ફિટનેસ - મુકુંદ મહેતા
પ્રોસ્ટેટ કેન્સર ના થાય માટે અગમચેતીના કયા પગલાં લેશો ?
છેલ્લા સંશોધનો મુજબ અપવાદ બાદ કરતાં મોટા ભાગના કેન્સર મટી શકે છે તેમજ કેન્સર થવા માટે ફક્ત વારસાગત કારણ જ જવાબદાર નથી. તમારી આજુબાજુનું વાતાવરણ અને તમારી જીવનચર્યા પણ એટલા જ જવાબદાર છે
૧. અગમચેતી એટલે સાવચેતી :
તમે પુરૃષ હો, ૨૫ વર્ષથી મોટી ઉમ્મર હોય, નોકરી કે ધંધાની શરૃઆત હોય અને કદાચ લગ્ન પણ થયા હોય, બાળકો પણ હોય બહોળા કુટુંબમાં રહેતા હો અને એક સાથે ઘણી જવાબદારી હોવાથી થોડો ઘણો માનસિક તનાવ પણ હોય આવા પ્રસંગે તમારે જેમ તમારા કામ કે ધંધામાં તમે થોડું ઘણું આયોજન (પ્લાનિગ) કરવું પડે છે. જેથી તમને કોઈ નુકશાન થાય નહીં તેમ તેમ તમારા શરીર જેનાથી આ બધી જવાબદારી નિભાવવાના છો તે અંગે એટલે કે તેને તંદુરસ્ત રાખવા માટે પણ તમારે થોડું પ્લાનિંગ કરવું જોઇએ.
મોટી ઉમ્મરે, હાર્ટ એટેક બ્રેઇન એટેક આવે, ડાયાબિટીસ થાય બ્લડ પ્રેશર થાય અને કેન્સર પણ થાય આટલી તો તમને ખબર છે તો આ બધા રોગો ના થાય માટે અગમચેતીના કયા પગલાં લેવા તે તમારે જાણવું જોઇએ એટલુંજ નહીં પણ તેનો સમયસર અમલ કરવો જોઇએ. જેથી તંદુરસ્ત રહીને આખી જિંદગી ગાળી શકો અને તમારા કુટુંબીજનોને મદદ કરી શકો. તમારે ધ્યાન રાખીને તમારા શરીરને આજીવન તંદુરસ્ત રાખવા તમારી ૨૫ વર્ષની ઉંમર થાય ત્યારથી શરૃ કરીને મોટી ઉંમર સુધી પ્લાનિગ કરવું જોઇએ.
શું કરશો
૧. ૩૦ થી ૪૦ મિનિટ તમને ગમતી કસરત નિયમિત કરો.
૨. ડોક્ટરની સલાહ લઇને લોહીની અને એક્ષ-રે ની તપાસ કરાવો
૩. તમને શોખ હોય તે બધું જ ખાઓ પણ પૌષ્ટિક ખોરાક ખાઓ.
૪. સિગારેટ અને દારૃ પીવાથી તમને બધા જ રોગ થઇ શકે અને કેન્સર તો સૌથી પહેલું થાય માટે તેનો વિચાર સુધ્ધાં ના કરશો.
૫. ૬થી ૮ કલાકની ઊંઘ શરીરને આરામ આપવા જરૃરી છે તે ભુલશો નહીં.
૬. વારસાગત રોગ હોય તો તેની નિયમિત સારવાર કરજો.
તમારા શરીરને રોગગ્રસ્ત કરનારી તકલીફો અનેક છે તે માટે પણ જાણવું જોઇએ તો આજે મોટે ભાગે ૪૦ વર્ષ પછી પુરુષોને થનારી જીવલેણ બીમારી પ્રોસ્ટેટ ગ્રંથિના કેન્સરની વાત કરીએ.
તમારા મનમાં ઘણા બધા વિચાર આવે છે.
૧. મને પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર થવાની શક્યતા કેટલા ટકા છે ?
૨. મેડિકલ શાસ્ત્રનું જ્ઞાાન ના હોય તો એવો સવાલ પણ થાય કે પ્રોસ્ટેટગ્રંથિ શરીરમાં ક્યાં આવી ?
૩. પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર કોને થાય ?
૪. કયા જોખમી પરિબળો (રિસ્ક ફેક્ટર્સ) છે જેને લીધે પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર થાય.
અમેરીકા જેવા સુધારેલા દેશની વાત જાણી લો :
અમેરિકન પુરુષોમાં અકાળે મરણ થવાના કારણોમાં હાર્ટએટેક પછી બીજો નંબર પ્રોસ્ટેટ ગ્રંથિના કેન્સરનો છે મોટી ઉંમરના દર છ અમેરિકન પુરુષોમાંથી એક ને તેની જિંદગીમાં પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર થવાની શક્યતા છે. તાત્કાલિક નિદાન અને અર્વાચીન ચિકીત્સાપદ્ધત્તિને કારણે પ્રોસ્ટેટ કેન્સરથી બચી જવાના ચાન્સ ૧૦૦ ટકા છે.
પ્રોસ્ટેટ ગ્રંથિ એટલે શું ?
નાની અખરોટની સાઇઝ અને શેપ વાળી પ્રોસ્ટેટ ગ્રંથિ સેક્સગ્લેન્ડ છે. જે મૂત્રાશયની નીચેના ભાગમાં અને ગુદાના આગળના ભાગમાં રહેલી છે અને તેમાંથી મૂત્રમાર્ગ (યુરેથ્રા) પસાર થાય છે. પ્રોસ્ટેટમાં ઉત્પન્ન થયેલા પ્રવાહીને વિર્ય (સિમેન) કહેવાય જેમાં શુક્રાણુઓ હોય છે.
પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર એટલે શું ?
પ્રોસ્ટેટગ્રંથિ નોર્મલ છે જ્યારે ચિત્રમાં તેનાથી નીચે બતાવેલી પ્રોસ્ટેટ ગ્રંથિ સાઇઝમાં મોટી છે અને તેમાં કેન્સર થયેલો ખરાબ ભાગ દેખાય છે.
પ્રોસ્ટેટગ્રંથિનું કેન્સર થવાના જોખમી પરિબળો (રિસ્ક ફેક્ટર્સ) :
૧. મોટેભાગે ૫૦ કે ૬૦ વર્ષે થાય. ૨. વારસાગત એટલે કે ફેમિલી હિસ્ટ્રી હોય. ૩. વજન વધારે હોય એટલે કે બી.એમ.આઈ. ૩૦ થી વધારે હોય. ૪. કસરત કે શ્રમનો અભાવ હોય. ૫. સિગારેટ તમાકુનો ઉપયોગ કરતાં હોય અને ૬. ખોરાકમાં ચરબીવાળા પદાર્થોનો વધારે ઉપયોગ કરતાં હોય.
પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો :
૧. શરૃઆત હોય ત્યારે લક્ષણો ના હોય. ૨. ઇન્દ્રિયમાં ટેસ્ટીક્લસમાં પેઢુમાં, બરડાના નીચેના ભાગમાં સતત દુ:ખાવો થાય. ૩. જાતિયશક્તિ પર અસર પડે. ૪. વારે વારે બાથરૃમ જવું પડે અને તે રોકી ના શકાય અને બાથરૃમ જતી વખતે ખૂબ દુખાવો થાય. ૫. પેશાબની ધાર ના થાય પણ ધીમે ધીમે આવે. ૬. કોઈ વખત પેશાબ રોકાઈ જાય. ૭. પેશાબમાં લોહી પડે.
પ્રોસ્ટેટ કેન્સર વધી ગયું હોય ત્યારે :
૧. ખૂબ અશક્તિ લાગે. ૨. પગ પર સતત સોજા રહે. ૩. બરડામાં કરોડમાં, પાસળીઓમાં અને હિપમાં સતત દુખાવો રહે. ૪. પ્રોસ્ટેટ ગ્રંથિ સખત થઇ જાય. ૫. બાજુમાં રહેલા લિમ્ફ ગ્લેંડ્સ વધે.
કઇ જાતની તપાસ કરાવવી જોઇએ જેથી પ્રોસ્ટેટ કેન્સરની ખબર પડે ?
૧. પી.આર. (૫૨ રેકટમ) તપાસ :
પ્રોસ્ટેટ ગ્રંથિના ખાસ ડોક્ટર જે યુરોલોજિસ્ટ કહેવાય તે પી.આર. (૫૨રેકટમ) તપાસ કરે એટલે કે તમારી ગુદામાં આંગળી નાખીને પ્રોસ્ટેટનું કદ મોટું છે કે નહીં અને સપાટી ખરબચડી ગાંઠ જેવી છે કે નહીં તે જુએ અને આ તપાસ કરતી વખતે તમને કેટલું દુખે છે તે પણ જાણી લે અને પછી નક્કી કરે કે તમને પ્રોસ્ટેટનું કેન્સર હોવાની શક્યતા છે કે નહીં.
૨. પી.એસ.એ. (પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન) તપાસ :
પ્રોસ્ટેટગ્રંથિમાં એક જાતનું પ્રવાહી પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન (પી.એસ.એ.) ઉત્પન્ન થાય છે જેનું પ્રમાણ લોહીમાં માપી શકાય. જો આ પ્રમાણ ૪.૦ એનજી/એમએલથી ઉપર હોય તો પ્રોસ્ટેટ કેન્સરની શક્યતા ગણાય. આ તપાસ પ્રોસ્ટેટ કેન્સરના નિદાન માટે ૧૦૦ ટકા પ્રમાણભૂત ગણાતી નથી.
૩. પ્રોસ્ટેટ બાયોપ્સી :
જો દર્દીને આગળ જણાવેલા લક્ષણો હોય, પી.એસ.એ. ટેસ્ટમાં રીડિંગ ૪થી વધારે આવ્યું હોય અને પી.આર તપાસમાં પણ ડોક્ટર ને પ્રોસ્ટેટ ગ્રંથિના કદ મોટું લાગે અને તેની સપાટી ખરબચડી લાગે તો 'પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર છે કે નહીં તે જાણવા માટે એક વધારાની છેલ્લી (ફાઈનલ) તપાસ 'પ્રોસ્ટેટ બાયોપ્સી' કરવામાં આવે છે જેમાં પાતળી સોય પ્રોસ્ટેટગ્રંથિમાં નાખી અને સિરિંજથી થોડું મટિરિયલ ખેંચી લઇને સ્ટાન્ડર્ડ પેથોલોજી લેબોરેટરીમાં તપાસ કરાવીને 'પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર છે કે નહીં તે નક્કી કરવામાં આવે છે.''
પ્રોસ્ટેટ કેન્સરની સારવાર :
૧. પ્રોસ્ટેટેક્ટોમી ઓપરેશન જેમાં ઓપરેશન કરીને અથવા લેસર સર્જરીથી કેન્સર થયેલી પ્રોસ્ટેટ ગ્રંથિ કાઢી નાખવામાં આવે છે.
૨. બીજા ઉપાયોમાં નિષ્ણાત ડોક્ટરની સલાહ લઇને ૧.કેમોથરેપિ ૨. રેડિયોથેરપી. ૩. ઇંમ્યુનોથેરપી વગેરે સારવાર કરાવવી જોઇએ.
પ્રોસ્ટેટ કેન્સર થતું અટકાવી શકાય ખરું ?
સમાજના મોટાભાગના લોકોનો એવો ખ્યાલ છે કે બધા જ કેન્સર વારસાગત હોય છે અને તે એક વાર થાય પછી મટે નહીં. આજના જમાનામાં આ ખ્યાલ હવે જૂનો થઇ ગયો. મેડિકલ ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ કરી છે. છેલ્લા સંશોધનો મુજબ અપવાદ બાદ કરતાં મોટા ભાગના કેન્સર મટી શકે છે તેમજ કેન્સર થવા માટે ફક્ત વારસાગત કારણ જ જવાબદાર નથી. તમારી આજુબાજુનું વાતાવરણ અને તમારી જીવનચર્યા પણ એટલા જ જવાબદાર છે. બાળક જન્મે ત્યારથી એના શરીરમાં કેન્સરના દોષ સુષુપ્ત અવસ્થામાં રહેલા હોય છે. જેમ જેમ બાળક મોટું થાય તેમ તેમ કેન્સરના કોષને શરીરમાં અનુકૂળ વાતાવરણ મળે તો જ તે વધે છે અને શરીરના ગમે તે અંગનું કેન્સર કરી શકે છે.
અનુકૂળ વાતાવરણ એટલે શરીરમાં હવા, પાણી અને ખોરાક મારફતે દાખલ થયેલા ઝેરી પદાર્થો (ફ્રી રેડિકલ) ખૂબ પ્રમાણમાં હોય, તમારા શરીરનું તમે પૂરું ધ્યાન ના આપ્યું હોય એટલે કે કસરત ના કરી હોય, વજન વધાર્યું હોય, ખોરાકમાં કુદરતી ખોરાક એટલે લીલા શાકભાજી અને તાજા ફળો, સૂકો મેવો, તેલીબિયાં વગેરે લેવાને બદલે શરીરને નુકશાન કરે તેવા ઝેરી પદાર્થો લીધા હોય અને રોગ પ્રતિકારક શક્તિ આ બધા કારણોને લીધે ઓછી થઇ ગઈ હોય, ફ્રી રેડિકલનો નાશ કરનારા એન્ટિઓક્ષીડંટનું પ્રમાણ ઓછું હોય ત્યારે કેન્સર થવાની શક્યતા ખૂબ વધે છે.
વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે પ્રોસ્ટેટ કેન્સર થાય જ નહીં તે માટે કોઈ ચોક્કસ ઉપાય નથી પણ નીચેના થોડા ઉપાયોથી તેને અટકાવવામાં મદદ મળશે.
૧. કુદરતી ખોરાક એટલે લીલા શાકભાજી અને તાજા ફળોમાં ખાસ કરીને લાલ રંગના ટામેટાંનો રસ, સૂપ કેચ અપ અને લાલ રંગના તરબૂચ, સ્ટ્રોબેરી, રાસબેરી, પ્લમમાં 'લાયકોપેન' નામનો પદાર્થ છે જે પાવરફૂલ એન્ટિઓક્સિડંટ છે અને કોઈ પણ પ્રકારના કેન્સર સામે રક્ષણ આપે છે.
૨. નોન વેજીટેરિયન માટે સારડીન, મેકેરેલ ટયુના માછલી શ્રેષ્ઠ ખોરાક છે કારણ તેમાં ઓમેગા ૩-ફેટી એસિડ છે જે કેન્સર સામે રક્ષણ આપે છે.
૩. આઈસોફ્લેવોન નામનો પદાર્થ જે લીલા ચણા, ટોફું (સોયાબીનનું પનીર), તુવેર, અને મગફળીમાં મળે છે તેનાથી પણ પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ મળે છે.
૪. રોજ ત્રણથી ચાર કપ ફિલ્ટર્ડ કોફી પીવાથી પણ પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ મળે છે.
૫. એનિમલ ફેટ એટલે દૂધની મલાઈ સાથે પ્રાણીઓના મીટની અને વાઈસેરલ ફેટ ખોરાકમાં વધારે પ્રમાણમાં લેવાથી કેન્સર થવાની શક્યતા વધે છે માટે પિનટબટર, ઓલિવઓઇલ સૂકો મેવો અળસીતલ અને વનસ્પતિના બી લેવાથી કેન્સર નહીં થાય.
૬. સિગારેટ પીવાનું તદ્દન બંધ કરો તેમજ પેસીવ સ્મોકીંગથી પણ દૂર રહો તો કેન્સર થવાની શક્યતાઓ તદ્દન ઓછી થઇ જશે.
૭. નિયમિત ગમતી કસરત ૩૦ થી ૪૦ મિનિટ કરો જેનાથી તમારા શરીરમાં પ્રાણવાયુ (ઓક્સીજન) વધારે પ્રમાણમાં જશે ઓક્સીજન પાવરફૂલ અને શ્રેષ્ઠ એન્ટિઓક્સિડંટ છે એટલે કેન્સરથી રક્ષણ મળશે.
૮. ચોખ્ખુ અને બીજા પ્રવાહી આખા દિવસમાં બે લિટર પીવું જોઇએ.
૯. વજન કાબૂમાં રાખો. તમારો બી.એમ.આઈ.૨૫થી વધારે ના હોવો જોઇએ.
૧૦. પૂરતી એટલે કે ૬ થી ૮ કલાકની ઉંઘ લેવી જરૃરી છે તે યાદ રાખશો.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar