Get The App

ઍનકાઉન્ટર- અશોક દવે

Updated: Nov 26th, 2017

GS TEAM

Google News
Google News

ઘણીવાર જે જોઈએ છે, તે મળતું નથી અને મળે છે તે જોઈતું હોતું નથી...

- રાહુલજીના ગુજરાત-પ્રવાસની વાત કરતા લાગો છો !
(જાનકી એમ.ચૌધરી, મહેસાણા)

રોડ ઉપર વધતા જતા અકસ્માતો માટે જવાબદાર કોણ ?

- વાહનો
(જયેશ અંતાણી, ભાવનગર)

આજના યુવાનો સોશિયલ- મીડિયામાં જ રચ્યાપચ્યા રહે છે.. તમે પણ ખરા ?

- સોશિયલ ખરો.. મીડિયામાં નહિ..!
(વ્યાપ્તિ પટણી, સુરત)

શું પૂછું, એ સમજમાં નથી આવતું ?

- કોંગ્રેસમાં જોડાઈ જાઓ.
(રમેશ સવાણી, સુરત)

દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે ?

- સાચી
(ધર્મેશ વેકરીયા, જૂની ચાવંડ)

કોંગ્રેસ આવે છે કે ભાજપ જાય છે ?

- ટ્રાફિક- પોલીસ (પ્રજા)ને ખબર !
(જ્યેશ સુથાર, કણજરી)

પાકિસ્તાન સામે ઍકશન ક્યારે ?

- બસ... અત્યારે તો એ આઈસીયૂ-માં છે.
(ભૌમિક, શાહ, વડોદરા)

અક્ષયકુમારની ફિલ્મ 'ટૉઇલેટ'માટે તમારો શું અભિપ્રાય છે ?

- અક્ષયકુમારની ( એ ફિલ્મની) પત્નીના અભિપ્રાય સાથે સહમત છું.
(મુહમ્મદ આમિન ખત્રી, સુરત)

રાહુલ ગાંધીનો વડાપ્રધાન બનવાનો યોગ ક્યારે ?

- ઇ.સ. ૨૦૧૯ સુધી રાહ તો જોવી પડશે ને !... એમને પણ !!
(મિત્રેશ શાહ, વડોદરા)

ઘરવાળીનું મોઢું બંધ કરવાનો કોઈ મંત્ર ?

- બાજુવાળી ઉપર વધુ ધ્યાન આપવા માંડો.
(દીપક ગોરખા, પેથાપુર)

જીએસટી માટે તમારો શું અભિપ્રાય છે ?

- આટલા વખત પછી તમે પહેલા નીકળ્યા મારો અભિપ્રાય માંગનારા !
સરકારમાંથી તો કોઈએ મને પૂછ્યું ય નહિ !
(સુજીત, ઝાલા, રામગઢ) અને (ડૉ.હેમંત રાઠવા, છોટાઉદેપુર)

સલમાન ખાનની ફિલ્મ 'ટયૂબલાઈટ'ને મળેલા મોળા રીસ્પૉન્સ માટે તમારે શું કહેવું છે ?

- એ ખૂબ સારો ઍક્ટર છે. સફળતા ક્યારેક ઝબૂક ઝબૂક તો થાય !
(કેયૂર માલવિયા, કલોલ)

સ્ત્રીઓ પતિને નામથી કેમ નથી બોલાવતી ?

- નામમાં શું બળ્યું છે ? તમે એમનું કામ જુઓ.
(કેનિલ સવાણી, ભરૃચ)

'ઍનકાઉન્ટર'માં અમારા સવાલ માટે ખૂબ રાહ જોવી પડે છે...!

- આટઆટલું કહેવા છતાં જે વાચકો નામ- સરનામું કે ફોન નંબર નથી લખતા, એમના સવાલો લેવાતા નથી.
(મધુરી વૈ.ઠક્કર, મુંબઈ)

બહાર નીકળેલી ટુથપૅસ્ટની પૅસ્ટને પાછી નાંખવાનો કોઈ ઉપાય ખરો ?

- દર્દીને મારેલું ઇન્જૅક્શન પાછું ખેંચવાનો કોઈ ઉપાય ખરો ?
(ડૉ. અશ્વિન કાકડીયા, સુરત)

તમે આ ભાર સ્વીકારો છો ખરા ?

- ભાન વગર !
(ધુ્રતિ દવે, ભાવનગર)

દેશનું મીડિયા મહિલા સ્પૉટર્સને નિગ્લૅક્ટ કેમ કરે છે ?

- હા, પણ બધી મહિલાઓને નિર્ગ્લક્ટ નથી કરતું... રાધે મા, હનીપ્રિત, શશીકલા, આરૃષિ...
(રોહિત યુ.બુચ, વડોદરા)

યોગી જેવું બધા કામ કરી બતાવે તો આપણી અસલ ભારતીય સંસ્કૃતિ પાછી આવે કે નહિ ?

- બધા રાજકારણીઓ આટલા હિંમતવાન નથી હોતા !
(વિનોદ ડી.પરમાર, અમદાવાદ)

જીવન આટલું અઘરું કેમ છે ?

- ઇન્કમટૅક્સ પૂરો ભરી દેવો સારો.
(દેવેન્દ્રસિંહ રાજ, વછનાડ)

પાણીની માટલી, દવાની બાટલી, તુટેલી ખાટલી ને છેલ્લી સંપત્તિ આટલી ?

- ઘણાની તો એ ય ફાટલી હોય છે !
(રોહિન્ટન બોધાનવાલા, મુંબઈ)

બીજાના સુખમાં લોકો નારાજ કેમ થાય છે ?

- હરિઓમ્ હરિઓમ્.. આ સવાલ અમારી 'ધર્મલોક'પૂર્તિમાં પૂછો.
(ધર્મેશ રૃપારેલીયા, ગીરગઢડા)

ભાર વિનાના ભણતર વિશે શું માનો છો ?

- હું જે માનતો હતો તે મારી સ્કૂલ-કૉલેજવાળા ય નહોતા માનતા.. પરિણામ જુઓ છો.
(મીરાં ગોહેલ, ભાવનગર)

તમે વડાપ્રધાન હો, તો આતંકવાદીઓ સામે શું પગલાં ભરો ?

- લલચાવો નહિ..!
(જયેશ બારડ, સુરત)

અમદાવાદનું નામ 'કર્ણાવતી'કેમ થતું નથી ?

- આળસ.
(ધવલ જે.સોની, ગોધરા)

મોદીસાહેબ ઇઝરાયેલ જઈ આવ્યા, પણ પાકિસ્તાન સામે ઇઝરાયેલવાળી ક્યારે કરશે?

-કોંગ્રેસવાળી પતે પછી.
(મૂકેશ કે. શાહ, અમદાવાદ)

રાજકોટનો આજી ડૅમ ભરી દેનાર નરેન્દ્ર મોદીનું નામ આ ડૅમને ક્યારે અપાશે

- નરેન્દ્ર મોદી છે... નરેન્દ્ર નેહરુ કે નરેન્દ્ર ગાંધી નથી.
(કૃતાર્થ વૈષ્ણવ, રાજકોટ)
 

Tags :