Get The App

સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

યે મેટા મેટા ક્યા હૈ? યે મેટા મેટા...

Updated: Jun 3rd, 2018

GS TEAM

Google News
Google News
સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા 1 - image

સાહિત્ય અને સિનેમામાં જગજાહેર ઍલ્યુઝન, ફૉર્થ વૉલ, ઈન્ટરટેકસ્યુઆલિટી જેવા કોન્સેપ્ટ્સ આપણે ત્યાં હજુ ફેમસ નથી! 'પહેલાં હું બહુ દુ:ખી હતો...પછી મેં ફેસબુક-વોટ્સએપ જોઈન કર્યું. હવે બધા મારાથી દુ:ખી છે!'

આ રમતિયાળ ટીઝને 'સેલ્ફ-અવેર' જોક કહેવાય! મતલબ, ખુદની જાત પર જ કરેલી મજાક કે કટાક્ષ.

'આગ' જેવી ધબડકા ફિલ્મ બનાવ્યા બાદ (સંભવત: શિરીષ કુંદરની 'જોકર'ના સંદર્ભે) એક ફાલતુ ફ્લોપ ફિલ્મ આવી ત્યારે રામગોપાલ વર્માએ કહેલું. 'હાશ, હવે લોકોને કચરા જેવી ફિલ્મો માટે મારી આગ સિવાયના પણ વિશેષણનો વિકલ્પ મળ્યો!'

આવી ખુદની ખિલ્લી ઊડાડવાની, પોતાની જ પટ્ટી પાડવાની રસમ આમ તો જૂનીપુરાણી છે. બહુ ટચી, ઈગોઈસ્ટિક, લાગણીઘેલા ઈન્સાનો મોજને બદલે એમની જાતને સિરિયસલી લેવાના બોજમાં જ કચડાઇ કચડાઇને જીવતા હોય છે. ઘણા વળી પોતાને મહાન સિદ્ધ કરવા અન્યોની (જેમ કે, પત્નીની) જાહેર મજાકો ઊડાડતા હોય છે. આવું નહિ, પણ સ્વયંને હસી કાઢવાની કળા. જેમ કે, શાહરૃખ ખાનને વચ્ચે કોઇએ એની હથોડા છાપ ફિલ્મો વિશે પૂછેલું તો તેણે ફટાક દઇને કહેલું ''જીંદગી બહુત કીમતી હૈ, છોટી ભી હૈ... ઉસે મેરી બૂરી ફિલ્મેં દેખનેમેં બરબાદ ન કરે!''

વાત છે સેલ્ફ અવેર જોકની. કોઇ ત્રાહિત યાને થર્ડ પાર્ટી પાતળો માણસ જાડા માણસને ''આવી ચરબીથી લથપથ કાયા લઇને દોડી ય ન શકો'' એવું કહે તો એ ચીપ, બૅડ ટેસ્ટ હ્યુમર થઇ. પણ કોઇ જાડો જણ સ્વયંની ફાંદ પર હસતા હસતા કહે કે 'અમે દુંદાળા જીવો રમૂજી બહુ હોઇએ, કારણ કે કોઇ સાથે માથાકૂટ થાય તો દોડવાનું ફાવે નહિ, માટે હળવાશથી હસી કાઢીએ!' ફીલ ધ ડિફરન્સ?

આવી ખુદની જ મજાક ઉડાડવાની પરંપરાને ઘુવડગંભીર મોં રાખીને ચાર દિવસના કબજીયાત બાદની દીવેલ પીધેલું ડાચું લઇને ફરનારા અમુક શાસ્ત્રશુદ્ધ સાહિત્યસમર્થો માન્ય ન રાખે, પણ મૅલ બુ્રક્સથી વૂડી ઍલન સુધીના કૉમિક ફિલ્મમેકર્સ તો એની મજા ચટાકા લઇને માણી ચૂક્યા છે. યદાકદા આપણે ત્યાં પણ એવી મેડ ફિલ્મ્સ બની જાય છે. જેના પાત્રો પર જ મજાકો ઉડાવવામાં આવતી હોય. વિકૃત કે બિલો ધ બૅલ્ટ નહિ, હળવીફૂલ. ફરાહખાનની 'તીસમારખાં'માં બૉલીવુડ સુપરસ્ટારડમની ફિલમ અક્ષય ખન્નાએ ઉતારી હતી એમ! જેમ કરન્ટ 'ડેડપૂલટુ'માં એના હીરો રાયન રેનોલ્ડએ અગાઉ ભજવેલા સુપરહીરોની ફ્લોપ ફિલ્મ 'ગ્રીન લેન્ટર્ન'ની ફિરકી લેવાઇ છે તેમ!

પણ આ 'ફૉર્થ વૉલ'ને મેઇનસ્ટ્રીમ અને એ ય સુપરહીરો ફિલ્મ્સમાં પરફોટાંની જેમ તોડી બતાવી ડેડપૂલે. માર્વેના એક્સ-મેન (જેને ડેડપૂલ જ સ્ત્રીઓ માટે અન્યાયકારી નામ કહીને હસી કાઢે છે!) યુનિવર્સનો આ સુપરહીરો પહેલી જ ફિલ્મથી વર્લ્ડવાઇડ એવો પૉપ્યુલર થયો કે એની ફની સ્ટાઇલ પછીની હોલીવૂડ ફિલ્મોએ સેટ થયેલા ટ્રેન્ડની કોપીની જેમ અપનાવવી પડી છે!

પણ હ્યુમર તો સમજ્યા, આ 'ફૉર્થ વૉલ' ઉર્ફે ચોથી દીવાલ વળી કઇ બલાનું નામ છે? વૅલ, આમ તો એ નવો નહિ જૂનો, ઑલમૉસ્ટ અઢારમી - ઓગણીસમી સદીથી વપરાતો શબ્દ છે. નાટકમાં સેટની ત્રણ દીવાલો લાગેલી હોય, પણ ચોથી એક અદ્રશ્ય દીવાલ હોય છે. ઑડિયન્સ અને સ્ટેજ વચ્ચેની. જે મનોમન બધા સ્વીકારી જ લેતા હોય છે. રામલીલામાં ખબર જ છે કે આપણી શેરીનો છોકરો હનુમાન છે. પણ એ ઘડીએ એના નામની ઓળખને બદલે બજરંગબલિ જ એને માનવાનો છે.

નાટકમાં ખૂન થતું જોઇને આમ તો ઠેકડો મારી એ અટકાવી શકાય ઊભા થઇને મંચ પર પહોંચીને! પણ પેલી ઈન્વિઝિબલ ફૉર્થ વૉલ એવું કરતાં નૉર્મલ પ્રોબ્લેમને રોકે છે. આવું જ વાંચતી વખતે કે ટીવીમૂવી જોતી વખતે પણ થાય. જેકી ચાનની જૂની ફિલ્મોમાં એના સ્ટંટ વખતે થયેલા રિહર્સલ્સ કે 'ભગા' (ગૂફ અપ માટેનું ગુજરાતી, યુ નો!)ની શૉરીલ છેલ્લે 'નંબરીયા' પડે ત્યારે બતાવવામાં આવતી. પણ એવું મૂળ ફિલ્મમાં ચાલુ સીને બતાવો તો એની ઈમ્પેક્ટ જ તૂટી જાય. ત્યારે પેલી અદ્રસ્ય ચોથી દીવાલ મેઇન્ટેઇન  કરવી જ પડે.

ડેડપૂલ ફિલ્મ સીરિઝ બહુત હી ક્રાંતિકારી નીવડી, એનું કારણ એણે આબાદ રીતે તોડેલી આ ફૉર્થ વૉલ પણ છે. પહેલા 'આર રેટેડ' યાને કિડ્સને બદલે ઍડલ્ટસ ઑન્લી હ્યુમર અને વાયોલન્સ ધરાવતા સુપરહીરો તરીકે ડેડપૂલને રાયન રેનોલ્ડસે અદ્ભુત રીતે જીવંત કરી દીધો છે. એવી જ કમાલ એના રાઇટર્સની છે. ડેડપૂલ ગમે ત્યારે, ગમે તે સીનની વચ્ચે ઑડિયન્સ સાથે સીધો સંવાદ રજૂ કરી દે છે. સેક્સ વાયોલન્સના સીનમાં કહે છે કે, ''બાળકો, જો ઘૂસી ગયા હો જોવા માટે તો આંખો બંધ કરી લો!'' પોતાના દર્દ-એ-દિલની કેફિયત પણ એ દોસ્તાર-બેનપણીની જેમ પ્રેક્ષકો સાથે શૅર કરે છે.

હમણા જ રજૂ થયેલી 'ડેડપૂલ ટુ'માં ય આવા ચમકારા છે. બેસ્ટ એ હતો કે, બે જાયન્ટ સાઈઝના કેરેક્ટર્સ એકબીજા સામે ક્લાઇમેક્સમાં ભટકાય છે, ત્યારે ડેડપૂલ આપણને કહે છે : ચાલો, હવે સ્પેશ્યલ ઈફેક્ટ્સવાળી ફાઇટ જુઓ!
પણ 'ડેડપૂલ'માં ફૉર્થ વૉલ ઉપરાંત પણ એક કમાલ ગૂંથી લેવાયો છે : ઈન્ટરટેક્સ્યુઆલિટી! સેક્સ્યુઆલિટીનો સહોદર લાગતો શબ્દ શું છે એની ખબર પણ છે? વૉટ્સએપમાં સાહિત્યિક જ્ઞાાનના પીરસણીયાઓ તો ઠીક, ઘણા મૂર્ધન્ય મનાતી સાહિત્યસંસ્થાઓના સુસભ્યશ્રીઓને ય પૂરી જાણકારી નહિ હોય. નહિ તો આવી બધી નવતર જ્ઞાાનવર્ધક વાતો સાહિત્યસત્રોમાં જ ચર્ચાતી ન હોત?

ઈન્ટરટેકસ્યુઆલિટી શબ્દ કોઇન કરેલો જુલિયા ક્રિરતેલાએ. બલ્ગેરિયામાં જન્મેલી અને ફ્રાન્સમાં ભણાવતી આ મલ્ટીટેલેન્ટેડ મહિલા અને આજે ય સાહિત્યસંબંધોમાં મોટું નામ ગણાય છે. જુલિયાના મત મુજબ જ્યારે આપણે પુસ્તક વાંચતા હોઇએ ત્યારે બે પ્રકારની રિલેશનશીપ સ્થપાય છે. એક હોરિઝોન્ટલ યાને આડી રેખામાં વાચક અને લેખક વચ્ચે. નવલકથા હોય કે નિબંધ, લેખક કશુંક કહે છે, અને વાચક એના વિશ્વમાં પ્રવેશ કરી એને અનુસરીને સાંભળે છે, તે. પણ બીજો સંબંધ વર્ટિકલ યાને ઊભી રેખામાં સ્થપાય છે : લખાણનો બીજા લખાણ સાથેનો. ટેક્સ્ટ ટુ ટેક્સ્ટ. આ છે ઈન્ટરટેકસ્યુઆલિટી. જેમ કે, લખાણમાં બીજી ટેક્સ્ટના રેફરન્સ આપમેળે આવે, જે નવી ટેક્સ્ટને ઘડે. એ સંદર્ભ કે સ્ટાઇલ ફિલ્મ-ટીવીના હોય તો ય અંતે તો એના ડાયલોગ્સ પણ 'રિટન સ્ક્રીપ્ટ' જ છે ને? સમજે? કે નહિ સમજે?

જુઓ, આ છેડે ફિલ્મી ડાયલોગ આવ્યો ને? એ છે ઈન્ટરટેક્સ્યુઆલિટી. લખાણમાં વસ્ત્રોના તાણાવાણાની જેમ ગુંથાઈ જતા અન્ય સંદર્ભો, જેને દૂધમાંથી પાણી છૂટું ન પડે, એમ છૂટું ન પાડી શકાય! આ દૂધ-પાણીનો રૃઢિપ્રયોગ પણ બહારથી આવ્યો ને? ગાંધીજીનો ઐતિહાસિક ઉલ્લેખ કરવામાં વાતની રજુઆતને રસિક કરવામાં પ્રાણ જાય પર વચન ન જાયે એવું લખો ત્યારે એનું કનેક્શન સીધું તુલસીદાસના રામચરિતમાનસ જોડે બેસે છે. આ લેખના ટાઈટલ માટે પણ ખિલવાડ આનંદ બક્ષીના સુપરહિટ સોંગ સાથે કર્યો છે ને?

અનુભવીઓ કહે છે, પોસ્ટમોર્ડન લિટરેચરમાં - ઈન્ટરટેકસ્યુઆલિટી વિના નવી ટેક્સ્ટ કે લખાણ શક્ય જ નથી. ભૂતકાળમાં સદીઓથી એટએટલું લખાયું છે કે એની છાપ પછીના લખનારાઓ પર પડયા વિના રહે જ નહિ. અને સજ્જ વાચક હો તો આપમેળે એ ભીતરથી કાગળ કે સ્ક્રીન પર ટપકતું જાય! ઘણી વાર તો ઉસ્તાદ લેખક વાચકની કસોટી કરવા એને નવી ક્રિએટીવ હાઈટનો એક્સપિરિયન્સ કરાવવા જાણી જોઈને આવા રેફરન્સ મૂકે. જેને અંગ્રેજીમાં 'કોડ' કહેવાય. છૂપી પઝલની ચાવીઓની જેમ એ ઉકેલો તો મૂળ વાતનો આનંદ વધતો જાય. કુલચા પરાઠાની જેમ જ લેયર પે લેયર!

જ્યારે પ્રતિવર્ષ લાખ-લાખ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જ દાંડિયા ડૂલ કરી નાખતા હોય બોર્ડ એક્ઝામમાં, ત્યારે આપણા મૂળિયાના આવા સંદર્ભો ધોવાતા જાય, એ ખરો સવાલ છે. ગુજરાતીમાં અંગ્રેજી શબ્દો લખાય-બોલાય છે એ પ્રશ્ન છે જ નહિ. એ તો થવાનું જ. પણ પ્રશ્ન તો એ છે કે આપણું ઘસાતું જાય છે. નવી પુસ્તકની જગ્યા કરવા જૂનાને પસ્તી કરો તો સમૃદ્ધ લાયબ્રેરી બને જ નહિ. જેમ કે, અંગ્રેજીમાં કોઈ ન્યૂઝમાં પણ 'ટુ બી ઓર નોટ ટુ બી' એટલું લખો, તો તરત જ શેક્સપિયરના હેમલેટ તરફ ઈશારો થઈ જાય છે. એ ફૂટનોટ મૂકીને સમજાવવાની જરૃર નથી. પણ 'સોનલવરણી સીમ' લખો તો રમેશ પારેખ પર મનોમન ડબલ ક્લિક થવું જોઈએ કે ધોમધખતા તડકામાં રસહીન થઈ છે ધરા લખો ત્યાં કલાપીની ગ્રામમાતાનો શેરડીનો રસ ઘૂંટડે પીવાવો જોઈએ, એ પ્રેક્ટિસ આપણે ત્યાં એટલી છૂટતી જાય છે કે આ સમજાવવા ય શક્ય એટલા જાણીતા ઉદાહરણ દેવા પડયા!

જેમ સાદા ખાદીના રૃમાલ કરતા આભલા-ભરત ભરેલો ચાકળો વધુ ચિત્તાકર્ષક લાગે, એમ સર્જકનો કસબ ઓર ખીલે જો પોતાના વણાટના વસ્ત્રમાં એ આવા ઈન્ટરટેક્સ્યુઆલિટીના રંગબેરંગી મોતીડાં ટાંકી શકે. એવું જ વક્તવ્યનું. વાત ક્વૉટેશન કે શાયરીઓ ગોખીને ફટકારવાની નથી. એને આબાદ ગૂંથી લેવાની છે.

મોરારિબાપુ, ઓશો, મોદી દરેક પોપ્યુલર સ્પીકરમાં આ સહજ આવડત હોય છે, એ નોંધ્યું છે? એ ફોર્થ વોલ પણ બ્રેક કરીને હળવાશથી ક્યારેક સીધો સંવાદ શ્રોતાઓ સાથે કામજોગ કે નામજોગ કરી લેતા હોય છે! લિટરેચર એ નિરંતર ચાલતી ચેતનાની ધારા છે. સર્જકો તો એમાં છૂટા પાંદડાની જેમ આવન-જાવન કર્યા કરે. માટે એકનું બીજા સાથે કનેક્શન બન્યા કરવું જોઈએ, ખરું ને બખોલ જેવા બેડરૃમમાં બેસીને ય પુસ્તકની પાંખે ભોમિયા વિના ડુંગરા ભમવા સંભવ-અસંભવની આખેટ પર નીકળીને જીંદગીના જામને પીવાની કોશિશ કરતા યાર બાદશાહો!

ઈન્ટરટેક્સ્યુઆલિટીનું ક્લાસિક એક્ઝામ્પલ છે, વ્લાદીમીર નોબાકોવની વિવાદાસ્પદ સેક્સ નોવેલ લોલિતા. ટીનએજ કન્યાના કામણમાં ગિરફ્તાર આધેડ પ્રોફેસરની આ કહાણી પછી 'સુગર ડેડી' શબ્દ ખૂબ ચાલ્યો. પણ વાર્તામાં એકસાથે સ્મરણાભકથા, ડિટેક્ટીવ નોવેલ, કટાક્ષ, યથાર્થવાદ, ટ્રેજેડી, મનોવૈજ્ઞાાનિક એબ્સર્ડીટી, પરીકથા, પ્રેમકથા બધા સ્વરૃપોને અંજલિ/ટ્રિબ્યુટ અપાઈ છે એ નજરે ચડયું - ફૂટડી લોલિતા ઉપરાંત? એડગર એલન પો થી જેન્સ જોયસ, ટી.એસ. ઇલિયટ થી લોર્ડ બાયરન સુધીના રેફરન્સીઝ તો અલગ. અને આજે સિડયુસ કરતી લલચામણી કોઈ તરૃણી માટે લોલિતા શબ્દ કહો તો નામ મટી વિશેષણ થયું!

આ ટ્રિબ્યુટ, હોમેજ, અંજલિમાંથી જ યાદ આવ્યો એક એવો જ શબ્દ : એલ્યુઝન. ના ભ્રમવાળું ઈલ્યુઝન નહિ, પણ એલ્યુઝન. જેમાં ઈન્ટરટેક્સ્યુઆલિટીને એક જુદા જ શબ્દપ્રયોગ તરીકે રજૂ કરવામાં આવે. એન્ડી વોરહોબ જેવો ભેજાંબાજ ચિતારો 'ભવિષ્યમાં બધાને (સોશ્યલ મીડિયા વધતા) પોતપોતાની પંદર મિનિટની પ્રસિદ્ધિ મળશે' એવું ભાખે એને 'ફિફ્ટીન મિનિટ્સ ઑફ ફેમ' કહી દેવામાં આવે. નિસબતથી દૂર ખાલી દેખાડાની પાર્ટીઓમાં ગુલતાન અમીરોને 'પેજ થ્રી સેલિબ્રિટીઝ' કહી દેવામાં આવે કે પછી કેચ ટ્વેન્ટીટુ!

એ શું એ ગૂગલ કરી લેજો. એવી બધી માહિતી ગૂગલમાં હોય પણ એમ લેખ ન બને. ઘઉંના ખેતર હોવાથી ચૂરમાના લાડવા થાળીમાં ન પીરસાઈ જાય! તો ખુદની મજાક ઉડાડવાની સેલ્ફ અવેરનેસ, એની સાથે તોડાતી ફોર્માલિટી અને શાસ્ત્રીય બંધારણ/નિયમોની ફોર્થ વોલ અને એમાં ભળતી ઈન્ટરટેક્સ્યુઆલિટી અને એલ્યુઝનની મસાલા પાઉંભાજી એટલે મેટા!

મેટા મૂળ તો ગ્રીક શબ્દ છે. જેનો મતલબ એરિસ્ટોટલની 'મેટાફિઝીક્સ' જેવી કિતાબના શીર્ષકમાં 'ની બાબતમાં' કે 'એ વિશે' એવો થતો હતો. અંગ્રેજી સફિક્સ (પૂર્વગ) તરીકે એ 'એથી આગળ' / બિયોન્ડ અર્થમાં વપરાવા લાગ્યો. અને ગેમિંગ જનરેશનમાં આજે એની વ્યાખ્યા એવી થઈ છે કે 'મેટા મતલબ એવી ક્રિએટીવિટી જે ખુદની કે ખુદ જે ક્ષેત્રમાં કામ કરે છે, એના ચવાઈને ચૂથ્થો થઈ ગયેલા અને એટલે કંટાળો આપતા ધારાધોરણોની ઉપર હોય! એ મજાકમસ્તી સ્વરૃપે પણ હોય અને ફિલસૂફી સ્વરૃપે પણ! અને ડેડયૂલ એક્ઝેટલી એ સફળતાપૂર્વક કરે છે!

જેમ આજકાલ અમુક કંકોત્રીઓમાં નવદંપતી કે લગ્ન સમારંભની જ હળવી મજાક ઉડાવવામાં આવે કે એના ફોર્મેટને બોર્ડિંગ પાસ કે ક્રેડિટ કાર્ડ સાથે જોડવામાં આવે એ 'મેટા' થયું. ડેડપૂલ તો આઉટ એન્ડ આઉટ 'મેટાફેસ્ટ' છે. જે આપણા સાહિત્યમાં ઓછું જોવા મળે છે. ચુસ્તીથી બાંધેલા નાડાને ઢીલું કરો તો પજામા ડાન્સ થાય ને પાર્ટીમાં!

'ડેડપૂલ ટુ'માં તો ટાઈટલ્સમાં જ મેટા છે. જેમ કે, ડાયરેક્ટેડ બાય નામને બદલે 'જેમણે જોન વિકના કૂતરાને મારી નાખ્યો હતો એ ટોળકીનો એક સભ્ય' એમ લખાયું છે! હવે આનો લુત્ફ ઉઠાવવા માટે એક્શન ફિલ્મ જોન વિક જોયેલી હોવી જોઈએ. પોતે એક નકાબપોશ અપરાધીને મારવામાં નિષ્ફળ રહ્યો એવું ડેડપુલ વેડ વિલ્સન એની પ્રેમિકાને કહેતી વખતે કહે છે 'પછી એની માનું નામ માર્થા નીકળ્યું!' આ બકવાસ એવી બેટમેન વર્સીસ સુપરમેન ફિલ્મ પરનો પોટશોટ છે, જેમાં સુપરમેનની માનું નામ પણ માર્થા હોઈ બેટમેન એની સાથેની લડાઈ એની માનું નામ પણ માર્થા હોઈ છોડી દે છે!

ધ્યાન ન રાખો તો ડેડપૂલમાં મિનિટે મિનિટે આવી ગૂગલીઝ છે. રોન્ચી ટ્રિપલ એક્સ ડબલ મીનિંગ એડલ્ટ હ્યુમર છે. એનો જમાનો છે, અને એમાં તો ઉલટી બોરિંગ ઉપદેશો વધુ ક્રિએટીવિટી જોઈએ! ડેડપૂલમાં માત્ર લક ને જ સુપરપાવર ગણવાની વાત પણ છે. મૂવી વિધિન મૂવી પરની કોમેન્ટ્સ પણ. રોબોકોપથી લઈ ટાઈમ ટ્રાવેલર્સ વાઈફ-સુધીના ડઝનબંધ અંગ્રેજી મૂવીઝના પાસિંગ રેફરન્સીઝથી મજાકો ઊભી કરાઈ છે.

પણ આનંદનો ઓચ્છવ એ છે કે એનું હિન્દી ડબીંગ પણ એકદમ ફાડૂ થયું છે, ભીડૂ! ટ્રાન્સલેશનને બદલે ટ્રાન્સક્રિએશન છે! આપણી ફિલ્મો ને સિચ્યુએશનન્સ પર ગણતા થાકી જાવ એટલા તીર છોડવામાં આવ્યા છે હિન્દીમાં! એક જગ્યાએ સુપરહીરોની ભરતીમાં કહેવાય છે - આધારકાર્ડ લિંક કરાવો! બીજે કહેવાય છે બાહુબલીથી સાઉથમાં નીચે છું. પણ ઓવરસીઝમાં એને ખાઈ ગયેલો! ક્લાસિક શૉટ છે સિગારેટ સાથેનો જેમાં કહેવાયું છે : થિએટરમાં મૂકેશ (હરાણે, પેલી પકાઉ જાહેરાત)ના ફેફસાં જોઈ ડર નથી લાગતો? ધુમ્રપાન સેહત કે લિયે હાનિકારક હૈ! એક સીનમાં બિના ઓડિયન્સ મરના નહિ ચાહતા કરીને છેલ્લા ડચકાં લેતું પાત્ર ડાયલોગ બોલવામાં અમિતાભને યાદ કરે છે! ખીખીખી. આ છે મસ્તીનો મિજાજ.

ઈટ મીન્સ, આપણી પાસે મજાકિયા 'મેટા' ક્રિએટ કરનારા ભેજાંઓની કમી નથી. (ચેક ધ ટ્વીટર!) પણ હજુ એ પચાવનારા ઓડિયન્સની ટ્રેર્નિંગ બાકી છે! સહી પકડે હૈ ન! વ્હાય સો સિરિયસ? જરાક ભાર હળવો કરી જોવો, રિલેક્સ થશો!

ફાસ્ટ ફોરવર્ડ

ઉસને જી ભર કે મુજે ચાહા...
ફિર ઉસ કા  જી ભર ગયા!