Get The App

બે માળાનું પંખી - વિનોદિની નીલકંઠ

Updated: Sep 17th, 2017

GS TEAM

Google News
Google News
બે માળાનું પંખી - વિનોદિની નીલકંઠ 1 - image

નરેશ-દિનેશના પિતા કલ્યાણભાઈ ગુજરી ગયા, ત્યારે વીલ લખીને મિલકતની વહેંચણી કરી ગયા હતા. છતાં તેમાંથી જ બન્ને ભાઈઓ વચ્ચે અણબનાવ થયો હતો. પિતાની બીજા હાથની આંગળી ઝાલી પંખી ઊતરતી હતી. પંખીનો પગ જરા લપસી પડયો. હાથમાં રમેશને તેડેલો હોવાથી, દિનેશથી પંખીને બચાવાઈ નહિ. બા જીવ્યાં ત્યાં સુધી, પોતાના બે પુત્રો વચ્ચે સાધારણ વાતચીતનો પણ સંબંધ ઊભો રહે એટલું કરવા તે બહુ મથ્યાં હતાં. ત્રણ માળનું સરસ મકાન હતું, તેમાં ત્રીજે માળે મોટો દીકરો દિનેશ રહેતો હતો. વચલે માળે નાનો નરેશ રહેતો હતો. ભોંયતળિયે બા પંડે રહેતાં હતાં. ત્રણે રસોડાં જુદાં. બાને તો કોઈ સાથે લડાઈ નહોતી, પણ બા નરેશને ઘેર જમે, તો દિનેશ ચડભડી ઊઠતો અને જો દિનેશને ઘેર જમે તો નરેશ રિસાઈ જતો. તેથી સમજુ થઈ બાએ ત્રીજું રસોડું માંડયું હતું.

નરેશ-દિનેશના પિતા કલ્યાણભાઈ ગુજરી ગયા, ત્યારે વીલ લખીને મિલકતની વહેંચણી કરી ગયા હતા. છતાં તેમાંથી જ બન્ને ભાઈઓ વચ્ચે અણબનાવ થયો હતો. બન્નેને લાગેલું કે પોતાને અન્યાય થયો છે, પિતાનું વીલ દીવા જેવું ચોખ્ખું હોવાથી કોર્ટમાં જવાથી કાંઈ વળે એમ નહોતું, તેથી બન્ને મનમાં જ સમસમીને બેસી રહ્યા. બે ચાર વખત તે બાબત સંબંધી ખૂબ બોલાચાલી થઈ ગઈ, મારામારી ઉપર મામલો જશે, એવું બાને લાગતાં તે વચમાં ઊભાં રહ્યાં. ખૂબ રડયાં. બસ ! તે દિવસથી સગી માજણ્યા ભાઈઓ એકબીજા સાથે બોલતા ન હતા. તે વાતને ત્રણ વર્ષ વીતી ગયાં હતાં.

આ અબોલા બાને બહુ સાલતા અને કદીક બહુ અકળાતાં ત્યારે બોલતાં : 'તમારા બાપુજીએ પેટે પાટા બાંધીને તમારે સારુ મિલકત એકઠી કરી, પણ તમે તેમનું કર્યું-કારવ્યું ધૂળભેગું કરવા બેઠા છો.'

પછી દિનેશને બાએ પરણાવ્યો. તે લગ્ન વખતે પણ બાએ ખોળા પાથર્યા, તોયે નરેશ લગ્નમાં ન આવ્યો, તે ન જ આવ્યો. દિનેશની વહુનું નામ હતું જયા. તે સ્વભાવે બહુ સાલસ અને ભલી હતી. લગ્ન પછી દોઢેક વર્ષે જયાએ એક પુત્રીને જન્મ આપ્યો.

આ છોકરીને પગ આવ્યા ન આવ્યા અને તે દાદરો સપસપ ચડ-ઊતર કરવા મંડી પડી. નીચલે માળે બા અને ત્રીજે માળે જયા. એટલે છોકરી તો ઉપર-નીચે ફર્યા જ કરે. છોકરીનું નામ હજી પાડયું નહોતું, પણ સૌ તેને પંખી કહીને બોલાવતાં. તે હતી પણ પંખી જેવી જ. અને પાછી સ્વભાવે પણ બહુ ટીખળી ને તોફાની હતી, રૃપેરંગે પણ સરસ હતી, શરીરે પણ ભરી શીંગ જેવી હોવાથી જોનારને તે ગમી જતી.

દિલ-દરિયાવનાં મોતી

પંખીને દિનેશે કહી મૂકેલું કે, 'વચલે માળે 'કાકા' નામનો એક રાક્ષસ રહે છે, ત્યાં કદી જવું નહિ, તે તરફ જોવું પણ નહિ.' નાનકડી પંખી 'કાકા' કે 'રાક્ષસ' એક્કે શબ્દનો અર્થ ક્યાંથી સમજે ? છતાં પણ વચલા માળ સાથે સંબંધ રાખવાનો નથી, એટલું તો એ નાનીશી બાલિકા પણ સમજી ગઈ હતી. એમ કરતાં પંખી જરા મોટી થઈ. તે હવે એક ભાઈની બહેન બની ચૂકી હતી. પોતાની મીઠી કાલી બોલીથી, તે વાચાળ છોકરીએ સૌનાં દિલ જીતી લેતી.

એક દિવસ તે દાદર ઉપર ચડતી હતી, ત્યાં તેના મગજમાં તોફાની કીડો સળવળી ઊઠયો. દાદરના કઠેરામાં સળિયા નાખેલા હતા. બે સળિયા વચ્ચે પંખીએ પોતાનું માથું ખોસી દીધું. ખોસતાં ખોસ્યું તો ખરું, પણ પછી કેમે કરતાં પાછું જ ન નીકળે. આ વખતે પંખી બરાબર વચલા માળ આગળ હતી. તે ઝટ રડી પડે એવી નહોતી. તેણે મદદ માટે કોઈને હાંક પણ ન પાડી. બે બચુકડા હાથ વડે કઠેરાના સળિયા પકડી, તેમાંથી પોતાનું ઝુલ્ફાદાર માથું કાઢી લેવા તે મથી રહી હતી.

તે વખતે બપોરે એક વાગ્યો હશે. પંખીની માતા જયા, ખાઈ-પરવાઈને દીકરા રમેશના ઘોડિયાની દોરી હાથમાં રાખી, જરા આડે પડખે થઈ હતી. દિનેશ તો નોકરીએ ગયેલો હતો. નીચે બા પણ બપોરની નીંદરમાં પડયાં હતા. તે જ ઘડીએ નરેશ ઘેર આવ્યો. તેને જરાક તાવ ભરાયા જેવું લાગવાથી તે પેઢી ઉપરથી રજા લઈ ઘેર આવ્યો હતો. દાદર ઉપર તેણે બે સળિયા વચ્ચે ભરાઈ પડેલી પંખીને જોઈ. છોકરીની કઢંગી હાલત દેખી, તેને હસવું આવ્યું. પળવાર ઠમકીને તે, ગમ્મત જોવા ઊભો રહ્યો.

માથું ખેંચવાના પ્રયત્નથી પંખીનું ગોરું મોઢું લાલચોળ થઈ ગયું હતું. રડું રડું થતી આંખોમાંથી સરી પડવાની તૈયારી કરતાં આંસુને ખાળવા તેણે હોઠ દબાવી રાખ્યા હતા. નરેશને જોઈ તે ખુશ થઈ ગઈ ને બોલી : 'કાકા, મારું માથું કાઢો ને !' નરેશે કાકા શબ્દનું મીઠું ઉચ્ચારણ પોતાને માટે વપરાતું પહેલી વાર જ સાંભળ્યું. દુશ્મન જેવા ભાઈની આ ટપુકડી ભત્રીજી ઉપર તેને ખૂબ જ વહાલ ઊપજ્યું. સળિયાની વચ્ચેથી પંખીનું માથું તેણે સિફતથી કાઢી દીધું.

તે દિવસ તો તે પરિચય ત્યાં જ થંભ્યો. પરંતુ તે પછી દાદર ચડતાં ઊતરતાં કાકો ભત્રીજી વારંવાર સામસામાં થઈ જતાં : 'કાકા તમારે ઘેર આવું ?' પંખી ઉપર નીચે નજર કરી દિનેશની ગેરહાજરીની ખાતરી કરી લીધા પછી પૂછતી અને નરેશ પંખીને પોતાના ઘરમાં લઈ જતો. એક દિવસ પંખી પૂછવા લાગી : 'કાકા, રાક્ષસ કેવો હોય ?' નરેશને આવડયું એવું વર્ણન કર્યું. તે ધ્યાનથી સાંભળ્યા પછી પંખી બોલી : 'તમે ક્યાં એવા છો ? તમે તો માણસ જ છોને કાકા ?' આ સાંભળી નરેશને ખૂબ જ હસવું આવ્યું. પછી ગંભીર બની જઈ તે બોલ્યો : 'તારા બાપુએ આવું શીખવ્યું છે ને ?'

વાળનાં ગૂંચળાં માથેથી ઉછાળી, ડોકું હુંકારમાં ધુણાવી પંખી બોલી : 'હં અં... પણ જયાબહેન કહે છે એવું ન બોલાય, નરેશકાકા તો તારા બાપુજીના ભાઈ થાય. હેં કાકા ! રમેશ મારો ભાઈ છે, તેવા તમે મારા બાપુજીના ભાઈ છો ?' નરેશ અને પંખીની દોસ્તી દિનપ્રતિદિન ગાઢ બનતી ગઈ અને તે વાત દિનેશથી પણ ક્યાં સુધી છાની રહે ?

તે પછી એક વખત બા બહુ માંદાં થઈ ગયાં. તેમણે નરેશને કહ્યું : 'બેટા નરેશ, હવે તું વહુ લઈ આવે તો હું નિરાંતે મરું.' નરેશે બાને રાજી કરવા અને પોતાની ઈચ્છાથી ભણેલીગણેલી અને ઠાવકી, એવી કંચન નામની યુવતી સાથે લગ્ન કર્યાં. તે લગ્નમાં દિનેશ ન ગયો. પણ જયાએ તો પોતાના પતિને કહ્યું : 'મારે તો નથી બીજા દિયેર, જેઠ તો છે જ નહિ, નણંદે એક્કે નથી. તો પછી મારે માટે સાસરાનું આ પહેલું કે છેલ્લું જ પગરણ છે ને ? અને પંખી તો કાકાના લગ્નને નામે કૂદી રહી છે.'

લગ્ન કરીને વરકન્યા ઘેર આવ્યાં, ત્યારે બાએ કહ્યું : 'બન્ને જણ મોટાભાઈને પગે લાગી આવજો.' નરેશ હસીને બોલ્યો : 'દિનેશના આશીર્વાદ વગર અમે સુખી નહિ થઈએ, ખરું બા ?' બા કશું ન બોલ્યાં. પણ રાત્રે દસ વાગે જયા આવીને કંચનને કહેવા લાગી : 'આ ભાઈભાઈની લડાઈમાં આપણે તો પડવું જ નહિ, તમે તો જેઠને પગે લાગશો ને ?' એટલે કંચન તો ઉપર જઈ દિનેશને પગે લાગી આવી. જયા અને કંચનને તો બહેનપણાં જામી જતાં વાર ન લાગી. બા કહેતાં : 'જુઓ તો ખરાં. આ પારકી જણીઓના જીવ હળી ગયા, પણ આ સગા સહોદર ભાઈઓ ઉત્તર અને દક્ષિણ ધુ્રવ જેવા અલગ રહે છે !'

નરેશનો સંસાર સારી રીતે ચાલતો નિહાળ્યા પછી બાએ દેહ છોડી દીધો, એક રાત્રે અચાનક તેમનું હૃદય બંધ પડી ગયું. બાકી બાના મનમાં હતું કે મરવાની છેલ્લી ઘડીએ બે ભાઈઓને ભેગા કરી, એકબીજાના હાથ પકડાવીશ. બાની મનની મનમાં જ રહી ગઈ.

પંખી તો હવે ખરું જોતાં દિનેશ અને જયાની મટી નરેશ અને કંચનની જ દીકરી બની ગઈ હતી. તે ખાતી કંચનને રસોડે, સૂતી નરેશની પાસે, નરેશ તેને બહુ લાડ લડાવતો, ત્યારે જયા કહેતી : 'નરેશભાઈ, દીકરીની જાતને ઝાઝાં લાડ ન કરો. નહિ તો સાસરીમાં તે દુ:ખી થશે.' (જયાને દિયેર સામે બોલવાની છૂટ હતી.) ત્યારે નરેશ જવાબ દેતો : 'ભાભી, મારે એને પરણાવવીજ ક્યાં છે ? એને તો દાક્તર બનાવવાની છે દાક્તર! ડૉ. મિસ પંખી !' લગ્નને બે વર્ષ થઈ ગયાં, પણ કંચનને ઘેર હજી ઘોડિયું બંધાયું નહોતું, પરંતુ જેઠાણીની આ છોકરી ઉપર પ્રેમ વરસાવી તે આશાભરી સુખભર દિવસો વિતાવતી હતી.

પંખીને એક ભાઈ તો હતો જ. તે છોકરો-રમેશ હજી બહુ નાનકડો હતો અને જયાને બીજી છોકરી આવી. ઉપરાઉપરી થયેલાં આ બે છોકરાં સાથે ત્રીજે માળે રહેવાનું જયાને બહુ વસમું પડવા લાગ્યું. 'છોકરાં દાદર ઉપરથી ગબડી પડયાં', એવાં સ્વપ્નાં તેને રોજ રાત્રે ઊંઘમાંથી ઝબકાવી દેતાં. જયાના દિલની વરાળ કાઢવાનું સ્થાન તેની દેરાણી કંચન, એટલે તેણે કંચન આગળ પોતાના મનની બીક જણાવી. સાવ સ્વાભાવિકતાથી કંચને કહ્યું : 'નીચે બાવાળું ઘર પડયું પડયું ખાવા ધાય છે, ત્યાં આખો દહાડો રહેતાં હો, ને રાત્રે ત્રીજે માળે સૂવા જતાં હો તો કેવું?'

જયા હસી પડી ને બોલી : 'ભોળાં દેરાણી! અમે ત્રીજા માળ અને ભોંયતળિયું બન્ને વાપરીએ, તો મારા દિયર એક ઘડી પણ સાંખી લે ખરા કે ?'

એવામાં એક દિવસ દિનેશ દાદર ઊતરતો હતો, હાથમાં પુત્ર રમેશને તેડેલો હતો. સાથેસાથે પિતાની બીજા હાથની આંગળી ઝાલી પંખી ઊતરતી હતી. પંખીનો પગ જરા લપસી પડયો. હાથમાં રમેશને તેડેલો હોવાથી, દિનેશથી પંખીને બચાવાઈ નહિ.

દડબડ દડબડ ગબડતી તે બીજા માળ સુધી આવી પહોંચી. 'કાકા', ઓ કાકા !' ની બૂમથી તેણે ઘર આખું ગજવી મૂકયું. નરેશ નહાવા બેઠેલો હતો, તે ટુવાલ વીંટાળી, ભીને શરીરે નાહવાની ઓરડીમાંથી ધસી આવ્યો. પંખીને ઉપાડી લીધી : 'બેટા, દીકરી, બાપુ, બહુ વાગી ગયું ખરું ?' પંખીને વાસે હાથ ફેરવતાં તે બોલતો હતો અને પછી દિનેશ તરફ જોયા વગર જ તે બોલ્યો : 'કોઈ લોકો કેવા થાથાં હોય છે !

છોકરી ગબડી પડે તો ઝાલી ન લેવાય ? છોકરો બહુ મોંઘો હોય તે ભલે, છોકરી કંઈ વધારાની તો નથી ને ?' પંખીને ઝાઝું વાગ્યું નહોતું છતાં કંચને પીપરમેન્ટની ગોળીઓ આપી, નરેશે કાગળની બનાવટનું વાઘનું મોઢું પહેરી, તેને ખૂબ હસાવી અને ઘડીકવારમાં તો પંખીના કલરવથી આખું ઘર ગાજી ઊઠયું. થોડીવાર રહીને જયા આવી એટલે નરેશે કહ્યું : 'ભાભી, તમે છોકરાંનો કાફલો લઈ, દિવસે તો નીચે જ વસવાટ રાખો. આમ રોજ ઊઠીને મારી પંખી ટિચાયા કરે તે ન ચાલે' જયાને બહુ હસવું આવ્યું અને તે બોલી : 'ખરી વાત.

તમારાં દીકરીબા કદાચ ગોબાઈ જાય તો ?' નરેશ જરીક તપીને બોલ્યો : 'ના ભાભી, આ હસવાની વાત નથી. કોઈ વાર ખૂબ વાગી જાય, તો જનમભરની ખોડ રહી જાય. પેલી નંદુબહેનની કમળા એમ જ પડી ગઈ અને વાસામાં કેવી ખૂંધ નીકળી છે ! ત્રીજે માળે તો ફક્ત રાત્રે જ ચઢવાનું રાખો.' દેરાણી-જેઠાણી એકબીજા સામું જોઈ સહેજ મોઢું મલકાવી ગયાં, તે નરેશે ન જોયું.

એક દિવસ દિનેશની ઓફિસના માણસોએ ઉજાણી ગોઠવી હતી. બન્યું એવું કે તે જ દિવસે પંખીની વર્ષગાંઠ હતી. દિનેશે ઘણા દિવસ પહેલાં જયાને કહી મૂકેલું કે ઓફિસની ઉજાણીમાં બધા પોતપોતાનાં છોકરાંને લાવવાના છે. પંખી તથા રમેશને હું પણ લઈ જઈશ. આ તરફ પંખીને આઈસ્ક્રીમ બહુ ભાવે છે એમ વિચારી નરેશે વર્ષગાંઠ ખાતે આઈસ્ક્રીમ પાર્ટીની યોજના ઘડી હતી. તે રોજ કહેતો, 'પંખી ! તારી વર્ષગાંઠને દહાડે તું ધરાઈને આઈસ્ક્રીમ ખાજે હોં.' ત્રણેક દિવસ પહેલાં જયાને ખ્યાલ આવ્યો કે આ બંને પ્રસંગો અથડાશે.

તેણે કહી જોયું, 'ઉજાણીમાં છોકરાંને શું ગમશે.' તમે એકલા જ જવાનું રાખો તો કેવું ? બનતા સુધી જયા અને કંચન પોતપોતાના પતિ સાથેની વાતચીતમાં સામસામા ભાઈઓનાં નામ ન દેવાય તેની કાળજી રાખતાં. દિનેશે જવાબ દીધો, 'વાહ કેમ નહિ ગમે ? ત્યાં તો પચ્ચીસેક છોકરાં ભેગાં થશે. સિનેમાની ફિલ્મ દેખાડવાની છે. પંખીને તો ખૂબ ગમ્મત પડશે.' જયાએ ખૂબ ડરતાં ડરતાં ખરી વાત રજૂ કરતાં કહ્યું, 'જાણે વાત એમ છે કે તે દિવસે પંખીની વર્ષગાંઠ...છે.'

'તો તો સરસ, પંખીની વર્ષગાંઠ છે તો હું ત્યાં સૌ છોકરાં માટે રબ્બરનો એકેક ફુગ્ગો લેતો જઈશ.' 'પણ...' જયાએ હિમ્મત એકઠી કરી બોલી નાખ્યું, 'નરેશભાઈએ આઈસ્ક્રીમ પાર્ટી રાખી છે.' એકદમ મોઢું ગંભીર કરી નાખી દિનેશ ધીમેથી પણ સ્પષ્ટ ઉચ્ચારણ કરતાં બોલ્યો, 'જો જયા 'પડોશી સાથે ઝઘડો ન કરવો એ વાત બરાબર, પણ તેની સાથે વધુ પડતી ઘરવટ પણ શા માટે રાખવી ? એ લોકોની આઈસ્ક્રીમ પાર્ટી એમને જ મુબારક? એમાં આપણે શું લાગે વળગે ?

પણ ખાસ પંખીની વર્ષગાંઠ ખાતે જ આ પાર્ટી છે. વળી પંખીને આઈસ્ક્રીમ બહુ ભાવે છે, તે જાણીને જ નરેશભાઈએ..' તે અણગમતું નામ સાંભળી મોઢામાં ક્વીનીન ગયું હોય તેવો ચેહેરો કરી દિનેશ વચ્ચેથી જયાનું વાક્ય કાપી નાખતાં બોલી ઊઠયો, 'જો જયા, બધી બાબતમાં તને જેમ ગમે તેમ તું કર, પણ એનું નામ મારી આગળ ન દેતી.

' વાત ત્યાં જ અટકી, પણ બપોરે જયાએ કંચનને ખબર આપી, 'આઈસ્ક્રીમ પાર્ટી અને એમની ઓફિસની ઉજાણી બંને એક જ દિવસે ગોઠવાયાં છે. શું કરીશું ?' કંચને કહ્યું, 'હું એમને વાત કરીશ' પણ કંચન ઢીલું જ બોલી હતી. દિનેશ સાથેના ઝઘડામાં પતિ આગળ તેનું કાંઈ જ ઊપજતું નહોતું, તે કંચન પોતે ક્યાં નહોતી જાણતી ?

તે દિવસે પતિ જમવા બેઠો ત્યારે ખુશામત ખાતર કંચને એક વધારાનું શાક પીરસ્યું હતું. પતિને પસંદ એવી લસણની ચટણી વાટીને મૂકી હતી અને જમતા પતિને માંખ ઉડાડતી તે બાજુમાં પાટલો નાખી બેઠી હતી. નરેશે હસીને પૂછ્યું, 'કેમ આજે શું માગવું છે ? નવી સાડી કે પછી સોનાનો અછોડો ?' ચોરી કરતાં પકડાઈ ગયા જેવી કંચન છોભીલી પડી ગઈ, પણ પછી બોલી, 'જાવ, વળી, આવું તે શું બોલો છો ? મારે તો કશુંયે માગવું નથી, પણ આ આઇસ્ક્રીમ પાર્ટી ને ઉજાણી એ એક દિવસે આવ્યાં છે, તેનું શું કરીશ ?'

'ઉજાણી કઈ વળી ?' નરેશે નવાઈ પામતાં પૂછ્યું. ડરને લઈને અચકાતી જીભે કંચન બોલી, 'દિનેશભાઈની ઓફિસના સ્ટાફની...' દિનેશનું નામ આવતાં જ નરેશે કોળિયો હેઠો મૂકી દીધો અને તે બોલી ઊઠયો, 'ખાતી વખતે કોઈ સારા માણસનું નામ તો દેતી જા કંચન ! વળી એની ઉજાણી સાથે મારે શી લેવાદેવા છે ?

'તમારે નહિ, પણ પંખીને તો ખરી જ ને ?' હવે વાતનો ફડચો આણવા કંચન કટિબદ્ધ થઈ અને બોલી, 'ઓફિસની ઉજાણીમાં વીસપચીસ છોકરા જવાનાં છે, ત્યાં ફિલ્મ દેખાડવાના છે અને પંખીની વર્ષગાંઠ ખાતે દરેક છોકરાંને રબ્બરનો ફુગ્ગો આ લોકો આપવા ધારે છે. બધી બાબતમાં ઠરેલ અને સમજુ એવો નરેશ, ભાઈ સાથેના સંબંધની વાતમાં છેક જ બાલિશ બની જતો. તે બોલ્યો, હું પણ શેરીનાં તમામ છોકરાંને બોલાવીશ. ફિલ્મ દેખાડીશ અને ફુગ્ગો તો ફટ લઈને ફૂટી જાય, હું તો સરસ રમકડાં અને સીંગ-સાકરિયા અને રેવડીનાં પડીકાં સૌ છોકરાને વહેંચીશ.'

'પણ એ લોકો પંખીને ઉજાણીમાં લઈ ગયા વગર નહિ રહે,' કંચને યાદ દેવડાવ્યું.

નરેશ ઊકળીને બોલ્યો, 'એટલે શું ? મારી પંખીની વર્ષગાંઠ હું ઊજવું છું અને જોઉ છું તો ખરો કે તેને કોણ ઉજાણીમાં લઈ જવા છીનવી જાય છે ?'

હવે શું કરવું, તે નક્કી કરવા દેરાણી-જેઠાણીની એક અતિ અગત્યની ખાનગી મીટિંગ મળી. ઘણી ચર્ચા બાદ નિર્ણય થઈ ગયો.

પંખીની વર્ષગાંઠ ચૈત્ર સુદ બીજને દિવસે હતી. પડવાને દિવસે કંચન સવારે પથારીમાંથી ઊઠી નહિ. 'ઓરે, ઓરે'ની બૂમો શરૃ કરી, પેટમાં દરદની ફરિયાદ પતિ આગળ નોંધાવી. નરેશ ગભરાયો. પાડોશમાં જ દાક્તર રહેતા હતા. તેમને તેડી લાગ્યો. દાક્તરે ગરમ પાણીની રબ્બર-થેલીની શેક કરવાની વાર્તા

ભાગ - ૩

સૂચના આપી, પીવાની દવા આપી. મગના પાણી સિવાય કાંઇ ન લેવાની અને પથારીમાં સૂઇ રહેવાની સૂચના કરી અને પાંચ રૃપિયા લઇ ચાલતા થયા. પત્નીનું દરદ જોઈ નરેશ હાંફળોફાંફળો બની ગયો હતો. નોકરી ઉપર પણ ન ગયો. પ્રેમાળ પતિને છેતરતાં કંચનનો જીવ કપાઈ જતો હતો.

પણ તે સિવાય છૂટકો જ ક્યાં હતો ? આખો દિવસ કંચને ઢોંગ માંડેલો જ રાખ્યો. સાંજ પડતાં નરેશ કહે, 'કાલની પાર્ટીનું કેમ કરીશું ?'કંચન બોલી, 'મારાથી કાલે તો કશી તૈયારી નહિ થાય. ખમણ ઢોકળાની દાળ તો આજે પલાળવી પડે, પેંડા વાળવા માવો પણ હજી આણ્યો નથી. બે દિવસની તૈયારી વગર પંખીનો જન્મદિવસ ન ઊજવાય, નરેશ કશું બોલ્યા વગર ખિન્ન વદને બેસી રહ્યો.

તેનો પડી ગયેલો ચહેરો જોઈ કંચન બોલી ઊઠી, 'પણ એમાં શું ? અંગ્રેજી તારીખ પ્રમાણે ચૌદમી તારીખે પંખીની વર્ષગાંઠ આવે છે. તેને હજી આઠેક દિવસની વાર છે. તે દિવસે તમે જ નહોતા કહેતા કે ખરી ગણતરી તો તારીખ પ્રમાણે જ ગણાય ? નિરાશાનું વાદળ પત્નીના શબ્દો સાંભળી નરેશના ચહેરા ઉપરથી હઠી ગયું અને વળતે દિવસે પંખીની વર્ષગાંઠ વિઘ્નરહિત રીતે ઊજવાઇ ગઇ. બીજે અઠવાડિયે ફરીથી નરેશે પણ વર્ષગાંઠ ઊજવી.

તે પછી એકાદ મહિને પંખી સવારે ઊઠી, ત્યારે દિલ ખૂબ તપેલું હતું. નરેશ દાક્તરને તેડી લાવ્યો. દાક્તર કહે, 'તાવ વધારે છે. સુવાડી રાખજો.' તે તાવ બે-પાંચ દિવસે પણ ન ઊતર્યો. આઠે દહાડે લોહી તપાસ્યા પછી દાક્તરે ટાઈફોઇડ વર્ત્યો. પંખીનો ખાટલો નરેશના ઘરમાં હતો. ત્યાં દિનેશને હવે નિત્ય ગયા વગર છૂટકો જ ન હતો. શરૃઆતમાં તો જ્યારે નરેશ બહાર ગયો હોય, ત્યારે દિનેશ ત્યાં જઈ બેસતો. પણ મોટા મંદવાડમાં એવું ક્યાં સુધી ચાલે ? 'જરા બરફ લેતો આવજે. મોસંબી પણ લાવવાની છે.' એવી વાતો કરવી જરૃરી રહેતી.

કંચન તથા જયા વારાફરતી બરફ ઘસવા બેસતાં. તાવ બહુ ઉગ્ર સ્વરૃપે હતો. બંને ઘરમાં રસોડાં ચલાવવાથી કંચન જયા બંનેનો વખત તેમાં જતો, તેથી તેમણે મસલત કરી, માત્ર એક જ-બાવાળું રસોડું ચાલું રાખ્યું. જે નવરું હોય તે રાંધતું અને જેને રુચિ થાય તે બે કોળિયા ખાઈ લેતું. બાકી સૌના જીવ અદ્ધર થઈ ગયા હતા. ત્રીજે અઠવાડિયે પંખીને પુષ્કળ ઝાડા થઈ ગયા અને ચોથે અઠવાડિયે તાવ ઊતરવાની જ્યાં આશા સેવીને ચારે જણ બેઠાં હતાં, ત્યાં પંખીને પડખામાં શૂળ ઊપડયું. દાક્તરે ન્યુમોનિયા વર્ત્યો.

ત્રણ દિવસ ભારે કટોકટીના હતા, વચલે દિવસે પંખી બેભાન બની ગયું. પગ ટાઢા પડી ગયા. કંચન અને જયા એકબીજાને વળગીને રોતાં હતાં. નરેશ બે ભાઈઓમાં વધુ પોચો હતો. તેનાથી ન રહેવાયું. દિનેશને ખભે માથું નાખી તે ખૂબ રડવા લાગ્યો. પોતાનાં આંસુઓની પરવા કર્યા વગર નરેશને શાંત પાડવા દિનેશ પ્રયત્ન કરતો હતો.

મધરાતે પંખીની નાડી છેક જ મંદ પડી જતી લાગી. તેના ખાટલાની આસપાસ અદ્ધર શ્વાસે ચારે માતા-પિતા બેઠાં હતાં. નરેશનો હાથ જોરથી ઝાલીને દિનેશ બેઠો હતો. ચારે જણ પોતપોતાની રીતે ભગવાનને સંભારી રહ્યાં હતાં.

પાછલી રાતે પંખીનો શ્વાસોચ્છ્શ્વાસ કાંઇક નિયમિત બનતો જતો જણાયો. પરંતુ જયા હળવે સાદે બોલી, 'ઓલવાતો દીવો લગીરવાર ઝબૂકી જાય, એવું તો ન હોય ?' નરેશ બોલ્યો, ત્યારે આંસુથી તેનો સાદ ઘેરો બની ગયો હતો, 'મારા પંખીને આપણા માળામાંથી ઉપાડી જવાની ખુદ ભગવાનની પણ હિંમત નહીં ચાલે.' દિનેશ બોલ્યો, 'પરમાત્મા આપણી ચારેની લાજ રાખશે.' કંચન જાણે સ્વગત બોલતી હતી, 'બા, બા. તમે ક્યાં છો ? અમારાં રાંકનું આટલું રતન જળવાઇ રહે, એટલી અમારી અરજી ઈશ્વરના દરબારમાં તમે પહોંચાડજો.'

તે પછી પાંચેક મિનિટે પંખીએ આંખો ખોલી, નરેશ તરફ નજર ઠેરવી, હોઠ ફફડાવી તે બોલી, 'કાકા !' 'ઓ બેટી, દીકરી મારી ! શું છે ?' નરેશ વાંકો વળીને હલકે અવાજે પૂછવા માંડયો, દિનેશે પંખીના હોઠ ઉપર બે ટીપાં પાણી મૂક્યું, ને તેણે ગળે ઉતારી દીધું. કંચન હજી પંખીની પાંગતે બેસી ભગવાનની નહિ પણ

સ્વર્ગે સંચરેલાં સાસુની જ પ્રાર્થના કર્યા કરતી હતી, 'ભગવાન મારું સાંભળે કે ન સાંભળે પણ મારે મન તો તમે જ હાજરાહજૂર છો.' જયાએ તેની પાસે જઈ તેના કાનમાં કહ્યું, 'પંખીને જરા કરાર વળતો જણાય છે.'

આખી રાતની પૂરેપૂરી ઊંઘ પછીનું પ્રભાત અમુક પ્રકારનું ભાસે છે અને રાત-ભરના ચિંતાજનક ઉજાગરા પછીનું પરોઢ વળી તદ્દન અવનવું જ લાગે છે. પરોઢનો ધીમો આછો પવન વાતો હતો. પ્રભાતની તાજગીભરી હવાથી પંખીનો ઓરડો ભરાઇ ગયો હતો. નવજીવનનો સંદેશો લઈને જાણે પૂર્વના આકાશમાંથી શુક્રતારિકા પોતાનાં તેજ-કિરણો પંખીની ઉપર પાથરી રહી હતી.

સવાર પડી ત્યારે મૃત્યુ સાથે દ્વંદ્વયુદ્ધમાં વિજય મેળવી પંખી ઘણે દિવસે જંપીને ઊંઘી ગઈ હતી. સવારે આઠ વાગે દાક્તર આવ્યા, ત્યારે જયા નીચે બાવાળા રસોડામાં ચાનું પાણી ગરમ કરતી હતી. કંચન બાના દેવઘરમાં બેઠેલી હતી. દરદીના ખંડમાં પંખી ઊંઘતી હતી. પાસેના ખાટલા ઉપર નરેશ જાગતો બેઠો હતો તેના ખોળામાં માથું મૂકી દિનેશ ઊંઘી ગયો હતો. દાક્તરે સબસલામતની જાહેરાત કરી.

હજુ બાનું રસોડું જ ચાલતું હતું. એક દિવસ નરેશ કહે, હવે આ જ ક્રમ ચાલવા દઈએ.' દિનેશ કહે : 'બરાબર છે. ઘણાં કુટુંબો લડીને છૂટાં પડે છે. આપણે છૂંટાં પડેલાં પાછાં અનોખાં બનીને રહીએ.' પણ પંખીએ એ સૂચના સામે વાંધો નોંધાવ્યો.

બે ઘર, બે રસોડાં, બે માતાઓ અને બે પિતાઓની સમૃદ્ધિનો ઠાઠ કમી કરવાની તેની મુદ્દલ-ઇચ્છા હતી નહિ અને કંચન અને જયાએ પણ તેમાં સૂર પુરાવતાં કહ્યું, 'હવે જે રીતે ભેગાં થયાં છીએ તે ક્યાંથી જુદાં પડી શકવાનાં છીએ ? પણ અમને બન્નેને પોતપોતાનાં શોખ અને કોડ પ્રમાણે અલગ-અલગ રસોડાં જ ચલાવવાની હોંશ છે. જે પ્રેમને તાંતણે બંધાયાં તે કાંઈ તૂટે એવાં નથી ? અને નિશાળની પ્રાર્થનામાં શીખવાયેલું ભજન પંખીએ ગાવા માંડયું 'સબસે ઊંચી પ્રેમસગાઈ'

લેખકનો પરિચય

વિનોદિની નીલકંઠ

જન્મ - ૦૯ ફેબુ્રઆરી, ૧૯૦૭ (અમદાવાદ)

મૃત્યુ - ૨૯ સપ્ટેમ્બર, ૧૯૮૭ (અમદાવાદ)

નિબંધકાર, નવલિકાકાર, નવલકથાકાર અને બાળસાહિત્યકાર વિનોદિની નીલકંઠને સાહિત્યનો વારસો સમર્થ સાહિત્યકાર અને સાક્ષર પિતા રમણલાલ નીલકંઠ અને માતા વિદ્યાગૌરી નીલકંઠ પાસેથી મળ્યો હતો. પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું હતું. ૧૯૩૦માં અમેરિકામાં જઈને તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. અમેરિકા જઈને એમ.એ. થનારાં તેઓ પ્રથમ ગુજરાતી યુવતી હતાં.

'ગુજરાત સમાચાર'માં વિનોદિની નીલકંઠની 'ઘરઘરની જ્યોત' કોલમ ખૂબ લોકપ્રિય થઈ હતી. 'કાર્પાસી અને બીજી વાર્તાઓ', 'દિલ દરિયાવનાં મોતી' અને 'અંગુલિનો સ્પર્શ' જેવાં તેમના વાર્તાસંગ્રહો ૧૯૫૧થી ૧૯૬૫ દરમિયાન પ્રસિદ્ધ થયા હતા અને વાંચકોનો આદર પામ્યાં હતાં.

'રસદ્વાર' 'ઘરઘરની જ્યોત', 'નિજાનંદ' અને 'કદલીવન' સહિતનાં તેમનાં સાહિત્યસર્જનો ગુજરાતી ભાષામાં નોંધપાત્ર ગણાય છે. 'શિશુરંજના', 'મેેંદીની મંજરી', 'બાળકોની દુનિયામાં ડોકિયું', 'સફરચંદ' સર્જનોથી તેમણે ગુજરાતના બાળસાહિત્યને પણ સમૃદ્ધ કર્યું છે.