Get The App

સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

પરદેશી ટીવીસિરીઝનો ગ્લોબલ વેકેશન ટ્રેઝર હન્ટ!

Updated: May 27th, 2018

GS TEAM


Google News
Google News

ઓસ્કાર વાઈલ્ડ અને જ્યોર્જ બર્નાડ શોએ સાથે મળીને લખ્યા હોય એવા શાર્પ વનલાઈનર્સથી ભરપૂર સંવાદો કેલીફોર્નિકેશનમાં તમામ એપિસોડસની જાન છે

સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા 1 - imageહોલીવૂડના સ્પીલબર્ગ કે નોલાન કે સ્કોર્સેઝી જેવા માંધાતાઓને પણ સિનેમા પર તોળાતો તોસ્તાન ખતરો દેખાય છે, એ છે નેટફ્લિકસ. હવે તો ભારતમાં ય એ ફેલાઈ ગયું છે. ફિલ્મોનો બિઝનેસ એને લીધે વર્લ્ડવાઈડ ખતરામાં છે. બાહુબલી કે એવેન્જર્સ જેવી 'મોટી' ફિલ્મો જ થિયેટરમાં ચાલે છે. બાકી છોટી ફિલ્મો સારી હોય તો ય હોમ વિડીયો પર વધુ જોવાય છે. થેન્ક્સ ટુ ચીપ હાઈ સ્પીડ ઈન્ટરનેટ કનેક્શન. આ ક્રાંતિ વિરાટ છે. આપણે ત્યાં પણ એ શેતાની સેન્સર બોર્ડના ચંગૂલમાંથી મુક્ત પ્લેટફોર્મ છે. ( થેન્ક ગોડ!) અને એમાંની વિવિધ કંપનીઓમાં શિરમોર નેટફ્લિકસ છે. એક અંદાજ મુજબ નેટફ્લિકસ પર જે કન્ટેન્ટ જોવાય છે, એમાંનો ૮૫% ટ્રાફિક માત્ર સિરિયલ્સ/ટીવી સિરીઝ માટેનો છે!

ટુ વેલકમ ધિસ ચેન્જ આ વખતે જરા આપણે આવી મુખ્યત્વે અમેરિકન-સ્પેનિશ સિરીઝ પર વધુ ધ્યાન આપીએ બચીખુચી રજાઓની મજા માણવા. એનો ભારતમાં ય સાયલન્ટલી જબ્બર ક્રેઝ છે. આવા કનેક્શન ન ધરાવતા લોકો ડાઉનલોડની હાર્ડ ડિસ્ક ફેરવી જુએ છે. એમ તો વર્ષોથી ચાલતા વેકેશન આટકલ્સમાં પ્રસંગોપાત ક્લાસ એપાર્ટ સિરીઝ જેવી કે, બ્રેકિંગ બેડ, ડેકસટર, શેરલોક, ગેમ ઓફ થ્રોન્સ (એ તો વળી અલાયદા લેખને લાયક મહાભારત છે!) અને બીજીની વાતો થઇ ચૂકી છે. પણ આ વખતે જરા ચેન્જ ઓફ ટાઈમ મુજબ વિસ્તરતી રેન્જની ટીવીસિરીઝ.

(૧) કેલીફોર્નિકેશન : અમેરિકામાં વળી કેલીફોનયા અતિસમૃદ્ધ સ્ટેટ. ને હોલીવૂડને લીધે ગ્લેમરગઢ. એમાં એક સફળતા પછી સ્ટ્રગલર મોડમાં આવેલા અને મિડ-લાઈફ ક્રાઈસીસમાં આવેલા સ્વભાવે રંગીલા લેખક હેન્ક મૂડીના પાત્ર ફરતે રચાયેલી આ સિરીયલ એટલી તો ચાલી કે પુરા આઠ વર્ષ એની સીઝન આવતી રહી. એના કાલ્પનિક પાત્રના ક્વોટસની સાઈટ્સ બની ને એક આખું એ પાત્ર એ લખ્યું હોય એવું પુસ્તક પણ બહાર પડી ગયું!

કાછડીછુટ્ટા લેડી કિલર ફની એન્ડ સ્માર્ટ એવા હેન્કની આસપાસ આખી કહાની ફરે છે. એ સ્ત્રીઓનો શોખીન છે. પણ લાળટપકાઉ રેપીસ્ટ નથી. ચૂંબકની જેમ એનું આકર્ષણ અનુભવી કોઈ પણ ઉંમરની સ્ત્રીઓ જ એની તરફ ખેંચાઈ આવે છે. હેન્ક વફાદાર કે અતિશય ઘેલો પુરુષ નથી, એ ખબર હોવા છતાં. હેન્ક પાસે શબ્દોની જાદૂઈ તાકાત છે અને મૌનનું સંતુલન. સેક્સ બાબતે દંભમુક્ત હોવા છતાં ભીતરથી લાગણીશીલ છે.

મોટા ભાગના સુશીલ સંસ્કારી ગુણવાનના પ્રમાણમાં જરાક રીયાલીસ્ટીક એવા નોર્મલ પુરુષોને મૂડીની નિષ્ફળતાઓ, ગેરસમજો અને ઇશ્કી જૂઠમાં પોતાનું પ્રતિબિંબ દેખાય એ તો સ્વાભાવિક છે. પણ ઓસ્કાર વાઈલ્ડ અને જ્યોર્જ બર્નાડ શોએ સાથે મળીને લખ્યા હોય એવા શાર્પ વનલાઈનર્સથી ભરપૂર સંવાદો તમામ એપિસોડસની જાન છે. એક વાર જોવાનું શરુ કરો તો એડિકશન થઇ જાય ને ગરમાગરમ હોટ સીન્સ ને મદહોશ હસીનાઓ જોવા મળે એ વધારાનું બોનસ!

(૨) ટ્રોલહન્ટર : ગુલિરેમો ડેલ ટોરો આ વખતના ઓસ્કાર જીત્યા એ અગાઉથી જ ધરખમ નામ કહેવાય અને પડદા પર મિસ્ટિક વર્લ્ડ રચવાના એ એક્સપર્ટ સિરીયલની દુનિયામાં આવે, એનું પ્રોડક્શન સ્ટીવન સ્પીલબર્ગના ડ્રીમવર્કસનું હોય અને થીમ ટીનએજ ફેન્ટેસી તથા સ્વરૃપ એનિમેશન હોય પછી મોજના તોરા જ છૂટે ને! અહીં ટ્રોલ એટલે સેલિબ્રિટીઝની વાટવા માટે ઈન્ટરનેટ પર પેધા પડી જનારા નહિ પણ આગલા વેકેશન આટકલમાં નોર્સ માયથોલોજી સજેસ્ટ કરેલી બૂક વાંચી હોય તો સ્કેન્ડેવયન દેશોની લોકવાર્તાના સમાજની બહાર રહેતા અને થોડા કદરૃપા દેખાતા પાત્રો! અને એની દુનિયામાં જાદૂઈ શક્તિઓ વાળું થાનોસ જેવું એમ્યુલેટ લઇ પ્રવેશતો ટીનેજર. કિડસને મોજની મહેફીલ!

(૩) વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી : ભારતમાં જરાક આધુનિક વાત કરો, એમાં ય શૃંગારરસ આવે અને સડી ગયેલી પરંપરાની યોગ્ય ટીકા કરી પરદેશી ગુણવત્તાના વખાણ કરો, પછી તમે ભારતના મૂળ વારસા માટે ગમે એટલો આદર ધરાવતા હો ને અસલી દાર્શનિક પ્રેમસ્વરૃપ ભારતના ઉત્સવી રંગોને ગમે એટલો પ્રેમ કરતા હો તો ય તમને સુપરવિલન ઠેરવી દેવા માટે બુદ્ધિબુઠ્ઠાઓની એક જમાત આખી પેઢી દર પેઢી તૈયાર હોય છે.

એનો સૌથી વધુ ભોગ બન્યા હોય તો ઓશો રજનીશ જેવા સમયથી આગળ જન્મી ગયેલા તેજસ્વી મેધાવી મહાપુરુષ. પણ તો પછી એ જ રજનીશ જે મોકળાશના દેશ અમેરિકામાં ગયા અને ત્યાં જોતજોતામાં અભૂતપૂર્વ કહેવાય એ સમયના કોઈ પણ ભારતીય ધર્મગુરુ માટે એવું સામ્રાજ્ય રચી નાખ્યું.

પછી શું થયું એવું કે ત્યાંથી જ ઓશોને જાકારો મળ્યો? રજનીશના જ મહત્વાકાંક્ષી અને ઈર્ષાળુ સાગરીતોએ એમની ગેમ કરી નાખી આશ્રમમાં ડ્રગ્સ ને હથિયારો એકઠાં કરીને? કે ત્યારના ચુસ્ત કેથોલિક વાતાવરણમાં ચર્ચ સામે પડકાર ઉભો થતા અમેરિકન સરકારની કન્ઝર્વેટીવ લોબીએ રજનીશને ઝેર આપી એમનું પતન નોતર્યું? આ અકળ કોયડાઓમાનો એક છે જેના મોટા ભાગના પાત્રો ય હવે પૃથ્વીના તખ્તા પર નથી. ત્યારે અમેરિકન નેટફ્લિકસ માટે આ પરદેશી ડોકયુમેન્ટરી વેલ બેલેન્સ્ડ એન્ડ ઇન ડેપ્થ છે.

આપણે ત્યાં તો એવો દુકાળ છે કે આપણા આઇકોન્સ ગાંધી હોય કે ઓશો એના પર ક્વોલિટી (મહત્વનો શબ્દ આ છે : ક્વોલિટી) પ્રોડક્ટ પરદેશીઓ બનાવી જાય છે! કોઈ જજમેન્ટ વિના બધા જ પાસાઓ આપણી સામે ખોલતી આ સિરીઝની બીજી સીઝન આવે તો એના મેકર્સની કોઈક અશ્વિની ભટ્ટની 'અંગાર' તરફ ધ્યાન ખેંચે તો ય સારું. કારણ કે કલ્ટના કોકટેલમાં ખોવાઈ ગયેલા ઓશોના અધ્યાત્મને સમજવા તો ભારતીય દ્રષ્ટિ જોઈએ!

(૪) ધ ક્રાઉન : હેરી-મેગનની શાહી શાદીમાં ઓનલાઈન બારાતી બધા બન્યા ને વર્ષોથી ચાલી આવતી બ્રિટીશ રાજઘરાનાની વધુ કેટલીક પરંપરાઓ પ્રેમ સામે ઝૂકી અને તૂટી, ત્યારે ફરી રોયલ બ્રિટીશ પરિવાર અને ખાસ તો ક્વીન એલિઝાબેથ સમાચારોમાં ચમક્યા. લાંબુ આયુષ્ય ભોગવનારા આ રાણીસાહેબાના ઈતિહાસ સાથે આપણો ઈતિહાસ પણ જોડાયેલો છે જ.

એટલે એમની વખણાયેલી બાયોગ્રાફી તરીકે વિખ્યાત આ સિરીઝ મસ્ટ સી છે. થોડી ધીમી લાગે પણ ખાસ્સી ઓથેન્ટિક છે. કેનેડાથી ન્યુઝીલેન્ડ સુધી ધરતીના બે છેડે હજુ ય જેમની આણ પ્રવર્તે છે એ રોયલ ક્વીન વિશે અને એક્સ સુપર પાવર વિશે જનરલ નોલેજમાં ખાસ્સો વધારો થાય. હજુ એના આગળના એપિસોડસ નેક્સ્ટ ઈયર આવશે ત્યાં સુધી રાજખટપટમાં રસ લેવા આ જોવા જેવું.

(૫) સ્ટ્રેન્જર થીંગ્સ : ઈટી મીટ્સ ઈટ! ન સમજાયું? વેલ, જાદૂનો દેશી કોન્સેપ્ટ જ્યાંથી કોપી પેસ્ટ કરાયો હતો એ સ્પીલબર્ગની આઇકોનિક ઇટીમાં બહારથી આવનાર ભોળા એલિયન સાથે ડરતા વડીલોને બદલે દોસ્તી કરતા માસૂમ બાળકની વાત હતી. અને સ્ટીવન કિંગની 'ઈટ' હોરર નોવેલ/મૂવીમાં અજ્ઞાાત અદ્રશ્ય ભૂતાવળની હાજરીથી ફફડતા અને એની સામે સાથે મળી મોરચો રચતા બાળકોની વાત હતી. અહીં પણ નામ જેવા જ ગુણ છે. ગામમાં ને ગામની બહાર કેટલીક ભેદી ઘટનાઓ બને છે અને એના શિકાર અને સાક્ષી એવા બાળકો પછી શું કરે છે? એમની સાથે શું થાય છે? રસાળ હોવાને કારણે બ્લોકબસ્ટર નીવડેલી સિરીયલ.

(૬) વન્સ અપોન એ ટાઈમ : એક સમય હતો કે જયારે વેકેશનમાં પરીકથાઓ વાંચવાની ને એમાં ખોવાઈ જવાની ભરપૂર ફુરસદ મળતી. ને એ જાદૂઈ જંગલના પાત્રો બાળમાનસ પર સજીવન થઇ જતાં. પણ 'લોસ્ટ' જેવી બ્લોકબસ્ટર સિરીઝના લેખોએ આ પરીકથાઓની જે આધુનિક ટવીસ્ટવાળી સૃષ્ટિ ૨૦૧૧થી ઉભી કરી, એનું સત્તાવાર સમાપન જ હજુ સાવ હમણાં ૧૮ મેંએ લાસ્ટ એપિસોડ સાતમી સીઝન (દર વર્ષે આઠ-દસ એપિસોડ એ સીઝન) આવતા થયું.

પણ કેવી સરસ વાત. જૂનાનું નવું કેમ થાય એમાં આપણા સાહિત્યકારો ય આળા છે. બાકી આમાં તો એક આજના જમાનાનું નગર નામે સ્ટોરીબુક છે. પણ જેની મેયર એક જાદુગરણી છે. જે મૂળ તો એલિસ ઇન ધ વન્ડરલેન્ડની ઇવિલ ક્વીન ઓફ હાર્ટસની દીકરી છે. અને આખું શહેર શ્રાપિત છે. જેના પરીકથાના પાત્રો પોતાની મૂળ ઓળખ ગુમાવી ચુક્યા છે. સિવાય કે સ્નો વ્હાઈટ અને પ્રિન્સ ચામગની દીકરી એમા સ્વાન! આમાં તો ડો. જેકિલ-હાઈડથી લઈને કેપ્ટન હૂક, અને ઓઝની વિચથી લઇને સિન્ડ્રેલા સુધીના પાત્રો ઉમેરાતા જાય છે. ફેરી ટેલ્સ વિથ મોડર્ન તડકા.

(૭)  બ્લેક મિરર : આ માત્ર શ્રેણી નથી. એક સવા કલાકની સ્વતંત્ર સાયન્સ ફિક્શન ફિલ્મ્સ જ છે. કહેવાતી શોર્ટ ફિલ્મ્સથી ક્યાંય વધુ રસપ્રદ. અને એમાં આજની ડિજીટલ લાઈફ્સ્ટાઈલ પરના ય મસ્ત કટાક્ષ છે. એક એક એપિસોડમાં સાયન્સ ફિક્શનની સાથે માનવસંવેદનાઓ અને જીવનની ગૂંચવાયેલી સમસ્યાઓ ગૂંથી લેવામાં આવે. વળી બધા એપિસોડ સાવ સ્વતંત્ર વાર્તારૃપે એટલે કોઈ પણ રેન્ડમલી જોઈ શકાય. અદ્ભુત આઈડિયાઝ ધરાવતી અને સોશ્યલી રિલેવન્ટ કોમેન્ટ કરતી કહાનીઓ. બે ચાર પાઠ શીખવાડે અને આપણને રોમાંચક કથાપ્રવાહ અને મજબૂત માવજત સાથે અરીસો બતાવે એવી! બેસ્ટ ક્વોલિટી પ્રોડક્શન. જ્ઞાાન સાથે મનોરંજન. અને પછી મનોમંથન પણ. આપણી જાતનો જ અરીસો.

(૮) નાર્કોસ : આ તો આપણા ઓડિયન્સનો ટેસ્ટ જોતા હિન્દીમાં પણ ઉપલબ્ધ થઇ રહી છે આ સિરીયલ! પાબ્લો એસ્કોબાર, નામ તો સુના હી હોંગા. કોલમ્બિયાનો એ ડ્રગકિંગ જે અબજોપતિ થઇ ગયો કોકેન વેંચીને! એની કાતિલ ક્રાઈમની કાળી દુનિયા. ગેંગવોર. કાનૂનના લાંબા પણ ઠૂંઠા હાથ. એકદમ જોરદાર સિરીયલ. અને ખતરનાક આટાપાટાનું વાસ્તવિક નિરૃપણ.

(૯) ડેરડેવિલ : માર્વેલનો તો આજકાલ જમાનો છે. પણ બેન એફ્લેકવાળું પિક્ચર આવ્યું ત્યારે અંધ વકીલની આ દાસ્તાન સારી હોવા છતાં ચાલી નહોતી. પણ હવે સિરિયલે તો ઝંડા નાખી દીધા છે. એક તો મહાશેતાન એવો વિલન જ કાઠિયાવાડીમાં કહીએ તો ગાભાછોતરાં કાઢી નાખે એવો. અને એમાં ગૂંથેલી એક લવસ્ટોરી. કોમિક્સ જલસા ઝિંદાબાદ!

(૧૦) વેમ્પાયર ડાયરીઝ : ટીનએજર એવા આઝાદમિજાજ સપનાઓ લઈને રંગબેરંગી જીવતા હોય કે ઘણાને તો એ જ લોહીતરસ્યા વેમ્પાયર જેવા લાગતા હોય છે. પણ 'ટવીલાઈટ' અને 'અન્ડરવર્લ્ડ' બુક્સ - મૂવીઝની સફળતા પછી વેમ્પાયર ને વેરવુલ્ફની લવસ્ટોરીઝના સેન્સેક્સમાં ઉછાળો આવ્યો છે. બેઝિકલી ઇટ્સ સાગા ઓફ લવ એન્ડ રિલેશનશિપ. પણ ફિકશનલ કહાનીમાં આપણી ફેમિલી સિરીયલ જેવો ડ્રામા છે. હોરર નથી. પર્સેહી કન્યાઓ તો એની પાછળ ક્રેઝી છે પુરેપુરી!

(૧૧) ડાર્ક : હોરરની વાત નીકળી છે તો એના થોડા ટચ અને એમાં ભળતા સાયન્સ ફિક્શનના ટાઈમ ટ્રાવેલના કોન્સેપ્ટવાળી અને ત્રણ પેઢીની ગાથા મૂળ તો જર્મન સિરીયલ છે. પણ જગત આખામાં એની એવી તો ચર્ચા છે કે એના પર મેઈનસ્ટ્રીમ મેગેઝીનમાં કવર સ્ટોરીઝ થવા લાગી છે! નામ મુજબ જ એ અંધારા વિશ્વની સફર છે. બે ટીનએજર્સ ગાયબ થાય છે, એમાંથી ફેમિલી એડવેન્ચરના તાણાવાણા ગૂંથાય છે. પાત્રોનો ગ્રાફ પણ બહુ જ મજાનો છે. અને ઘૂંટાતા સબપ્લોટ્સ પણ.

(૧૨) ટેસ્લા :  અમેરિકન એક્સ્પિરિયન્સ : ઈલન મસ્કની કંપનીના નામ થકી જગતમાં ટેસ્લાની બોલબાલા થઇ. પણ એડિસનની પ્રસિદ્ધિના વાવાઝોડામાં આજના ડિજીટલ રિવોલ્યુશનના આ અસલી જીનિયસ પ્રણેતાને ત્યારના જગતમાં અન્યાય થયો. હવે તો એના પર ઘણું કામ થઇ રહ્યું છે. ઇલેક્ટ્રિસિટીના આ માસ્ટરમાઈન્ડ વિશે જો વેકેશનમાં આપણે પૂરું જાણીએ નહિ તો ક્યારે જાણવાનું? આપણા દેશને તો આજે ઘણા બધા ટેસ્લા પેદા કરવાની જરૃર જ છે ને!

ફાસ્ટ ફોરવર્ડ

'રાતની એકલતા કરતા સવારનો અજંપો સારો!' (અર્થાત : જલસો કરી લેવો, પછી પસ્તાવો કરવો પડે એ કશું ન માણ્યાના અફસોસ કરતા સારું! કેલીફોનકેશનનો ફની ડાયલોગ)


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 


 

Tags :