Get The App

સમયાંતર- લલિત ખંભાયતા

કોલંબસ હીરો કે ઝીરો?: ૫૨૫ વર્ષે ઉભો થયેલો સવાલ!

Updated: Oct 15th, 2017

GS TEAM

Google News
Google News

સવા પાંચસો વર્ષ પહેલા કોલંબસે નવી દુનિયામાં પગલાં પાડયા એ ઈતિહાસની અત્યંત મહત્ત્વપૂર્ણ ઘટના છે. ૧૯મી સદીના અમેરિકન ચિત્રકાર જોન વેન્ડરલીને એ ઐતિહાસિક ક્ષણને આ રીતે ચિત્રમાં રજૂ કરી છે.

ક્રિસ્ટોફર કોલંબસે બરાબર સવા પાંચસો વર્ષ પહેલા અમેરિકા તરફનો મારગ શોધ્યો હતો. હવે પાંચ સદી પછી અમેરિકામાં 'કોલંબસ ડે' ઉજવવો કે નહીં તેનો વિવાદ ચગ્યો છે

સમયાંતર- લલિત ખંભાયતા 1 - imageન્યૂયોર્ક શહેરના મેનહટ્ટન વિસ્તારમાં વિવિધ રસ્તા ભેગા થાય ત્યાં એક સર્કલ છે. સર્કલ વચ્ચે કદાવર ઊંચો થાંભલો અને તેના ઉપર સાત ફીટનું એક પૂતળું છે. એ પૂતળાંને અત્યારે ચો-તરફથી પોલીસ ઘેરીને ઉભી છે! કેમ? કેમ કે એ પૂતળું ક્રિસ્ટોફર કોલંબસનું છે, એ કોલંબસ જેને ઈતિહાસ મહાન સાગરખેડૂ ગણાવે છે.

ઈતિહાસમાં જે વાત હોય એ પણ અમેરિકાની વર્તમાન પેઢીને મન કોલંબસ હિરો નથી. કોલંબસ તો હવે રહ્યો નથી. પણ તેના પૂતળાં કે સ્મારકો પણ અમારા દેશમાં ન જોઈએ એવી ડિમાન્ડ અમેરિકામાં ફાટી નીકળી છે. એટલે જ કોલંબસના પૂતળાને વિરોધીઓ નુકસાન ન કરે એ હેતુથી ન્યૂયોર્ક પોલીસ બીજા સાતેય કામ પડતાં મૂકીને પૂતળાંની પહેરેદારી કરવા ઉભી ગઈ છે!

આગામી ૧૨મી ઑક્ટોબરે બરાબર ૫૨૫મો 'કોલંબસ ડે' છે. કેમ કે સવા પાંચસો વર્ષ પહેલા ૧૪૯૨ની ૧૨મી ઑક્ટોબરે કોલંબસે 'નવી દુનિયા (ન્યૂ વર્લ્ડ)' કહેવાતા અમેરિકા ખંડના એક ટાપુ પર પગ મૂક્યો હતો.

એ વખતે કોલંબસે જે કર્યું હોય એ પણ તેની શોધખોળથી તેના પાપ ધોવાઈ નથી જતાં. ઘણા અમેરિકનો એટલે જ 'કોલંબસ મૂક્ત' અમેરિકાની ચળવળ ચલાવી રહ્યાં છે. તેની શરૃઆત તો જોકે ૨૫ વર્ષ પહેલા ૧૯૯૨માં જ થઈ હતી. જ્યારે કોલંબસની સાહસયાત્રાના ૫૦૦ વર્ષની ભવ્ય ઉજવણી થઈ રહી હતી. એ પછીથી નિયમિત રીતે અમેરિકામાં કોલંબસનો વિરોધ થતો રહ્યો છે.

આપણે ત્યાં અપલખણી પ્રજા મહાનુભાવોના પૂતળા સાથે છેડછાડ કરે એવી જ સ્થિતિ અમેરિકામાં પણ સર્જાઈ ચૂકી છે. અગાઉ કોલંબસના પૂતળા પર કોઈએ રાતો કલર ઢોળ્યો હતો કેમ કે એ હત્યારો હતો. તો વળી કાળા કામો કર્યા હોવાથી કાળા કલરના પીંછડા પણ માર્યા હતા.

આગામી અઠવાડિયે સવા પાંચસો વર્ષની ઉજવણી થાય એ પહેલા ફરીથી માથાકૂટ શરૃ થઈ છે : કોલંબસને હિરો ગણવો કે ઝીરો?

તેનો જવાબ ઈતિહાસમાંથી મળશે..

યુરોપની પ્રજા પંદરમી સદીમાં એશિયાના બે સમૃદ્ધ દેશ નામે ભારત અને ચીન સુધી પહોંચવા માટે દરિયાઈ માર્ગની શોધખોળ કરી રહી હી. દરિયાઈ માર્ગ શોધવા માટે કલેજું જોઈએ, દરિયાઈ સફરનું જ્ઞાાન જોઈએ.

પરંતુ આજે ટેકનોલોજીમાં આગળ પડતાં ગણાતા યુરોપની હાલત ત્યારે એવી હતી કે પૃથ્વીનો સરખો નકશો પણ તેમની પાસે ન હતો. પૃથ્વી ગોળ કે ચોરસ કે લંબચોરસ એવી ચર્ચાઓ ચાલતી હતી. એ સમયમાં કોણ હિંમત કરે યુરોપથી પૂર્વમાં આવેલા દેશ ભારત સુધી પહોંચવાની?

સંશોધકો વિવિધ તોડ શોધી રહ્યાં હતા એ વખતે સાહસિક વૃત્તિ ધરાવતા દરિયા પ્રેમી યુવાન કોલંબસે સ્પેનના રાજા ફર્ડિનાન્ડ અને રાણી ઈસાબેલા સામે પ્રસ્તાવ મૂક્યો. મને થોડો ખર્ચો-પાણી આપો, હું પૂર્વમાં જઈ ભારત શોધી લાવીશ. કોલંબસ રાજાને એવી ઑફર આપી કે વારંવાર ના પાડયા પછી તેમણે હા પાડવી પડી.

ઑફર લૂંટમાં ભાગ આપવાની હતી. કોલંબસનો (અને એ સમયના ઘણા યુરોપિયન દેશોનો પણ) ઈરાદો નવા દેશો શોધીને ત્યાં રહેલી સમૃદ્ધિ લૂંટવાનો જ હતો. આમેય માર્કોપોલોએ ભારત અને ચીનની સમૃદ્ધિનું વર્ણન કર્યું એ પછી યુરોપના દેશોને જટ લૂંટી લેવાની તાલાવેલી ઉપડી હતી.

કોલંબસે રાજા-રાણીને કહ્યું કે જે મળશે એમાંથી ૯૦ ટકા સામગ્રી તમારી, દસ ટકા મારી. સોદો પાકો થયો. કોલંબસે ૩ જહાજ તૈયાર કરાવ્યા. સૌથી મોટું જહાજ 'સાન્તા મારિયા' હતું, સાથે બે નાના જહાજો 'પિન્ટા' અને 'નીના' પણ લીધા.

૧૪૯૨ની ૩જી ઑગસ્ટે સ્પેનના પોલાસ બંદરેથી ધમધમાટ કરતાં ત્રણેય જહાજો ઉપડયા. અગાઉ કોઈએ આવી દૂરની સફર કરી ન હતી. ૪૧ વર્ષના કોલંબસના નેતૃત્ત્વ પર બધાને શરૃઆતમાં તો વિશ્વાસ પડયો પરંતુ જહાજો યુરોપના કાંઠાથી દૂર પહોંચ્યા એ સાથે જ વાંધા-વચકા શરૃ થયા. કોલંબસે માંડમાંડ નાવિકો સમજાવ્યા અને કહ્યું કે સામા છેડે સમૃદ્ધિના ઘડા ભર્યા છે અને આપણી જ રાહ જૂએ છે.

યુરોપથી ભારત પૂર્વ દિશાએ આવેલો દેશ હતો. પરંતુ ધરતી ગોળ છે એવુ જાણી ચૂકેલા કોલંબસે ડાબા હાથે જમણો કાન પકડવાનું નક્કી કર્યું હતું. કોલંબસે એવી ગણતરી કરી હતી કે ધરતી ગોળ છે એટલે પૂર્વને બદલે પશ્ચિમમાં ચાલ્યા જ કરીએ.. ચાલ્યા જ કરીએ.. તો આખરે જે કાંઠો આવે એ ભારતનો હોય કે નહીં?

એ વખતે યુરોપિયનોને ખબર ન હતી કે યુરોપથી રવાના થયા પછી એટલાન્ટિકના સામા છેડે અમેરિકા નામનો કદાવર ખંડ દરિયામાં આડા પડખે થયેલો છે. એટલે કોલંબસ માનતો હતો કે આપણા રસ્તામાં જે પહેલો જમીન કાંઠો આવે એ ભારતનો જ હોવાનો.

બે મહિના કરતા વધુ સમય સુધી સફર પશ્ચિમ દિશાએ ચાલ્યા કરી. ૯મી ઑક્ટોબરની એ રાત હતી. આકાશમાં ચળકતા તારલા વચ્ચે નાવિકોને કેટલાંક પક્ષીનું ઝૂંડ જોવા મળ્યું. મધદરિયે ન જોવા મળે એવા પક્ષી અહીં ક્યાંથી? થોડા સમયમાં સમજાયુ કે કાંઠો નજીક છે. ૧૧મીની મધરાતે કાંઠા પાસે પહોંચ્યા અને ૧૨મી તારીખે જમીન પર પગ મૂક્યો (સમગ્ર પ્રવાસની નોંધ કોલંબસ પોતાની ડાયરીમાં અને બીજા સાથીદારો પોતાની ડાયરીમાં કરતા હતા).

કોલંબસ જેને ભારત માનતો હતો એ કાંઠો હકીકતે તો બહામાસ ટાપુ સમુહના એક ટાપુ સાન સાલ્વાડોરનો કાંઠો હતો. અહીંના અશ્વેત પ્રજાજનોને તે ભારતીય માની બેઠો એટલે તેને ઈન્ડિયન ગણી લીધા (આખો વિસ્તાર હવે વેસ્ટ ઈન્ડિઝ નામે ઓળખાય છે). અહીં કોલંબસે થોડો સમય રોકાણ કરી આગળ સફર કરી હિસ્પાનોલા ટાપુના કાંઠે લંગર નાખ્યા. એ ટાપુ પર આજે હૈતી અને ડોમિનિક રિપબ્લિક એમ બે દેશો વસે છે.

કોલંબસના ઉતરાણ સાથે જ યુરોપિયનોનો અમેરિકા સાથેનો તંતુ સંધાયો. ભલે અમેરિકાની મૂખ્યભૂમિ પર નહીં, પણ અમેરિકાની ભૂમિને અડીને આવેલા ટાપુ સુધી પહોંચીને કોલંબસે અમેરિકાનો દરવાજો ખોલી આપ્યો હતો. જોકે ૧૫૦૬માં ૫૪ વર્ષની વયે મૃત્યુ પામેલા કોલંબસને છેવટ સુધી એમ જ હતું, કે તેણે ભારત નામનો મહાન પ્રદેશ શોધી કાઢ્યો છે.

ત્રણેક મહિના સુધી આ વિસ્તારના વિવિધ ટાપુમાં ફરી જાન્યુઆરી ૧૪૯૩માં સ્પેન પરત ફરવા માટે જહાજોએ સઢ ખુલ્લાં મૂક્યા. એ વખતે કોલંબસે દગાપૂર્વક પોતાની સાથે સ્થાનિક ટાપુવાસીઓને કેદ કર્યાં હતા. અહીંથી થોડું સોનુ મળ્યું હતું એ પણ લઈ લીધું. સ્પેનના રાજાને બતાવવા કંઈક તો જોઈએ ને! કેટલાક નાવિકોને કોલંબસે ત્યાં જ રાખી દીધા, જેમણે કોલંબસ પરત આવે ત્યાં સુધી નવા શોધાયેલા 'ભારતવર્ષ' પર સત્તા ચલાવાની હતી.

કોલંબસ સ્પેન પહોંચ્યો, પોતાની શોધખોળનો રિપોર્ટ રજૂ કર્યો અને હવે નવાં શોધેલા પ્રદેશને લૂંટવા માટે વધુ માણસો સાથે જવું જોઈશે એમ નક્કી કર્યું. થોડુ સોનુ મળ્યું હતું એટલે સ્પેનિશ રાજવીએ પણ કોલંબસને વધારે કાફલો ફાળવી દીધો. એકાદ વર્ષ પછી સપ્ટેમ્બર ૧૪૯૩માં કોલંબસ ફરીથી પશ્ચિમની સફરે ઉપડયો. આ વખતે કુલ ૧૭ જહાજ અને તેમાં ૧૨૦૦ મુસાફરો હતા.

કોલંબસ સાથે ખેડૂત, સૈનિકો, વેપારી, ઘેટાં, ઘોડાં, ગાય.. વગેરે ઉપરાંત યુરોપિયનો માટે ત્યારે અનિવાર્ય ગણાતા પાદરી પણ હતા. કેમ કે કોલંબસ આ વખતે ત્યાં જઈને કાયમી ધોરણે સ્પેનિશ થાણુ સ્થાપવા માંગતો હતો. સ્થાનિક લોકોને લૂંટવા અને તેમના પર રાજ કરવા માટે સ્ટાફ જોઈએ. માટે આ બધો તામ-જામ સાથે લીધો હતો.

ફરતાં ફરતાં કોલંબસ હિસ્પાનોલા પહોંચ્યો ત્યારે ખબર પડી કે સ્થાનિક લોકો સાથેની લડાઈમાં બધા નાવિકો માર્યા ગયા છે, જેને કોલંબસે પહેલી સફર વખતે અહીં રાખ્યા હતા. કોલંબસનો ઈરાદો વેપાર-ધંધો કરવાને બદલે જે પ્રદેશ મળે ત્યાંની પ્રજાને દાબમાં રાખી, તેમના પર રાજ કરી, ત્યાં જે સમૃદ્ધિ હોય એ તાણીને સ્પેનભેગી કરવાની હતી. તેનો ઈરાદો સારો ન હતો, કે ન હતો એ પોતે દૂધે ધેયેલો!

પોતાના મિત્રો માટે સ્થાનિક પ્રજાતિની યુવતીને કેદ કરીને ગિફ્ટ કરવાની પરંપરા પણ કોલંબસે ઉભી કરી હતી. વધુ કેટલાક પ્રદેશો ફરી વધુ નવા આદિવાસી કેદ કરી, મળ્યું એટલું સોનુ લઈ કોલંબસ સ્પેન પરત આવ્યો. પરંતુ જોઈએ એટલું સોનુ મળી શક્યું ન હતું.

થોડો સમય પોરો ખાઈને કોલંબસ ફરીથી ૧૪૯૮માં ૬ જહાજો સાથે નીકળી પડયો. આ વખતે સફર જઈને અટકી વેનેઝૂએલાના કાંઠે. પહેલી વખત કોલંબસે કોઈ ખંડની મૂખ્ય ભૂમિ કહી શકાય એવી જગ્યાએ પગ મૂક્યો હતો (વેનેઝૂએલા દક્ષિણ અમેરિકા ખંડનો ભાગ છે). આ ત્રીજી સફર ખુદ કોલંબસને ભારે પડી.

નાવિકો દર વખતે સોનાનો ઢગલો મળી જશે, હીરા-મોતીનો ખજાનો આપણી રાહ જોઈને બેઠો છે.. એવી અપેક્ષાએ કોલંબસ સાથે જોડાતા હતા. પરંતુ એવુ કશું ન મળતાં નાવિકોએ રાજાને ફરિયાદ કરી. એટલે સ્પેનિશ રાજાએ બીજા કેટલાક સૈનિકો મોકલીને કોલંબસને કેદ કરાવી સ્પેનભેગો કરી દીધો. કોલંબસ થોડા વર્ષ તો શાંત બેસી રહ્યો પરંતુ ફરીથી તેણે રાજાને સમજાવી લીધા કે હજુ એક સફર તો કરવી જ પડશે..

મે, ૧૫૦૨માં કોલંબસની ચોથી સફર આરંભાી. આ વખતે પણ કોલંબસને ભારતની સમૃદ્ધિ મળવાને બદલે દક્ષિણ અમેરિકા ખંડ અને તેના કાંઠે ફેલાયેલા ટાપુ જ મળ્યાં. બેએક વર્ષ સુધી અહીં તહીં ભટકીને કોલંબસ ફરીથી ૧૫૦૪ની ૭મી નવેમ્બરે સ્પેન પરત ફર્યો.

કોલંબસને ભારતને બદલે અમેરિકા ખંડનો કાંઠો મળી આવ્યો હતો. થોડુંક સોનુ મળ્યુ એટલે સ્પેનથી બીજા જહાજો પણ દક્ષિણ અમેરિકા ખંડના કાંઠે ઠલવાયા. ફ્રાન્સિસકો ઓરલાના જેવા સાહસિકો તો કાંઠો મૂકીને દક્ષિણ અમેરિકા ખંડના ગાઢ જંગલોમાં છૂપાયેલા સોનાના નગર શોધવા ફરી વળ્યા.

કેટલાક સ્થળેથી અઢળક સોનું પણ મળ્યું એટલે સ્પેનિશોએ દક્ષિણ અમેરિકા પર કાયમી ધોરણે પોતાના ઝંડા ખોડી દીધા. એ રીતે કોલંબસના પ્રવાસથી આડકતરી રીતે સ્પેનને સમૃદ્ધિના દ્વાર મળી આવ્યા. બાકી અમેરિકાની ધરતી પર પગ તો કોલંબસના ૫૦૦ વર્ષ પહેલા યુરોપથી આવેલા વાઈકિંગ લોકોએ મૂક્યા હતા.

સ્પેન સોનાથી ઝળહળી રહ્યું હતું એ વખતે જ જેના નામની આગળ 'મહાન મુસાફર' એવુ વિશેષણ લાગે છે એ કોલંબસના જીવનનો અંધકારયુગ શરૃ થઈ ગયો હતો. તેણે અનેક લોકોની હત્યા કરી હતી, નિર્દોષને કેદ કર્યાં હતા, મહિલાઓ પર અત્યાચાર ગુજાર્યા હતા. એ બધા કરેલા કરમના બદલા દેવા પડયાં. કોલંબસ છેવટે તો એટલી કંગાળ હાલતમાં આવી પડયો હતો કે ખાવા માટે ધાન પણ રહ્યું ન હતું. એ સ્થિતિમાં એ બે વર્ષ માંડ જીવી શક્યો.

હવે અમેરિકામાં ઘણા લોકોને એવુ લાગે છે કે કોલંબસે એવુ કંઈ કર્યું નથી કે તેને હિરો ગણીને જ્યાં-ત્યાં પૂતળા ઉભાં કરવા જોઈએ. કોલંબસ ડે પણ ન ઉજવવો જોઈએ. હિરો ગણવો કે ઝિરો એ માત્ર અમેરિકા માટે નહીં, આખી દુનિયાના ઈતિહાસકારો માટે મહત્ત્વનો પ્રશ્ન છે.

મૃત્યુ પછી કોલંબસને કેટલા ગજ જમીન મળી?

સ્પેનના વાલેડિલ્ડ શહેરમાં તેનું મોત થયુ ત્યારે ત્યાં જ કોલંબસને દફનાવાયો હતો. પરંતુ થોડા સમય પછી સેવિલ શહેરમાં મૃતદેહને સ્થળાંતરિત કરાયો કેમ કે કોલંબસના દીકરાના વસિયતનામાં એમ લખ્યું હતું. થોડા વર્ષો ત્યાં રહ્યા પછી ૧૫૪૨માં ફરી મૃતદેહના બાકી રહેલા અવશેષો ત્યાંથી ઉપાડી એટલાન્ટિક પાર કરીને છેક ડોમિનિક રિપબ્લિક(હિસ્પાનોલા )માં લઈ જવાયા.

અઢીસો વર્ષ સુધી કોલંબસની સમાધિ ત્યાં રહી. એ પછી વળી અવશેષો ક્યુબા લઈ જવાયા. અહીં એક સદી સુધી કોલંબસને શાંતિથી સુવા દેવાયો. ક્યુબા આઝાદ થયું એ પછી ફરીથી અવશેષો ઉપાડીને સ્પેનના સેવિલમાં લવાયા. આજે સેવિલના જ એક ચર્ચમાં તેના મૃત અવશેષોને રખાયા છે. મૃત્યુ પછી બે ગજ જમીન જોઈએ.. પરંતુ એય કોલંબસને માંડ મળી છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :