તમે 'ફેસબુક' પર છો?
-ના. ફક્ત ચેકબુક ઉપર છું.
(કોમલ ભટ્ટ, ગાંધીનગર)
કાશ્મીરના પથ્થરબાજોને નાથવા શું કરવું જોઈએ?
-કમનસીબે, સરકાર પાસે ય આનો તો કોઈ જવાબ નથી.
(કવિતા સંજય અંધારીયા, ભાવનગર)
૧૦૦-માંથી ૮૦-બેઈમાન, છતાં ભારત મહાન કેમ?
-૧૦૦-માંથી ૮૦ સારા માણસો છે, એટલે.
(ધાર્મિક ગોકાણી, પોરબંદર)
જીવનમાં કેટલાક લોકો કદી ય મળતા નથી, છતાં રોજ યાદ આવે છે...
-એટલે જ કહું છું, કોઈને ઉધાર આપવું નહિ.
(હિતેન મોદી, પ્રાંતિજ)
મારે લગ્ન કરવાં છે, કરાય કે ન કરાય?
-જસદણ આખું ખાલી થઈ ગયું લાગે છે.
(કોળી જયસુખ સરીયા, જસદણ)
ગુજરાત વ્યસનમુક્ત ક્યારે થશે?
-પહેલાં શૌચમુક્ત તો થવા દો... આઇ મીન, શૌચવાળું કામ તો પતવા દો.
(ચેતન ગોહેલ, બોટાદ)
'ઍનકાઉન્ટર'માં જવાબો આપવાનો કંટાળો નથી આવતો?
-એ કંટાળાના સારા પૈસા મળે છે.
(શ્વેતા કૃણાલ દેસાઈ, વલસાડ)
સાધુ રાજકારણમાં જોડાયા પછી સંત કહેવાય કે નેતા?
-ભારતના અનેક રાજકીય સાધુઓનો ઈતિહાસ ખરડાયેલો છે.
(રાજેન્દ્ર મનજી પઢારીયા, ડૉમ્બિવલી)
તલત મહેમુદ પછી મખમલી અવાજ કોઈનો આવ્યો?
-જરૃર શું છે?
(પુરંજય જોશીપુરા, અમદાવાદ)
તમારી 'બાયોપિક' બને તો કેવું લાગે?
-બને ય ખરી, હોં!
(રાકેશ પટેલ, સુરત)
આજકાલ સવાલોની સંખ્યા બહુ વધી ગઈ નથી લાગતી?
-બીજા શેની સંખ્યા વધારવી છે?
(હમ્ઝા મકવાણા, ભાવનગર)
ધરમની ગાયના દાંત ન જોવાય તો શું જોવાય?
-ધરમની 'હેમા'ને!
(શ્રીમતી કાજલ પુનિત ભટ્ટ, જૂનાગઢ)
ભગવાનની ભક્તિ કેવળ સ્વાર્થ અને ડરને કારણે જ થાય છે ને?
-ભક્તિ એ ભક્તિ છે... ચાહે કોઈ પણ કારણથી થતી હોય.
(દીપક એમ. પંડયા, નવસારી)
હું તો ગરમીમાં ચાદર ભીની કરી, ઉપર પંખો ચાલુ કરીને સૂઉં છું... તમે?
-કોઈનાં સૂતા પછીનાં રહસ્યો ન પુછાય!
(રહીમ મલકાણી, ભાવનગર)
મૅક્સિમમ કેટલા સવાલો પૂછી શકાય?
-મહિને એક જ સવાલ પૂછવો જોઈએ.
(કુંજન જોશી, અમદાવાદ)
હાલનો ટ્રાફિક જોઈને એમ થાય છે કે, ભલ્લાલદેવનો રથ લઈને રોડ ઉપર નીકળવું જોઈએ...
-યૂ મીન... નેતાઓની ગાડીઓ કરતાં ય એ રથ ચઢે?
(હાર્દિક ડબગર, મેહસાણા)
કાયમ સુખી રહેવા શું કરું?
-સુખની તો ખબર નથી, પણ કાયમ સંતોષી રહેવું હોય તો મા-બાપને પ્રેમ કરો.
(નીલેશ શાહ, મુંબઈ)
તમે દીવ કોઈ શરાબીઓ સાથે ગયા છો?
-મારી સાથે દીવ ઘણા આવે છે.
(યશ વ્યાસ, જૂનાગઢ)
સાસરે જતી પત્ની રડે છે કેમ?
-બારણામાં આંગળી ભરાઈ ગઈ હોય...
(ડેનિસ નાકરાણી, જૂનાગઢ)
તમે 'બુધવારની બપોરે' કોની મદદથી લખો છો?
-માના આશીર્વાદથી.
(ડૉ. મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ)
તમે વડાપ્રધાન બનો તો પહેલું કામ કયું કરો?
-અડધી બાંયના બે-ત્રણ હજાર ઝભ્ભા સિવડાવી લઉં.
(યોગેશ મસોત, મોરબી)
આપણા મુખ્યમંત્રી મ્યુનિસિપાલિટી ક્યાં દરોડા પાડે તો વિશ્વપ્રસિધ્ધ થઈ જાય?
-મુખ્યમંત્રી રહે છે, એ વિસ્તારના રસ્તાઓ ઉપર ખાડા-ટેકરા થઈ જાય, એવું કાંઈ શુભ શુભ બોલો!
(ચિરાગ સુએરા, મેઘરજ)
વટસાવિત્રીમાં પત્નીઓએ દોરા ક્યાં વીંટવા જોઈએ? વડને કે વરને?
-વો વાઈફ હી ક્યા... જો અપને ગોરધન કો બાંધ કે રખ ન સકે?
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા)
આ વખતે ડિમ્પલ કાપડિયાને બર્થ-ડે ગિફ્ટ શું આપી?
-અમારામાં કહેવાય નહિ!
(મનોજ પંચાલ, મુંબઇ) અને (સ્મિત આચાર્ય, અમદાવાદ)
કપિલ શર્માનો શૉ તમને કેવો લાગે છે?
-ખૂબ ગમે છે. બસ, પુરુષો સ્ત્રીનાં કપડાં પહેરીને આવે તે કઢંગું લાગે છે.
(અંકિતા કાનાણી, ધ્રોળ)
આપણો દેશ પ્રજાસત્તાક હોવા છતાં હજી વિકાસશીલ જ કેમ છે?
-આપણી આજુબાજુના બધા અવિકસિત દેશોને સંભાળવાના છે, માટે.
(ધૂ્રવિત ચાવડા, જૂનાગઢ)

