહેરા ઉપર ભાવ પથરાઇ રહ્યો અને તે બોલી: ''હું ક્યાં કોઇ પરજ્ઞાાતિના યુવાનનું ધન મુગ્ધ કરી દઉં એવી હતી જ? વળી મારે એવું કોઇની સાથે ઓળખાણે ન હતું. એ બધું જોઇ વિચારીને પ્રેમલગ્ન કરવાના વિચારદ્વાર ઉપર તો મેં મોટું તાળું જ મારી મૂક્યું હતું.''

''વારુ કૌશલ્યાબહેન, હવે મને વધુ ટળવળાવ્યા વિના આ પાંચ છોકરાંની વાત કરો. હવે મારું મન તે સાંભળવા અધીરું બની ગયું છે.''

પ્રથમ કડવી બદામ ચવાઇગઇ હોય એવું મોઢું કરી કૌશલ્યા બોલી: ''હું કુંવારી માતા છું.'' પણ એટલું બોલ્યા પછી ખોળામાં પોઢી ગયેલા બાળક ઉપર અગાધ પ્રેમભર્યો દ્રષ્ટિપાત કરી વળી તે અત્યંત પ્રસન્નતાપૂર્વક હસી પડી.

''હું તમારી ઇન્તેજારીને વધુ તીવ્ર નહીં બનાવું. અમારી ઇસ્પિતાલમાં કોઇ વાર અપરિણીત અગર વિધવા સ્ત્રીઓ પ્રસૂતિ માટે આવે છે, ત્યારે તેમનાં નવજાત બાળકોને ક્યાં મૂકવાં તે પ્રશ્ન ખડો થાય છે. એવાં ચાર છોકરાં મેં લઇ લીધાં છે. આ છે પાંચમું.'' અપાર વહાલપૂર્વક પેલા દુર્બળ બાળકના બોડકા માથા ઉપર હાથ ફેરવતાં તે બોલી રહી હતી. આ બધું સાંભળીને તથા માંદલા અને પરાયા બાળક પ્રત્યેની આ સ્ત્રીની પ્રીતિ જોઇ તૃપ્તિ આશ્ચર્યશક્તિ બની ગઇ.

પછી તો વાતો કરતાં ઘણી રાત વીતી ગઇ અને વહેલી પરોઢે તૃપ્તિના પિયરનું ગામ આવ્યું. સ્ટેશન ઉપર તેને તેડવા તેના પિતા આવ્યા હતા. પિતા દમના રોગી હતા. જ્યારે રાત્રે તેમને દમનો હુમલો થયો હોય, ત્યારે સવારે તેમના ચહેરા ઉપર પ્રસન્નતાની એક રેખા શોધી પણ જડતી નહીં.

આજે પણ તેમનો સુકાઈ ગયેલો ચહેરો અને ઉજાગરાભરી આંખો જોઈને તૃપ્તિ સમજી ગઈ કે તેમની ગઈ રાત સારી રીતે વીતી નથી, છતાં પિતાના પગે હાથ લગાડી પ્રણામ કરતાં તે બોલી : ''તબિયત તો સારી છે ને, બાપુજી?''
''ચાલ્યા કરે છે.''તેમણે ટૂંકો જવાબ દીધો અને તે પણ સાવ ઉમળકા વગરનો. પણ તેણે વળી પૂછ્યું :

''ઘેર બધાં ક્ષેમકુશળ છે?'' પિતાના ચહેરા ઉપર વિષાદની ઘેરી છાયા પછરાયેલી જોઈ તૃપ્તિના પેટમાં કાંઈ ન સમજાય એવો ધ્રાસકો પડયો. વધુ પૂછવાં જતાં કાંઈ સારું સાંભળવાનું તો નહિ જ મળે એવી ખાતરી થઈ જવાથી તૃપ્તિ ચૂપ થઈ ગઈ, અને ભાડાનાં ટાંગામાં પિતાને પડખે બેસી ગઈ. થોડી જ વારમાં ઘર આગળ ગાડી ખડી રહી ગઈ. બા હંમેશની જેમ હીંચકે બેઠાં હશે, એમ માની તૃપ્તિ ગાડીમાંથી કૂદકો મારી ઘરમાં દોડી. નાનો ભાઈ ઓટલે સામો મળ્યો, ''આવી ગયાં તૃપ્તિબહેન?'' તેના અવાજમાં આવકાર તથા પ્રેમનો રણકાર તૃપ્તિને બહુ મધુરો લાગ્યો. ''પણ બા તો દાદર નીચે ખાટલા ઉપર કેમ સૂતાં છે? માંદાં છે કે શું?

મને કેમ ન જણાવ્યું? શું થયું છે બા, તને? કોની દવા ચાલે છે'' બહેનનો સામાન લઈ ઘરમાં પેસતો નાનો ભાઈ હસી પડતાં બોલ્યો : ''બસ, આટલા જ સવાલ પૂછવા છે, તૃપ્તિબેન!'' ભાઈના હાસ્યથી ઘરનું વાતાવરણ જરા હૂંફાળું બન્યું. તૃપ્તિને તો તે ચંદનના લેપ જેવું ભાસ્યું. સોડિયું વાળીને બેઠેલાં રસોડામાં મોટાં ભાભી જણાયાં. મોટા ભાઈના અકાળ અવસાન પછી તે સાસરા-પિયર વચ્ચે આવ જા કરતાં. તેમને દેખી રાજી થઈને તૃપ્તિ બોલી : ''ભાભી અહીં છે ને શું? કેમ અંદર ભરાઈ રહ્યાં છો? બહાર તો આવો?''

''શું મોઢું લઈને તારી સામે આવશે, બિચારી?'' ઓડ- ઉમરેઠના કૂવા જેટલો ઊંડો નિસાસો નાખતાં બા ગણગણ્યાં. અને પછી તૃપ્તિને તેમણે ભાભીની વાત કહી. બા બોલ્યાં : ''હું કે તારા બાપુજી એનો બાપડીનો જરીકે વાંક જોતાં નથી. બાળપણમાં લગ્ન થયાં. અને જુવાનીને પહેલે પગથિયે જ બિચારીનું સુખ નન્દવાઈ ગયું. પણ હવે કરવું શું? એ પ્રશ્ન અમને મૂંઝવી રહ્યો છે.''

ગઈ રાત્રે આગગાડીમાં કૌશલ્યા મળી ન હોત તો તૃપ્તિ પણ બા-બાપુજીની માફક ચિન્તામાં ડૂબી ગઈ હોત. પણ આજે તો તેના વિચારોએ તદ્દન અવનવી દિશા પકડી. તેને જાણે કૌશલ્યા કહી રહી હતી : ''જો, તને પણ તક મળે છે. આ બાળક લઈ લેજે. સૌની મૂંઝવણ ટળશે, અને તને બાળક મળશે.'' આ વિચારો તેણે મનમાં ઘૂંટાવા દીધા.

ચા પીતાં પીતાં બાપુજીએ શુકનની વાત કાઢી : ''તારો શુકન બિચારો અકસ્માતનો ભોગ બન્યો, એ બધી બીના મધુકરે લખી હતી. બહુ ખોટું થયું. પણ ગમે એટલો ગમ કરીશ, તોપણ જે બન્યું તે બન્યું શી રીતે થવાનું છે? માટે હવે હિમ્મત રાખવી.''નાનો ભાઈ પણ આશ્વાસન આપવા મથતાં બોલ્યો : ''તમે શુકનને અહીંથી લઈ ગયાં ત્યારે એ પંદરેક દિવસનું બચ્ચું હતું, ખરુંને તૃપ્તિબહેન? એ કૂતરી ફરી વિયાઈ છે. શુકન જેવાં જ બે બચ્ચાં થયાં છે. તમે બન્ને લઈ જશો ને?''

કેવું વિચિત્ર? અત્યારે આ નવા છતાં જૂના- ચિરપરિચિત વાતાવરણમાં પ્રવેશતાં જ શુકનના મૃત્યુ વિષેના દુ:ખનો ઘા આળો છતાં સહેજ રુઝાતો લાગ્યો. તેનું નામ સાંભળ્યા છતાં તેને રોવું ન આવ્યું. કદાચ ભાભીના નવા ખડા થયેલા પ્રશ્નમાં તેનું મન એકાગ્ર બન્યું હોવાથી તેમ લાગતું હોય.

અગર ભાભીનું બાળક ખોળે લઇ લેવાના મનમાં સ્ફુરેલા નવા ખ્યાલને લીધે તેમ બન્યું હોય. ગમે તેમ પણ તૃપ્તિ સામું તાકી રહેલાં કુટુમ્બીજનોનાં સૌનાં મનમાં એક જ છાપ પડી : 'મધુકરે વર્ણવ્યું હતું, એટલી ગાઢ ઊંડી તૃપ્તિની વેદના જણાતી નથી.'

રાત્રે સૌ સૂઈ ગયા પછી તૃપ્તિ બાની સોડમાં જઈને બેઠી. લગ્ન પછી જ્યારે તે પિયર આવતી, ત્યારે આ રીતે બાને પડખે ભરાઇને અર્ધી રાત સુધી સુખદુ:ખની ગોઠડી માંડવાનો એ મા-દીકરીનો રિવાજ થઈ ગયો હતો. તૃપ્તિ  બોલી: ''બા, આકરા ઉપવાસ કરવા ટેવાયેલાંને પણ કદીક કેવી અકરાંતિયા જેવી ભૂખ લાગે છે! ભાભીને પણ એકાદ નબળાઈની ક્ષણ કેમ ન આવી હોય?

મને કે તને એવી ક્ષણ આવે તો આપણે સોસવું નથી પડ્તું? ભાઈ નથી.. ''બા વચમાંથી બોલી ઊઠયાં : ''વહુ તો મારી ગંગાજળ જેવી વિમલ છે. તેમાં પૂર આવે તો આસપાસની ભેખડ તૂટીને પાણીને જરાક ડહોળાં કરી દે, પણ પાછી વિશુદ્ધિ આવી જાય. મને તે બાબતનો ખટકો નથી. માત્ર અત્યારે કરવું શું એ સવાલ છે.'' તૃપ્તિએ કહ્યું, ''શુકનનો ગમ ભૂલવા આવી છું, મધુકરે પણ ચાર છ મહિના રહેવાની રજા આપી છે, તો હું ભાભીને લઈને દરિયાકાંઠાના કોઈ એકાન્ત ગામડામાં જઈને રહું.''

''વિચાર તો બંધબેસતો છે પણ પછી છોકરું..'' બા બોલ્યાં.

''ભાભીનું છોકરું હું લઈ જઈશ. મારો ખોળો કદાચ આમ જ પુરાવાનો હશે.'' સહેજ ખેદપૂર્વક તૃપ્તિ બોલી. પછી આગગાડીવાળી કૌશલ્યાની વાત તેણે બાને સવિસ્તર સંભળાવી.

બા અત્યન્ત સંતોષ પામ્યાં. બાપુજીને પાછલી રાત્રે જગાડી તેમની સમક્ષ પણ મા- દીકરીએ આ નવી વાત રજૂ કરી. માબાપનો ભાર હળવો કર્યાના સંતોષે તૃપ્તિને પણ સંતુષ્ટ બનાવી.

પછી વહેલી પરોઢે તૃપ્તિ ભાભીના ખંડમાં ગઈ. ત્રીજા માળની મોટાભાઈની મેડીમાં ભાઈનો પલંગ સૂનો હતો. ભોંય ઉપર ચટાઇ પાથરી, ડાબા હાથનું ઓશીકું કરી, ડાબે પડખે ભાભી સૂઈ રહ્યાં હતાં. તેમની મેડીની આથમણી બારીમાંથી, આથમી જતા વદપક્ષના ચંદ્રનું ફિક્કું ચાંદરણું ભાભીના શરીર ઉપર ઓછાડ જેવું પથરાયેલું હતું.

વહાલા વડીલ ભાઈના આ વહાલસોઈ ભાભી માટે તૃપ્તિનું હૈયું એ ઘડીએ અપાર કરુણાથી ઊભરાઈ ગયું. કશું પણ બોલ્યા વગર તેણે પણ તે જ ચટાઈ ઉપર લંબાવ્યું. તે એવી રીતે જમણે પડખે સૂઈ ગઈ કે ભાભીનો ચહેરો તેના મોઢાની છેક જ નજીક આવી ગયો. તેણે જોયું કે ઘણા દિવસથી તેલસિંચન વગર ભાભીના વાળ સાવ કોરા પડી ગયા છે.

તે લુખ્ખા વાળ જાણે ભાભીની મનોદશાની સાક્ષી પૂરી રહ્યા હતા. અત્યન્ત પ્રેમપૂર્વક તેણે ભાભીને માથે હાથ ફેરવવા માંડયો. તૃપ્તિ ખંડમાં પેઠી ત્યારથી ભાભીની પાછલી રાતની ગુલાબી નીંદર તો ઊડી જ ગઈ હતી. છતાં તે મીચેલી આંખે સૂઈ રહી હતી.  નણંદના પ્રેમભર્યા હાથનો સ્પર્શ થતાં જ ભાભીની આંખમાંથી આંસુની ધાર નીતરીને તેનો ડાબો હાથ ભીંજવવા મંડી.

પણ તૃપ્તિએ તેને રોવા ન દીધી. તેણે કૌશલ્યાવાળી વાત માંડી. પોતાના વહાલા શુકનની વાત કરી. પોતાના વન્ધ્યત્વનું દુ:ખ વ્યક્ત કર્યું અને પછી ધીમે રહીને, પોતાનું ખાલી હૈયું અને ખાલી ખોળો પૂરી દેવા તેણે ભાભીને વિનંતી કરી. બધી જ ગરજ પોતાને હતી અને ભાભીની કૃપા ઉપર જ પોતે આધારિત હતી, એવી રીતે આખી વાત રજૂ કરી.

પછી બીજે દિવસે, માતાપિતા ઉપરાંત મધુકરને આ નવી યોજનામાં સામેલ કરવાની તૃપ્તિએ દરખાસ્ત મૂકી. સૌએ તે સ્વીકારી. મધુકર એક દિવસની રજા લઈને સાસરે આવી ગયો. તૃપ્તિમાં થયેલું રૃપાન્તર જોઈ તે ચકિત બની ગયો. તૃપ્તિએ એકાન્તે પતિ આગળ બધી વાત કરી અને કહ્યું : ''ખરેખર, મને તો સગર્ભા સ્ત્રી માફક સવારે ઊલટી થાય છે, ખાવાનું ભાવતું નથી, અને છતાં મારે હૈયે મા બનવાનો ઉમંગ પણ સમાતો નથી.

''મધુકરે નિરાંત અનુભવી. કેવી મોટી મૂંઝવણોનો કેવો અવનવો વિચિત્ર સુખદ અન્ત!
શુકનનાં બે નવાં ભાઈબહેનની જોડી લઈ નણંદ-ભાભી ગુપ્તવાસમાં છ મહિના વિલીન બની ગયાં. માત્ર મધુકર વારંવાર ત્યાં જઈ આવતો. જ્યારે રૃપકળી સરખી છોકરીને ભાભીએ જન્મ આપ્યો, ત્યારે તૃપ્તિએ તે નાનીશી કન્યકાને છાતીએ ચાંપી દેતાં કહ્યું : ''ભાભી, છેવટે તૃપ્તિની તૃષ્ણા તમે છિપાવી.''

મધુકર ફરીથી આવ્યો ત્યારે તેણે પોતાની આ પુત્રીનું નામ તૃષ્ણા પાડવાની દરખાસ્ત મૂકી. તે કહેવા લાગ્યો : ''હવે તૃપ્તિની તૃષ્ણા થઈ કે તૃષ્ણાની તૃપ્તિ થઈ તેનો નિર્ણય કરી શક્તો નથી.''

લેખકનો પરિચય

વિનોદિની નીલકંઠ

જન્મ - ૦૯ ફેબુ્રઆરી, ૧૯૦૭ (અમદાવાદ)

મૃત્યુ - ૨૯ સપ્ટેમ્બર, ૧૯૮૭ (અમદાવાદ)

નિબંધકાર, નવલિકાકાર, નવલકથાકાર અને બાળસાહિત્યકાર વિનોદિની નીલકંઠને સાહિત્યનો વારસો સમર્થ સાહિત્યકાર અને સાક્ષર પિતા રમણલાલ નીલકંઠ અને માતા વિદ્યાગૌરી નીલકંઠ પાસેથી મળ્યો હતો. પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું હતું. ૧૯૩૦માં અમેરિકામાં જઈને તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. અમેરિકા જઈને એમ.એ. થનારાં તેઓ પ્રથમ ગુજરાતી યુવતી હતાં.

'ગુજરાત સમાચાર'માં વિનોદિની નીલકંઠની 'ઘરઘરની જ્યોત' કોલમ ખૂબ લોકપ્રિય થઈ હતી. 'કાર્પાસી અને બીજી વાર્તાઓ', 'દિલ દરિયાવનાં મોતી' અને 'અંગુલિનો સ્પર્શ' જેવાં તેમના વાર્તાસંગ્રહો ૧૯૫૧થી ૧૯૬૫ દરમિયાન પ્રસિદ્ધ થયા હતા અને વાંચકોનો આદર પામ્યાં હતાં.

'રસદ્વાર' 'ઘરઘરની જ્યોત', 'નિજાનંદ' અને 'કદલીવન' સહિતનાં તેમનાં સાહિત્યસર્જનો ગુજરાતી ભાષામાં નોંધપાત્ર ગણાય છે. 'શિશુરંજના', 'મેેંદીની મંજરી', 'બાળકોની દુનિયામાં ડોકિયું', 'સફરચંદ' સર્જનોથી તેમણે ગુજરાતના બાળસાહિત્યને પણ સમૃદ્ધ કર્યું છે.