સમયાંતર- લલિત ખંભાયતા
આગામી યુદ્ધ રોબોટ્સ સામે લડાશે?
ન્યુઝિલેન્ડમાં એક રોબોટ ૨૦૨૦માં ચૂંટણી લડશે, તો રૃઢીચૂસ્ત સાઉદી અરબે રોબોટને નાગરિકતા આપી છે. રોબોટ્સનું વધતું મહત્ત્વ જોતા આગામી યુદ્ધ મેનકાઈન્ડ વર્સિસ રોબોટ્સનું હોઈ શકે...
ચેકોસ્લોવેકિયાના લેખક કારેલ ચપેક, તેણે એક સદી પહેલા લખેલી કથા 'રોસમ્સ યુનિવર્સલ રોબોટ્સ' અને એ પરથી ભજવાયેલા નાટકનું દૃશ્ય જેમાં છેલ્લે રોબોટ માણસો પર રાજ કરે છે.
રોબોટ એટલે શું?
કોમિક બુકમાં કે ટીવી સિરિયલોમાં માણસના આકાર સાથે મેળ ખાતા આકારના યંત્રો બતાવાય છે એ તો રોબોટ્સ છે જ. પણ માત્ર એ જ રોબોટ્સ નથી. એ ઉપરાંત ઓટોમેટિક કામ કરી શકતા દરેક યંત્રો વધતે ઓછે અંશે રોબોટ્સ જ છે. ડ્રાઈવર વગર ચાલતી કાર પણ એક પ્રકારની રોબો જ છે.
રોબોટની વ્યાખ્યા પ્રમાણે સૂચના આપી હોય એવુ કામ કરી શકે એવુ યંત્ર એટલે રોબોટ. પણ તેને ચાલુ કામગીરીએ સૂચના આપી શકાય, બહારથી એટલે કે રિમોટ દ્વારા સૂચના આપી શકાય, તેની અંદરનો પ્રોગ્રામ હોય તેમાં સૂચના ગોઠવી શકાય.. એ બધા જ રોબોટ થયા. એટલી માહિતીના આધારે એ વાત પણ સ્વિકારવી પડે કે રોબોટની વસતી આખા જગતમાં વધી રહી છે.
રોબોટની વસતી : ક્યાં કેટલી?
ક્યા દેશમાં દર દસ હજાર માણસો વચ્ચે કેટલા રોબોટ છે? ટોપ-૧૦ દેશોનું લિસ્ટ અહીં આપ્યું છે. આ રોબોટમાં માત્ર ઈન્ડસ્ટ્રીયલ પ્રકારના યંત્રમાનવોનો સમાવેશ થાય છે.
દેશ | રોબોટ સંખ્યા |
દક્ષિણ કોરિયા | ૩૪૭ |
જાપાન | ૩૩૯ |
જર્મની | ૨૬૧ |
ઈટાલિ | ૧૫૯ |
સ્વીડન | ૧૫૭ |
ડેન્માર્ક | ૧૪૫ |
અમેરિકા | ૧૩૫ |
સ્પેન | ૧૩૧ |
ફિનલેન્ડ | ૧૩૦ |
તાઈવાન | ૧૨૯ |
- તાઈવાનની મલ્ટિનેશનલ ઈલેક્ટ્રોનિક કંપની ફોક્સકોન ટેકનોલોજીએ ૬૦ હજાર કર્મચારીઓને કાઢી મુકી તેમના સ્થાને રોબોટને ભરતી કરવાનો નિર્ણય લીધો. ૨૦૧૬માં જ કંપનીએ એવા રોબોટ્સ તૈયાર કરાવ્યા છે, જે એક સરખું કામ કરી શકે. બધા રોબોટ કામ કરતાં થશે એટલે કંપનીના ૧,૧૦,૦૦૦માંથી અડધાથી વધુ કર્મચારી નોકરી ગુમાવશે.
રોબો ફેક્ટ્સ
આખી દુનિયામાં સૌથી વધુ ઈન્ડસ્ટ્રીયલ રોબો જાપાન વાપરે છે. તો વળી સૌથી વધુ રોબોટ ઉત્પાદન કરી દુનિયાભરમાં સપ્લાય પણ જાપાન કરે છે. ૨૦૧૬માં આખી દુનિયામાં ૧,૫૩,૦૦૦ એટલે કે વૈશ્વિક જરૃરિયાતના કુલ ૫૨ ટકા રોબોટ પુરા પાડયાં હતા.
- ટેકનોલોજી માંધાતા સ્ટીવ જોબ્સે 'રોબોજોબ' નામનો એક રોબોટ મદદ માટે રાખ્યો હતો. સ્ટીવ જેવા જ આકરા સ્વભાવના એ રોબોટમાં એક દિવસ ગરબડ સર્જાઈ. માટે એ તેની આગળથી જે પસાર થાય એ બધાને કાઢી મુકવા માંડયો (તમને નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે, એવો ઈમેઈલ એ કર્મચારીને મળી જતો હતો). પરિણામે બે કલાક પછી એપલના ૧૪૨ કર્મચારીઓ નોકરી ગુમાવી ચુક્યા હતાં! સ્ટીવ જોબ્સ આ રોબોટનો ઉપયોગ પણ મોટે ભાગે કર્મચારીઓને કાઢી મુકવાના કે બીજા મેઈલ કરવા માટે જ કરતા હતા.
- સર્વિસ રોબોટ એટલે કે એવા રોબોટ જે કામમાં મદદ કરે. તમારા વતી ઈ-મેઈલ કરી આપે, વેઈટર પ્રકારનું કામ કરે, ઘરમાં ચાંપ ચાલુ બંધ કરી શકે વગેરે.. આવા રોબોટનું ૨૦૧૭માં વૈશ્વિક માર્કેટ ૫.૨ અબજ ડોલરનું નોંધાયુ છે.
'મારો ઈરાદો લોકોના પ્રશ્નો સારી રીતે રજૂ કરવાનો અને લોકોને સર્વોત્તમ સેવા આપવાનો પ્રયાસ કરવાનો છે. તમે મારી સાથે ગમે ત્યારે, ગમે તેટલો સમય, ગમે તે વાત કરી શકશો. સમયનો અભાવ મને ક્યારેય નડવાનો નથી. વળી તમે જે રજૂઆત કરશો એ હું ધ્યાનથી સાંભળીશ. એટલું જ નહીં, તમે કહેલી વાત ક્યારેય ભુલીશ પણ નહીં..'
અત્યારે ગુજરાતમાં ચૂંટણીના માહોલમાં કોઈ રાજનેતા આવી વાતો કરી શકે. દરેક ચૂંટણી વખતે થતી જ હોય. પણ આ વાત ગુજરાતની નથી કે નથી ભારતની. આ વાત તો ન્યુઝિલેન્ડમાં તૈયાર થયેલા 'સામ' નામના રોબોટની છે. એ જ રોબોટ જે ૨૦૨૦માં રાજકારણી તરીકે ચૂંટણી પણ લડશે. માટે કોઈ નેતાની હોય એવી જ સામની વેબસાઈટ પર આ બધી વાતો રજૂ કરવામાં આવી છે.
સામની વેબસાઈટ (politiciansam.nz) પર પોતાના પરિચયમાં સામે આવી બધી વાતો લખી છે. વળી લોકોના પ્રશ્નો અત્યારથી જ તેણે સાંભળવાના શરૃ કરી દીધા છે. રોબોટ હોવાથી એ કંઈ ભૂલશે નહીં કે ખોટુ બોલશે નહીં એટલું નક્કી છે. પણ રોબોટ પોલિટિક્સમાં આવે એ વાત આજે નવાઈપ્રેરક લાગે.. થોડા વર્ષો પછી નહીં લાગે. કેમ કે રાજકારણ સહિત ઘણા એવા ક્ષેત્રો છે, જેમાં રોબોટ આવી ચૂક્યા છે, આવી રહ્યાં છે.
અત્યંત રૃઢિચૂસ્ત દેશ સાઉદી અરબે 'સોફિયા' નામની લેડી રોબોટ એટલે કે રોબોટણને નાગરિકત્વ આપ્યું છે. એટલે એમ કહેવુ પડે કે આજે સાઉદી અરબની વસતી સવા ૩ કરોડની છે. તેમાં ૧.૮૪ કરોડ પુરુષો છે, ૧.૪૫ કરોડ સ્ત્રી છે અને ૧ રોબોટ પણ છે! કેમ કે નાગરિકત્વ આપી દીધું એટલે હવે સોફિયા દેવી સત્તાવાર રીતે સાઉદી અરબની જનસંખ્યાનો ભાગ ગણી શકાય. આ સોફિયા વળી ભવિષ્યમાં પોતાનું સંતાન પેદા કરવાની પણ ઈચ્છા ધરાવે છે!
રોબોટિક્સ (રોબોટ વિજ્ઞાાન અને ટેકનોલોજી)નો આ રીતે વધતો પ્રહાર જોઈને નિષ્ણાતો એવુ કહે છે કે આગામી યુદ્ધ મેનપાવર વર્સિસ રોબોટ પાવરનું હશે. ઉત્તર કોરિયા અને અમેરિકા કે ચીન અને ભારત વચ્ચે માથાકૂટ થતાં થશે પણ દસ-વીસ વર્ષ પછી એવી સ્થિતિ તો હશે જ કે માણસોએ નોકરી બચાવવા, ટકી રહેવા માટે પોતે જ તૈયાર કરેલા રોબોટ સામે એલાન-એ-જંગ કરવો પડશે!
એક સદી જૂનું રોબોટનું રમખાણ
એક સદી પહેલાં ૧૯૨૧માં ચેકોસ્લોવેકિયાના નાટય લેખક કારેલ ચપેકે 'રોસમ્સ યુનિવર્સલ રોબોટ્સ' નામનું નાટક લખ્યું. સ્ટેજ પર ભજવાતાંની સાથે જ લોકપ્રિય થયેલા એ નાટકની વાર્તા કંઈક આવી હતી: એક કારખાનેદાર પોતાના કારખાનામાં કામદારોની પગાર વધારો, હડતાલ જેવી સમસ્યાથી કાયમી છૂટકારો મેળવવા રોબોટ્સ વસાવી લે છે. રોબોટ્સના કામથી કારખાનું બરાબર ધમધમવા લાગે છે અને કારખાના માલિકની ઉપાધિઓ પણ મટી જાય છે. રોબોટ હડતાલ-બડતાલ કંઈ પાડતા નથી.
અલબત્ત, લાંબો સમય એવુ ચાલતુ નથી. સમય જતાં રોબોટ્સમાં વિચારશક્તિનો પ્રવેશ થાય છે અને રોબોટ્સ પણ મજૂરોની માફક માલિકની સામે થાય છે. 'આર.યુ.આર.'ના ટુંકા નામે ઓળખાતું એ નાટક તો લાંબુ છે, પણ છેલ્લે એવું દૃશ્ય આવે છે કે કારખાનમાં માણસો મજૂરી કરતાં હોય છે અને રોબોટ્સ મેનેજરનો રોલ ભજવતા હોય!
આપણને તો હજુ રોબોટિક્સની સાઈડ ઈફેક્ટની પરવા નથી. પરંતુ ટેકનોલોજી જગતમાં થોડે દૂર સુધી ભવિષ્ય જોઈ શકતા સંશોધકો માટે વિચારતાં થઈ જતા, સૂચના કરતાં વિપરીત કામ કરીને બાજી બગાડી નાખતા અને લગભગ દરેક કામગીરી શીખી જઈ માણસોનું સ્થાન લઈ શકતા રોબોટ ચિંતાનો વિષય બન્યા છે. પણ કારેલે તો ૨૦મી સદીના આરંભે જ જોઈ લીધું હતું કે રાખના રમકડાં સામે ક્યારેકને ક્યારેક તો યાંત્રિમ રમકડાં બાંયો ચડાવશે જ! અંગ્રેજી ભાષાને કારેલની કૃત્રિમાંથી જ 'રોબોટ' શબ્દ પણ મળ્યો હતો.
રોબોટે હત્યા કરી! હોય નહીં?
૨૦૧૫ના જુલાઈ મહિનાની પહેલી તારીખની ઘટના છે. જર્મનીમાં આવેલા ફોક્સવેગન કંપનીના પ્લાન્ટમાં એક ટેકનિશિયન રોબોટ ફીટ કરવા આવ્યો હતો. મોટી સંખ્યામાં પ્રોડક્શન કરતી મલ્ટિનેશનલ કંપનીઓમાં રોબોટ્સના વપરાશની નવાઈ નથી. પરંતુ રોબોટ્સના સ્વભાવથી વાકેફ કંપનીઓ તેને સળિયાપાછળ (શબ્દશ: સળિયા પાછળ જ રાખે છે) રાખે છે. માણસો કામ કરતાં હોય તેનાથી આ રોબોટિક વિભાગ અલગ જ હતો. કેમ કે માણસો અને રોબોટ્સ સાથે કામ કરી શકતાં નથી. એટલી દુશ્મની તો અત્યારથી છે જ.
એ ટેકનિશિયન હજુ તો રોબોટને ફીટ કરી રહ્યો હતો. ત્યાં જ રોબોટે હાથ વડે કર્મચારીને દિવાલ સાથે ભીંસીને છાતી પર દબાણ આપીને મરણતોલ ઈજા કરી. દવાખાને લઈ ગયા પછી કર્મચારી મૃતક જાહેર થયો. રોબોટે હત્યા કરી એમ કહી શકાય કે નહીં એ સવાલ છે, પણ કંપનીએ સત્તાવાર રિલિઝ કરેલી નોંધમાં લખ્યું હતું - 'રોબોટ કિલ્સ ટેકનિશિયન!'
૧૯૮૧માં જાપાનના કાવાસાકી હેવી પ્લાન્ટમાં કેન્જી નામના કામદારની રોબોટે હત્યા કરી નાખી હતી. કેન્જીએ રોબોટની તમામ સ્વીચો બંધ કર્યા પછી પણ એ રોબોટ બંધ થયો ન હતો અને તેના હાઈડ્રોલિક હાથે તેને ઉપાડીને ગ્રાઈન્ડિંગ મશિનમાં નાખી દીધો હતો. કેન્જી તેમાં કચડાઈ મર્યો હતો.
અલબત્ત, સંશોધકો હજુ એ વાતના તારણ પર નથી આવ્યા કે રોબોટે હત્યા કરી એવો શબ્દ વાપરવો કે પછી મશીનની ગરબડીને કારણે મોત થયું એમ માનવું. પરંતુ એક વાત પર સૌ સહમત થઈ રહ્યાં છે કે રોબોટ હવે કહ્યામાં નથી રહ્યાં એવી ઘટના વારંવાર બનવા લાગી છે. કારણ કે રોબોટ્સનો વપરાશ પણ વધી રહ્યો છે.
એ વાત પણ સાચી છે કે દુનિયાની અનેક મોટી કંપનીઓમાં જ્યાં એક જ સરખું, મગજ દોડાવ્યા વગર કામ કરવાનું હોય ત્યાં રોબોટ્સનો ઉપયોગ થાય છે. આવા રોબોટ્સ 'ઈન્ડસ્ટ્રીયલ રોબોટ્સ' કહેવાય છે અને આખા જગતમાં તેનું સૌથી વધુ વેચાણ થાય છે. અકસ્માત પણ તેના જ વધારે થતા આવે છે. ૨૦૧૪માં જ આખા જગતમાં ૨,૨૫,૦૦૦ ઈન્ડસ્ટ્રીયલ રોબો વેચાયા હતાં. ૨૦૧૯ સુધીમાં વધીને આંકડો ૧૪ લાખ સુધી પહોંચે એવી શક્યતા 'ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફો રોબોટિક્સ'ના અહેવાલમાં રજૂ થઈ છે. ભારતમાં વિવિધ કંપનીઓએ હાલ કુલ ૮ હજારથી વધુ રોબોટ્સ કામે લગાડયા છે.
રોબોટ : ગૌરવ કે ગરબડ?
રોબોટની શોધ બેશક ગૌરવપૂર્ણ ગણાય પરંતુ હવે એ શોધ ગરબડ પેદા કરનારી બની રહી છે. ૨૦૧૩માં જીનીવામાં 'સંયુક્ત રાષ્ટ્રસંઘ'ના 'માનવાધિકાર પંચ'ની બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચાનો વિષય હતો 'કિલર રોબોટ્સ'. મતબલ કે જીવલેણ બનતા રોબોટની ચર્ચા સંયુક્ત રાષ્ટ્રસંઘે કરવી પડે એટલી ગંભીર સ્થિતિ તો આવી જ પહોંચી છે. આગામી દિવસોમાં લડાતા યુદ્ધમાં રોબોટિક્સ હથિયારોનો ફાળો મહત્ત્વનો હશે એ નક્કી વાત છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનુ માનવાધિકાર પંચ સ્વંયસંચાલિત હથિયારો પર નિયંત્રણ મુકવા માંગ કરી રહ્યું છે. હાલ કોઈ દેશ એ પ્રતિબંધ અપનાવવા તૈયાર નથી.
અચ્છા અત્યારે જગતનું સૌથી ખતરનાક હથિયાર પરમાણુ બોમ્બ મનાય છે. બેશક એ ખતરનાક હથિયાર છે. પરંતુ આગામી પાંચ-પંદર વર્ષમાં રોબોટ માનવસમુદાય માટે સૌથી મોટું હથિયાર અને માથાનો દુ:ખાવો બનશે. રોબોટ વધશે એટલે તેની સાથે સંકળાયેલી બધા પ્રકારની સમસ્યા વધશે.
રોબોટ્સ ક્યાં પગદંડો જમાવશે?
મે ૨૦૧૬માં અમેરિકાની કાયદાનું કામ કરતી પેઢી બેકર હોસ્લરે એક રોબોટની ખરીદી કરી. એ દુનિયાનો પહેલો એવો રોબોટ હતો જેનું કામ વકીલાતનું હતું! રોસ નામનો એ રોબોટ આજે કાયદા કંપનીનો સત્તાવાર કર્મચારી છે. સંશોધકોએ ૨૦૧૬ના મધ્યમાં જ કરેલા સર્વે પ્રમાણે વકીલાત, અમ્પાયર-રેફરી, વેઈટર અને એકાઉન્ટિંગ એ પાંચ કામ એવા છે, જેમાં રોબોટ છપાઈ જાય એવી શક્યતા ૯૦ ટકાથી વધુ છે. કેમ કે આ બધા કામ એવા છે, જેમાં સમાનતા રહેલી છે.
ભારત સહિત દુનિયાના પચાસેક દેશો પોતાની સેનામાં રોબોટ્સ વાપરી રહ્યાં છે અથવા વાપરવાની તૈયારી કરી રહ્યાં છે. અમેરિકા અને ઈઝરાયેલની સેના આવા રોબોટિક્સ હથિયારો વાપરે છે અને મોટી સંખ્યામાં વિકસાવી પણ રહી છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની સરહદ વચ્ચે રોબોટ્સ ગોઠવવમાં આવ્યા છે, જે સેન્સર દ્વારા દુશ્મનની હિલચાલ પર નજર રાખે છે.
કાર ઉત્પાદન કરતા કારખાનામાં રહેલો રોબોટ બેકાબુ બની શકતો હોય તો યુદ્ધમાં ઉતરેલો રોબોટ આઉટ ઓફ કન્ટ્રોલ નહીં થાય તેની શું ખાતરી? હથિયારધારી રોબોટ તોફાન મચાવે ત્યારે કારખાનાના તોફાની રોબોટ કરતાં અનેકગણુ વધારે નુકસાન કરી જ શકે.
રોબોટ કઈ રીતે બેકાબુ બની શકે?
રોબોટ ટેકનોલોજીના તરફદારો એવી દલીલ કરે છે, કે રોબોટ્સ અંતે તો તેને આપેલી સૂચનાઓના આધારે કામ કરે છે. એ સૂચનાઓ આપવામાં ગોટાળો થાય તો રોબોટ્સ શું કરે? બીજી તરફ રોબોટને સાચો કમાન્ડ મળ્યો હોય ને એ ખોટું કામ કરી બેસે એવા બનાવોની નવાઈ નથી. કાર કંપનીઓને રોબોટ રાખવાના ગેર ફાયદા વારંવાર મળતા રહે છે. એટલે રોબોટ વાપરતી તમામ કાર કંપનીઓ ક્યારેક ને ક્યારેક કાર માર્કેટમાંથી પાછી ખેંચી જ ચૂકી છે. કેમ કે માર્કેટમાં ઉતરે પછી રોબોટની ગરબડ સામે આવતી હોય છે.
વર્ષો પહેલા આલ્બર્ટ આઈન્સ્ટાઈને ટેકનોલોજીનું ભવિષ્ય ભાખતાં કહ્યું હતું : 'એ વાત સહજપણે સ્વીકારી લેવી જોઈએ કે ટેકનોલોજી પ્રચંડ વેગપૂર્વક માણસજાતને ઓળંગી જશે..' એ વાત સાચી પાડવાની શરૃઆત રોબોટે કરી જ દીધી છે.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar