Get The App

સ્પેક્ટ્રોમીટર- જય વસાવડા

કલા અને કદર પેઈન્ટિંગ બનાવે પૈસાદાર!

Updated: Nov 26th, 2017

GS TEAM

Google News
Google News

વિશ્વમાં અધધધ ૨૯૦૦ કરોડના ખર્ચે વેંચાયેલા ચિત્રનું રહસ્ય શું છે? આર્ટસમાં પણ સાયન્સ અને કોમર્સ છે!
 

માણસમાં જે કંઈ સુંદર છે, એ એક દિવસ જતું રહેશે. પણ કળાનું એવું નથી. એ અમર રહેશે! આંખ તો આત્માની બારી છે. તમે જો પ્રકૃતિને એનાથી નિહાળશો નહિ, તો તમારા સર્જનમાં તાકાત નહિ આવે

સ્પેક્ટ્રોમીટર- જય વસાવડા 1 - imageમોટા ભાગના મમ્મી-પપ્પાઓને બહુ એવી અપેક્ષા હોય છે સંતાનો બહુ બધા માર્કસ લઈ આવે. ભણવામાં આગળનો નંબર રાખે ને સેટલ થાય. આપણે ત્યાં એમાં તો સૌથી વધુ પ્રેશરના યુવા આપઘાત નોંધાય છે. સંતાનો 'સેટ' થાય મતલબ એમની એવી કારકિર્દી મળે કે એમાં ખૂબ બધી કમાણી થાય. રૃપિયા મળે. પૈસેટકે સુખી થાય.

આમ 'સેટ' થવા માંગનારાઓ અપસેટ થઈ જાય એવી વાસ્તવિકતા તો એ છે કે, ભારતમાં સૌથી વધુ પૈસા કમાતી સેલિબ્રિટીઝના લિસ્ટ બનાવો તો એમાંના બહુ ઓછાને ભણતર કે ડિગ્રી થકી એ પૈસા મળ્યા હશે. રાજકારણીઓ - ઉદ્યોગપતિઓને બાદ કરતા 'રિચ એન્ડ ફેમસ'ના એ લિસ્ટમાં ટોપ પર આર્ટીસ્ટસ જ હશે. ચેક કરી લો. ફિલ્મ કલાકારો કે સર્જકો (ફોર્બ્સ લિસ્ટમાં શાહરૃખખાન આવે છે નિયમિતપણે), ગાયકો-સંગીતકારો કે પછી સુખ્યાત ચિત્રકારો! ઉઘાડપગા ફરતા હુસેન એકઝાટકે બેન્ટલી સમકક્ષ મોંઘી કાર લઈ શકે. એવી કમાણી કરતા ચિત્રો બનાવી ગયા.

ભૂપેન ખખ્ખર, તૈયબ મહેતા, અતુલ ડોડિયા, અમિત અંબાલાલ, સતીશ ગુજરાત, જતીનદાસ, રઝા, અમૃતા શેરગિલ, જોગેન ચૌધરી જેવા નામો. આપણને જોકે ઈન્ટરનેશનલ બ્રાન્ડિંગ આવડતું નથી. માટે એમાંથી સૌથી વધુ વિશ્વવિખ્યાત એમ.એફ. હુસેન ગણાય. જે ચિત્રો દોરીને જ ઓલમોસ્ટ અબજપતિ થઈ ગયા. બાકીના નામોની ખબર આપણને ય હોતી નથી. કારણ કે આપણને શેરબજારમાં રસ છે, એટલો આર્ટમાર્કેટમાં નથી.

પણ કોઈ તમને કહે કે ૧૯૫૮માં, યાને ૬૦ વર્ષ પહેલાં ૨૦૦ ડોલરમાં (યાને થોડાક હજારમાં) વેંચાયેલો, અને માત્ર ૧૨ વર્ષ પહેલા ૨૦૦૫માં ૧૦,૦૦૦ ડોલરમાં વેંચાયેલો એક શેર આજે ૪૫ કરોડ ડોલર યાને ઓલમોસ્ટ ૨૯૦૦ કરોડ રૃપિયાનો થઈ ગયો તો પૈસાપ્રેમી ગુજરાતી વેપારી માનસના ડોળા પહોળા થાય ને જીભમાંથી લાળ ટપકે કે નહિ?

બેશક મૂંહ મેં પાની આ જાયે. તો ઘટના આ જ બની છે. ફરક એટલો કે અહીં બ્લુ ચિપ શેરને બદલે વાત એક પેઈન્ટિંગની છે. ચિત્ર પણ વળી કોઈ જાયન્ટ સાઈઝનું નથી. બસ, મોટા ચેસ્ટ એક્સ રે જેવું છે. હાથમાં પકડો તો પાંસળીઓને પેટનો ભાગ ઢંકાઈ જાય એવડું જ.

પણ એ ચિત્ર જેમાં જીસસ ક્રાઈસ્ટના હાથમાં પૃથ્વીનો ગોળો બતાવાયો છે ને નામ 'સાલ્વાટોર મુંડી' (વિશ્વરક્ષક) અપાયું છે, એ તાજેતરમાં જ આવા રેકોર્ડબ્રેકિંગ અધધધધ ભાવે ૧૯ મિનિટની હરાજી બાદ કોઈ ગુમનામ કદરદાને ખરીદી લીધું! આવડી મોટી કિંમત થવાનું કારણ? ઓરિજીનલ આર્ટિસ્ટ નામે : લિયોનાર્દો દ વિન્ચી!

લિયોનાર્દો દ વિન્ચી તો ડેન બ્રાઉનની 'દા વિન્ચી કોડ' સીરિઝ ને ફિલ્મોને લીધે ચિત્રોની સમજ ન હોય એવા લોકોમાં ય જાણીતું નામ થયું. બાકી આ ઈટાલીયન તો એક હરફનમૌલા હતો. આલમની આઠમી અજાયબી જેવો આદમી! ભારતમાં પેદા થયો હોત તો ઈશ્વરીય અવતાર ગણાઈ જાત! આખા જર્મનીની પેટન્ટ જેટલા એન્જીનીઅરિંગ ઈન્વેન્શન એણે સદીઓ પહેલા કરેલા!

હ્યુમન એનેટોમી, વનસ્પતિ વર્ગીકરણ, હેલિકોપ્ટરની ડિઝાઈન વગેરે પર મેથેમેટિકલ પ્રિન્સિપલ્સ સાથે કામ કરેલું. ઊંચી ખોપડી હતો જણ! સાયન્ટીસ્ટ અવ્વલ દરજ્જાનો ને આર્ટિસ્ટ પણ અફલાતૂન! 'મોનાલિસા'થી 'લાસ્ટ સપર' જેવા ચિત્રો એના નામે આજે ય જગતના ટોળેટોળા મિલાન અને પેરિસમાં એકઠાં કરે છે. આપણે વાપરીએ છીએ એ કાતરની ડિઝાઈન પણ એની હતી.

આઈન્સ્ટાઈન ઉપરાંત સૌથી વધુ 'ઈન્ફલુઅન્સ' પેદા કરનાર મેજીકલ પર્સનાલિટીમાં એનું નામ આવે! (વર્ષો પહેલાં એના પર લેખ લખાઈ ગયો, ને હજુ ય લખવું છે!)
પણ આ વિન્ચીનું નામ આ અત્યારના જગતના સૌથી મોંઘા ગણાયેલા પેઈન્ટિંગમાં પહેલેથી જોડાયેલું નહોતું. બન્યું એવું કે મૂળ તો રેનેસાં યુગ (યુરોપમાં કળા-સાહિત્ય-વિજ્ઞાાનની લિબર્ટીને ડિફાઈન કરતી ક્રાંતિ, જે આઝાદી છતાં ભારતમાં થઈ નથી.)ના પેઈન્ટિંગ તરીકે એ કલારસિકોના હાથમાં ફરતું રહેતું.

પણ આર્ટ ડીલર્સ એલેક્સ પેરિશ અને રોબર્ટ સિમોને જ્યારે એ ન્યુ ઓર્લિયન્સમાં હરાજીમાં ૧૦,૦૦૦ ડોલરમાં લીધું, ત્યારે એનું કિસ્મત પલટાયું! સિમોન પોતે ન્યુયોર્કના મેનહટનમાં ફાઈન આર્ટસની ઈન્સ્ટિટયુટ ચલાવતો. એની ગટ ફીલિંગ એવી કે એની પાસે રફ ડાયમન્ડ છે. જેનો પોલિશ કરો તો અસલી ઝળહળાટ બહાર આવે. પેઈન્ટિંગ કાળક્રમે ખાસ્સું ડેમેજ થયેલું હતું.

એટલે એ બેઉ આર્ટ ડીલર્સે ન્યુયોર્ક યુનિવર્સિટીના એક્સપર્ટ ડિઆને મોડેસ્ટિનીને એના રિસ્ટોરેશનનું કામ આપ્યું. જે વર્ષો સુધી ચાલ્યું. એમાં ઉપર બીજા બધા લપેડા હતા એ કાઢવામાં આવ્યા, ત્યારે ૧૭ બાય ૧૫ ઈંચનું આ ચિત્ર તો લિયોનાર્દો દ વિન્ચીનું છે, એવી ખબર પડી! પછી તો સ્ટુડિયોમાં રહેલા એ ચિત્રને તરત જ લોકરમાં શિફટ કરી દેવાયું!

પેઈન્ટીંગ મ્યુઝિયમમાં પ્રદર્શિત પણ થયું અને પછી ૨૦૧૧માં એક સ્વીસ આર્ટ ડીલરે ૮ કરોડ ડોલરમાં ખરીદયું. (૧૦,૦૦૦ના ૮ કરોડ ડોલર, એકના એવરેજ ૬૩-૬૪ રૃપિયા લેખે ગુણાકાર કરતો જવો!) એક વર્ષમાં એણે રશિયન અબજપતિને ૧૨.૭ કરોડ ડોલરમાં વેંચ્યું.

અને એણે આ વર્ષે એ ૧૨.૭ના બદલામાં ૪૫ કરોડ ડોલરમાં એનો સોદો કર્યો, ને સાલ્વાટોર મુંડી ઓફિશ્યલી અને બહુ મોટા માર્જીનથી જગતનું સૌથી મોંઘુ વેચાયેલું પેઈન્ટિંગ બની ગયું! સિમોનભાઈએ તો સીએનબીસીને આપેલા ઈન્ટરવ્યૂમાં આજે ય કહ્યું કે ''માલિકી હવે જેની હોય તેની. મને ગૌરવ છે કે મેં દ વિન્ચી જોડે કેટલી ય રાતો રૃમમાં એકલા ગાળી છે!''

હવે તો આવી અણમોલ અજોડ કિંમતે આ ચિત્ર કોણે વેચાતું લીધું, એનો સટ્ટો ચાલે છે! ખરીદદારે નામ ગુપ્ત રાખ્યું છે. આ પહેલા ૨૦૧૫માં વિક્રમ સર્જનાર પેઈન્ટિંગ પાબ્લો પિકાસોનું 'ધ વિમેન ઓફ અલ્જીઅર્સ' (વર્ઝન 'ઓ') હતું, જે ઓલમોસ્ટ ૧૮ કરોડ ડોલર (ડોલર્સમાં જ છે કોં બધા ભાવ, રૃપિયા તો ઓર વધી જાય!)માં સાઉદીના એક આરબે લીધેલું. જોકે, એની માલિકીનું હોવા છતાં એ સાઉદીમાં ન્યૂડિટી પરના પ્રતિબંધને લીધે

(જેની વાનરનકલ હવે ઉદાર ભારતમાં ય થવા લાગી છે) એ ડિસ્પ્લે પોતાના ઘરમાં કરી શકે એમ નથી! આ ચિત્ર જોકે કોઈ અરબ ધનિકે લીધું હોવાની શક્યતા ઓછી છે. ઈનફેક્ટ આવડી મોટી કિંમત એક ચિત્રની સત્તાવાર ચૂકવી શકે એટલી હાથ પર કેશ ધરાવતા જગતમાં કેવળ ૧૫૦ જ ધનકુબેરો છે! એટલે અંદાજ લિમિટેડ છે. પણ ગુસપુસ એવી છે કે 'એમેઝોનડોટકોમ'ના સ્થાપક-માલિક જેફ બેઝોસે આ ખરીદયું હશે! એની પાસે કેપેસિટી અને કદરદાની બંને છે.

નેચરલી, આટલી સફર પછી આર્ટ પણ ઈન્વેસ્ટમેન્ટનો સબ્જેક્ટ છે, માત્ર એન્જોયમેન્ટનો નહિ એ ખ્યાલ આવી ગયો હશે. અગાઉ પણ વિન્સેન્ટ વાન ગોહથી ફ્રાન્સીસ બેકનના ચિત્રો ય દસેક કરોડ ડોલરની ઉપરની કિંમતે વેંચાયા છે. અમુક ચિત્રો તો જગતના શ્રેષ્ઠ મ્યુઝિયમોમાં છે, એટલે વેંચી ન શકાય. પણ એની કિંમત તો આથી ય મોંઘેરી જ ગણાય છે.

જીંદગીમાં લખતા લખતા સાંપડેલાં અણમોલ અનુભવો કોઈ સન્માન કે એવોર્ડના નથી. પણ આવા મોટા ભાગના ચિત્રો લંડન, ન્યુયોર્ક, એલએ, શિકાગો, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, સ્વીત્ઝર્લેન્ડ, હોલેન્ડ વગેરે જઈને પ્રત્યક્ષ જોઈ નાખ્યા છે, એ છે! એક ભાવસમાધિનો અવર્ણનીય અનુભવ થાય એની સન્મુખ થઈએ ત્યારે!

* * *

સર્જકમાત્ર કશીક ચેતનાના અજવાળે સર્જન કરે છે. આવા જગપ્રસિદ્ધ ચિત્રોને માણવાનો પણ ટેસ્ટ કલ્ટીવેર કરવો પડે. એનસ્ટેરડેમમાં વાન ગોહના ચિત્રોના સૌથી મોટા કલેકશન સામે ઉભા રહીએ, ત્યારે સમુદ્રને ચીતરવા એણે કેટલી વખત આબાદ લસરકાને લપેડાં માર્યા એ રીતસર માઈક્રોસ્કોપથી જોવા મળે ને આહ ને વાહ નીકળી જાય!

રેમ્બ્રાના ચિત્રો નિહાળો ત્યારે પીંછીથી આ જીનિયસે કોઈ નાક પર લાઇટિંગ ઈફેક્ટ કેમ કરી હશે એનો અચંબો થાય! સીસ્ટીન ચેપલની વેટિકનમાં માઈકલ એન્જેલોએ ચીતરેલી બેનમૂન છત અપલક નેત્રે અડધી કલાક સુધી નિહાળો તો આનંદના ઓડકાર આવી જાય. ફલોરેન્સમાં બોત્તિચેલીની બર્થ ઓફ વીનસની સામે કે પેરિસની 'મ્યુઝી દ' ઓર્સી'ની વીનસ સામે ઉભા રહીને જળમાંથી અનાવૃત પ્રગટ થતી અપૂર્વ સુંદરીને અનાવૃત જુઓ તો રોમેરોમ પાણીપાણી થઈ જાય.

મોનેના ફુલો નિહાળો કે ડાલીની ઘડિયાળો, પિકાસોએ દોરેલી રૃપજીવિનીઓ કે ગુસ્તાવ ક્લિમિટની કિસ, બોશનો બગીચો કે વર્મીઅરની ગુલાબી ઈયરિંગવાળી છોકરી, વાન ગોહના સૂરજમુખી કે ટાઈટનની સૌંદર્યમૂર્તિ, ચિત્રમાં પહેલી નજરે ન દેખાય એવી સૂક્ષ્મ બારીકીઓ શોધવા સમજવાની ય એક ડિટકેટિવ નોવેલ જેવી થ્રિલ હોય છે. કાઝિમીર જેવો રશિયન પેઈન્ટર માત્ર બ્લેક સ્કવેર અને ફ્રેમ કરેલું કાળું ચોકઠું દોરી અમર થઈ ગય.

કારણ કે અભિવ્યક્તિની આઝાદીના શ્વાસ રૃંધાતા રશિયાને એમાં એણે ટાર્ગેટ કરેલું!
પણ આ માટે અનુભવ જોઈએ, અભ્યાસ જોઈએ. કલા સંગ્રાહક અને ગુજરાતી ચિત્રનિષ્ણાત અનિલ રેલિયા સરસ વાત કરે છે કે ''ચિત્રો જ નહિ, કોઈ પણ કળા સમજવા-માણવા માટે પહેલા એની પાસે જઈ એ જુઓ. એમાં એકાકાર થાવ. આ સારું, આ ખરાબ એવા સરખામણીના જજમેન્ટ્સ આપવાની ઉતાવળ લઈને જશો તો કળા શરમાઈને ઓઝલ થઈ જશે. જસ્ટ વોચ. ફીલ. એક્સપિરિયન્સ. ડોન્ટ ટ્રાય ટુ બી ક્રિટિક.''

વેરી ટ્રુ. જે માણસનું નામ યોગ્ય રીતે જ આજે ૨૯૦૦ કરોડના ચિત્ર સાથે જોડાયેલું છે એ વિન્ચી ખુદ એની નોટબૂકમાં વળી ચિત્રો વિશે શું કહે છે ? જરાક ચાવી ચાવીને વાંચો. ''જે કંઈ સુંદર માણસમાં છે, એ એક દિવસ જતું રહેશે. પણ કળાનું એવું નથી. એ અમર રહેશે! આંખ તો આત્માની બારી છે. તમે જો પ્રકૃતિને એનાથી નિહાળશો નહિ, તો તમારા સર્જનમાં તાકાત નહિ આવે. પછી શિલ્પ હોય કે કવિતા. જગતનું પહેલું ચિત્ર એ હશે કે જ્યારે કોઈ ગુફામાનવે પોતાના પડછાયાની ફરતે રેખા દોરીને આકાર કલ્પ્યો હશે!''

વાહ, વિન્ચી ગયો પણ સમાચારો હજુ ય સર્જે છે એ એની ટેલન્ટ છે. એની પીંછી છે. એની ક્રિએટીવિટી છે. સાયન્સ એવું સત્તાવાર રીતે માને છે કે હિમયુગ બાદ પ્રકાશ અને ખોરાકની સુવિધા વચ્ચે માણસને આસપાસ જે જોયું એને સાચવવાની કે યાદ રાખવાની ઝંખના થઈ હશે.

એમાં કુદરત, પશુ-પંખી કે ખુદના ચિત્રો સર્જ્યા હશે! સાઉથ-વેસ્ટ જર્મનીમાં સિંહનું માથું ને માણસના ધડવાળી એક આકૃતિ ચાલીસ હજાર વર્ષ જૂની ગણાય છે. ગ્રીસના એક જૂના વાઝ યાને હેન્ડલવાળા ઘડા પર કોઈ ચિત્રવાળું પાત્ર ખરીદતું હોય એવું ચિત્ર છે. મતલબ, આર્ટની કોમોડિટી માર્કેટ ૨૫૦૦ વર્ષ જૂની તો ખરી જ!

એકચ્યુઅલી, કુદરતની કરામત એ છે કે જેમ બધા ફુલ સરખા રંગોના નથી બનાવ્યા, બધા ધાનના સ્વાદ સરખા નથી, બધી મોસમ સમાન નથી એમ જ તમામ માણસોને સરખી પ્રતિભા નથી આપી. દરેક પાસે અલગ અલગ ગિફ્ટ છે. એમાંથી જ બાર્ટર કે વેપાર શરૃ થયો. એમ જ માણસે પોતાની અધૂરપ વેચાતી લેવાની શરૃઆત કરી અને જગતે હાટડી કે બજાર જોઈ! પછી એ ખોરાકની હોય કે ભરતગૂંથણની. ઓજારોની હોય કે  હથિયારોની.

પણ કળા ત્યારે ય મોંઘી જ હતી. બધા કળાદ્રષ્ટિ ધરાવતા ન હોય, અને જેની અછત હોય એની કિંમત વધુ જ હોવાની, માટે ધનપતિઓ કે ધર્મસંસ્થાઓ કે રાજાઓ પોતાના પૈસે કળાને સાચવતા. ઉજાળતા, રક્ષણ આપતા. આજની સરકારોની જેમ કળા સામે તોડફોડને ઉત્તેજન આપવાને બદલે સર્જકોને અભયદાન આપતા. પણ વિશ્વના શ્રેષ્ઠ ચિત્રો આમ જ બન્યા, ને ભદ્ર પરિવારો કે મહેલો-દેવળો-મંદિરોમાં સચવાયા.

૧૮મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પછી માણસ પાસે ઉત્પાદન ને બજાર વધતા ગયા, ને કળાકારની બજાર સ્વતંત્ર થવા લાગી. આર્ટ ઓકશનનું મોટું નામ ગણાતી મીડિએટર સંસ્થા ક્રિસ્ટીઝ ૧૭૭૬માં સ્થપાઈ. એમ કળાની કિમત વધી, કદરદાની ફેલાતી ગઈ.

૨૧મી સદીમાં તો ૨૦૧૫ની સાલમાં જ એક વર્ષમાં આર્ટનો વેપાર ૬૪ અબજ ડોલરનો હતો! નાના દેશોના અર્થતંત્રો આખા સમાઈ જાય એમાં! અલબત્ત, પ્રાઈમરી યાને આર્ટીસ્ટ પાસેથી સીધું ખરીદો કે સેકન્ડરી વાયા વાયા એ મેળવો - કળાનું મૂલ્ય નક્કી કરવું એ યક્ષપ્રશ્ન છે. તમે શ્રેષ્ઠ ચિત્ર સામે હો ત્યારે તમને જે અનુભૂતિ થાય, એ સાવ પર્સનલ હોય છે. દરેકની ઈન્ડિવિજ્યુઅલ ચોઈસ અલગ રહેવાની. એ ફ્રીડમ સર્જક ને ભાવક બેઉને છે જ.

અને એ આનંદ, એ લાગણી, એ વેદના-સંવેદના એ ચિત્ર સામે ઉભા ઉભા જ બીજી બધી દુનિયા ઓગાળીને ચિત્રની અંદર પ્રવેશી જવાનો અનુભવ... આ બધું પ્રાઈસલેસ છે. એની કોઈ કિંમત આંકી શકાતી નથી. એમાં ક્યુબિઝમ હોય કે ઈમ્પ્રેશનીઝમ - આપણને ન સમજાય કે એકથી વધુ અર્થ નીકળે કે પ્રચલિત પરંપરાની બહાર કૂદકો મારે એની ય આર્ટ હોય છે.

જેમ પરમાત્મા કાગડાનું કાકા ને કોયલ ટહૂકા, રણની રેતીને પહાડનો બરફ, ખાણના ખનીજ ને ખેતરના શાક - બધામાં અલગ અલગ રૃપે વ્યક્ત થઈ બધાને પોતાનામાં સમાવી લે છે, એવી જ રેન્જ કળાકાર તરીકે નહિ, તો એના કદરદાન તરીકે આપણે વિકસાવવી જોઈએ!

ભારત પાસે આવો તો અણમોલ ખજાનો છે. પણ કમનસીબે આજે આપણી પ્રજા અરસિક અને શાસકો સ્વાર્થી છે. આર્ટ માટે જે મોકળાશ, જે મહોબ્બત, જે મસ્તી જોઈએ એ ધાર્મિક લાગણીઓના ઘેનમાં આપણે ખીલવી શકતા નથી. બગીચામાં બકરા ફૂલ સૂંઘે નહિ, પણ ખાઈ જાય! આવું જ કળાક્ષેત્રે વાતાવરણ આપણે ત્યાં થતું જાય છે.

પણ તો ય એની વચ્ચે સમાજની ફરજ એ છે કે ધરાર આર્ટીસ્ટ થવા થનગનતા વેવલા-વેદિયાઓને ગાળીચાળીને કોઈ વિન્ચી કે વાન ગોહને, પિકાસો કે રેમ્બ્રાને પારખે. એની સનક અને ધૂનને ન સમજાય તો ય સ્વીકારીને સાચવે. એને ખીલવા માટે વાડાબંધીને બદલે વાડી કરી આપે. વેપાર કરીને જ પૈસાદાર થવાય એવું નથી. ટેલન્ટ હોય તો આર્ટ થકી સરસ્વતીને લક્ષ્મી ભેટવા આવી શકે છે!

ફાસ્ટ ફોરવર્ડ

''લોકો ત્રણ પ્રકારના હોય છે : એ જે જુએ છે, એ જેમને બતાવો ત્યારે જુએ છે અને એ જે જોતા નથી!''

(લિયોનાર્દો દ વિન્ચી)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :