ખીચડી - જયંત ખત્રી
શંકર શેઠની ડેલી બહાર નીકળતાં જ એનો ભાઈ સીટી વગાડતો, બીડી ફૂંકતો અને ગાયન લલકારતો સામો મળ્યો : 'અરે, તું હજી ફર્યા કરે છે? ખીચડી ચૂલે નથી ચડાવી ?'
શંકર શેઠની મેડીનાં રેડિયોમાં મિલિટરી બૅન્ડ વાગવું શરૃ થયું. આકાશના અરીસામાં સંધ્યાની શણગાર સજવાની શરૃઆત થઈ ચૂકી હતી.
સોળ વરસની જિંદગીના ભાર નીચે લખડીની જુવાની બેફામ અને બિનપરવા ફૂલી નીકળી હતી.
પણ લખડીને કશાનું ભાન નહોતું. એને માથુ ઓળવાની ય ક્યાં ફુરસદ હતી? લખડી પોતાની જાતમાં- જુવાનીએ આપેલા ઉમળકા, ઉમંગ, આશા અને જિંદગીએ આપેલી મજૂરીમાં મસ્ત હતી.
પરોઢિયે પાણી ભરવા એ ઊડતી જાય ત્યારે એના મનમાં આખા દિવસના એક પછી એક કરવાના કામની ગણતરી ચાલતી હોય તો ય કોઈ ઝૂલતી ડાળે હિલોળાતું પારેવડું, કોઈ ઊઘડતા પ્રભાતનું એક કુમળું કિરણ, એની આંખના એક પલકારાની ફુરસદ લઈ જોઈ લેતાં ચૂકતી નહિ.
ક્યારેક એ વહેલી પરોઢિયે નીકળી પડી હોય અને તળાવના પાણીની સ્તબ્ધ સપાટી અરીસો બની ગઈ હોય, આજુબાજુ કોઈયે ન હોય ત્યારે એ સપાટીનો અરીસો બગાડતાં લખડીને દયા આવતી. એ અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતાં જોતાં એનું હૃદય ધબકારના બે-ચાર ગડથોલિયાં ખાઈ જતું, ત્યારે લખડી સૃષ્ટિની શોભા અને વાતાવરણનું મૂક સંગીત બદલાઈ ગયેલા અનુભવતી.
પણ તે અનુભવ તે કેટલી વાર!
એ આહ્લાદ અનુભવતાં, ગડથલિયાં ખાતા હૃદય પર જીવનની ગણતરી સવાર થઈ બેસતી અને ફટકા લગાવતી ત્યારે લખડી જરા વારમાં બધું ભૂલી જઈ, જળની સ્થિર અને સ્તબ્ધ સપાટીને બગાડી નાખતી અને 'બુદબુદ' કરતી પાણીની ગાગર ભરાતી ભરાતી હસી પડતી એની સાથે લખડી અને મજૂરી કરતું સમસ્ત જગત હસી ઊઠતું.
એ હાસ્યની કરુણતા લખડીએ હજી ઓળંગી નહોતી.
ગામને ઘેર પાણીનાં બેડાં પહોંચાડીને લખડી થાકતી ત્યારે એના ઘરમાં માટલાનું તળિયું આવી રહેતું. એને આળસ ચડતું : 'બા, આજે આટલા પાણીથી ચલાવી લે ને!' કહેતાં ઉધરસ ખાતી વૃદ્ધ બની બેઠેલી માની બાજુમાં વહાલ કરતી ધબ દઈને એ બેસી જતી- સૂઈ જતી તો ય ધાર્યું કામ બાકી રહેતું - કોઈને ઘેર વાસીદું, કોઈનાં કપડાં, કોઈનાં વાસણ!
જીવનમાં કેટલો બધો ઢસરડો!
પણ લખડીના અંગમાં તાકાત આવી અને દિલમાં સમજ આવી ત્યારથી જ એ ત્રાસ અને થાક સામાન્ય થઈ પડયા હતા. એટલા બધા સામાન્ય કે એનો ડંખ જતો રહેતા એણે સમય અને કામની સ્વાભાવિકતા સ્વીકારી લીધી હતી.
એટલે લખડી પોતાની મજૂરી કરવાની તાકાતમાં, જુવાનીના ઊભરામાં અને 'મને તો બા, માથુ ઓળવાની ક્યાં ફુરસદ છે?' એવા અભિમાનમાં મસ્ત હતી.
એના આવા વ્યક્તિત્વે એનામાં થોડી હિંમત પૂરી હતી, થોડી એને દ્રઢનિશ્ચયી બનાવી હતી. અને એ થોડી બિનપરવા અને અવિચારીયે હતી. બાકી તો જીવનમા અંધારા- અજવાળાં હજી ભવિષ્યના ગર્ભમાં આકાર લઈ રહ્યા હતાં.
લખડીમાં એ આદત હજી નહોતી પડી કે ભૂતકાળ તરફ મોંઢું ફેરવીને એ જુએ, કે ભવિષ્યના ભીતરમાં નજર ફેંકવા ઉત્કંઠા સેવે. લખડી જેટલી સુંદર, જેટલી ઘાટીલી એટલી જ વાસ્તવિક અને ક્યારેક કર્કશ હતી.
બપોરના એ બધાને ખીચડી પીરસવા બેસતી ત્યારે એને એ ખબર હતી કે બધા જણાએ આટલી ખીચડીમાંથી જેટલું ભરાય એટલું પેટ ભરવાનું છે. એ જેટલી ખીચડી આપે એટલી જ. કોઈને વધારે માગવાનો અધિકાર નહોતો. એક એના મોટાભાઈ સિવાય કોઈની વધારે માગવાની હિંમતે ય નહોતી.
પણ લખડી બહુ સિફતથી કામ લેતી. એનો બાપ જમવા બેસતો ત્યારે જાણી જોઈને એ ખીચડીના માટીના હાંડલાનું મોઢું એની તરફ ફેરવતી. જર જરા વારે મટકુ મારતી બુઢ્ઢાની પાણી ખેરતી આંખો જરા વાર સ્થિર થઈ જતી : 'મને આટલી બધી ખીચડી ન જોઈએ લખડી, થોડી કાઢી લે!'
'તમને શું ખબર બાપા, રોજ રોજ હું તો પીરસું તમને. રોજ આટલી જ તો ખાઓ છો!'
'પણ-'
'હવે માંડો ને ખાવા, બહુ ડાહ્યા થતા.'
એનો મોટો ભાઈ વિઠ્ઠલ જમવા બેસતો ત્યારે અચૂક લખડી હસાહસ અને બોલબોલ શરુ કરતી, પણ એની નજર ભાઈની થાળીમાં હોય. એ... આ ખીચડી ખલાસ થઈ કે તરત જ પાણીનો લોટો હળવેથી લઈને થાળીની અડોઅડ છૂકી દેતી પૂછતી : 'હેં વિઠ્ઠલભાઈ! એ શંકર શેઠે લીધેલી ઓલી નવી ધોળી ઘોડી અસલ અરબ છે, નહિ?'
'કઈ?' કહેતાં વાતમાં ને વાતમાં વિઠ્ઠલ થાળીમાં હાથ ધોઈ નાખતો. 'ઓલી એ ઇસમાઇલ ટાંગામાં ચલાવે છે તે?'
'હા એ જ-' કહેતાં લખડી બગાસુ ખાતી ઊઠતી. 'હવે તમે જરા ફળીમાં ઓટલે જઈ બેસો; હું અને બા ખાઈ લઈએ.'
પછી લખડી હાંડલામાંથી ઘસી ઘસીને ખીચડીને એક થાળીમાં ખાલી કરતી અને મા- દીકરી એક જ થાળીમાં જમવા બેસતા. એ છેલ્લા બાચકા પર સંતોષાતા બે જીવોનો સંબંધ ગજબનો હતો. બેમાંથી કોઈ કંઈ બોલતું નહિ. પણ બે હાથ જ્યારે ખીચડીનો પહેલો કોળિયો ઉપાડતો કે તરત જ એ સમજની ચૂપચાપ આપ-લે થઈ જતી કે આજે કોણે પેટ ભરીને ખાવું અને કોણે ભૂખ્યું રહેવું! એ નક્કી થઈ ગયા પછી એ બદલ બેમાંથી કોઈ લાગણીવશ ન બનતું; કોઈ એ પ્રસંગને ગૌરવભર્યું ગાંભીર્ય ન આપતું.
રોજ-બ-રોજ બનતી અને ખીલ્યે જતી જીવતા રહેવાની એ કળા હતી અને લખડી એ કળામાં વિશારદ બન્યે જતી હતી.
પણ લખડીના ઘરને ચીતરવા બેસીએ તો આવું કંઈક ચિત્ર ઊતરે -
એક બુઢ્ઢો બે પગે લંગડો બાપ. જેના સ્વભાવમાં જંગબારી મરચાંની તીખાશ હતી. એવી હંમેશ ખોં ખોં ખોં કરતી પણ મજૂરી કર્યે જતી અકાળ વૃદ્ધ બની બેઠેલી મા. એક જુવાન સશક્ત આરીભરતનું કામ કરતો, પણ દિવસે કમાઈ રાત્રે દારૃના પ્યાલાઓમાં, સિગારેટના ધુમાડામાં બધું વેડફી નાખતો મોટો ભાઈ.
નીચે બે ખંડ, ઉપર એક મેડી, નાનું ફળી, લીમડાનું ઝાડ, થોડાક ઉંદર અને એક ગલૂડિયું, બાજુમાં શંકર શેઠનું જરા મોટું મકાન, જરા દૂર નાનાં મોટાં મકાન, જેવા તેવા માણસ, એની પાછળ, મંદિર, વચમાં ેસિનેમા અને પાછળ મસીદ અને એની ય પાછળ- બગાસુ ખાતાં ખાતાં જ્યાં લખડીની આંખ ગુમાઈ જતી એવું રંગ અને મિજાજ બદલ્યે જતું આકાશ!
આવડા નાનકડા ચિત્રમાં જીવનનાં ગજબ નાટકો ભજવાઈ રહ્યા હતાં. અહીં ઉંદરો ચિચિયારી કરતા છતમાં દોડતા, ગલુડિયા ભૂખથી રસ્તામાં મરી જતાં, મંદિરમાં આરતી અને મસીદમાં બાંગના મિશ્રિત અવાજો સાંજની ઝાકળના ધૂળભર્યા વાદળમાં તોળાઈ રહેતા અને સાંજ મરી જતી ત્યારે છબીઘરોમાંથી ઇશ્ક, મસ્તી, ભજન, શરાબ, સંત, વેશ્યા, સતી, સજ્જન અને દુર્જનનું અવનવું સંગીત લાઉડ સ્પીકરોને ખોખરું બનાવતું. રેડિયો અને છાપાં, સટ્ટાબજાર અને ગોદી પર દેશ- પરદેશની લડાઈના પડછાયા પથરાઈ ગયા હતા. મોંઘવારી - ભયંકર મોંઘવારી, અછત, બેકારી, ગરીબી, દાદાગીરી, ભૂખમરો, લોહીનો વેપાર, ચોરી, લૂંટ, નફાખોરી...
'અહો હો!' લખડીની મા મેડીના ગોખમાં બેઠી બેઠી કપૂરના પડીકાં વાળતાં વાળતાં એની જબાનનાં મરચા કાલવતી : 'આ તે છોકરી છે કે નવાઈ? મૂઈ સાત વાગ્યા તો ય હજી નથી આવી!'
ત્યાં લખડી અચૂક ક્યાંકથી આવી ચડતી :
'છે તે શું આવડું બધું?' કહેતી ગુસ્સાનો એક છણકો કરી, ઓસરીને નાને ઓટલે માથા પરથી ટોપિયું ઉતારી પછાડતી. બીજી પળે એક તીરછી નજર, એક હાસ્ય સહિત બોલતી : 'લે આ બે પાટી ઘઉં. સવારના દળી નાખજે.' અને તે મીંદડી જેવા પગલે રસોડામાં ઘૂસી જતી.
ઘરમાં એ ક્યાંય પણ હોય, તરત એની માની જીભે તાળું દેવાઈ જતું. નાસતી અને ભાગતી, સરતી અને લપસતી; લખડીની પાછળ એના બાપની ભીની ભીની અને વારે વારે મટકું મારતી આંખો ફર્યા કરતી. લખડી ખીચડી કમાતી, ખીચડી રાંધતી અને ખીચડી પીરસતી!
'લખડી છે તો ખીચડી છે!' એનો ભાઈ કોક દહાડો કહેતો. 'લખડી પોતે ય ખીચડી જેવી છે - નહિ બા?'
'છાનો મર મૂઆ, વંઠેલ ક્યાંનો!'
વિઠ્ઠલ ખરેખર વંઠેલ જ હતો. રોજે રોજ દારૃ પીતો, બધા પૈસા ઉડાવીને પાછો ફરતો. એના બાપને એ દીઠો ગમતો નહિ. અને માને ગાળો ભાંડતા એને શરમ આવતી નહિ. લીમડાના ઝાડ નીચે એ ખાટલે પડયો ચારે બાજુ પાનની પિચકારી ફેંકતો અને સિગારેટ ફૂંક્યા કરતો. લખડી રોજ રોજ રાતનું ઘરનું છેલ્લું કામ ખતમ કરી વિઠ્ઠલના પગ આગળ ખાટલા ઉપર બેસીને વાતો કરતી. વાતમાં કંઈ વજૂદ ન હોય - કોઈની ટીખળ હોય, કોઈની કૂથલી હોય; ક્યારેક બળદોની, ઘોડાની, ઊંટની, ગલૂડિયાંની વાતો હોય અને ક્યારેક બા અને બાપુના ચાળા અને મશ્કરી!
શંકર શેઠનો રેડિયો છેલ્લા ખબર બોલી બંધ પડી જતો. છબીઘર છેલ્લા શૉની નજીવી કમાણી કરી હતાશ- ચૂપ થઈ જતું, આજુબાજુ જીવતા માણસો અને પથ્થરના દેવો પણ સૂઈ જતા તો ય આ ભાઈ-બહેન વાતોને વંટોળિયે ચડી જઈ એકબીજામાં ગુમાઈ જતાં. વિઠ્ઠલ દારૃ પીતો અને પૈસા વેડફી નાંખતો, એ બદલ લખડીને ગમે તેટલો અફસોસ દિલમાં થતો તો ય એ હકીકત રૃઢિ બની જઈ એની વિચિત્રતા નાશ પામતી. એ વિઠ્ઠલ જેવો હતો, એવો જ લખડી એને ઓળખતી અને એવો જ એને ગમતો.
આ જીવન એમ જ લાપરવા અને બેફામ દોડયે જતું હતું.
બિચારાં, મોજ અને આનંદને પણ જીવન જીવવાનુ હોય છે. હાસ્યને જો મરવાનું નહિ તો ઊંઘવાનું હોય છે જ. લખડીના બરછટ વાળની લટ હઠીલી બનીને એની ઊંઘે ઘેરાતી આંખોને સતાવતી ત્યારે વાતની વચમાં એ ઊભી થઈ જતી : 'લે, મારાથી હવે નહિ બેસાય, બહુ ઊંઘ આવે છે.' કહેતી જવાબની રાહ જોયા વગર લચકાતી લચકાતી ઓસરીમાં પેસી જતી એને પેસી જતી જોતાં આકાશના સદા જાગ્રત તારલાઓ એના પર મોહી પડતા... અને એક વધારે દિવસ જિંદગી જીવ્યાનો નાટકનો એક પ્રવેશ પૂરો થતાં પડદો ઢળી પડતો.
બીજો દિવસ, અને 'આજે તો બહુ મોડું થયું છે'ની ધમાલ, ઉતાવળ, બીક, મજૂરી ત્રાસ અને ખીચડી પીરસવા વખતની દિવસે દિવસે વધારે ખતરનાક અને કટોકટીભરી બનતી જતી એ પળ! પાછી એ જ સાંજ, એ જ ઉંદરોની ચિચિયારી, ગલૂડિયાનો કકળાટ, એ જ રાત, એ જ ચૂપકી, એ જ ઊંઘ અને એ જ મોહી પડવાનો ધંધો લઈને બેઠેલા, આકાશના તારલાઓ, પ્રવેશ પૂરો, દોરી સંચાર અને પડદો!
રોજ ને રોજ એમ ફર્યે જતા એ ચક્કરના દાંતાઓ અને ઘસાતા એટલા તો ઘસાઈ ગયા હતા કે એ યંત્ર ખોટું થવાની અણી પર, એ વ્યવહાર તૂટી પડવાની તૈયારી કરતો હતો.
લડાઈ, અછત, મોંઘવારી, નફાખોરી, ગરીબી, ભૂખમરો, એક પછી એક બેશરમ બની હરોળબંધ આવી ઊભાં.
લખડીના કુટુંબમાં એ માટીના હાંડલામાંની ખીચડી દિવસે દિવસે ઓછી થવા માંડી. અને ખીચડી પીરસવાના સમયને સમાલતાં સમાલતાં લખડીને જે માનસિક શ્રમ વેઠવો પડતો એનાથી એ પસીનો પસીનો થઈ જતી. એનો ભાઈ જમવા બેસતો ત્યારે 'હવે શું થશે?'ની બીકથી એ થરથરતી. બાપ જમવા બેસતો ત્યારે એનું હૈયું ભરાઈ આવતું અને મા ઉપર દયા આવતી. અને પોતાની તો શું વાત કરવી - કોની આગળ વાત કરવી!
એનો ભાઈ સાંજના વહેલો આવતો અને ખાટલે બેઠો બેઠો મીંદડી જેમ ઉઘાડા દૂધના ટોપિયા તરફ જુએ એમ, રસોડા તરફ મીટ માંડી બેસી રહેતો. ખીચડીનું હાંડલુ ચૂલે ચઢે કે તરત જ લખડીનો બાપ મેડીના ગોખ આગળથી ઘસડાતો ઘસડાતો દાદરની કિનાર આગળ બેસી રહેતો. અને એના લંગડા પગને નીચે લટકતો રાખી લખડીને પોતાની હાજરીની જાણ કરતો.
અંધારા વળ્યે લખડીની માની આંખ આડે લાલ- પીળાં કૂંડાળાં વળે એટલે કપૂરના પડીકાં વાળવા બંધ કરી એ ઉધરસ ખાવા માંડે. એ ઉધરસ ન ખાતી હોય ત્યારે જરૃર કંઈકનું કંઈ બબડતી હોય જ : 'મૂઉં આજે તો પેટમાં ગોટા વળે છે,' અથવા 'પેટ ક્યાં પાતાળે જઈને બેઠું.'
એક લખડી જ કશું બોલતી નહિ, પણ બધું જ સમજતી. સમજતી એટલે મિજાજ ગુમાવતી નહિ અને એ અંદરની અંદર ચીમળાયા- મૂંઝાયા કરતી.
એ ખીચડીના હાંડલાની આજુબાજુ ફર્યા કરતી અને બેઠી હોય ત્યારે એ હાંડલાની નીચે બળતા ભડકા તરફ તાકીને અજાણપણે ચીપિયાથી ભોંય ખોદતી રહેતી.
ખીચડી પૂરતું એનું મહત્ત્વ હતું અને મહત્ત્વ મોટામાં મોટું હતું; એટલે બધાં જ એની તરફ જોતાં, અને એની ઉપર કતરાતાં.
વેગ- અતિ વેગથી ધસ્યા જતા કાળના ક્રમને કોઈ કશાની પરવા નહોતી.
એક દહાડો ન બનવાનું થયું. સવારના પહોરમાં લખડી જ્યાં જ્યાં પાણી ભરીને આવી ત્યાંથી ઉત્તર મળ્યો : 'પૈસા બે દિવસ રહીને લઈ જજે, છૂટા નથી.' ક્યાંકથી ઉત્તર મળ્યો : 'મોડી કેમ આવી? અમે બીજી પાસે પાણી ભરાવી લીધું.'
લખડી મૂંઝાતી મૂંઝાતી શંકર શેઠ પાસે ગઇ. 'અરર, કોઈ દહાડો નહિ અને આજે જ ખિસ્સામાં એકે આનો નથી. અને ચાવી શેઠાણી પાસે વાડીએ છે.' કહેતાં શંકર શેઠે પલંગના ગાદલા નીચેથી ચશ્મા શોધી કાઢ્યાં અને લખડીને ધારી ધારીને જોવા લાગ્યા.
'અલી એ છોડી...'
પણ લખડી કશું સાંભળવા ઊભી ન રહી.
શંકર શેઠની ડેલી બહાર નીકળતાં જ એનો ભાઈ સીટી વગાડતો, બીડી ફૂંકતો અને ગાયન લલકારતો એને સામો મળ્યો : 'અરે, તું હજી ફર્યા કરે છે? ખીચડી હજી ચૂલે નથી ચડાવી ?' એને તમાચો ઠોકી કાઢવાનું લખડીએ કેમે કરીને મુલતવી રાખ્યું.
'વિઠ્ઠલ,' લખડીએ કહ્યું, 'મારું એક કામ કર.' એણે પોતાના હાથ પર રહેલી રૃપાની બંગડીઓની છેલ્લી જોડ ઉતારીને વિઠ્ઠલના હાથમાં મૂકી : 'આ વેચીને ખીચડી લઈ આવ, જોજે ઝટ આવજે!' અને જતાં જતાં એના ભાઈનું કાંડું પકડીને એણે દાબ્યું : 'જલદી આવજે, હોં વિઠ્ઠલ!'
એને ખાતરી હતી જ કે વિઠ્ઠલ હમણાં જ આવશે એટલે એણે રસોડામાં જઈને રોજ-બ-રોજની ધાંધલ શરૃ કરી. લાકડાંનો ખખડાટ, વાસણનો છણછણાટ અને પાણીનાં બુદબુદિયાં! ખીચડી તો હજી કોઈકની દુકાને હતી! એણે બગાસું ખાતાં, આળસ મરડતાં અને ગીતો ગાતાં ઢીલ કરવી શરૃ કરી.
ત્યાં તો મેડી ઉપર ગોખનું બારણું ખખડયું અને થોડીવારમાં તો બે લંગડા પગ દાદરની બાજુમાં લટકી રહ્યા. લખડીએ એ જોયું. અને એ પણ એણે જોયું કે જે પગમાં અત્યાર સુધી તાકાત નહોતી એ પગમાંથી હવે પ્રાણ પણ ચાલ્યા જવાની ઉતાવળ કરતા હતા.
ત્યાં તો એના કાને માની ઉધરસ સંભળાઈ : 'મૂઆં વંઠેલ, પેટ ભરીને ખાવાનું એક એમને જ મળે છે.' કહેતી કોઈકની સાથે ઝઘડતી એ પાણી પીવા રસોડામાં આવી. આવતાંવેંત જ એણે ખીચડીના હાંડલામાં ખાલી પાણી ઊકળતું જોયું, અને માથું ઓળવા બેસી ગયેલી લખડીની આંખો સિફતથી એની નજર ચૂકવી ગઈ.પણ એની મા બધી ધીરજ ગુમાવી, નફટ બની એની સામે કમર ઉપર હાથ ટેકવીને ઊભી રહી. ડોળા કાઢી બોલી : 'હં!'
લખડી એટલામાં જ બધું સમજી ગઈ.
એણે ઉત્તર આપ્યો : 'વિઠ્ઠલ લેવા ગયો છે - હમંણાં જ આવશે.'
એની માએ લખડીના વાળ ઓળતાં અટકી પડેલા કંપતા હાથ જોયા - હાથમાં બંગડી ન જોઈ ત્યારે એના કમર પરથી હાથ હેઠા ઊતર્યા, અને બહાર નીકળી પડતા ડોળા પાછા અંદર પેસી ગયા. પણ લખડીના બાપે મેડી પરથી પૂછ્યું : 'શું છે લખી - શું વાત છે?' ત્યારે એની માથી પરાણે જબાનનાં તીર છૂટી ગયાં :
'શું છે તે શું? - કપાળ મારું ! તમે તમારે જોયા કરો રાહ સાંજ સુધી!'
લખડીએ ચીપીચીપીને માથું ઓળ્યું. ઘસી ઘસીને મોં ધોયું, નાહી પણ લીધું. ધોયેલા કપડાંની ગડી કરી, ઘર આખાને ઝાડુ મારી સાફ કર્યું, બપોર ક્યારના વીતી ગયા. લખડીને બીક લાગી કે હવે ખરેખર સાંજ પડશે અને વિઠ્ઠલ તોય ન આવ્યો. 'વિઠ્ઠલ ક્યાં ગયો?' એણે મનમાં જ સવાલ પૂછ્યો. ઊંડે ઊંડેથી ઉત્તર મળ્યો : સિગારેટના ધુમાડાએ આકાશને છાઈ દીધું. પાનની પિચકારીના લાલ રંગભર્યા સંધ્યાના રુદન ગાતા મોઢામાંથી બદબૂ જગતનાં સુકુમાર ફૂલડાંને શરમાવી રહી.
લખડીના સદા હસતા મોઢા પરથી ખુમારીભરી સ્વસ્થતાથી હવા ઊડી ગઈ. એ રડવાની અણી પર હતી; પણ એનાથીય રડાય એમ નહોતું. એ આખી સવાર અને બપોર હાસ્યની વિયોગણ બની બેઠી હતી; પણ એનું આજે મિલન થાય એમ નહોતું. લખડીની તાકાત અને એની લાયકાત એના સ્વભાવની કસોટી પર ઘસાઈ રહ્યાં હતાં. આંસુનું એક ટીપું 'આવું, ન આવું'ની મૂંઝવણથી એની આંખને ખૂણે ખચકાઈને ઊભું રહ્યું હતું.
ત્યાં એના બાપે એને બોલાવી :
'ઉપર તો આવ, લખી?'
લખડી ફાંસીને માંચડે ચડતી હોય એમ ઉપર ચડી. એના બાપના લંગડા પગની પાસે બેસી ગઇ - ફસડાઈ પડી.
'શું છે બેટા?'
'વિઠ્ઠલ હજી નથી આવ્યો.' લખડીએ કહ્યું અને એના સ્વભાવની કસોટી પર એની તાકાત અને લાયકાતનું સોનું પિત્તળ નીવડયું. એની આંખો છૂટથી આંસુ વહાવી રહી.
થોડી વાર સુધી બેમાંથી કોઈ કંઈ બોલ્યું નહિ.
દૂર છબીઘરમાંથી અવાજો આવવા લાગ્યા. શંકર શેઠની મેડીનાં રેડિયોમાં મિલિટરી બૅન્ડ વાગવું શરૃ થયું. આકાશના અરીસામાં સંધ્યાની શણગાર સજવાની શરૃઆત થઈ ચૂકી હતી.
'લખડી, મારી સામે બેસ.' એના બાપે એને કહ્યું. એના નબળા અવાજે જરા જોર પકડયું : 'તો આજે તું ખીચડી ન જ કમાવી શકી?'
લખડી ફક્ત નીચું માથું કરીને બેસી રહી. બાપ બોલ્યો : 'કાલ એવી નહિ ઊગે એની કોને ખબર છે? અને આમે કેટલું મળે છે? આમ કેટલા દહાડા ચલાવ્યા કરશું?'
લખડી પોતે પોતાની જાતને એ જ પ્રશ્ન પુછી રહી. જગતમાં ઘેર ઘેર આજે એ જ પ્રશ્ન પુછાઈ રહ્યો હતો : 'આમ કેટલાક દહાડા ચલાવ્યા કરશું?'
નીચે કૂતરાઓ ભસવા લાગ્યા. દૂર સામેની ગલીમાં હોહા શરૃ થઈ. ક્યાંક કજિયો મંડાઈ ચૂક્યો હતો, લખડીએ ગોખમાંથી બહાર જોયું.
'લખી', એનો બાપ કહે, 'મારા સામું જો!' લખડીએ મોઢું ફેરવીને એની સામે જોયું. બુઢ્ઢાની ભરાતી, ખાલી થતી અને મટકું માર્યે જતી આંખોમાં હજી એણે એજ નિર્દય લાગણીહીનતા હતી. એની લખી સામે, એના ઓળેલા બાલ સામે જોયું.
બુઢ્ઢાનું મોઢું ખૂલી ગયું. એની આંખો થંભી ગઈ. એ આંખો હળવે રહીને નીચે ઊતરી - લખડીની હાંફતી છાતી પર ફરી પાછી થંભી ગઈ : 'લખી, તારે હજીય ખીચડી કમાવાની છે.' એ આંખો હદ ઉપરાંત ભરાઈ જતાં, એક ઝડપનું મટકું મારી ગઈ : 'તારા જેવીને ખીચડી કમાવી એ રમત વાત છે - વહુ જ સહેલું છે, સમજી? સમજે છે?'
(ક્રમશ:)
સર્જકનો પરિચય
જયંત ખત્રી
જન્મ : ૨૪ સપ્ટેમ્બર, ૧૯૦૯ (મુંદ્રા-કચ્છ)
નિધન : ૬ જૂન, ૧૯૬૮ (માંડવી))
ગુજરાતના અગ્રણી વાર્તાકાર જયંત ખત્રીનો જન્મ કચ્છના મુંદ્રામાં ૧૯૦૯માં થયો હતો. ભુજમાં પ્રાથમિક શિક્ષણ મેળવનારા જયંત ખત્રીએ મુંબઈની નેશનલ મેડિકલ કોલેજમાંથી ડિગ્રી મેળવીને ૧૯૩૫માં મુંબઈમાં તબીબી પ્રેક્ટિસ શરૃ કરી હતી. એ પછી તેઓ માંડવી સ્થાઈ થયા હતા અને લગભગ એ જ અરસામાં સાહિત્યસર્જનમાં સક્રિય થયા હતા.
ખૂબ ઝડપથી પ્રગતિશીલ વાર્તાકાર તરીકે તેમની ઓળખ પ્રસ્થાપિત થઈ હતી. તેમના વાર્તાસંગ્રહો - 'ફોરાં', 'વહેતાં ઝરણાં' અને 'ખરા બપોર' પ્રસિદ્ધ થયાં હતાં. તેમની વાર્તાઓ વાસ્તવદર્શી હોવાથી ગુજરાતના બહોળા વાચકવર્ગમાં તેઓ લોકપ્રિય થયા હતા.
'ખરા બપોર' માટે ૧૯૬૮-૬૯માં તેમનું ઉમા-સ્નેહ રશ્મિ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમની ઘટનાપ્રધાન વાર્તાઓમાં માનવમનના તાણા-વાણા બખૂબી રીતે વ્યક્ત થતાં હોવાથી આજેય વાચકોને તેમની વાર્તાઓ તરોતાજા લાગે છે.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar