થોડામાં ઘણું- દિલીપ શાહ
મુઝે ભી કુછ કહના હૈ...
ચોક્કસ શબ્દો, વાક્યો, સલાહસૂચન, શિખામણ, મુહાવરા, કહેવતો જિંદગીભર ક્રમેક્રમે કાનના ટોલનાકે ટેક્ષ ચૂકવવા લાઈનમાં ઊભા જ હોય છે. જૂનું વરસ એન્ડિંગ તરફ જઇ રહ્યું છે. સહેજ સરવૈયું કાઢી લઇએ.
બાળપણમાં જો રીંકુ દૂધ પીતા રડવાનું નહિ... છાનો રહે નહિ તો કેડબરી નહિ અપાવું... સ્વીટલીને કેમ માર્યું ? દાદાને જે જે કરી ? જો હું બહાર જઉં ત્યાં સુધીમાં બા બા બ્લેકશીપ મોઢે કરી નાંખ...
સ્કૂલ કોલેજકાળમાં મમ્મી, સાઈકલ લઈને નહિ જઉ... મારા ઓ નલ ફ્રેન્ડસ બાઈક લઇને આવે છે... ડોન્ટ વરી મોમ, આજે પાર્ટી છે. લેઇટ આવીશ... પપ્પાને અષ્ટમ્ પષ્ટમ્ સમજાવી દે'જે - આવું શું કરે છે એક ૫૦૦ની નોટ આપને... આ મારા ડ્રોઅરમાં ફેંદાફેંદ કોણે કરી ? યાર, સૂવા દેને, ગરબાનો ઉજાગરો છે...
ઓફિસમાં બોસ, આજે વહેલા જવું છે. મારું આટલું કામ પતાવી દઇશ ? નીચેથી સ્પેશિયલ ને ખારી મોકલું છું... નવો સાહેબ તો ટીચકુ છે... નવી ટાઈપીસ્ટ જોઇ ?... પ્રોબેશન પર છે... દિવાળીમાં એડવાન્સ પેટે બોનસનું સાંભળ્યું ? પેલો જયલો જાડિયો... ઉધારિયો, સસરાનું કરી ભાગી ગયો... અને પેલી રંભા ટુનટુન અને આપણો પટાવાળો કાળિયો બેય 'ટોઇલેટ'માં હતાં.
ઘરસંસારમાં આ તમારા ડોહાની જેમ મસાલા ઘસવાનું છોડી આ મને વાસણ ઘસવામાં મદદ કરો... કોદરિયો દેશમાં ગયો છે... આ ચિંટુડાનું ડ્રોઇંગ કોણ કરશે ? મોન્ટુડાને સ્કૂલવાન નથી આવવાની. ઊઠો સાઇકલ પર ડબલ સવારી મૂકી આવો.. કીટી પાર્ટીમાં સાંજે મોડું થશે... બહારથી મંગાવી લેજો મારું બર્ગર ચીઝવાળું, ભૂલતા નહિ.
મંદિરનાં ઓટલે બગીચાનાં બાંકડે પશાભૈ શું દા'ડા આવ્યા છે... આ મોટાની વહુ કૂકીંગનું શિખવા ને નાનાની ફોરેન રીટર્ન બૈરી ગુજરાતીનાં ક્લાસ ભરે છે... આ તો તમારા ભાભી આખ્ખો દા'ડો બસ રસોડામાં... મારું પોણું પેન્શન એમની મોબાઈલ થેરપીમાં બુક થઇ ગયું છે. બે ત્રણ દા'ડાથી નવા વૃધ્ધાશ્રમનાં પેમ્ફ્લેટ લાયો છે. (મારા માટે કે એના સસરા માટે ?)
મરીમસાલા
હે ભગવાન ! હવે તું ઉપાડી લે તો સારું