સ્પેક્ટ્રોમીટર- જય વસાવડા
ટીનમેનિયા : ભીતર ખાલીપો ખખડે, ને બહાર મચાવે દેકારો!
ટીનએજર્સના આપઘાતને લીધે બહુ ગાજેલી બ્લ્યુ વ્હેલ ગેઇમ જેવા જ રહસ્યમય એને સમાચારો છે. ખરેખર તો યંગ જનરેશનમાં એવો દરિયો ઘૂઘવે છે, જેમાં મોંજા છે, પણ કાંઠો નથી !
લોકપ્રિયતા કે રિલેશનશીપમાં પાર્ટનર મળવા કરતા ય અગત્યનું એ છે કે તમારા પર ફેંકાતા દુનિયાના લેબલ્સને તમે સિરિયસલી ન લો
જુલાઈ ૧૫૧૮.
રોમન એમ્પાયરના સ્ટ્રાસબર્ગની બજારમાં ખરીદી કરતી એક સ્ત્રીએ અચાનક પોતાના વાળ છૂટ્ટા મૂક્યા, કપડાં ઉતાર્યા ને બસ નાચવા લાગી! કહો કે, ધૂણવા લાગી! ને ચેપી રોગની જેમ આ હરકત એવી તો ફેલાઈ કે સડકો પર આજકાલ ફોરેનમાં મશહૂર 'ફ્લેશ મોબ'ની માફક ૪૦૦ વ્યક્તિઓ નાચતી હતી!
એ થાક્યા ય નહિ, ને પડી જતા તો ફરી ઊભા થઈ નાચવા લાગતા. સડક ખાલી કરાવવા એમને બાજુએ લઈ જાવ તો ય નાચે. સંગીત વગાડો તો ય નાચે ને ના વગાડો તો ય નાચે! અંતે એમના હાથપગ બાંધવા પડયા!
અમુક સંશોધકો માસ હિસ્ટીરિયાનો આ પહેલો મજબૂત જાહેર દાખલો કહે છે. જો કે, એમ તો કોઈના નારાથી ઉશ્કેરાઈને યુદ્ધમાં બરાબર કત્લેઆમ મચાવવી કે કોઈ ધર્મની થીયરી પાછળ જથ્થાબંધ ઘેલા થઈ કોઈને કોઈ ઘનચક્કર વિધિવિધાનો કરતા રહેવા- વાળ ઉતારવા કે ઉપવાસ કરવા કે બલિ ચડાવવો બધું જ આ કેટેગરીમાં આવે. આપણે પણ એવું ગણપતિના દૂધ પીવા વખતે જોયું જ હતું ને! પછી અચાનક જ એ 'ચમત્કાર' સંકેલાઈ ગયો તો તે દી ઘડી ને આજનો દિ! ગણેશ પંડાલો બહુ વધ્યા, પણ દૂધૂ નથી પીતા ગણપતિ બાપ્પા!
દિલ્હીમાં એક ફડાકો મારી જનાર કાળો વાંદરો હજુ થોડા વર્ષો પહેલાં જ ગાજ્યો ને અલોપ થયો. તાજેતરમાં પેલી ચોટલી કાપવાવાળી ચુડેલ બહુ ગાજી ને મામલો ઠંડો પડયો. રેશનાલિસ્ટ્સ કહે છે કે, ધાર્મિક પ્રસંગોમાં દેખાતો વળગાડ પણ એક આવો માનસિક રોગ છે એટેન્શન સીકિંગનો. તો પરદેશી હોરર ફિલ્મો ના જોનારા સ્વદેશી શ્રદ્ધાળુઓ ય કહેશે સાળંગપુર હનુમાન દાદાના મંદિરે આવી જોઈ લો નજરોનજર.
હિસ્ટરીયાની તો ખબર નથી પણ 'મીસ્ટીરિયા' જરૃર અમુક રહસ્યમય ઘટનાઓના સર્જાતા રહે છે જેનો તાગ આજના હાઇટેક યુગમાં ય સહેલાઈથી મળતો નથી! પેલી મલયેશિયન એરલાઇન્સનું પ્લેન આખી દુનિયાની તમામ મહાસત્તાઓ ધંધે લાગી તો ય નહોતું જડયું ને! એવું જ બ્લુ વ્હેલ ગેઇમનું છે!
૨૦૧૬
એક ઇન્ટરેસ્ટિંગ ટીન ફ્લિક યાને ફિલ્મ આવેલી : નર્વ. મૂળ તો જીની રાયનની નોવેલ પર એ બેઝ્ડ હતી. નોવેલ વધુ ડાર્ક હતી, પણ ફૂટડી એમા રોબર્ટસને ચમકાવતી ફિલ્મ એના પ્રમાણમાં દિગ્દર્શકોએ ખાસ્સી લાઇટ રાખેલી. પ્લોટ એવો હતો કે 'વી' નામની તાજી તાજી તરુણાઈમાં ડગ માંડતી છોકરી (મૂળ નામ વીનસ, પણ શોર્ટ નિકનેમ ઇઝ કૂઊઊઊલ યુ નો!) દેખાવડી છે.
પણ સિમ્પલ ગભરુ બાળા છે. મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતી. ખાસ ફેશનેબલ નથી ને ભણવામાં એવરેજ હોવા છતાં શાંત શિસ્તબદ્ધ છે. આજની ભાષામાં કહો તો 'પ્લેઇન' છે. મતલબ. બોરિંગ. નોટ હેપનિંગ હોટ ચિક (ચિક એટલે યુવતી એવું ય સમજાવવું પડે એમને ટીન્સ કેમ સમજાવવા આજના!)
વીના ખાસ મિત્રો ય નથી પણ એની એક સ્ટાઇલિશ બહેનપણી એક ગેઇમ રમે છે. એના સ્માર્ટફોનમાં 'નર્વ'. એ કોણ ક્યાંથી ઓપરેટ કરે છે એ કોઈ જાણતું નથી પણ એમાં બે પ્રકાર છે : પ્લેયર્સ એન્ડ વોચર્સ. ખેલાડીઓ અને પ્રેક્ષકો. પ્લેયર એટલે એ ગેઇમ રમવા માટે પોતાનું આઇ.ડી. અને ડિજીટલ એકાઉન્ટ નોંધાવનારાઓ જે ઓનલાઇન રહે ને લાઇવ વિડિયો સ્ટ્રીમિંગ કરે. વોચર એટલે એ જોયા કરનારા પોતાના સ્માર્ટ ફોન્સમાં. ધારો કે તમે નર્વ ગેઇમ રમવા માટે એન્ટર થયા,
તો પૂછાય કે પ્લેયર બનીને પૈસા અને પોપ્યુલારિટી કમાવવી છે કે માત્ર વોચર બનીને લુત્ફ ઉઠાવવો છે. ધારો કે તમે પ્લેયર બનવા પર ક્લિક કરો તો વોચર બનેલા લોકો લાઇક આપે ને જેમ જેમ તમારી વ્યુઅરશિપ વધે ઓનલાઇન, એમ તમારા એકાઉન્ટમાં પૈસા આવવા લાગે. યુ ટયુબ વિડિયો પર મળતી હિટ્સ અને ગુગલ એડસેન્સ એકાઉન્ટમાં આવતા પૈસા જેવું. પણ વોચર જુએ શું? અન્ય હાઇ રેટિંગ ધરાવતા પ્લેયરે આપેલા ટાસ્ક. જે વોચર પણ આપી શકે. એના પર એ ટાસ્કના રિસ્ક એન્ડ થ્રિલ મુજબ પૈસા મુકાય. પેલા અદ્રશ્ય બિગ બોસની જેમ ગેઇમ રમાડનાર પણ એ આપી શકે ને હરીફ પ્લેયર પણ ચેલેન્જ આપી શકે. ટાસ્ક એકસ્ટ્રા ઓર્ડિનરી હોય.
જેમ કે હાઇસ્કૂલમાં બાસ્કેટબોલ રમતી છોકરીએ અચાનક જ બધા જોતા હોય ત્યાં પોતાનું સ્કર્ટ ઊંચુ કરવાનું. કોફી શોપમાં બેઠેલી કોઈ રેન્ડમ વ્યક્તિને કિસ કરવાની, શોપિંગ મોલમાં જઈ કપડા ચોરવાના, આંખે પટ્ટી બાંધી છોકરાએ બાઇક ચલાવવાનું, બે ફ્લેટની બાલ્કની વચ્ચે બાંધેલા દોરડા પર ચાલવાનું એટ સેટરા.
સાઉન્ડ ફેમિલિયર? હા બ્લુ વ્હેલ ગેઇમના સમાચારોમાં આવે છે એવું જ કૈંક! પોલીસને કહો તો એકાઉન્ટ સાફ થઈ જાય ને વોચર્સ તમને 'બૂ' કરે યાને હુરિયો બોલાવી ઓનલાઇન બહિષ્કાર કરે. એક પ્રકારનું ગુપ્ત અન્ડરવર્લ્ડ. સટ્ટા બજારની જેમ ફેવરિટ પ્લેયર્સના ભાવ ઉંચકાય. વોચર્સ એના પર બીડ લગાવે. દાવ લગાવી ભાવ વધારે. અઘરું કે જાનના જોખમવાળું ટાસ્ક હોય તો તમે કોઈ સ્વજનનો એકાઉન્ટ નંબર આપ્યો હોય, એમાં બધા પૈસા તમારા કમાયેલા જમા થાય તમે ના રહો તો. પણ જો અધવચ્ચે છોડો તો અગેઇન બધા પૈસા ગુમાવીને સોશ્યલ નેટવર્કમાં 'નાતબહાર' મુકાઈ જાવ.
નર્વ ફિલ્મમાં આવી થ્રિલની સાથે પેરેલલ કેવી રીતે ટીનએજનું આજનું વિશ્વ રચાયું છે, એની પણ વાતો બખૂબી વણી લેવાય છે. અલ્ટીમેટ વિનર્સને ય મહાભારતની જેમ અંતે તો મૃત્યુનો મુકાબલો કરવો પડે છે. અને પહેલા રોમન સામ્રાજ્યના વિશાળ કોલોઝીયમમાં જેમ ગ્લેડીયેટર્સ એકબીજા સામે લડીને લોહી રેડે એ ખૂની ખેલ ચિચિયારીઓ પાડીને પ્રેક્ષકો જોયા કરતા, કે થોડા વર્ષો પહેલાં ડબલ્યુ.ડબલ્યુ.એફ.ના બનાવટી રેસલિંગનો ટીવીમાં જેવો ક્રેઝ જામેલો એમ જ મોતનો ખેલ જોવા માટે ય ટોળાઓ ભેગા થાય.
ઇટ્સ થ્રિલ. આપણે છાપામાં કોઈ આડા સંબંધ કે હત્યાના ક્રાઇમ ન્યુઝ ન વાંચીએ તો આપણને છાપું ફિક્કું નથી લાગતું? મોબાઇલમાં કોઈ છોકરીની છેડતી કે લુખ્ખાઓની મારામારીના વિડિયો જોવામાં વગર ઓળખાણે પણ રસ નથી પડતો?
હંગર ગેઇમ્સ. સુઝાન કોલિન્સની આ વર્લ્ડ ફેમસ બુક્સને ફિલ્માં ય આવો જ પ્લોટ હતો ને! જેની પ્રેરણા લેખિકાને પહેલી સદીના ફિલોસોફર જુવેનાલના રોમન સામ્રાજ્યની પડતી ભાખતા ક્વોટમાંથી મળેલી : પાનેમ એટ સર્કસીઝ. પ્રજાને એન્ગેજ્ડ રાખવા એને ખાવાનું આપો, મતલબ મફત જમાડો અવનવા સ્વાદ અને સર્કસ આપો. યાને મનોરંજક તમાશો આપો!
ટાસ્કમાં બીજાને મારી પોતાનો જીવ બચાવવાના પ્લોટવાળી હંગર ગેઇમ્સ હેરી પોટર, ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે, ડાયવર્જન્ટ અને ટવાઇલાઇટ બાદ ટીનેજર્સમાં ગ્લોબલી સુપરપોપ્યુલર નોવેલ સિરિઝ હતી. જેનો કટાક્ષ બનાવટી લાઇવ રિયાલીટી શૉઝ પર હતો.
પણ આખું જગત અત્યારે ડ્રગ એડીક્ટની જેમ ટીવી અને મોબાઇલ પર પારકાની જિંદગીમાં ડોકિયા કરવાના 'ટ્રુમેન શૉ'નું બંધાણી થાય ત્યાં ટીન્સ જન્મથી જ આ જોઈને મોટા થાય ત્યાં બ્લુ વ્હેલના દરિયામાં જ જાય ને! રાજકીય પક્ષો પોતપોતાના આઇટી સેલમાંથી ફેક અને મોર્ફડ મેસેજીઝનો બોમ્બમારો કરે છે.
પછી લોકો ય શેરીઓમાં આવી સુધારા કરવાના બદલે વિકાસને લગતા મેસેજીઝથી દાવ લે છે. સંસારત્યાગી બાબાઓને ય પોતાની ટીઆરપીની પડી છે. લાઇફ જાણે મોબાઇલ સ્ક્રીન છે. પેલા જોકની જેમ કે ભૂરાએ બકાને કહ્યું 'આમ જો જિંદગી મોબાઇલની બહાર પણ છે. દુનિયા કેવી ખૂબસૂરત છે. પ્રકૃતિ તને સાદ પાડીને બોલાવે છે. વર્ચ્યુઅલ ચેટ કરતા સાચે જ સ્પર્શીને ભેટવા ને ચૂમવાની કેવી મજા છે...'
બકો : 'લિંક મોકલ!'
મિનિસ્ટર્સ ને જજીસ બ્લ્યુ વ્હેલ ગેઇમ પર પ્રતિબંધ મૂકી ચૂક્યા છે એટલે નોર્મલી એનું ગૂગલિંગ શક્ય નથી. પચાસ સ્ટેજની બ્લ્યુ વ્હેલ ગેઇમ કોઈ ઇમેજીનેટીવ વાર્તા જ હોય એવું લાગ્યું છે. કહેવાય છે કે એનો ઉદ્ભવ રશિયાથી થયો.
રશિયામાં ફેસબુક - વોટ્સએપના મિક્સ જેવી જબ્બર લોકપ્રિય સોશ્યલ નેટવર્ક સાઇટ 'વીકોન્ટેક્ટે' છે (આ કોલમના રેગ્યુલર રીડરબિરાદરોને યાદ હોય તો એની ચર્ચા ફોટોગ્રાફીના નવા ઇન્વેન્શન બાબતે કરેલી.) પણ એમાં જો બ્લ્યુ વ્હેલ હેશટેગ સાથે સર્ચ કરો તો આઇ.ડી. બ્લોક થઈ જાય છે. કહેવાય છે કે યમરાજની જેમ આ ગેઇમ તમે શોધી શકતા નથી પણ ગેઇમ તમને શોધી લે છે ! મતલબ, એ તમને ઇન્વિટેશન મોકલીને એડ કરે છે! જે છે એ કહાસૂની છે.
રશિયામાં ૧૫૦ ટીનએજર્સના આપઘાત એને લીધે થયા એવું તરજુમિયા પત્રકારો લખી નાખે છે. પણ રશિયામાં એની બહુ ચર્ચા જ નથી! મે ૨૦૧૬માં 'નોવાયા ગેઝેટા' નામની રશિયન સાઇટે એના સમાચાર મૂક્યા હતા. એની સામે કાઉન્ટર ક્વેશ્ચન એ થયા કે એક જ ઇન્ટરનેટ ગુ્રપના બચ્ચાઓએ આપઘાત કર્યા કે ઓલરેડી જેમની સ્યુસાઇડલ ટેન્ડન્સી હતી,
એમણે એ જોઇન કર્યું? આ મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે. આપણી ઘણીવાર 'ફલાણી ફિલ્મ જોઈને આને લૂંટ કે બળાત્કારની પ્રેરણા મળી.' એવા મામલે સેન્સરશિપની વકીલાત કરીએ છીએ પણ એ ભૂલી જઈએ છીએ કે, એવી ફિલ્મ કે તસવીર તો કરોડો લોકોએ જોઈ છે. પણ ગુનો કેમ અમુક લોકો જ 'પ્રેરિત' થઈ કરે છે? મતલબ, એમનામાં પહેલેથી ઝૂકાવ છે આવા ક્રાઇમ માટે...ને દોડવું'તું ને ઢાળ મળ્યોની જેમ કોઈ કળા માત્ર ઇગ્નાઇટ કરે છે ઓલરેડી અંદર ધમધમતા એન્જીનને!
રશિયામાં ગયા વર્ષે ફિલિપ બુદકીનને બ્લ્યુ વહેલના ડેવલપર ગણીને ધરપકડ કરવામાં આવી એવા સમાચાર ગાજ્યા. પણ એવા તો દસ લોકો પકડાયા. બાકીના છૂટી ગયા. ફિલિપ સામે ય ૧૫ લોકોને આપઘાત માટે 'ચડ જા બેટા સૂલી પે'ની જેમ ઉશ્કેરવાના આરોપ હતા એમાંથી હવે એકની જ તપાસ ચાલુ છે. ઘણા એડમીન હોવાનો કે વિક્ટીમ બન્યાનો દાવો કરનારા તો હિટ્સ ભૂખ્યા ફેક છે.
રશિયામાં ૨૦૧૬માં ૭૨૦ ટીનએજર્સના આપઘાત થયા પણ એમાંથી માત્ર ૦.૬% પાસે જ ઇન્ટરનેટ કે સોશ્યલ નેટવર્ક એક્સેસ હતો. મોટા ભાગના આપઘાત ડ્રગ્સ ઓવરડોઝ, પ્રેમમાં દગાખોરી, ડિપ્રેશન, બીમારી કે પારિવારિક સમસ્યાઓના લીધે થયેલા! બ્લ્યુ વહેલના ભારતીય 'ભોગ બનનારા'ઓ પર સ્ક્રોલ. ઇને ડીટેઇલ્ડ સ્ટોરી કરી છે.
એ મુજબ એના જાણીતા આપઘાતના બનાવોમાં ય પોલીસ તપાસમાં એક કેરળને બાદ કરતા એનો ઉલ્લેખ જોવા મળતો નથી! તો ય તાબડતોબ એના પર ઉપલા લેવલે પ્રતિબંધ મૂકાઈ ગયો. કાશ, આટલી ઝડપે રોડ પરના ઢોરને ખાડા દૂર થતા હોત તો? તો ઘણા એને લીધે થતા નિર્દોષ ને અપમૃત્યુ અટકી શકત પણ આપણે ત્યાં ટોચના લોકો પાસે ફૂરસદનો સમય ટાંચણીના ટોપકા જેવો હોય છે, ને મોટા ભાગના આવા હોદ્દેદારો સિનિયર સિટીઝન છે જેમને યંગ જનરેશન વિષે કોઈ ફર્સ્ટ હેન્ડ નોલેજ હોતું નથી.
અસલી બ્લ્યુ વ્હેલ બાપડી શાંત જળચર છે, એને સ્વાર્થ માટે માનવજાત મારી નાખે છે! ને હવે આ બ્લ્યુ વહેલ એક માસ હિસ્ટીરીયા છે કે જેમાં માણસો મરે છે? ૨૯ જુલાઈએ મુંબઈમાં જે ટીનએજરે આપઘાત કર્યો એણે પોતાની સેલ્ફી લઈ એ અપલોડ કરી એવું લખેલું કે, 'બસ, હવે તમારી પાસે મારું આ છેલ્લું પિક્ચર જ રહેશે હું નહિ!'
આ શું છે? જિંદગીમાં જે લાઇક્સ કે પ્રસિદ્ધિ ન મળી એ મોતથી ઉઘરાવી લેવાની આરઝૂ? ખબર નહિ. સોશ્યલ મીડિયામાં ૧૦ વર્ષ એક્ટીવ રહેવાના જાતઅનુભવે એટલી પાક્કી ખાતરી થઈ છે કે ભારતની વસતિનો એક મોટો ભાગ સ્ટુપિડ સાયકોઝનો છે. જેમને પોતાની લાઇફ બનાવવા કરતા બીજાની લાઇફની સાવ ખોટી કે વિકૃત પંચાત કરવામાં કોઈને કોઈ યુફોરિયા અર્થાત્ ઉભરામાં તણાઈ જવામાં પાશવી આનંદ આવે છે. જૂઠ એમની જીભ ને આંગળીના ટેરવે હોય છે. પોતાને કશી સાચી જ ખબર નથી પડતી એ અન્યોને ખબર ન પડે માટે જોરથી શોરબકોર કરે છે.
કહેવાય છે કે બ્લ્યુ વ્હેલ ગેઇમ ડાર્ક વેબ યાને ઇન્ટરનેટના અન્ડરવર્લ્ડની પ્રોડક્ટ છે. એવું નેટ જેનું અડાબીડ જંગલમાં સર્ચ એન્જીનમાં દેખાતું નથી. ટીનએજર્સનું ફાસ્ટ પ્રોસેસિંગ બ્રેઇન નેચર્સ ગિફ્ટ છે. એટલે જવાન ગીક્સ એન્ડ ફ્રીક્સની એ અંધારી દુનિયા છે. જેમાં સેક્સ, ડ્રગ્સ, બોમ્બ, મર્ડર...બધું જ છે. ઝટ કોઈ પણ બાબતથી બોર થઈ જતા અને ફેમિલીથી ડિસ્કનેક્ટ (કે પછી ડિસ્કનેક્ટેડ ફેમિલીના સંતાનો!) એવા યંગ પીપલ એમાં નવું એક્સાઇટમેન્ટ શોધે છે.
આ ટેકનોલોજીને ગળથૂથીમાંથી લઈને જન્મેલી પેઢી માટે બાકીની સીધીસાદી લાઇફ જીવતા ઇન્સાનો 'લેસર મોર્ટાલ્સ' યાને ઉતરતી કક્ષાના પામર મનુષ્યો છે.
જે જીવતરમાં નડતર છે. માત્ર આનંદ કે રોમાંચ માટે નિર્દોષોને મારી નાખતા એમાંના કેટલાકનું રૃંવાડુ ય ફરકતું નથી! ડ્રગ લઈને મેન્ટલી મેઘધનુષ્યના 'હાઇ' પર જવામાં એમને જોયરાઇડનો એવો અનુભવ થાય છે કે મેળાના ચકડોળ બાલિશ લાગે છે. એમને એનિમેશન ફિલ્મ્સ કિડ માટે લાગે છે ને રેગ્યુલર પોર્ન ઓર્ગી ય આઉટડેટેડ લાગે છે. એમની વાસનાઓ વધુ વિકૃત છે ને હોટ હાર્ટથ્રોબ સની લિયોની તો એમના માટે આન્ટી ટાઇપ છે!
જો કે, મોટા ભાગના હજુ સુધી સીધી લીટીમાં ચાલે છે. પણ રોડ પર ચાલનારને અજાણી કેડીનું ખેંચાણ તો થતું હોય છે. કારણ કે, એમાં સરપ્રાઇઝ છે. કશુંક નવું ફન છે. બધા ફન તો હજુ ઉગીને ઉભા થાય ત્યાં માણી લીધા છે. ડાન્સથી ડ્રિંક, ડ્રગ્સથી સેક્સ પછી શું નવું અપરલેવલ હોય? મોત! ડેથ ઇઝ ્થ્રિલિંગ ફન! એટલે બ્લ્યુ વહેલના સમાચારોના સરસ એન્ટીડોટ જેવી વાત ગુજરાતીમાં વાઇરલ થઈ વિષ્ણુ પ્રજાપતિની : બ્લ્યુ ઢેલ. જેમાં ય ટાસ્ક હોય છે.
પણ પોઝિટીવ. ઘરકામ કરવાના. ન ગમતા વ્યક્તિ સાથે જમવાના. જુના દોસ્તને મળવાના. ફાઇન. પણ મન એવું કોમ્પ્લિકેટેડ છે, આવા સ્યુગર કોટેડ પ્રીચી સોલ્યુશન વખાણે તો ય સ્વીકારે ય નહીં એવું બને! આ તો ચેલેન્જ છે. મોર વાયોલન્સની.
કે પછી મોર ઇન્ડીપેન્ડન્સની! અમુક સેન્સેટીવ બીઇંગ પણ હોય છે. જેમને નિહાલીઝમની જેમ બધું શૂન્ય લાગે છે. આસપાસ બધું નકામું લાગે છે. ને એ બેચેની, એ અજંપો કેમ થાય છે - કશું હવે ગમતું કેમ નથી એનો કોઈ ખુલાસો જડતો નથી. ડિપ્રેશન પણ નહિ. એમાંથી બહાર નીકળવાનું મન તો થાય. આ તો એક વોઇડ હોય. એક ભમ્મરિયો કૂવો. જેમાં બસ ભૂસકો મારવાનું મન થાય જાણે માતાના ગર્ભમાં ફરી પ્રવેશતા હોઈએ શાંત થવા માટે! બહાર શાંત સ્મિત હોય પણ અંદર ચિત્કારનો ઝંઝાવાત ફૂંકાતો હોય.
બહાર બધી ક્રેઝી ધમાલ હોય પણ અંદર સાવ રિક્ત, એમ્પ્ટી. કહેવાતા મોટા લોકો પણ જો પબ્લિસિટી પાછળ એવા પાગલ હોય કે એમના નેગેટિવ ન્યુઝને પણ પોતે જ ચગાવીને ફેમસ થવામાં સંતોષ માનતા હોય તો કિશોર વય કાચી હોવાની. વળી, વડીલોને પોતાના સંતાનો કાં ન હોય એવા ટેલેન્ટેડ લાગતા હોય ને કાં 'હેઠા બેસો- શટ અપ. તમને શું ભાન પડે'ના એટીટયુડથી એમને હજુ નાના કીકલા જ માનતા હોય!' ઉંમરના અને હોર્મોન્સના વળાકોના આ વમળ આ ધોધ ને નદીની વચ્ચે હોય છે.
ફ્રીડમ જોઈએ છે. પણ ક્યાંથી? શા માટે? પછી શું કરવાનું? કાશ્મીરી જવાનોની જેમ કોઈ જાણતું નથી. અસ્તિત્વ એક કોયડો બની જાય છે. ઝુન્ઝલાહટ ખુદને જ પીડા આપે છે. અચાનક મન થયા કે બસ એમ જ ઉઠીને સામે છે એને એક તમાચો મારી દઈએ. અચાનક એવું થાય કે, જેનું સૌન્દર્ય બહુ ગમે છે એને ઉભા થઈ બધા વચ્ચે પણ કિસ કરી લઈએ. અચાનક મન થાય કે જે હાથમાં છે એને તોડી નાખીએ. અચાનક મન થાય કે ટોચની જે ધાર પર ઉભા છીએ - પછી પર્વત હોય કે પાળી, હોડી હોય કે બારી... ત્યાંથી બસ ભૂસકો મારીને ઝંપલાવી દઈએ. કેમ? બસ, એમ જ!
આવા તરંગો પરનો કંટ્રોલ એ જ મેચ્યોરિટી છે. પણ એની સ્વીચ સતત પ્રેશરથી ઢીલી પડી શકે. માસ્ક પહેર્યા કરવાનો ય થાક લાગે. ટોળા વચ્ચે એકાંત જોઈએ ને એકલા હો ત્યારે સંગાથ જોઈએ. ક્રિએટીવ હોબીઝ એન્ડ એક્ટીવિટીઝનો ઇનોસન્સ ચાર્મ એટલે ઓગળતો જાય છે કે બધું ઇન્સ્ટન્ટ આર્ટીફિશ્યલ છે અને ઓવરડોઝમાં કોમર્શિયલી કોન્સ્ટન્ટ છે. જે ગ્લેમરસ મોલમાં કોઈ ના હોય તો એસીને લાઇટ્સ સતત ચાલુ જ રહે છે, એ અંતે ખોટ ખાઈને વેચાઈ જ જાય ને!
તો પછી? કોડી કેંપ્લેંગરની ટીન નોવેલ છે : ધ ડફ. જેના પરથી મસ્ત ફિલ્મ બનેલી. અમુક ફ્રેન્ડ્સ એટલે ગુ્રપમાં હોય કે જેની કોઈ આઇડેન્ટિટી ન હોય. પણ બીજા લોકોની ઓળખના સપોર્ટર તરીકે જ એમને જીવવાનું હોય. આવી આઇટેન્ટિટી ક્રાઇસીસમાંથી પસાર થયેલી એક એવરેજ ટીનએજ ગર્લને ગુસ્સા ને ડૂસ્કાંના કન્ફ્યુઝન પછી અંતે બોધ લાધે છે : લોકપ્રિયતા કે રિલેશનશીપમાં પાર્ટનર મળવા કરતા ય અગત્યનું એ છે કે તમારા પર ફેંકાતા દુનિયાના લેબલ્સને તમે સિરિયસલી ન લો ઓન્લી યુ ડિફાઇન યોર સેલ્ફ!
ટેઇક ઘેટ
ફાસ્ટ ફોરવર્ડ :
Tired of drinking tears,
Fed up of the salts n fears!
Unaware of what almighty might have written,
just a wish to run away from here !
Was everything meant to end up like this,
Then Nothing would mean so much,
With all the pretty lies,
I convinced my self...thing are not yet over !
What people think, doesn't really matter...
And these words are said so that you feel better.
You judged me so well,
without knowing what have I dealt !
With a pretty smile on face,
The Soul is filled with aches!
just a fake lie in the eye,
Maybe everything left behind !
with hands shivering before waving bye,
A mind wanted, everything to be a nightmare like !
The next morning
I Opened my eyes
Thought you would be by my side,
sadly...
The nightmares never die !
(ધ્યાની ઓઝા, ધોરણ ૧૨)