ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય
૩ પુસ્તકો ૩૦૦ વિવાદ
ધ પીપલ નેકસ્ટ ડૉર (ટીસીએ રાઘવન) હાઉ ઈન્ડિયા સી ધ વર્લ્ડ (શ્યામ શરન) આઈ ડુ વૉટ આઈ ડુ (રઘુરામ રાજન)
હોદ્દા પર હોય ત્યારે 'મૌન' રહેનારા નિવૃત્ત થતા જ 'પેન' ઉપાડવા લાગે છે : વિવાદાસ્પદ લખીને નામ ફરતું રાખવાની ફેશન..
છેલ્લા ૧૫ દિવસમાં ત્રણ પુસ્તકોએ વિવાદ ઊભો કર્યો છે. બે પુસ્તકોના વિમોચન તો દિલ્હીમાં સળંગ બે દિવસ દરમ્યાન થયા હતા. જ્યારે એકનું વિમોચન થયા પહેલાનું માર્કેટીંગ ચાલે છે. દિલ્હીમાં પુસ્તકના વિમોચન સમારોહમાં નિવૃત્ત રાજકારણીઓ ખાસ કરીને લાલકૃષ્ણ અડવાણી મનમોહનસિંહ, શીલા દિક્ષીત વગેરે ચહેરા અચૂક જોવા મળે છે. ગુજરાતમાં પણ પુસ્તક વિમોચન દરમ્યાન નિવૃત્ત શ્રોતાઓ અને ફેમિલી મેમ્બર વધુ જોવા મળે છે.
જ્યારે કોઇ લેખકની આગળ ભૂતપૂર્વ લાગે છે ત્યારે તેના પુસ્તકમાં યાદોં કી બારાત જેવા ચેપ્ટર વધુ હોય છે. જુના સંસ્મરણો વાગોળતા - વાગોળતા તે બે-ત્રણ ચેપ્ટરમાં થોડું વિવાદાસ્પદ લખીને પુસ્તકના વેચાણમાં વધારો થાય તેવા ગીમીક્સનો સહારો લે છે.
પુસ્તકો વેચાતા નથી એ કડવું સત્ય હોવા છતાં નવલકથા અને નવલિકા લખનારાઓ અખબારોની ઓફિસોમાં ધક્કા ખાયા કરે છે. તેમ છતાં પુસ્તકો એ ધીકતો વ્યવસાય છે. ટોચના લેખકોના પુસ્તકો ચપોચપ વેચાતા જોવા મળે છે. જ્યારે કોઇ ભૂતપૂર્વ અધિકારી કે પ્રધાન પોતાની સત્તા દરમ્યાનની વાતો લખવા વિચારે ત્યારે તેને એવી સલાહ આપવામાં આવે છે કે કેટલીક વાતો એવી સમાવજો કે જેની કોઇને ખબર ના હોય !! આ પુસ્તક બહાર પડે તે પહેલાં જ તેના ચેપ્ટરનાં વિવાદ સામે ચાલીને કરવામાં આવે છે જેથી પુસ્તકના વેચાણને બૂસ્ટ મળે !!
દિલ્હીમાં ઉપરા-છાપરી બે દિવસ દરમ્યાન જે પુસ્તકના વિમોચન થયા તે પૈકી એક છે ધ પીપલ નેકસ્ટ ડૉર, બીજાનું નામ છે હાઉ ઈન્ડિયા સી ધ વર્લ્ડ, ત્રીજું પુસ્તક રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું છે. તેનું નામ 'આઈ ડુ નૉટ આઈ ડુ' છે.
આ ત્રણેય પુસ્તકના લેખકોએ જે વિષયને પકડયો છે તે વિષયના હોદ્દા પરથી તે નિવૃત્ત થયેલા છે કે તેમણે નોકરી છોડી છે !! જેમ કે આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજનને એક્સટેન્શન અપાયું નહોતું !! રઘુરામ રાજને એમ કહીને વિવાદ છેડયો છે કે નોટબંધીની તરફેણમાં હું નહોતો !! હોદ્દા પર ના હોય ત્યારે બધાને ડહાપણની દાઢ ફૂટતી હોય છે.
'ધ પીપ નેકસ્ટ ડૉર'ના લેખક ટીસીએ રાઘવન છે. તે નિવૃત્ત અધિકારી છે. તેમના પુસ્તકનો થીમ છે ધ ક્યુરીયસ હીસ્ટ્રી ઓફ ઈન્ડીયાઝ રીલેશન વીથ પાકિસ્તાન. તેમણે લખ્યું છે કે ભારતે પાકિસ્તાનને અધમૂઉં કરવાની તકો ુગુમાવી છે. એક તક તો સામે ચાલીને આવી હતી, જેમાં પાકિસ્તનના ૯૦,૦૦૦ સૈનિકો ભારતને શરણે આવ્યા હતા !! ત્યારે કાશ્મીરની પડદા પાછળ એવું કંઇક દળાયું કે કાશ્મીરની સમસ્યા ત્યાંની ત્યાંજ રહી હતી !! રાઘવન નિવૃત્ત થયા ત્યારે છેલ્લે પાકિસ્તાનના હાઇ કમિશ્નર હતા.
'હાઉ ઈન્ડીયા સી ધ વર્લ્ડ' પુસ્તકના લેખક ભૂતપૂર્વ વિદેશ સચિવ શ્યામ શરન છે. પુસ્તકનું વિમોચન, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કર્યું હતું. તેમણે લખ્યું હતું કે સરક્રિક અને સિયાચીન મુદ્દે પાકિસ્તાને પીછેહઠ કરવાની તૈયારી પણ બતાવી હતી. ત્યારે વડાપ્રધાનપદે મનમોહનસિંહ અને લશ્કરના વડા તરીકે જે.જે. સિંહ હતા. જોકે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ.કે. નારાયણને તેનો વિરોધ કરતાં લશ્કરના વડા જે.જે. સિંહે નિર્ણય બદલ્યો હતો.
ઉપલા લેવલે કેવી ગેમ રમાતી હોય છે તેની કોમનમેનને ભાગ્યે જ ખબર પડતી હોય છે. જ્યારે પુસ્તક વિમોચનમાં શ્યામ શરને જે. જે. સિંહની પીછેહઠનો ુઉલ્લેખ કર્યો ત્યારે જે.જે. સિંહ પણ શ્રોતાગણ વચ્ચે બેઠા હતા. ત્યારે જે.જે. સિંહે પોતાનો વિરોધ નોંધાવીને થોડે દૂર બેઠેલા મનમોહનસિંહ સામે જોયું હતું ! જોકે મનમોહન સ્થિર બેસી રહ્યા હતા. જે.જે. સિંહે તેમનો વિરોધ થોડા ઊંચા સ્વરે નોંધાવ્યો હતો. બધા તેમની સામે જોતા હતા જે.જે. સિંહ સિયાચીન વિશે ખોટું છપાય છે એમ બોલતા લોકોએ સાંભળ્યા હતા. જોકે લેખક શરન તેમની વાતને વળગી રહ્યા હતા.
રાઘવન પાકિસ્તાનના હાઇ કમિશનર હતા, શ્યામ શરન ભૂતપૂર્વ વિદેશ સચિવ હતા. બંનેએ પાકિસ્તાન પર લખ્યું હતું. શ્યામ શરને જે.જે. સિંહનો ઉલ્લેખ કરીને કાચું કાપ્યું હતું.
''આઈ ડુ વૉટ આઈ ડુ'' પુસ્તક રઘુરામ રાજને લખ્યું છે. તે એવી રીતે વર્તે છે કે ભારતનું આર્થિક તંત્ર તેમના સિવાય બીજું કોઇ સમજી શકે એમ નથી. કહે છે. રઘુરામ રાજન સ્વભાવે વધુ પડતા અક્કડ હતા. લોકશાહી રાજકીય સત્તાની વાત સાંભળવા તે તૈયાર નહોતા. જેના પરિણામ તે ભોગવી રહ્યા છે.
આવા પુસ્તકો લખનારા નવી પેઢીમાં ખોટી રીતે ઝેર ભરતા હોય છે. પોતાની પ્રસિધ્ધિ માટે અને પોતાના અહમ્ સંતોષવા નિવૃત્ત લોકો હાથમાં પેન ઊઠાવે છે. પાકિસ્તાનના ૯૦ હજાર રેન્જર્સ શરણે આવ્યા ત્યારે ભારતના સત્તાવાળાઓએ કાશ્મીર અંગે તક ગુમાવી હતી જેવી વાતો હાલમાં અપ્રસ્તુત છે. કાશ્મીરની હાલની દશા અને કાશ્મીરી પંડિતોને મારીને ભગાડવાની ઘટનાઓનો ઉલ્લેખ કરવાની તાકાત કોઇ નિવૃત્ત સરકારી લેખકમાં નથી હોતી.
સરકારી લેખક એટલા માટે કે તે સરકારના ભૂતપૂર્વ કર્મચારીઓ છે, તેમની પેનમાંથી તેજાબી લખાણની આશા રાખી શકાય એમ નથી.
આવા નિવૃત્ત અધિકારીઓ શા માટે પુસ્તકો લખીને અંદરની વાતો બહાર લાવવા પ્રયાસ કરે છે તે અંગે પણ સંશોધન થયા છે. પોતાની પીઠ થાબડવાનો ઉત્તમ રસ્તો પુસ્તક છે. નિવૃત્તિ પછી પોતાના મંત્રાલય વિશે લખવાની ફેશન બની જાય છે.
શ્યામ શરનના પુસ્તકમાંથી વિગતનો વિરોધ વિમોચન વખતે થયો હતો. તેમાંની વિગતો ખોટી છે એમ લશ્કરના ભૂતપૂર્વ વડા જે.જે. સિંહ ઘાંટો પાડીને બોલ્યા હતા છતાં વિમોચનનો કાર્યક્રમ ચાલુ રહ્યો હતો. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ જાણતા હતા કે પુસ્તકમાંની માહિતી ખોટી છે છતાં સ્વભાવ પ્રમાણે તે 'મૌન' રહ્યા હતા.
અનેક અધિકારીઓ સત્તા પર હોય ત્યારે રાજકીય સત્તા આગળ લગભગ મૂંગા બની જાય છે. મુંબઇમાં ડીમોલીશ મેન અર્થાત્ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવનાર ગોવિંદ રાઘો ખૈરનાર જેવા કે જેની છાશવારે બદલીઓ થાય છે એવા ખેમકા જેવા લોકોએ મૌન રહેવાના બદલે રાજકીય સત્તા સામે માથું ઊંચક્યું હતું. તેમને બદલીનો ડર નહોતો. આવા અધિકારીઓ એક પંજાની આંગળીઓના વેઢા ગણાય એટલા પણ નથી !!
મારા વખતમાં આવું નહોતું અથવા તો આ તબક્કે હું હોત તો ? બધું ઠીક કરી નાખત એવા સિન્ડ્રોમથી પીડાતા ભૂતપૂર્વ અધિકારીઓની આખી ફોજ છે. નવરાં બેઠા-બેઠા ટીકા કર્યા કરવાની અને એકાદ પુસ્તક લખીને બજારમાં નામ જીવંત રાખવાની કોશિષ કરવાનો પ્રયાસ થતો હોય છે.
રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનની કોઇ સલાહ નાણા મંત્રાલય કે રિઝર્વ બેંકના વર્તમાન ગવર્નર માગતા નથી. તે બે વર્ષ બાદ અચાનક સપાટી પર આવ્યા છે. તેમને કોઇ એમ નથી પૂછતું કે બેંકોના ૮ લાખ કરોડની નોન પરફોર્મીંગ એસેટ (NPA) તેમના સમયમાં જન્મી ચૂકી હતી. બેંકોે ક્રેડીટ કાર્ડ દ્વારા લેવાતા આડેધડ ખર્ચાને મંજૂરી તેમના સમયમાં અપાઇ હતી.
અહીં રઘુરામ રાજન જેવા નામાંકિત નિષ્ણાતની ટીકા કરવાનો કોઇ આશય નથી પરંતુ સત્તા પર હોઇએ ત્યારે નિર્ણયો લેવામાં ધાંધીયા કરવા અને પછી આગળ જ્યારે ભૂતપૂર્વનું લેબલ લાગે પછી અન્યોની ટીકા કરવી એ 'અહમ્' પોષવાની વાત છે.
અનુભવો પરથી પુસ્તક લખવાની ફેશન બનતી જાય છે. ટોચના અધિકારીઓ, સેલિબ્રીટી અને સાધુ-મહંતોએ લખેલા પુસ્તકોની ડીમાન્ડ હોય છે. કેટલાક નામાંકિત લેખકોના પુસ્તકોના થીમ પરથી ફિલ્મો પણ બને છે, હોદ્દાની જ નિવૃત્તિ બાદ ટીકા કરવી એ વ્યાજબી નથી. હોદ્દા પર હતા ત્યારે રાજકીય સત્તાની હાથ નીચે દબાયેલા રહેનારા ભાગ્યે જ પ્રજા તરફી નિર્ણયો લેતા હોય છે પરંતુ નિવૃત્તિ બાદ તે પેનમાં ફરી સ્યાહી ભરે છે.