સમયાંતર - લલિત ખંભાયતા
બેઝોસ, મસ્ક, બ્રોન્સન ત્રિપુટી વચ્ચે સ્પેસ-રેસ!
સમાનવ ચંદ્રયાત્રા કરી લીધા પછી, અમેરિકા-રશિયા વચ્ચે કૉલ્ડ વૉર પુરું થયા પછી દુનિયાની અગ્રણી અવકાશ સંશોધન સંસ્થાઓએ સમાનવ અવકાશ પ્રવાસ, મંગળની સફર.. વગેરે વિચાર માંડી વાળ્યાં હતા. એ પછી મેદાનમાં આવેલા ત્રણ સાહસિક ઉદ્યોગપતિઓએ ફરીથી અવકાશમાં પહોંચવાની સ્પર્ધા શરૃ કરી છે. ત્રણેય પાસે પૈસાની કમી નથી અને ટેકનોલોજી સતત તેમનો સાથ આપી રહી છે. એટલે હવે કોણ અવકાશમાં પહેલા પહોંચે, કોણ વધુ દૂર પહોંચેે તેની રસાકસી જામી છે.
રિચાર્ડ બ્રોન્સન દુર્ઘટના સે દેર ભલી
'જો ૨૦૧૮ના અંત સુધીમાં હું ખાનગી અવકાશ પ્રવાસ નહીં યોજી શકું તો મને બહુ દુ:ખ થશે..' અવકાશ પ્રવાસ માટે જ ખાસ 'વર્જિન ગ્લેક્ટિક' નામની કંપની સ્થાપી ચૂકેલા બ્રિટિશ ઉદ્યોગ સાહસિક રિચાર્ડ બ્રોન્સને આવું વિધાન ૨૦૧૭માં કર્યુ હતું. હજુ ૨૦૧૮નું વર્ષ પુરું થયુ નથી એટલે એ ખોટા પડશે કે નહીં એ અત્યારે કહી શકાય નહીં. અલબત્ત, ૨૦૧૭ના ઑક્ટોબરમાં રિચાર્ડે એવુ પણ કહ્યું હતુ કે ૬ મહિનામાં પોતે સ્પેસમાં જશે, પણ એ વાત સાચી સાબિત નથી થઈ. આમેય અવકાશ પ્રવાસનું કામકાજ ભારતીય રેલવેતંત્ર જેવુ છે. ભાગ્યે જ તેની ગાડી નિર્ધારિત સમયે ચાલતી હોય!
પ્રયોગશાળામાં કામકાજ ક્યાં પહોંચ્યુ એ જાણ્યા વગર જ મનફાવે એ તારીખ જાહેર કરી દેવાની રિચાર્ડને બહુ જૂની આદત છે. એટલે ૨૦૦૪માં તેમણે એવુ કહ્યું હતુ કે ૨૦૦૭ સુધીમાં તો હું તમને સ્પેસ ટ્રાવેલ કરી દેખાડીશ. પણ હજુ સુધી એ સમય આવ્યો નથી. ડેડલાઈન ચૂકી જવી રિચાર્ડ માટે નવી વાત નથી.
રિચાર્ડ બ્રોન્સન 'વર્જિન ગૂ્રપ'ના માલિક છે. આ ગૂ્રપ અનેક પ્રકારના ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલું છે અને દુનિયાભરમાં તેનો બિઝનેસ ફેલાયેલો છે. ૧૯૬૦ના દાયકાથી અવકાશમાં રસ ધરાવતા રિચાર્ડે ૨૦૦૪માં 'વર્જિન ગ્લેક્ટિક (ગ્લેક્ટિક એટલે આકાશગંગા સાથે સબંધિત)' નામની કંપની સ્થાપી દીધી, જેનું કામ જ સ્પેસ ટ્રાવેલ ડિઝાઈન કરવાનું છે.
રિચાર્ડની પોતાની સાહસિક વૃત્તિનો પાર નથી. બલૂનમાં બેસી સફર કરવી, ઝડપથી એટલાન્ટિક મહાસાગર પાર કરવો.. વગેરે વિક્રમો તેમણે નોંધાવ્યા છે. જળ-જમીન-આકાશમાં વિક્રમ નોંધાવ્યા પછી બાકી રહેતું એકમાત્ર ક્ષેત્ર અવકાશ હતું. માટે તેમણે હવે તેના જેેવા ઉદ્યોગપતિઓને જ પોસાય એવા સ્પેસ ટ્રાવેલના બિઝનેસમાં ઝંપલાવ્યું છે. એ પ્રવાસ માટે તેમણે 'સ્પેસશિપ ટુ' નામના બે વિશિષ્ટ વિમાન તૈયાર કર્યાં છે, પરંતુ હજુ સુધી તેમાં બેસીને અવકાશ પ્રવાસનો મોકો આવ્યો નથી. આગળ જતાં અવકાશ પ્રવાસનો ધંધો વધે એમ આવા વિમાનોની સંખ્યા પણ પાંચ કરી દેવાનો તેમનો ઇરાદો છે.
૨૦૧૪માં બે સ્પેપશિપ પૈકીનું એક 'વીએસએસ એન્ટરપ્રાઈઝ' કેલિફોર્નિયાના રણમાં તૂટી પડયું હતું, એ સાથે અવકાશ પ્રવાસનાં સપનાંમાં પણ તીરાડ પડી હતી. હવે એક સ્પેસશિપ 'વીએસએસ યુનિટી' બચ્યું છે, જેને અત્યાર સુધી તો વિવિધ પ્રયોગો દરમિયાન ખાસ વાંધો નથી આવ્યો.
આ દરેક સ્પેસશિપમાં ૬ મુસાફર હશે, બે પાઈલટ હશે. અમેરિકાના મેક્સિકોના રણમાં તેમણે સ્પેસપોર્ટ બનાવ્યું છે, જ્યાંથી ફ્લાઈટ રવાના થશે.
ફ્લાઈટ તૈયાર થયા પછી એક પ્રવાસીને અંદાજે અઢી લાખ ડૉલરની વાજબી ટિકિટમાં એ અવકાશમાં લઈ જવા માંગે છે. રિચાર્ડે તો વેપારી છે, એટલે ફ્લાઈટ તૈયાર થાય એ પહેલા તેણે અઢી લાખ ડૉલરની ૭૦૦ ટિકિટ વેચી પણ નાખી છે! પરંતુ પ્રવાસ ખોરંભે ચડયા પછી વધારે ટિકિટોનું વેચાણ હાલ અટકાવી દેવાયું છે. એવુ પણ કહેવાય છે કે ટિકિટ ખરીદનારાઓમાં હોલિવૂડ એક્ટર ટોમ હેન્ક્સ, એન્જેલિના જોલી, બ્રાડ પિટ વગેરે પણ છે. અવકાશ વિજ્ઞાાની સ્ટિવન હૉકિંગનું પણ નામ હતું, પરંતુ હવે એ રહ્યા નથી.
રિચાર્ડનું આયોજન પ્રમાણમાં સરળ છે. કેમ કે તેઓ પ્રવાસીઓને દૂર અવકાશમાં કે પછી ચંદ્ર-મંગળ પર લઈ જવાના સપનાં નથી બતાવતા. તેના બદલે પૃથ્વીના વાતાવરણની બહાર સુધી (૧૦૦ કિલોમીટરથી વધારે ઊંચે) જ લઈ જવા ઈચ્છે છે. નાનાં બાળકને મોટરસાઈકલની ટાંકી પર બેસાડી ચક્કર મારવાના બહાને ઘર આસ-પાસ ફેરવવા જેવી એ વાત છે. તો પણ સ્પેસ પ્રવાસ અઘરો છે અને તેમાં અનેક જટીલતાઓ છે. આ પ્રવાસ દ્વારા (અઢી લાખ ડૉલર ખર્ચી શકે એવી) સામાન્ય વ્યક્તિ પૃથ્વી અવકાશમાંથી કેવી લાગે એ જોઈ શકે, અવકાશ પ્રવાસનો અનુભવ કરી શકે અને સલામત રીતે પૃથ્વી પર પરત આવી શકે.. એવો ઈરાદો છે.
'વારંવાર મોડું કેમ કરતાં જાઓ છો..' એવો સવાલ પૂછાય ત્યારે કંપનીના અધિકારી 'દુર્ઘટના સે દેર ભલી' પ્રકારનો જવાબ આપે છે, જે તાર્કિક પણ છે. નવા પ્રકારના સાહસની શરૃઆત હોવાથી સલામતીનું ધ્યાન રાખવું જ પડે. સલામતીના માપદંડો પાર કરવામાં હાલ પ્રોજેક્ટ મોડો થઈ રહ્યો છે. પુરતી સલામતી જાળવ્યા વગર વિમાન રવાના કરી દેવાય તો અત્યારે ખાલી સ્પેસશિપ ભડકો થાય છે, એમ પ્રવાસીઓ સાથે પણ થઈ શકે.
ઈલોન મસ્ક વિશ્વયુદ્ધ પહેલાંમંગળ પર..
આફ્રિકામાં જન્મેલા અને હવે અમેરિકામાં બિઝનેસ જમાવી ચૂકેલા ઈલોન મસ્કને પણ અવકાશ પ્રવાસનો બહુ શોખ છે. જોકે તેણે શોખને ક્યારનો બિઝનેસમાં પરિવર્તિત કરી નાખ્યો છે. 'ચંદ્ર પર જઈશું..' 'મંગળ પર સમાનવ યાન મોકલીશું..' વગેરે જાહેરાત તેમણે કરી છે. સાથે સાથે તેમણે અવકાશમાં સામગ્રી મોકલવા માટે આંગડિયા સર્વિસ જેવા રોકેટ તો ક્યારના ચાલુ કરી દીધા છે.
ઈલોને ૨૦૦૨માં 'સ્પેસ-એક્સ' નામની કંપની સ્થાપી. આ કંપની બે પ્રકારની કામગીરી કરે છે, એક તો સ્પેસ ટ્રાન્સપોર્ટેશન અને બીજું સ્પેસ ટ્રાવેલનું આયોજન. પૃથ્વીની કક્ષામાં ૪૦૦ કિલોમીટર ઊંચે 'ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશ' પ્રદક્ષિણા કરે છે.
સ્પેસ સ્ટેશન સુધી સામાન તથા અવકાશયાત્રીઓ પહોંચાડવા માટે 'નાસા' પાસે સ્પેસ શટલ હતા. ૨૦૧૧માં છેલ્લું સ્પેસ શટલ નિવૃત્ત થયાં પછી સામાન અને અવકાશયાત્રીઓને મોકલવા માટે સ્પેસ ટ્રાવેલ કરી શકે એવા રોકેટની જરૃર હતી જ. એ કામગીરી સ્પેસ-એક્સ દ્વારા બનાવેલા 'ફાલ્કન' સિરિઝના રોકેટે સંભાળી લીધી. અત્યારે સ્પેસ-એક્સ પાસે ફાલ્કન કહેવાતા એકથી વધુ રોકેટ છે, જે નિયમિત રીતે નાસાનો સામાન અને અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશન સુધી પહોંચાડી આપે છે.
એ રીતે ઈલોનની કંપની સ્પેસ એક્સનું સ્પેસમાં પદાર્પણ તો થઈ ચૂક્યું છે. નાસા અત્યાર સુધી તો સ્પેસ એક્સના કામથી સંતુષ્ટ છે, ખાસ કોઈ મોટો અકસ્માત પણ સર્જાયો નથી. ૨૦૦૧માં સ્પેસ એક્સનું રોકેટ માત્ર ૧ વખત ઉડયું હતું, એ વધતું વધતું ૨૦૧૭માં ૧૮ લૉન્ચિંગ સુધી પહોંચ્યુ છે. હવે રોકેટની સફળતાથી ઈલોનને અટકવું નથી. તેનું ધ્યેય છેક મંગળ છે. એ માટે તેમણે ૨૦૨૫-૩૦ સુધીની તૈયારી પણ રાખી છે. એ માટેનું તડામાર કામ સ્પેસ-એક્સની લેબોરેટરીમાં ચાલી રહ્યું છે.
મંગળ સુધી પહોંચવા ઈલોને 'ફાલ્કન હેવી' નામનું ૧૪.૨૦ લાખ કિલોગ્રામ વજન ધરાવતું તોતિંગ રોકેટ તૈયાર કરી હમણાં જ તેનું સફળ પરીક્ષણ કરી દેખાડયું છે. આ રોકેટ દ્વારા જ આજે નહીં તો કાલે મંગળ સુધી જવાનો ઈલોનનો કાર્યક્રમ છે. 'ટેસ્લા' નામની કાર ઉત્પાદક કંપનીના મૂળ ઈલોન માલિક છે. માટે રોકેટ સાથે તેમણે એક ખાલી કાર પણ અવકાશમાં રવાના કરી, જે હવે આમ-તેમ ઘૂમી રહી છે.
ફાલ્કન નામના 'સ્ટાર વોર્સ' સિરિયલના રોકેટ 'મિલેનિયમ ફાલ્કન' પરથી નામ પામેલું આ રોકેટ મંગળ સુધી જશે ત્યારે ૧૬,૮૦૦ કિલોગ્રામ વજન લઈ જઈ શકશે. ઈલોન મસ્કનું આયોજન અત્યારે તરંગી લાગે એવું છે. પૃથ્વી પર વસતી સતત વધી રહી છે. કોઈક બીજા ગ્રહ પર જગ્યા મળે તો રહેવા જવાની ઈચ્છા હોય એવો વર્ગ મોટો છે. ઈલોન પણ એમ જ ઈચ્છે છે કે મંગળ પર કો-ઓપરેટિવ ટાઈપની સોસાયટી સ્થપાય અને અહીંથી ગયેલા પ્રવાસીઓ ત્યાં રહે. હાલતા તબક્કે મંગળ પર જનારા પ્રવાસીઓને પરત લાવવાનું કોઈ આયોજન નથી.
ઈલોન ક્રમશ: આગળ વધે છે. માત્ર ત્યાં ક્રૂ મોકલી દેવાની વાત નથી, એ રહી શકે એટલા માટે કોલોની વસાવવા માટે પણ અહીં જ તેઓ તૈયારી કરી રહ્યાં છે. તેની ગણતરી પ્રમાણે બધુ ચાલે તો ૨૦૪૦થી લઈને ૨૧૦૦ સુધીમાં મંગળ પર દસ લાખ લોકો જઈ શકશે. ઈલોન પોતાની ડેડલાઈનને પણ વળગી નથી રહ્યા. એટલે જ્યારે પૂછવામાં આવે કે મંગળ પર જવાની કોઈ ફાઈનલ તારીખ ખરી? ત્યારે જવાબ આપે કે ના.. પણ ત્રીજું વિશ્વયુદ્ધ શરૃ થાય એ પહેલા જતાં રહીશું. ૨૦૨૪થી શરૃ કરીને દર બે વર્ષે એક રોકેટ પૃથ્વી પરથી માલ-મત્તા લઈને રવાના થાય એવુ આયોજન છે. પછી તો જેમ સફળતા મળે એમ રોકેટની સંખ્યા અને ફ્રિકવન્સી બન્ને વધારી શકાય. ઈલોનના નામે ઘણી સફળતા નોંધાઈ છે, માટે એમની વાતો સાવ અધ્ધરતાલ નથી. એમની પાસે નક્કર આયોજન છે અને તેના જોરે જ એ 'મંગળ નડશે' એવા ડર વગર આગળ વધી રહ્યાં છે.
જેફ બેઝોસ પૃથ્વીના વિકલ્પની શોધ ચાલુ છે
ઈ-કોમર્સ સાઈટ 'એમેઝોન'ના માલિક અને અત્યારે દુનિયાના નંબર વન ધનપતિ (સંપત્તિ આશરેે ૧૨૦ અબજ ડૉલર) જેફ બેઝોસ સ્પેસ રેસના ત્રીજા અને સૌથી ખમતીધર ખેલાડી છે. એમની પાસે સંપત્તિની કોઈ કમી નથી, પરંતુ એ રેસમાં સૌથી પાછળ છે. બેઝોસે તેનું આયોજન બે તબક્કામાં જાહેર કર્યું છે. શરૃઆતમાં તેઓ સ્પેસ ટુરિઝમ વિકસાવવા માંગે છે. રિચાર્ડની માફક બેઝાસ પણ પ્રવાસીઓને અવકાશમાં ચોક્કસ ઊંચાઈ સુધી ચક્કર મરાવી પૃથ્વી પરત લાવશે. એટલે તેમની હરિફાઈ પણ રિચાર્ડ સાથે છે. ભવિષ્યમાં સ્પેસ કોલોની ઉભી કરવી એવો પણ ઉદ્દેશ છે. ત્યારે વળી તેની હરિફાઈ ઈલોન સાથે શરૃ થશે.
૨૦૦૪માં જ તેમણે 'બ્લુ ઓરિજિન' નામે કંપની સ્થાપી દીધી હતી. યાત્રી બેેસી શકે અને અવકાશમાં જઈ શકે એ માટેની કેપ્સ્યુલ બ્લુ ઓરિજિને તૈયાર કરી લીધી છે. ૨૦૧૫થી એ કેપ્સ્યુલનું ટેસ્ટિંગ ચાલુ છે. એક વખત લોન્ચ થયા પછી કેપ્સ્યુલ ફરીથી આવી શકે, લોન્ચ થઈ શકે એવી (રિ-યુઝેબલ) બનાવવા પર હાલ કામગીરી ચાલે છે. તો જ વધુ સંખ્યામાં પ્રવાસનું આયોજન કરી શકાય. આ કેપ્સ્યુલને તેમણે પ્રથમ અમેરિકી અવકાશયાત્રી એલન શેફર્ડના નામે 'ન્યુ શેફર્ડ' નામ આપ્યું છે.
બ્લુ ઓરિજિન એ પ્રોજેક્ટ બેઝોસ માટે સૌથી મહત્ત્વનો છે. તેમનો બિઝનેસ વિસ્તરી ચૂક્યો છે અને ઓનલાઈન શોપિંગના વેપારમાં હાલ તો મંદી આવવાની નથી. માટે બેઝોસે નક્કી કર્યું છે દર વર્ષે ૧ અબજ ડૉલર જેવી રકમ સ્પેસ ટ્રાવેલ એટલે કે બ્લુ ઓરિજિનના વિકાસ માટે ફાળવી દેવી. અંગત રીતે એ સ્પેસ ટ્રાવેલ પ્રોજેક્ટની દેખરેખ રાખી રહ્યા છે અને ૨૦૧૮ના અંત સુધીમાં પહેલી પ્રવાસી 'બસ' ઉપાડવા માંગે છે.
પોતે પાંચ વર્ષના બાળક હતા ત્યારથી અવકાશ બેઝોસને આકર્ષે છે. રાતે અગાસીમાં કે ખેતરમાં ખુલ્લામાં સુતી વખતે અસંખ્ય તારા દેખાય અને એ અવકાશમાં રસ પણ પડે. પરંતુ રસ પડે એ બધા પાસે બેઝોસ જેટલી સંપત્તિ હોતી નથી. બેઝોસે કેટલાક ઈન્ટર્વ્યૂમાં સ્પષ્ટ પણ કર્યું છે કે 'હું અને મારા સંતાનો આખી જિંદગી ખર્ચ કર્યા કરીએ તો પણ આ રકમ ખૂટવાની નથી. એટલે પછી મારી મહત્તમ સંપતિ સ્પેસ-પ્રવાસમાં રોકાય તેમાં જ મને વધુ રસ છે.'
પૃથ્વી પર વસતી વધી રહી છે, બળતણનો જથ્થો મર્યાદિત છે, તાપમાન પણ બગડી રહ્યું છે.. એ સંજોગોમાં અમુક સદી પછી પૃથ્વી પર રહેવાનું કામ મુશ્કેલ થઈ પડશે. ત્યારે શું કરીશું? તેનો વિચાર અત્યારથી બેઝોસે શરૃ કર્યો છે. અવકાશમાં જઈ શકેે, પરત આવી શકે એવું રોકેટ અને તેમાં પ્રવાસી ગોઠવવાની કેપ્સ્યુલ બેઝોસની કંપનીએ તૈયાર કરી લીધી છે. તેમાં ડમી પ્રવાસી બેસીને અનેક પ્રકારના પરીક્ષણો થયા છે, થઈ રહ્યાં છે. બ્લુ ઓરિજિનનું પણ નાસા અને અમેરિકાની બીજી સંસ્થા 'ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી' સાથે જોડાણ થયેલું છે, જ્યાંથી તેમને ટેકનોલોજીની મદદ મળે છે.
ઈલોન જે રીતે પોતાના કાર્યક્રમનું માર્કેટિંગ કરે છે, એટલું માર્કેટિંગ બેઝોસ નથી કરતા તેના બદલે પ્રોજેક્ટ પર વધારે ધ્યાન આપે છે.
જો બધું આયોજન પ્રમાણે પાર ઉતરશે તો પછી ૧ લાખથી ૨ લાખ ડૉલર વચ્ચેની ટિકિટ નક્કી કરી બેઝોસ સાહસ શોખીનોને અવકાશના પ્રવાસમાં લઈ જશે.