ધાડ - જયંત ખત્રી
'દોસ્ત પ્રાણજીવન, તું એક વાર મારે ગામડે આવ, આ ધરતીની લહેજત ત્યાં આવ્યા વિના મળતી નથી અને એ ધરતી વચ્ચે જ ત્યાંના માણસોનાં મન પારખી શકાય છે.'
હું નિ:સહાય- નિર્બળ, મારી લજ્જિત દ્રષ્ટિ પર પાંપણના અંધકાર ઢાળી નીચું જોઇ ગયો. 'નમતા બપોરે તૈયાર રહેજે.' કહેતો ઘેલો મારું ખોરડું છોડી ગયો.
હું ફરી પાછો બેકાર બન્યો.
ખભા પર કોથળો લઇ, કિનારે કિનારે ચાલતો હું બંદર છોડી રહ્યો હતો ત્યારે અઢી મહિનાની આ નોકરીની હૂંફ આપતી એક યાદ-એક પિછાન મનમાંથી ખસતી નહોતી.
હું પૉર્ટની લૉન્ચની ચોકી કરતો બંદરથી ત્રણ માઈલ દૂર એકલો જ બેઠો હતો. અંધારાં ઊતરી આવ્યાં હતાં, દરિયાનાં પાણીયે ઊતરી ગયાં હતાં. ઉત્તરનો પવન વાતો બંધ પડયો હતો. દરિયાની સપાટી ધીમું હાંફી રહી હતી. ત્યારે બધે જ નિષ્ક્રિયતા, શાંતિ અને કાળજાને કોરી ખાય એવી અવાક્ એકલતા. આ સ્તબ્ધ વાતાવરણમાં મને સહચર્ય મળવાની કોઇ શક્યતા નહોતી, ત્યારે ઘેલાનો ઓચિંતાનો ભેટો થઇ ગયો.
ઊંટ ચારવા એ બાજુના કાદવવાળા ચેરિયાના છોડવાથી છાયેલા કિનારા પર એ બે દિવસથી ઘૂમતો હતો.
ઊંચો, કદાવર, બિહામણો દેખાય એવો દેહ, સફેદ દાઢી, ઝીણી કટારીની ધાર જેવી તીક્ષ્ણ આંખો, સશક્ત રેખાઓ મંડિત ચહેરો, ચોક્કસ સાવચેત પગલે મારી પાસે આવ્યો ત્યારે એના આવ્યાની કળ જ ન પડી અને સામે ઉપસ્થિત થયો ત્યારે ડર લાગ્યો.
અને પછી વાતાવરણ પણ જ્યારે સાનુકૂળ રીતે મૂક હતું ત્યારે એણે વાતો કરવી શરૃ કરી - બહુ જ નિખાલસ મને. પણ એણે મને પોતાના પસીનાનો અડધો રોટલો ખવડાવ્યો ત્યારે મારું મન ભરાઇ આવ્યું. મારી આ નાનકડી જિંદગીમાં કોઇની બિરાદરીનો રોટલો ખાવાની મને બહુ ઓછી તક મળી છે અને આવા પ્રસંગની યાદને મેં બહુ જાળવણીથી સંઘરી રાખી છે.
ઘેલા પાસે જીવનનો એક જ ઉકેલ હતો :
'દોસ્ત પ્રાણજીવન, આ જીવતરનો ભેદ અને એની મુશ્કેલી ઉકેલવાનો માર્ગ એક જ છે, કે માથાભારે થવું. આપણાથી વધારે તાકાતવાન હોય એનાથી વધારે તાકાત બતાવવી અને એને નીચો નમાવવો - આવી વાતો તારી સમજમાં ઊતરે છે?'
આ વાત મારી સમજમાં ઊતરતી હતી પણ હું કબૂલ નહોતો થતો, તોય મોઢા પર હાસ્ય મઢી હું એની સામે જોઇ રહ્યો.
'જો,' ઘેલાએ ચેરિયાના ઝાડ તરફ આંગળી ચીંધતાં કહ્યું, 'આ ચેરિયાનું ઝાડ નર્યા કાદવ પર ખારાં પાણી વચ્ચે કેમ પોષણ પામ્યું, એ કેમ મોટું થતું હશે, ક્યાંથી ખોરાક મેળવતું હશે, અને કેમ જીવન ટકાવી રાખતું હશે એનો વિચાર આવ્યો છે તને કોઇ દહાડો?
આ છોડનાં મૂળિયાં પહેલાં કાદવમાં ઊંડે જાય છે, તેથી એ છોડ થડ પર મજબૂત બને છે, પણ કાદવમાં પોષણ ન મળતાં એ મૂળિયાં પાછાં બહાર નીકળી થડની આસપાસ પથરાઇ જઇ, પોતાના કાંટા મારફત હવામાંથી પોષણ મેળવે છે. સમજ્યો?
'હવામાંથી?'
'હા, હવામાંથી' ઘેલાએ કહ્યું. 'અને તોય આવી જહેમતથી મોટા થયેલા અને માણસાઇથી ટટ્ટાર ઊભેલા આ છોડને ઊંટ ખાઇ જાય છે, સૂકવી નાખે છે. આ તો ભેદ છે જીવનનો, દોસ્ત પ્રાણજીવન, કે દયા, મમતા, ધર્મ એ બધી ચોપડીમાંની વાતો છે. સાચોસાચ તો જે વધારે માથાભારે છે તે વધારે સારું જીવન જીવે છે.'
બસ, ત્યાર બાદ ઘેલો જ્યારે મળતો ત્યારે ચેરિયાની વાત આગળ લાવી, ઊલટાવીપલટાવી એની એ જ વાત કહેતો. કોઇક વાર એ રણની વાત કરતો. ત્યાં એવી વાંઝણી ધરતી હતી કે એની છાતીમાંથી કોઇ દહાડો ધાવણ આવતું જ નહિ. ધૂળ, વંટોળિયા, ટાઢ, તડકો, કાંટા, ઝાંખરાં અને નિ:સીમ મેદાનોની એ વાતો મને સાંભળવી ગમતી. કારણ મને ધરતી, કોઇ પણ ધરતી તરફ પ્યાર હતો.
'દોસ્ત પ્રાણજીવન, તું એક વાર મારે ગામડે આવ, આ ધરતીની લહેજત ત્યાં આવ્યા વિના મળતી નથી અને એ ધરતી વચ્ચે જ ત્યાંના માણસોનાં મન પારખી શકાય છે.'
બસ, ત્યાર પછી બીજે દિવસે ઘેલો મને રામ રામ કરીને જતો રહ્યો.
મેં ઘેલાને આવવાની હા કહી ત્યારે મને સ્વપ્ને ખ્યાલ નહોતો કે હું આટલો જલદી બેકાર બનીશ.
અને અત્યારે ખભે કોથળો નાખી, કિનારે કિનારે ચાલતાં ઘેલાની હૂંફભરી યાદ મારા બેકાર જીવનની સંપત્તિ બની ગઇ.
અને મેં ચાલ્યા કર્યું.
આખી પૃથ્વી જાણે મારું ઘર હોય, આભ ધરતીને ચૂમે છે એ ક્ષિતિજ મારા પર્યટનના સીમાડા હોય, રાત્રીની સાવચેતીભરી ચુપકીદીમાં ચાંદની રાતનાં વૃક્ષો નીચેનાં અંધારાં જાણે મારા કુટુંબની વહાલભરી હૂંફ હોય... એવી મારી બેકારી હતી!
મારે કોઇ સગુંવહાલું નહોતું, મિત્રો નહોતા, દુશ્મનો નહોતા. હું કોણ હતો? મારાં માબાપ કોણ હતાં એની આછી આછી બીજાઓએ આપેલી માહિતીની મને જાણ છે. મારી મા કેવી હતી, કેવી પ્રેમાળ હતી, કેવી પરગજુ હતી અને બાપનું તો હું માત્ર નામ જ જાણું છું. અને પછી કોઇ મને ઉછેરવા માગતું નહોતું; છતાં હું કેમ ઊછરીને મોટો થયો અને મોટો થતાં મને કેવી રીતે છૂટો મેલી દેવામાં આવ્યો એ કંટાળાજનક હકીકતોની પરંપરા છે. મને એમાં રસ નથી અને હવે તો કેટલીક હકીકતોયે ભુલાઇ જવાઇ છે.
હું એટલું જ જાણું છું કે આ સમગ્ર ધરતી મારી છે. આ સૃષ્ટિનો હું માલિક છું છતાં મારો હણાઇ ગયેલો, ધૂળભર્યો દેહ જોઇ લોકો કેમ મોઢું ફેરવી લેતા હશે એ સમજાતું નથી.
સમૃદ્ધ ખેતરોભર્યા વિસ્તારોમાં, ડુંગરાઓની ધારામાં, નદીઓના રેતાળ પટમાં, વાંસના ગંજાવર મેદાનમાં - હું જ્યાં જ્યાં ભટકતો હોઉં છું, મારું બેતાલ જીવન મારી પાછળ પાછળ ભટકતું હોય છે.
હું ધરતી ખૂંદતો ભટક્યા કરું છું - એ મારો શોખ છે. બેકારી મારો ધંધો છે.
હું ઘેલાના ગામ તરફ જઇ રહ્યો હતો, આ પર્યટન દરમ્યાન આ જાકારો દેતી ધરતી પર જીવન સમાધિસ્થ થઇ બેઠું હતું. દિવસે અને રાતે આકાશની એકધારી બદલાતી કંટાળાભરી ક્રિયા અને બેફામ દોટ મૂકતો પવન - એ જ ફક્ત જીવનનાં અહીં પ્રતીક હતાં. બાકી અહીંની ધરતીનું જીવન તો મૂરઝાઇ ગયું હતું.
દરિયાનો કિનારો છોડી, નાનું રણ વટાવી ઘેલાએ વર્ણવી હતી એ ડુંગરાની ધાર પાસે આવી પહોંચ્યો. અહીં પૂછપરછ કરતાં મને જાણવા મળ્યું કે ફક્ત ત્રણેક ગાઉ દૂર ઘેલાનું ગામ હતું.
મેં ચાલ્યા કર્યું.
વૈશાખના બપોર સૂકી ધરતીને તાવી રહ્યા હતા. રણનાં મેદાનો પરથી વાતો આવતો ઝંઝાવાતી પવન ધૂળના વંટોળિયાને ડુંગરાની ધાર પર ધકેલી રહ્યો હતો.
એ તરફથી ધરતીને છેડે મૃગજળનાં દ્રશ્યો માનવીને ક્રૂર અને નિર્દય આશ્વાસન આપી રહ્યાં હતાં. વંટોળિયાના પવનથી ધકેલાતી કોઇક કાંટાળા બાવળની સૂકી ડાખળી મારા પગ પર ઉઝરડા પાડી પસાર થઇ ગઇ. કોઇક હોલું મને જોઇ કિકિયારી પાડી ઊડી જતું મેં જોયું અને ખોરાકની શોધમાં નિષ્ફળ ગયેલી કોઇક ચકલી કાંટાળા છોડ પર બેઠી બેઠી પૂંછડી પટપટાવતી ચારે તરફ અસ્વસ્થ ડોક હલાવી રહેતી.
સુકાઇ ગયેલા તળાવને તળિયે ગંદું પાણી એકઠું થાય તેમ બે ઊંચી ટેકરીઓની તળેટી વચ્ચે એકઠું થઇ પડેલું ઘેલાનું ગામડું મેં જોયું.
અને આખરી શ્વાસ જેવો છુટકારાનો દમ મારા હોઠ વચ્ચેથી સરી પડયો. ધૂળનું વાદળ લઇ આવી એક પવનનું ઝાપટું મારા પર ધસી આવ્યું અને તરત જ પસાર થઇ ગયું, ત્યારે કૂતરા ટૂટિયું વાળીને પડયા હોય એમ વેરવિખેર આ ગામનાં ઝૂંપડાં પડેલાં મેં જોયાં.
ઘેલાનાં ખોરડાં, ઘરઆંગણા અને આજુબાજુની વાડ વ્યવસ્થિત, સુંદર, સુઘડ અને સ્વચ્છ હતાં.
મેં ઘેલાની ખબર પૂછી ત્યારે મારે એનું શું કામ હતું, હું ક્યાંથી આવું છું વગેરે પૂછપરછ બંધબારણે થઇ. પછી દરવાજો ખૂલ્યો.
ઝૂંપડાના ઉંબરે એક સ્ત્રી આવીને ઊભી. એ સ્ત્રીનાં દર્શનથી હું થોડીક ક્ષણો અવાક્ બની ગયો - એવંઊ એનું અકલંક સૌન્દર્ય હતું. સોનેરી વાંકડિયા વાળ, ભૂરાં નયનો, વહેતા ઝરણાની નજાકતથી ભર્યો ભર્યો સુગોળ, સપ્રમાણ દેહ એ તો બધું હતું જ, પણ એ ઉપરાંત સૌંદર્ય પર કોઇ એવો ઓપ હતો કે જે જોઇને મારું સતત વિચારતું મન એક ઘડી અપંગ બની ગયું.
એણે મને અતિથિના ઝૂંપડામાં ખાટ ઢાળી ગોદડાં પાથરી બેસાડયો, રોટલો અને છાશ ખવડાવ્યાં અને 'તમેતમારે નિરાંતે બેસજો' કહેતાં એ થોડું હસી, 'એ તો આવશે ત્યારે આવશે.'
અને એ જતી રહી.
અહીં એશ અને આરામ હતાં, સમૃદ્ધિનો વિસ્તાર હતો. દિવસે ફર્યા કરતા અને રાતે ઊંઘમાં પાસાં ઘસતાં અસંખ્ય ભૂખ્યાં માનવીઓ જેવો ભૂખ્યો ઘેલો નહોતો. ઘર, સ્ત્રી, ખોરાક અને સમૃદ્ધિ એને સહેલાઇથી સાંપડયાં દેખાતાં હતાં. મેં નિરાશા અનુભવી.
લાંબા સમય પછી પેટ ભરીને ખાવાનું મળ્યું હોવાથી અંગો પર સુસ્તી ફરી વળી. હું ઊંઘી ગયો. છેક બીજી સવારે ઘેલાએ મને ઢંઢોળીને ઉઠાડયો.
'દોસ્ત, પ્રાણજીવન!'
એ મને ભેટી પડયો.
હું ક્યારે નીકળ્યો હતો, રસ્તામાં શી શી મુશ્કેલી પડી, હું અહીં ક્યારે આવ્યો વગેરે પૂછપરછથી એણે મારી ખબર પૂછી.
મેં જોયું તો ઘેલાની આંખની ધાર એવી ને એવી જ તીક્ષ્ણ હતી. એનું હાસ્ય એવું જ મુક્ત હતું અને એની ચપળતામાં અંશ જેટલોયે ફરક દેખાતો નહોતો.
હું હસ્યો.
'ઘેલા, તું કેમ છો?'
ઘેલાએ ખાટલા પર પડી રહેલી પોતાની પિછોડી ખભે નાખી, 'તને ખબર છે, મેં તને એક વાર કહ્યું હતું કે અમે રણમાં રહેવાવાળાઓની જિંદગીનો ભેદ હું તને એક વાર બતાવીશ. આ સૂકી, વેરાન, જાકારો દેતી ધરતી પર અમે કેવી કાબેલિયતથી જીવીએ છીએ; અમારી તાકાત, અમારી બુદ્ધિ, અમારી માટી, ઢેફાં, રણ, ઝાંખરાં, ધૂળ અને વંટોળિયાવાળી ધરતીની ઘણી વાતો મેં તારી પાસે કરી છે. એ બધું તને કદાચ આજે જ બતાવીશ.' આટલું કહી ઘેલો જતો રહ્યો.
બપોરે ઉતાવળે જમીને એ જતો રહ્યો. મારી સામે જોયું સુધ્ધાં નહિ. એનું વર્તન વિચિત્ર અને ધૂની તો હતું જ, પણ અપમાનજનક પણ હતું અને અપમાન હું જલદી ગળે ઉતારી શકતો નથી તોયે મારી હાજરીની નોંધ લીધા વિના ઘેલો જતો રહ્યો. હું અપમાન અને તડકાથી સણસણતો મારા ખોરડામાં જતો રહ્યો.
મને ઊંઘ ન આવી.
ઘેલાની માલિકીનાં ચાર ઝૂંપડાં હતાં. એકમાં રસોડું, બીજામાં એની સ્ત્રી રહેતી, ત્રીજામાં ઘેલો રહેતો અને ચોથો મહેમાનોના ઉતારા તરીકે વપરાતો એવું મને લાગ્યું. ઝૂંપડાં ફરતું ચારે બાજુ બાવળનાં વૃક્ષોનું ઝુંડ હતું. બાજુના વાડામાં એક ગાય, એક ઊંટ અને બે બકરી પુરાયેલાં હતાં. વચ્ચે એક કૂવો હતો.
આખાય ગામમાં બીજે ક્યાંય જોવા ન મળે એવું ઘેલાનું આ નિવાસસ્થાન ચીવટ અને ચોક્સાઇભરી સ્વચ્છતાવાળું હતું.
ઝૂંપડીની છત પર ગોઠવાઇને વ્યવસ્થિત રીતે સુકાયેલું ઘાસ, બારીબારણાં ઉપર ખંતથી કરેલું મોટા આભલામંડિત માટીનું કોતરકામ, સુંદર લીપેલા કાળજીપૂર્વક સ્વચ્છ રાખેલા ઓટલા સ્વચ્છ અને સુઘડ જરૃર હતા, કળામય પણ હતા, પણ... પણ, એ બધાંમાં કોઇ એક વિકૃત જીવ હતો અને એ કશુંક બોલી રહ્યો હતો. હું કશું જ સમજતો ન હતો અને મૂંઝાઇ મરતો હતો.
ત્યાં અનેક વિચારોને વેરવિખેર કરી નાખે એવો ઝાંઝરનો અવાજ મેં સાંભળ્યો અને એ અવાજની સાથે સંકળાયેલું સૌંદર્યનું એક કલ્પન!!
મેં ડોકું ફેરવી પાછળ જોયું.
એ ઉંબરામાં ઊભી હતી અને અમારી નજર ટકરાઇ ત્યારે એણે ઓચિંતાનું પૂછી નાખ્યું : 'તમે જવાના છો એમની સાથે?'
'હા.'
'એમ?' મારી સામે વિસ્મિત નયનોથી જોતી, બેબાકળી, ઉતાવળે બે પગલાં પાછળ હઠી, પીઠ ફેરવી પોતાના ઝૂંપડામાં ગઇ ત્યારે મેં બૂમ પાડી : 'સાંભળો છો કે?'
એ હતી ત્યાં જ ઊભી રહી, મારી તરફ પીઠ ફેરવીને.
'તમારું નામ શું?'
'મોંઘી.' માથું ફેરવ્યા વગર ઉત્તરનો એક ટુકડો મારી તરફ ફેંકી એ ફરી ઝૂંપડા તરફ જઇ રહી અને મેં ફરી પૂછ્યું : 'પણ તમે વાત અધૂરી મૂકી જતાં કેમ રહો છો? હું ન જાઉં એની સાથે?'
એ કશો ઉત્તર આપ્યા વિના ઉતાવળે પગલે પોતાના ઓરડામાં જતી રહી.
આ ધૂળિયા વંટોળ વચ્ચે વલોવાતી ધરતી પર વસતા બધા જ લોકો આવા અસામાન્ય અને વિચિત્ર હશે કે માત્ર આ સ્ત્રી ને પુરુષ જ આવાં હતાં, એ હકીકતને એક મોટો પ્રશ્ન બનાવી મેં મારા હૃદયના એક ખૂણામાં ભંડારી દીધો.
'જો, આ મારું ઊંટ.' મોડી બપોરના હું અને ઘેલો ચા પીતા બેઠા હતા ત્યારે એણે મોંઘી જેને માલિશ કરી રહી હતી એ ઊંટ તરફ આંગળી ચીંધી.
આ ઊંટ પર આજે હું તને પચીસ ગાઉ ફેરવીને પાછો લઇ આવીશ. આ ઊંટ એક વાર બરાડે, પગ મૂકતાં ચાતરે, અને સવારીમાં કંઇ તકલીફ આપે તો ઘેલાના નામ પર થૂંકજે, દોસ્ત પ્રાણજીવન! તને ત્યારે ખબર પડશે કે ઊંટ કેવું જાતવાન પ્રાણી છે.'
'પણ આપણે જવું ક્યાં છે?'
'મારી સાથે જહન્નમમાં.' ઘેલાએ ખાટલાની ઇસ પર હાથ પછાડી મારી સામે તાકી રહેતાં પૂછ્યું : 'આવવું છે?'
હું ચૂપ રહ્યો.
'નથી આવવું?'
હું ફરી ચૂપ રહ્યો.
અને પછી અમારી વચ્ચે થોડીક ક્ષણોની બેચેન ચુપકી તોળાઇ ગઇ.
'નથી આવવું એમ?'
'પણ, પહેલાં મારે જાણવું છે કે આપણે ક્યાં અને શા માટે જઇએ છીએ.'
એણે પોતાનો જમણો મુઠ્ઠી વાળેલો હાથ ઊંચો કર્યો, મારા પર પ્રહાર કરવા માટે નહિ પણ પોતાના રોષને અભિવ્યક્ત કરવા માટે. ત્યારે એના હાથના સ્નાયુઓને મજબૂત રીતે તંગ થયેલા મેં જોયા.
એ અત્યાર પહેલાં ગુસ્સામાં ઊભો થઇ ગયો હતો. એ ફરી ખાટલા પર મારે પડખે ગોઠવાઇને બેઠો.
'જવું છે એક જોખમ ખેડવા. પણ હું જ્યારે જોખમથી લડું છું ત્યારે જોખમ હંમેશ હારે છે, સમજ્યો? બીજું કોઇ હોત તો કહેત કે આવવું હોય તો આવ સાથે, નહિ તો રોટલો ખાઇને ચાલતી પકડ. નામર્દો માટે આ અમારી સુકાઇ ગયેલા ધાવણવાળી ધરતી પર ક્યાંયે સ્થાન નથી!'
વૈશાખ મહિનામાં આ પ્રદેશમાં હંમેશ વાતા પવનનો એક ઝપાટો અમારા ઝૂંપડામાં બારી વાટે પેઠો. સામેના ઝૂંપડાની છત પરના ઘાસમાં એ જ ઝાપટાએ એક લાંબુ રૃદન કર્યું. ત્રીજા ઝૂંપડાની છત પરથી ચકલીઓનું એક ટોળું ચિચિયારી કરતું ઊડી ગયું અને પેલી સુંદર સ્ત્રીને પોતાના કીંમતી વસ્ત્રો લહેરાવતી દોડતી પોતાના ઝૂંપડામાં પેસી જતી મેં જોઇ.
થોડી ક્ષણો બાદ ફરી પાછી એ જ બેચેન ચુપકી, ચીવટભરી સ્વચ્છતાવાળુ, અંદરનું અંદર મલિન હોય એવો ભ્રમ પેદા કરતું એ જ વાતાવરણ.
ઘેલાએ મારે ખભે હાથ મૂક્યો અને આંખો થોડી ખોલી. એની નજરની તીક્ષ્ણ ધાર મને બતાવતા કહ્યું : 'પણ તું પ્રાણજીવન.. હું તને ઓળખું છું. તું નામર્દ નથી, તારે મારી સાથે આવવું પડશે કારણ કે મારે તારા સાથની જરૃર છે. હું તને લઇ જઇશ, જરૃર પડે તો બળજબરીથી.'
'તો થયું. હવે મને પૂછવાપણું કાંઇ રહેતું નથી.'
'ના, નથી રહેતું', ઘેલાએ ઊભાં થતાં ખભેથી ધક્કો દઇ મને ખાટલા પર પછાડયો. 'હું હંમેશ માનતો આવ્યો છું કે માણસજાત સમજાવટ કરતાં જુલમને સહેલાઇથી વશ થાય છે. ગુલામી એ ગમી જાય એવો નશો છે, પ્રાણજીવન!'
'હશે,' હું પડયો હતો ત્યાંથી એની સામેય જોયા વગર મેં નીરસતાથી જવાબ આપ્યો.
બરોબર એ જ વખતે મેં એક મોટા ઉંદરને ઝડપથી દાખલ થતો જોયો. ઘેલાએ મીંદડીની ઝડપથી તરાપ મારી પગ નીચે દાબી કચડી નાખ્યો. મૃત્યુની એક ચિચિયારી મોઢામાંથી કાઢવાનો એને સમય ન મળ્યો. સફેદ માટીની લીપેલી દીવાલ પર લોહીનો ફુવારો ઊડતો મેં જોયો. ખાટલાના પાયા પર લોહીના છાંટણા થયાં. મેં શરીર સંકોચી મને આવતાં કમકમાં અટકાવ્યાં. તોયે મારા શરીર પરની રુંવાટી ઊભી થઇ ગઇ હોવાનું મને ઊંડે ઊંડે ભાન થયું.
'એઇ!!' ઘેલાએ પેલી સ્ત્રીને સાદ દીધો.
એ દોડતી આવી ઉંબરા આગળ ઊભી રહી. પહેલાં મારી તરફ જોયું, થોડું જોઇ રહી, પછી ઘેલાં તરફ જોયું. ઘેલાએ કશું જ બોલ્યા વગર મરેલા ઉંદર તરફ આંગળી ચીંધી. પેલીએ ખૂણામાંથી સૂપડી ઉપાડી ઝાડુથી મરેલા ઉંદરને એમાં એકઠો કર્યો અને બહાર જતી રહી.
'મેં ધાર્યું હતું તેવો ગમાર નથી, પાજી છો.' ઘેલાએ કહ્યું.
'હું પાજી નથી.'
'અક્કલવંત છો ને? અને ઘણાખરા અક્કલવંત આ જમાનામાં પાજી નીવડે છે.'
પેલી સ્ત્રી ફરી ઝૂંપડામાં દાખલ થઇ. ભીંત પરના લોહીના ડાઘાઓ પર એણે સફેદ માટીનું પોતું ફેરવ્યંી અને બસ આટલું પોતાનું કામ આટોપી, ચહેરા પરના એના એ જ નિર્લેપ ભાવને ક્ષતિ પહોંચાડયા વિના એ ઝૂંપડા બહાર જતી રહી.
મને વિચાર આવ્યો કે આ ધરતી પર હિંસાનું કોઇ મહત્વ ન હતું. એક ઉંદર મરે, એક ઊંટ મરે, એક માનવી મરે, રણના અસીમ વિસ્તાર પર કોઇ પાણીની તરસથી તરફડીને મરી જાય તો ખુદ ઇશ્વર આ સ્થળે એની નોંધ લેતો નથી, મેં ઊંચું જોયું. ઘેલો મારી સામે બે પગ પહોળા કરી પિછોડીથી કમર કસી સફેદ દાઢીને બુકાનીમાં સંકેલી, મારી સામે એકીટશે જોઇ રહ્યો હતો.
અને હું નિ:સહાય- નિર્બળ, મારી લજ્જિત દ્રષ્ટિ પર પાંપણના અંધકાર ઢાળી નીચું જોઇ ગયો. 'નમતા બપોરે તૈયાર રહેજે.' કહેતો ઘેલો મારું ખોરડું છોડી ગયો.
(ક્રમશ:)
સર્જકનો પરિચય
જયંત ખત્રી
જન્મ : ૨૪ સપ્ટેમ્બર, ૧૯૦૯ (મુંદ્રા-કચ્છ)
નિધન : ૬ જૂન, ૧૯૬૮ (માંડવી))
ગુજરાતના અગ્રણી વાર્તાકાર જયંત ખત્રીનો જન્મ કચ્છના મુંદ્રામાં ૧૯૦૯માં થયો હતો. ભુજમાં પ્રાથમિક શિક્ષણ મેળવનારા જયંત ખત્રીએ મુંબઈની નેશનલ મેડિકલ કોલેજમાંથી ડિગ્રી મેળવીને ૧૯૩૫માં મુંબઈમાં તબીબી પ્રેક્ટિસ શરૃ કરી હતી. એ પછી તેઓ માંડવી સ્થાઈ થયા હતા અને લગભઘ એ જ સાહિત્યસર્જનમાં સક્રિય થયા હતા.
ખૂબ ઝડપથી પ્રગતિશીલ વાર્તાકાર તરીકે તેમની ઓળખ પ્રસ્થાપિત થઈ હતી. તેમના વાર્તાસંગ્રહો - 'ફોરાં', 'વહેતાં ઝરણાં' અને 'ખરા બપોર' પ્રસિદ્ધ થયાં હતાં. તેમની વાર્તાઓ વાસ્તવદર્શી હોવાથી ગુજરાતના બહોળા વાચકવર્ગમાં તેઓ લોકપ્રિય થયા હતા.
'ખરા બપોર' માટે ૧૯૬૮-૬૯માં તેમનું ઉમા-સ્નેહ રશ્મિ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમની ઘટનાપ્રધાન વાર્તાઓમાં માનવમનના તાણા-વાણા બખૂબી રીતે વ્યક્ત થતાં હોવાથી આજેય વાચકોને તેમની વાર્તાઓ તરોતાજા લાગે છે.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar