Get The App

સ્પેક્ટ્રોમીટર- જય વસાવડા

નારી, નૃત્ય અને નવરાત્રિ : શક્તિ મંદિરમાં નહિ, ઘરમાં જ છે!

Updated: Sep 24th, 2017

GS TEAM


Google News
Google News

દેવી મહાત્મયના વિશ્વના સૌથી લાંબા પર્વની ઉજવણી કરતા ભારતમાં જ સ્ત્રીનું સન્માન રોજીંદા વ્યવહારમાં કેટલું સચવાય છે?

માતાજીના ફોટા સામે દીવો કરો એ અંગત આસ્થાનો વિષય છે, પણ મગજમાં જ્યાં સુધી મોકળાશના દીવા નહિ થાય ત્યાં સુધી ગરબે ઘૂમતી ગોપીઓને વન મળશે, વૃંદાવન નહિ મળે!  

છાતીએ છૂંદણાં છૂંદાવાં બેઠી, ભરબજારની વચ્ચે, હો
હૈયું ખોલી છૂંદાવવા બેઠી, ભરબજારની વચ્ચે, હો
કૌતુક આયે કારમું લોકો, તાકી તાકી ભાળે, હો
આંખ માંડી, આંખ મારી લોકો, તાકી તાકી ભાળે, હો
''વાહ રે ખરી, શોખની રાણી!'' ભાતભાતીનું બોલે, હો
''છાતીએ છાપ છપાવવા બેઠી!!'' ભાતભાતીનું બોલે, હો
માથે લાંબો ઘૂંઘટો ખેંચી છૂંદણાં જાય છૂંદાવ્યે, હો
છેડલો ખોલી છાતી પરનો  છૂંદણાં જાય છૂંદાવ્યે, હો
આંખો ફાડી તાકતી દુનિયા, નજરે એની ના'વે હો!
ટોળપપ્પાં ને કાંકરા લોકના, નજરે એની ના'વે હો!
દૂરના મોહલ્લા માંહ્યલું ખોરડું, આંખમાં એની રમે, હો!
ખોરડા માંહ્યલો સાહ્યબો શોખી, આંખમાં એની રમે, હો!
લોકને મૂકી લ્હેકા કરતા, ઝટ ઊઠી એ ચાલી, હો!
છાતીએ છાપી  મોર ને કોયલ, ઝટ ઊઠી એ ચાલી, હો!
ફાગણ ફૂલ્યો ફૂલ કેસૂડે, પૂનમ ચાંદની ખીલી, હો!
રંગ ગુલાબે રંગાઈ રૃડી, પૂનમ ચાંદની ખીલી હો!
ચાંદની લીંપ્યે ચોક જુવાનડાં, ઘૂઘરા બાંધી ઘૂમે, હો!
હાથમાં ઠાગા, રંગના વાઘા,  ઘૂઘરા બાંધી ઘૂમે, હો!
નાનકડો એક ઢોલિયો ઢળ્યો, ચોકને ખુલ્લે ખૂણે, હો!
ઢોલિયે ઢળ્યાં નર ને નારી, ચોકને ખુલ્લે ખૂણે, હો!
સાયબો પૂછે મૂછમાં મલકી, ગૂજરીમાં શું વ્હોર્યું, હો!
ફાગ આ પહેલો ખેલવા ગોરી, ગૂજરીમાં શું વ્હોર્યું, હો!
ઘૂંઘટો ખેંચી ગોરી બેઠી, કૈંક સંતાડી હૈયે, હો!
ખુલ્લી છાતીએ વ્હાલથી વ્હોર્યું, કૈંક સંતાડી હૈયે, હો!
''દાખલો  મોંઘા માલ મોતીના!'' સાયબો પાલવ તાણે, હો!
''રંગ મોતીના ગોતીએ ગોરી!'' સાયબો પાલવ તાણે, હો!
ઢોલની ઢમક, ચાંદની ચમક રંગની રેલમછેલો, હો!
મનામણાં ને રિસામણાંના, રંગની રેલમછેલો, હો!
નાવલિયાના નેહનાં નીરે, ગોરીનાં ઉર ભીંજ્યાં હો!
રૃમકઝૂમક ફાગના રાગે, ગોરીનાં ઉપર ભીંજ્યાં, હો!
હૈયા ચોકમાં મોર નાચે છે, જોઈ લ્યો જેને જોવું, હો!
ઉર ઘટામાં કોયલ  ટહૂકે, જોઈ લ્યો જેને જોવું, હો!
આજ નથી શિરે ઘૂંઘટો ઢાળ્યો, ફાગણ ફૂલ્યો ફાગે, હો!
આજ નથી ઉર છેડલો ઢાંક્યો, પૂનમનાં પૂર જાગે, હો!

સ્પેક્ટ્રોમીટર- જય વસાવડા 1 - image૧૯૩૯માં સુન્દરમે લખેલી આ અલ્લડ કવિતા રીડરબિરાદર જ્યોતિ પરમારે યાદ કરાવી. આં તો આ કવિતામાં ફાગણ આવે છે, પણ એનો મૂડ ને મિજાજ તો નવરાત્રિમાં રંગેચગે રમવા જતી નારને લાગુ પડે છે.

સુન્દરમના સમયમાં ફેમિનિઝમની મૂવમેન્ટની ખબર નહિ હોય, એટલે કવિતા સ્ત્રીત્વના ઉત્સવની પણ છે, ને વળી એન્ટી-રોમેન્ટિક નથી. આમ પણ નાચવાનો તહેવાર પ્રાચીન ભારતમાં ફાગણનો હોળીઉત્સવ હતો. નવરાત્રિ તો હોમ-હવનના પૂજન-અર્ચનનો તહેવાર. ગરબા એટલે  તો બેસીને ગાવાની પરંપરા.

પણ કૃષ્ણની કર્મભૂમિ ગુજરાતમાં તો રાસોત્સવ શક્તિપૂજનમાં ક્યારે એકરસ થઇ ગયો એની કોઇ તવારીખ મળતી નથી. આ જ લોક ઉર્ફે 'ફોક'ની સાંસ્કૃતિક લિજ્જત છે. એમાં કોઇ નિયમ કાયમી રહેતા નથી. આખેરાખો શક્રાદય-ચંડીપાઠને બદલે રમવાનો રાસ જ ઉમેરાઇ ગયો તો લાઇટ, સાઉન્ડ, ફિલ્મી સોંગ્સ, ફેશન ને અર્વાચીન આધુનિક ડાન્સ સ્ટેપ્સ એમાં ભળી જાય એ તો ખળખળ વહેતી સરિતા જેવી સાહજિક પ્રક્રિયા છે.

નવરાત્રિના ધૂપદીપમાં ય કેમિકલના એટલા પ્રદૂષણ વધી ગયા છે કે તજજ્ઞાોએ પોકારી પોકારીને કઇ વનસ્પતિ ને કઇ સામગ્રીના ધૂપદીપહવન કરાય એના ય મેસેજીઝ વહેતા કરવા પડયા છે. સાડી સેફ્ટીપિનથી પહેરાતી હોય ને બુટ્ટી કાન વીંધાવ્યા વગર પહેરાતી હોય ત્યાં ટ્રેન્ડી મીન્સ ઇઝી!

બેઝિકલી, હવે ગુજરાતી નવરાત્રિ એ શક્તિની ભક્તિ કે રાસગરબા કરતાં વધુ એક નૃત્યોત્સવ છે. ગ્રીસના મિકોનાઝ કે સ્પેનના ઈબીઝામાં જે રીતે રોજેરોજ ઢળતા સૂરજની સાક્ષીએ ગ્રાન્ડ બીચ પાર્ટીની સ્પીકર ધણધણાવતી અને દેહ ડોલાવતી મહેફીલો શરૃ થાય, એવું અહીં તો સ્વપ્નવત છે. બહારના તો પછી નડે, પહેલા ખાસ કરીને છોકરીઓને તો ઘરના જ આડા પડે. નો ચાન્સ ફોર પબ્લિક ડાન્સ.

માટે ૩૫૬ રાત્રિના ધરબાયેલા અરમાનો ને ઉમળકાને ધૂમધડામ પ્રગટ કરવાનો અવસર એ નોરતા છે. અગાઉ પણ લખેલું, ભારતમાં અમુક શહેરી વિસ્તારોના અર્બન એન્ડ એફ્લ્યુઅન્ટ (અમીર) વીકએન્ડ કલ્ચર સિવાય ડિસ્કોથેક્સ નથી.

ડાન્સ ફ્લોર્સ નથી. જૂના જમાનાથી 'નાચવાવાળીઓ' તો હલકી હોય ને સારા ઘરની સ્ત્રી નાચે નહિ, એવી જડ માન્યતા ય છે. છોકરા-છોકરી જોડે બગીચાની બેન્ચ પર બેસે તો ય વાયડી વડીલશાહીનો કાળો કકળાટ પેદા થઇ જાય છે. પરણેલા પતિ-પત્નીનો ય નાના બાળકને મૂકીને દીક્ષા લઇ લે, કે ભાઇ-બહેનની જેમ બ્રહ્મચર્યવર્ત પાળે એવા ગંધારા ગાંધીવેડાને વખાણવાવાળી આખી જમાતો બેઠી છે.

બાબાઓના સેક્સ સ્કેન્ડલ્સ છતાં ય કરોડો ભક્તો માટે એ પવિત્ર ને પ્રેમીપંખીડાઓ જેવા નેચરલ એટ્રેકશનનું સેલિબ્રેશન કરતા હોય ને વાસ્તવમાં 'બ્રહ્મ' (ચૈતન્યઊર્જાનું ચાલકબળ, ફોર્સ) ચીંધી ચર્યા (ક્રિયા, પ્રક્રિયા, આચરણ) કરતા હોય તો ય લવર કે પાર્ટનર માટે યુદ્ધ કરનાર રામ, કૃષ્ણ, શિવની સંસ્કૃતિમાં યુગલનો ભોગ અપવિત્ર!  બહુત નાઈન્સાફી હૈ રે.

એટલે જ નવરાત્રિ ડાન્સ પે ચાન્સ છે. છોકરા-છોકરીને મળવાનો ને નાચવાનો માંડ જડતો સોશ્યલી એપ્રૂવ્ડ અવસર છે. ઓલમોસ્ટ બે દસકા અગાઉ પણ એના મોડર્ન પરિવર્તનને સ્વીકારી લેવાની ભલામણ કરેલી. છતાં ય આજે પણ અમદાવાદમાં ટ્રેડિશનલ ડ્રેસમાં સની લિયોનીને મૂકીને સુંદર રીતે એક કોન્ડોમ કંપની હોર્ડિંગ મૂકે એમાં તો આપણા દંભીસ્તાનમાં લોકો એનો ફોટો 'હાય હાય છીછી' કરીને વાઇરલ કરી દે છે! પોતાના મોબાઇલમાં ભલે ગમે તે ખાનગીમાં જોઇ લે, જાહેરમાં કશું વાસ્તવદર્શન નહિ કરવાનું.

રેપિસ્ટ વિકૃતો છોકરો ચૂંથી નાખે એવી સાયકોલોજી ચાલુ રહે ને તદ્દન વાહિયાત એવી 'લગ્નનું વચન આપીને ભોળવી અને વારંવાર અલગ અલગ ઠેકાણે લઇ જઇ અનેક વાર બળાત્કાર ગુજાર્યો' જેવી સ્ત્રીની મૂર્ખાઇનો ધજાગરો કરતી ફરિયાદો દાખલ થતી રહે એ જોયા કરવાનું. પણ સરકારના એજેન્ડા પર છે, એ વસતિનિયંત્રણ બાબતે નવી પેઢીને જાગૃત કરતી જાહેરાત વિકૃત ગણાઇ જાય!

વૉટ ધ હેલ, આ દેશના સૂતેલા કે ગાંડા થયેલા વિકાસને ટ્રેક પર લઇ આવવા પહેલી જરૃર તો વસતિનિયંત્રણ છે. કોઇ ધર્મની શેહશરમ રાખ્યા વિના બધા માટે એનો કડક કાયદો સરકારે પસાર કરવો જોઇએ.

યુનિવર્સિટી કેમ્પસમાં વેન્ડિંગ મશીન્સ હોય એવા જ દેશો અને કેમ્પસમાંથી ઓલિમ્પિકના ચંદ્રક વિજેતા ચેમ્પીયન્સ, ફોરચ્યુન ફાઇવ હન્ડ્રેડ કંપનીઓના તેજતર્રાર સીઈઓઝ અને જેમની ઉધાર લીધેલી મોબાઇલથી ઓટો મોબાઇલ સુધીની ટેકનોલોજી આપણે વાપરીએ છીએ એવા સંશોધકો આવે છે! કારણ કે, નેચરલને એબ્નોર્મલ ગણવાનું આપણે ગુલામીના અંધકારયુગમાં બદલાઇ ગયેલી સંસ્કૃતિની વ્યાખ્યાઓમાંથી શીખી ગયા છીએ.

બાકી તો દેવી તંત્રની અધિષ્ઠાત્રી છે, અને એના વર્ણનો મુજબની ફળદ્રુપ શૃંગારિકા સની જેવા જ કાયાના માયાવી વળાંકોવાળી હોય! આવા હોર્ડિંગના ફોટા ફેલાવી ફેલાવીને ઉલટું એના પૈસા વસૂલ કરી નાખ્યા કહેવાતા સમાજહિતચિંતકોએ. પણ સારૃં છે. હેલ્ધી સેફ્ટીનો પ્રચાર યંગક્રાઉડ મળે ત્યાં થવો જોઇએ જ. ઈફ યુ કાન્ટ સ્ટોપ ઈટ ફુલી, એટલીસ્ટ મેનેજ ઈટ બ્યુટીફુલી.

એક બાજુથી પિન્ક જેવી ફિલ્મોને રાષ્ટ્રીય સ્તરે હિટ કરીને એવોર્ડ આપીએ ને બીજી બાજુ નવરાત્રિ આવે એટલે છોકરાઓને કશું નહિ કહેવાનું. છોકરીઓ પર જ બધા પ્રતિબંધો ઠોકતી બેસાડીને શિખામણો આપ્યા કરવાની? બળાત્કાર કે છેડતી પુરૃષ કરે છે. અસલી શક્તિપૂજા તો એ છે કે એને એની લિમિટ સમજાવી દેવાની.

જી હા, સંસ્કાર ને સંસ્કૃતિનો બધો ભાર આપણે કાયમ કન્યાની કેડ પર નાખી દઇએ છીએ. ટીવી, મોબાઇલ, બાઇક-કાર ડ્રાઇવિંગ બધામાં પ્રતિબંધો છોકરીઓ પર. કપડાંમાં મર્યાદાનું ધ્યાન રાખવાનું સ્ત્રીએ. કરિઅરથી પાર્ટનર સુધીની ચોઇસમાં સેકન્ડરી સિટીઝન તરીકે સમાજની આજ્ઞાનું પાલન કરવાનું કે ઘર છોડીને સાસરે જવાનું કે પછી બાળક ઉછેરવાનું કે રસોઇ કરવાનું સઘળું નિભાવવાનું જાણે માત્ર સ્ત્રીએ! માતાનો તો આપણે ત્યાં વળી અઢળક આદર, પણ સાડલો ઓઢનારા 'પૂજ્ય બા' ક્યારેક ગરબે ઘૂમતા કુમારિકા ય હશે, એ સ્વરૃપ કેમ આપણને યાદ નથી આવતું?

નવરાત્રિમાં ભલે પુરૃષો ય નાચવા-રમવા માટે આવતા, એ મૂળભૂત રીતે સ્ત્રીઓને લગતો ઉત્સવ છે અને રહેશે. માતાજી ગબ્બરના ગોખેથી કે પાવા તે ગઢથી જ નહિ, આપણા ઘરમાંથી પણ પગથિયા કે લિફ્ટ પર ઉતરતા હોય છે. દીકરી, માતા, બહેન કે પત્ની સ્વરૃપે - એ સંસારનું સત્ય રે લોલના ગરબાની જેમ કેટલી વાર ઝીલવાથી અનુસરી શકાય? સ્ત્રી મનમરજીયાં મુજબ મસ્ત બિન્દાસ્ત હરીફરી નાચી શકે એવો સમાજ ઘડવો એ સાચી અને શાશ્વત શક્તિપૂજા છે.

ઈન ફેક્ટ, નૃત્ય એક એવો કળાપ્રહાર છે જેમાં ગર્ભધારણની જેમ જ સર્જક અને સર્જન એક થઇ જાય છે. ચિત્રકાર ગુજરી જાય પણ ચિત્ર રહે, ગાયક વિના પણ ગીત ગૂંજે, શિલ્પીની વિદાય છતાં શિલ્પ સદીઓ ટકી જાય.

પણ નૃત્યકાર વિના નૃત્ય રહી ન શકે. નર્તન અને નર્તકે એકમેકમાં એકાકાર થવું પડે, એ જ અસલી નૃત્યપૂજા છે. એ માટે ભાન ભૂલીને ભાવમાં ખોવાઇ જવું પડે છે.

નવરાત્રિ એટલે જ નારીપર્વ છે. માતાજીના પાઠ કે યજ્ઞાને લીધે તો ઠીક, પણ આ સૃષ્ટિમાં માનવજાતમાં હંમેશા નૃત્ય એક સ્ત્રીસહજ એક્સપ્રેશન છે એટલે! સ્ત્રી નાચતી જેટલી કામણગારી, લાવણ્યમય, ત્રિપુરસુંદરી લાગે છે, એટલો જ નાચતો પુરૃષ નથી લાગી શકતો.

પુરૃષનું નર્તન યોદ્ધા તરીકે રણમેદાનમાં, દંગલના અખાડામાં કે બોક્સિંગ રિંગમાં હશે. એની સ્નાયુબદ્ધ બલિષ્ઠ કાયા પરથી નીતરતો પરસેવો અને મક્કમતામાં લાલ હિંગોળક આંખોથી માદક લાગતો હશે. એનો ઘેઘૂર ઘુંટાયેલો કંઠ કે પછી મજબૂત એવી કસાયેલા કાંડાની પક્કડમાં તાકાત હશે.

પણ શક્તિ સાથે રૃપની 'સંસ્થિતા' સમો સમન્વય તો દેવીનો જ હોય છે! ડાન્સ મીન્સ દિવા. યાને નૃત્યનો પર્યાય નારી. કુદરતે સ્ત્રીના અંગોમાં જ એવા વળાંકો અને કઠોરતાનો ભાસ થશે. ફિમેલ ફોર્મ ઈઝ ડાન્સિંગ ડિવાઇન ફોર્મ.

હજુ ખાતરી ન થતી હોય તો વિચાર કરજો. પ્રભુ દેવાથી માઈકલ જેકસન સુધીના અનેક અઠંગ પુરૃષ નૃત્યકારોએ શરીરના કટકા થઇ જાય એવા નૃત્યો કર્યા છે. બેનમૂન. પણ શાકીરા થી જેકવેલીન સુધીની સ્ત્રી કેડના કટકા કરી નૃત્ય કરે એનો જાદૂ સાચે જ અનોખો હોય છે.

યાદ કરો, મિથુન કે ગોવિંદાએ જીવનમાં કેટકેટલા નૃત્યો કર્યા છે... ડાન્સર હીરો તરીકે યાદ પણ આવે. પણ શ્રીદેવી, માધુરી કે ઉર્મિલા માત્ર એકાદ અમર નૃત્યથી ટાઇમલેસ બની જાય! એક ધક ધક સામે બાકી બધું બક બક જ લાગે! કારણ કે સ્ત્રીના નૃત્યમાં એની ત્વચાની સુંવાળપ, એની આંખો, એના લહેરાતા ઝુલ્ફાં, એના સુંદર ઉભારો અને કમર બધું જ થિરકે છે.

ધેટ્સ સો લવલી. એટલે તો શાસ્ત્રીય નૃત્યો શીખવાડતા ગોપીશંકર જેવા નર્તકો નાચી નાચીને હંમેશા સ્ત્રૈણ થઇ જાય છે! (કહેવાય છે કે એટલે શાંતારામે 'ઝનક ઝનક પાયલ બાજે'માં ગોપીશંકર આવતા હોય એવા સીન્સ લેવાનું ટાળ્યું હતું) આ તો વારંવાર જોવા મળશે સતત નાચતો-નચાવતો પુરૃષ જરાક ફેમિનાઈન થઇ જશે. કારણ કે, સરસ નાચવા માટે ય ભીતર એક સ્ત્રીનું સર્જન કરવું પડે છે. સ્ત્રી પેદા કરવી પડે છે!

એટલે જ ગુજરાતી નારી ગરબે ઘૂમતી હોય ત્યારે એના માટે એક જ શબ્દ લાગુ પડે 'રૃમઝુમ'. શણગાર પણ સ્ત્રીને અને બાકી સ્ત્રીઓના પ્રેમના પાત્ર એવા મોરપીંછધારી શ્રીકૃષ્ણને જ થાય. સ્ત્રીના પગના રંગાયેલા નખથી, અરે પગની પાનીએ કરેલા લાલ અળતાથી ઝાંઝરી-નૂપૂર, તોડો ઘેરદાર ઘાઘરો આભલામઢ્યો, કંગન-કડાં, બાજુબંધ, વીંછીયા, વીંટી, ચમકતી ચોળી, હાર-હાંસડી-અંબોડો-ચોટલો... બસ એક એક કદમમાંથી દિલના ધબકારા ચૂકાવતું નર્તન અને એ સાથે આ બધા શણગારમાંથી ઝગમગ થતી શાઇનિંગ અને વળી આ બધા આભૂષણોની ખનક એટલે  સાક્ષાત મ્યુઝિકલ બીઈંગ!

રસિકશ્રેષ્ઠ રજનીશ ઑશૉશ્રીએ બહુ પૉએટિક અંદાજમાં એટલે જ કહેલું કે ''સ્ત્રીના શરીરના એકે એક રોમ એક મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ, સંગીતવાદ્ય સમાન છે. પણ કોઇ જ એનો ખરો ભક્ત વત્તા ભોક્તા એવો વીરનર એને વાદક તરીકે સ્પર્શથી વગાડી શકે તો એ અદ્રશ્ય સંગીતના મોજાંમાં ભીંજાવાનો અહેસાસ થાય!'' જેબ્બાત. શક્તિ સાથે શિવ, પ્રકૃતિ સાથે પુરૃષ!

એટલે જ પત્રમપુષ્પમ ફલમ તોયમની માફક સ્ત્રીને સજાવવી, શણગારવી, એવી સજીધજીને નીકળેલી નારીને અહોભાવે નીરખવી અને જો પ્રિયજન હો તો એના સદ્યસ્નાતાથી અભિસારિકા સુધીના સ્વરૃપને ચાહવું-ચૂમવું એ ય એના સ્ત્રીત્વનું પૂજનઅર્ચન છે. પણ એ આંખો આકર્ષણ ને આનંદ હોય, બળજબરી કે બદમાશી નહિ, તો જ એ સાધના સંપૂર્ણ થાય! એટલે જ ગીતો છેડલા અને ઓઢણી  પર છેે. ક્યારેય  લૂંગી કે લેંઘા પર જોવાય?

માતાજીની પૂજાનો રિવાજ આપણે ત્યાં હજુ બરકરાર છે. શક્તિપૂજનની વાતો ય કરીએ છીએ. પણ વ્યવહાર કેવો છે. વાસ્તવમાં આપણા જ ઘર-પરિવાર-નગરમાં જે જ્યોતિઓ કે ગરબાની દીપશિખાઓ હસતીખેલતી હોય ત્યાં આપણે આપણી વિકૃતિની શક્તિ બતાવવા પહોંચી નથી જતા?

સ્વયં સ્ત્રી પણ પોતાનું જોગમાયા રૃપ ભૂલીને કોઇ ફૂટી બદામના આઈક્યૂ ન ધરાવતા ધર્મગુરૃ કે નાલાયક ક્રિમિનલની ગુલામડી બની જતી સ્ત્રીઓ તો પોતાના સ્ત્રીત્વને સસ્તામાં બરબાદ કરે જ છે. ઘેલી ભક્તાણીનું સ્વરૃપ કોઇ મીડીયોકર મેલી મથરાવટીના પ્યારમાં ગિરફતાર નારી ધારણ કરે ત્યારે એની શક્તિ જ ખોવાઇ જતી હોય છે.

પણ વિચિત્ર તો ઘણી વાર સમાચારો વાંચીને થતું હોય છે કે આ જ દેશ છે શક્તિની આરાધનાનો? દેવતાઓના તેજમાંથી બનતી દુર્ગાની પૂજાનો? જરાક હમણાની જ ઘટનાઓ જોઇએ.

ભારતને ગૌરવ અપાવનાર ટોચની મહિલા ક્રિકેટર મિતાલી રાજે જરાક ક્લીવેજ દેખાઇ એવો ડ્રેસ પહેરી ફોટો શેર કર્યો, એમાં તો કેટલાય રાક્ષસો એને ટ્રોલ કરવા કૂદી પડયા. મોહમ્મદ કૈફ અને મોહમ્મદ શમીની પત્નીના ફોટા નીચે ય આવા જ શેતાનોએ એમણે કેવા કપડાં ન પહેરવા (વાંચો ટૂંકા - પશ્ચિમ ન પહેરવા)થી શરૃ કરી માથું મોઢું ઢાંકવા સુધીના ટ્રોલ્સ કર્યા.

પાકિસ્તાનમાં તાલિબાની માનસિકતાથી સોશ્યલ નેટવર્ક પર પૉપ્યુલર મૉડલ બહેનનું ઓનર કિલિંગ એના ભાઇઓએ જ કર્યું, તો રાજકોટમાં એક જાણીતા ફાઇનાન્સરની ડિવૉર્સ લીધેલી પુત્રીને એની આઝાદમિજાજ ખુશીથી જીવવાની સ્વતંત્રાને લીધે અકળાયેલા ભાઇઓએ જ ઝેર આપીને મારી નાખી! આ છે શક્તિપૂજનની આપણી રીત? કંગના જરાક રોકડી વાત કરે એટલે બધાના દિમાગ ઉધાર થઇ જાય? જ્યારે સ્ત્રી સ્વાતંત્ર્ય કે લિબરલ સેક્યુઆલિટીની રજૂઆત કરતી ફિલ્મો આવે છે એટલે સેન્સર જ કરવાની?

માતાજીના ફોટા સામે દીવો કરો એ અંગત આસ્થાનો વિષય છે, પણ મગજમાં જ્યાં સુધી મોકળાશના દીવા નહિ થાય ત્યાં સુધી ગરબે ઘૂમતી ગોપીઓને વન મળશે, વૃંદાવન નહિ મળે!  જય માતાજી.

ફાસ્ટ ફોરવર્ડ

પૂછા જો ઉન સે ચાંદ નિકલતા હૈ કિસ તરહ
ઝુલ્ફોં કો રૃખ પે ડાલ કે ઝટકા દિયા કિ યૂં ! (આરઝૂ લખનવી)

 

Tags :