Get The App

રસવલ્લરી - સુધા ભટ્ટ

શાશ્વત શણગાર

Updated: Dec 24th, 2017

GS TEAM

Google News
Google News
રસવલ્લરી - સુધા ભટ્ટ 1 - image

ઝાઝું ભણેલા નહિ, છતાં ખૂબ ગણેલા સાચા આદિવાસીઓ

'આદિ'વાસીઓ એટલે ''મૂળ' નિવાસીઓ અતિ પ્રવૃત્તિશીલ અને ખૂબ પ્રગતિશીલ કહેવાતા આજના માનવીના મનના મૂળમાં તો આદિમાનવ જ બેઠેલો છે. માનવી જન્મથી જ પોતાના જીવનઘડતરમાં ફેરફારો કરતો આવ્યો છે; છતાં તેને પોતાના પારંપરિક મૂલ્યો પર ગર્વ હોય છે.

તેને સાચવવા પણ તે કટિબદ્ધ છે. હજી આદિવાસી તરીકે - ''ટ્રાઇબલ'' તરીકે ઓળખાતા દરેક દેશના એ માનવસમૂહની વાત કરીએ તો એમને આગળ વધવું છે. શિક્ષિત થવું છે પણ જીવનની રીતિ- નીતિ અને પરંપરાગત સંસ્કારો અને લઢણને નેવે મૂકવામાં તેઓ માનતા નથી.

ભારત દેશનાં અનેક રાજ્યોમાં આવા માનનીય નાગરિકો છે જેઓ તેમનું જીવન પૂરેપૂરું કુદરતને આધીન રહીને જીવે છે; પોતાની પરંપરાને વફાદાર રહેવામાં સંતોષ અને ગૌરવ અનુભવે છે. ગુજરાતના ડાંગ જિલ્લાના આદિવાસી સ્ત્રી-પુરુષોના પોષાક અને આભૂષણમાં ક્રાંતિ અને ઉત્ક્રાંતિ આવી હોવા છતાં હજી આજેય એ શરીરના શણગારમાં 'આદિ' પણ રહ્યા છે અને 'અગ્રિમ' પણ થયા છે.

મૂળિયાં સાથે બાંધછોડ નહિ ને નવી શાખાનો બાધ નહિ

ડાંગ જિલ્લો દક્ષિણ ગુજરાતનું ઘરેણું છે. તે આનંદિત જિલ્લા તરીકે ઓળખાય છે. કુદરતની અનેરી ભેટ છે ડાંગ. પૂર્વે દંડકારણ્ય તરીકે ઓળખાતી આ ભૂમિ પર તેમના વડે અંગ્રેજો હાર્યા હતા. ભીલ, કણબી, વારલી, ગામીત, નાયકા, ભીકા આદિ જાતિઓ લાકડાની પાઇપ જેવી શરણાઇના સૂરે અને ઢોલની થાપ વડે હોળી ઉત્સવ 'ડાંગ દરબાર' છેલ્લાં દોઢસો વર્ષોથી રસપૂર્વક ઊજવે છે, જેમાં તેમના તન અને મનનું સૌંદર્ય છલકાઇ ઊઠે છે. ડાંગી સ્ત્રીઓ ઢગલા મોઢે આભૂષણો પહેરે છે.

શરીરની શોભા સારું  તેઓ જાતપરસ્ત છે. વ્યક્તિસ્વાતંત્ર્ય પરત્વેના પ્રેમને કારણે શરીરની સજાવટ દ્વારા ટાંચા સાધનોમાં પણ તેમની રસાભિવ્યક્તિ ખીલી ઊઠે છે. ઘરેણાં બાબતની તેમની સૂઝને કારણે કાન, નાક, દાંત વીંધાવી જાણે છે. કળા પ્રત્યેના તેમના અસીમ અનુરાગને વ્યક્ત કરવા તેઓ પાંદડાં, ઘાસ, ફૂલ, પાન, પીંછા વગેરેને ઓપ અને આકાર આપી દાગીના તરીકે ધારણ કરે છે.

એ કળાને કેળવવા જોઇતી તકો ઊભી કરવામાં પણ તેઓ અગ્રેસર છે. તેમાંથી તેમનો પ્રકૃતિ દત્ત સ્વભાવ છતો થાય છે. સૌંદર્યનિખાર માટેના અભિગમને કારણે ઘરેણાંને પ્રેમ કરતી આદિવાસી ડાંગી સ્ત્રીઓ કહે છે કે ''જે પહેરીએ એ દેખાવું તો જોઇએ ને!''

પેઢીઓના વિકાસની ગાથા ગાય છે આભૂષણો

આગલી હરોળની ડાંગી સ્ત્રીઓ પ્રાચીન પરંપરા મુજબનાં છીપલા શંખલા અને પથ્થરનાં આભૂષણો પહેરતી ગામિત અને નાયકા લોકો છીપલાં પથ્થરના દાગીના બનાવવામાં કુશળ હતા. છીપના મોતીય મેળવે. પોતાની રીતે જ ''જ્વેલરી ડિઝાઇન'' કરે. વચલી પેઢીની સ્ત્રીઓ તાંબા-પિત્તળના કે ચાંદીનાં આભૂષણો પહેરવા લાગી. આધુનિક મહિલાઓએ ચાંદી તો સ્વીકારી, પણ સાથે પ્લાસ્ટિકના ચળકતા દાગીનાય અપનાવ્યા. દાગીના લાદવાનો રિવાજ ગયો પણ પહેરવાનો નહિ. ''ઓછાં દાગીના પહેરો, વધુ વટ પાડો.'' ઉપક્રમ આવ્યો.

પોષક  સાથે બાજુબંધ, બંગડી, બુટ્ટી, આદિ મેચિંગનો ચાલ આવ્યો પણ પરંપરાનો સાથ છોડયો નહિ. સાથે સાથે વસ્ત્રોમાં પણ આધુનિકતા ડોકાઇ. એ ઊગતા સૂર્યના અજવાસમાં ડાંગનાં ગીચ જંગલોમાં ક્રમે ક્રમે અનુકૂલનની ભાવના ડોકાય છે. સમયનો પારસમણિ સ્પર્શ ડાંગી સ્ત્રીઓના જીવનને થયો છે છતાં હજી આજે પણ તેમને વજનદાર જ્વેલરી ગમે છે.

કલાત્મક આભૂષણથી આનંદિત એવી સ્ત્રીઓ પોતાના શણગારને માનની દ્રષ્ટિએ જુએ છે. જૂની ફેશન પાછી આવતાં આજે પણ ઘાસફૂસ, લાકડાના કે પથ્થરના દાગીના લોકપ્રિય છે. વળી, ઘાસમાં તો વધુ વિવિધતાની ક્ષમતા છે. તેને સુંદર રીતે ગૂંથી સજાવી શકાય છે. ઘાસના દાગીનાને ''ગજરું'' કહેવાય.

ઘરેણાં મોંઘાં પણ સર્વે સ્ત્રીઓનું સ્વપ્ન એથીય મોંઘેરું

આભૂષણો ઘડવા માટે કેટલાં સાધનો, કેટલાં માધ્યમો ઉપલબ્ધ છે! પિત્તળ, તાંબુ, ચાંદી, સોનું, પ્લેટિનમ, વ્હાઇટ ગોલ્ડ, કિંમતી નંગ, જડાઉ પથ્થર, હીરા, મોતી.. અધધ.. પણ આ બધું તો શહેરોના મોટા ને મોંઘા શો રૃમોમાં દેખાય. આદિવાસીઓનું શું? હા, આ બધાનું તો સ્વપ્ન જ હોય, પરંતુ હવે ડાંગી સ્ત્રીઓ મોતીના (ઇમીટેશન) દાગીના સ્વયમ્ પરોવવા લાગી છે. નવી, રંગીન, રસપ્રદ સુંદર ભાતવાળી નકશીવાળા નમૂનાઓનું સર્જન તેઓ કરે છે, ખાસ કરીને કુનબી સ્ત્રીઓએ તેમાં પોતાનું કલાત્મક કૌશલ્ય બતાવ્યું છે.

કડમલ અને ચણકલ ગામની યુવતીઓ તો આભૂષણ બનાવવાની સામગ્રીની પસંદગીમાં પાવરધી થઇ ગઇ છે. ગૃહસુશોભનમાં, લગ્ન મંડપમાં, મંચ સજ્જામાં, આદિવાસી નૃત્યના પોશાકની જોડ તરીકે હવે તો મોતી, આભલા આદિની મદદ આદિવાસીઓ લેવા લાગ્યા છે. અરે! મૂળ દાગીના - નથ, હાર, કાંબી, કડલા, વિંછીયા, બાજુબંધ - બધા ક્યાં? ચાલો, ગાડી પાછી વાળી પાછા ડાંગ ભણી!

લસરકો: સોળે શણગારમાં જ સમાઇ જાય વામાવિશ્વ!
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :